ઉદય ભાગ ૨૩
ઉદય ભાગ ૨૩


આ બાજુ અસીમાનંદે ઉદયને પુરી તાકાતથી સમુદ્ર તરફ ઉછાળ્યો હતો ખુબ દૂર સુધી તે હવામાં ગયો. ઉદયે આંખો મીંચી દીધી હતી, તેને પોતાનો અંત નિશ્ચિત લાગતો હતો પણ જે વખતે સમુદ્ર માં પડવાનો હતો તે વખતે તે પડવાને બદલે હવામાં લટકી રહ્યો. ઉદયે આંખો ખોલીને જોયું તો એક સોનેરી રેખા તેના શરીર ફરતે વીંટળાયેલી હતી અને તે સમુદ્રમાં પડવાને બદલે કિનારા તરફ ખેંચાવા લાગ્યો. રસ્તામાં થોડા જળચરોએ હવામાં કૂદી તેને પકડવાની કોશિશ કરી પણ તેઓ તેના સુધી પહોંચી શક્યા નહિ. તે કિનારા પર પછડાયો ત્યાં સુધીમાં બેહોશ થઈ ગયો હતો. તે જોઈ શક્યો નહિ કે તેને બચાવનાર કોણ છે. એક વ્યક્તિ એ તેને ખભા ઉપર ઉપાડ્યો અને તે ચાલવા લાગી અને તેને એક ગાડીમાં નાખ્યો અને ગાડી રવાના થઈ. બીજે દિવસે તેઓ કટંકનાથના આશ્રમમાં પહોંચી ગયા. ઉદય હજી સુધી હોશમાં આવ્યો ન હતો.
ઉદય જયારે હોશમાં આવ્યો ત્યારે કંટકનાથ અને એક વ્યક્તિ તેની બાજુમા બેઠી હતી તે બીજું કોઈ નહિ પણ કીયંડુનાથ હતો. ઉદય ઉઠ્યો અને પૂછ્યું મને તમે બચાવ્યો? તમારી આટલી સઘન તાલીમ છતાં હું અસીમાનંદ સામે ખરાબ રીતે પરાજિત થયો મને તેની શરમ આવે છે. કદાચ હું તે નથી જેની તમને જરૂરત છે. હું તો ખુબ કમજોર વ્યક્તિ છું. કંટકનાથે ઉદયના ખભે હાથ મૂકીને કહ્યું કે તમે વ્યર્થનો પછતાવો કરી રહ્યા છો. અસીમનાથ જયારે પાણીમાં હોય ત્યારે કોઈની તાકાત નથી કે તેને કોઈ હરાવી શકે. અને તમારી તાકાત હજી સીમિત છે જયારે અસીમાનંદ તો અસીમિત તાકાતના માલિક છે. જે થયું તે કર્મ અને નિયતિના આધારે થયું છે તમે ખેદ ન કરો. તેવો સમય પણ આવશે જયારે તમે તેને હરાવી શકશો અને આ ફક્ત મારુ
જ નહિ બાબા ભભૂતનાથનું પણ માનવું છે પણ તમારે મહેનત કરવાની જરૂર છે. રોજનો યોગાભ્યાસ અને કસરત તમને સફળતા તરફ દોરી જશે. બાકી ભાવનાવશ લીધેલા નિર્ણયો ભાગ્યેજ સાચા પડે છે. પ્રેમની તાકાતને હું પણ માનું છું પણ તે તમને દુઃસાહસ કરવા પ્રેરે છે જે તમે હમણાં કર્યું. તમે હારી પણ ગયા અને ઓજાર પણ ન મેળવી શક્યા.
બાબા ભભૂતનાથે તમને ભવિષ્ય તરફ પાછા બોલાવ