ઉદય ભાગ ૨૪
ઉદય ભાગ ૨૪


ઉદય હજી અસમંજસમાં હતો કે આટલી મોટી ભૂલ કરવા છતાં તેના પર વિશ્વાસ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે. ભભૂતનાથે કહ્યું કે તમે નિશ્ચિન્ત રહો જે થયું તે તો થવાનું જ હતું. તમે ભૂતકાળમાં જઇ અસીમનાથનો સામનો કર્યો અને જીવતા પાછા ફર્યા તે પણ એક સિદ્ધિ છે બાકી અસીમનાથે વાર કર્યા પછી કોઈ જીવતું રહ્યું નથી. તમે એક વાત સમજી લો કે ભવિષ્ય હંમેશા અનિશ્ચિત હોય છે તમે વર્તમાનમાં જે કાર્યો કરો છો તે પ્રમાણે ભવિષ્યકાળ બદલાય છે. તમે કદાચ ઓજાર લાવવામાં સફળ થયા હોત તો અત્યારની પરિસ્થિતિ જુદી હોત પણ શક્ય છે કે તે વખતે એવું કંઈક થયું હોત કે તમને તેનો પસ્તાવો રહેત. શક્ય છે અસીમાનંદે રોનકના પરિવારને મારી નાખ્યો હોત અને તેમના મૃત્યુનો ભાર તમારા હૃદય પર હોત. એટલે વધારે વિચારવાનું છોડો અને અત્યારની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તેના પર વિચાર કરો. આપણી પાસે ચાર દિવસનો સમય છે પણ આ ચાર દિવસ એટલે ચોથા પરિમાણના ચાર દિવસ એટલે ત્રીજા પરિમાણના હિસાબે ચાર માસનો સમય છે. તમને જુદી જુદી વિદ્યાનો અભ્યાસ કરાવવામાં આવશે. તેમાં યુદ્ધ કળા અને વેશાંતરની કળાનો પણ સમાવેશ છે. તમને વેશાંતરની કળાનો અભ્યાસ તે ગુરુ કરાવશે જેમને અર્જુનને પણ વેશાંતરની કળા શીખવી હતી.
ઉદયે પૂછ્યું કે અર્જુનને તો આ બધું સ્વર્ગમાં શીખવા મળ્યું હતું અને તે ઇન્દ્રનો પુત્ર હતો. ભભૂતનાથે હસીને કહ્યું કે બાકીના પરિમાણોને ગુપ્ત રાખવાનો શ્રેષ્ઠ રસ્તો બીજો શું હોય ? સ્વર્ગ અને નર્કની કલ્પના ત્રીજા પરિમાણમાં ફેલાવી દો એટલે બાકી પરિમાણો ગુપ્ત રહે. ઉદયે પૂછ્યું કે મારા મનમાં ઘણા પ્રશ્નો છે તમે સાતેય પરિમાણો વિષે મને વિસ્તારથી કહો તો મનનો સંશય દૂર થાય.
ભભૂતનાથે વિસ્તારથી જણાવ્યું આ જગત ખુબ વિશાળ છે તેમાં ઘણી બધી આકાશગંગાઓ છે અને ઘણા બધા તારાઓ અને ગ્રહો છે, તેમાંથી એક આપણી પૃથ્વી છે, જે સાત પરિમાણની બનેલી છે. પૂર્ણ સૃષ્ટિની રચના કોણે કરી તે તો અમને ખબર નથી પણ પૃથ્વી પર એક દિવ્યશક્તિ છે જેણે મહાશક્તિઓની રચના કરી છે. દિવ્યશક્તિ સાતમા પરિમાણમાં રહે છે અને મહાશક્તિઓ છઠા પરિમાણમાં રહે છે આ રચના મહાશક્તિઓની છે. ત્રીજા, ચોથા અને પાંચમા પરિમાણમાં જે કોઈ રચના છે તે મહાશક્તિઓની છે. જયારે મહાશક્તિઓનો સમય પૂરો થાય છે ત્યારે દિવ્યશક્તિ મહાશક્તિઓનો નાશ કરે છે અને બીજી મહાશક્તિઓની રચના કરે છે અને દિવ્યશક્તિનો સમય પૂરો થાય છે ત્યારે તેનું પણ રૂપ બદલાય છે એટલે કે અહીં બધું નાશવંત છે. મહાશક્તિઓએ દિવ્યપુરૂષો અથવા કહો કે દિવ્યજીવોની રચના ધરતી પર શક્તિનું સંતુલન સાધવા કરી છે. અત્યારે ત્રીજા પરિમાણમાં મનુષ્યોનું રાજ છે તેથી મહાશક્તિએ દિવ્યપુરુષોની રચના કરી છે અને સહસ્ત્રાબ્દિઓ પહેલા મહાકાય જીવોનું રાજ હતું ત્યારે દિવ્યજીવોની રચના કરી હતી. ચોથું પરિમાણ ફક્ત સંતુલન સાધવા માટે છે. ત્રીજા પરિમાણમાં જે જીવો પોતાના કર્મથી ઉન્નત થાય તેમને ચોથા પરિમાણમાં પ્રવેશ મળે છે અને તેમને ઊંચી તાલીમ આપવામાં આવે છે.
ઉદય આ બધા રહસ્યોદ્ઘાટનથી અચંબિત હતો. તેને પૂછ્યું કે તો પછી ત્રીજા પરિમાણમાં ધર્મ, ભગવાન, દેશ આ બધું કેમ છે. કેટલા જુદા જુદા ધર્મો છે અને દરેક ધર્મના ભગવાન જુદા જુદા. ભભૂતનાથે કહ્યું તે બધી માયા છે જે ત્રીજા પરિમાણમાં રહેનાર મનુષ્યોએ રચના કરી છે. બધી રચના ફક્ત સ્વાર્થ માટે જ થઇ છે તેવું પણ નથી. ધર્મ અને ભગવાનની રચના ફક્ત સહુલિયત માટે છે, દેશની રચના પણ તેના માટે જ છે પણ અમુક શક્તિ-ભૂખ્યા લોકોએ તેનો દુરુપયોગ કર્યો છે. ધર્મ એ તો જીવન જીવવાની કળા છે તે એક આચારસંહિતા છે, કે કેવી રીતે જીવવું, કેવા કર્મો કરવા તેનું માર્ગદર્શન છે પણ તમને ખબર છે કે મહાશક્તિઓમાં અમુક શક્તિઓ કાળી પણ છે જે ત્રીજા પરિમા માં પાપ ને ફેલાવે છે અને અનૈતિક કાર્યો કરાવે છે અને તેનું સંતુલન કરવા માટે જ આપણી રચના થઈ છે.
હવે તો મનમાં કોઈ સંશય નથી ને ? ભભૂતનાથે પૂછ્યું.
ઉદયે કહ્યું હજી એક સંશય મનમાં છે, આપણા બધાના નામમાં નાથ એ શું છે ?ભભૂતનાથે કહ્યું કે નાથ શબ્દ ફક્ત આપણે એક છીએ તે દર્શાવવા માટે છે, બાકી કઈ નહિ. તમે પોતાને ફક્ત ઉદય નામથી ઓળખાવવા માંગો તો પણ કોઈ વિરોધ નહિ કરે, બાકી નામનો ભાર માથે ન રાખશો. બીજું કઈ ?
ઉદયે કહ્યું ના હાલ પૂરતા તો બધા સંશય મટી ગયા છે. ઉદયે વિચાર્યું કે તેનું જ્ઞાન કેટલું અધૂરું છે, આ જગતમાં જાણવા જેવું ઘણું છે જે તે નથી જાણતો. હવે તેની જ્ઞાનપિપાસા વધી ગયી હતી. તે કુટિરમાંથી નીકળ્યો અને સર્વેશ્વરનાથને મળ્યો. ઉદયની તાલીમનો બધો ભાર સર્વેશ્વરનાથના માથે હતો. સર્વેશ્વરનાથે કહ્યું તમે હાલ થોડો આરામ કરો પછી તાલિમ શરુ કરીયે.
પણ આ ઉદય તે ઉદય નહોતો જેને આરામની જરૂર હતી. ઉદયે કહ્યું ના હવે જ્યાં સુધી ઓજારનો નાશ ન થાય ત્યાં સુધી કોઈ આરામ નહિ. અને સર્વેશ્વરનાથ તેને એક કુટિર તરફ દોરી ગયા.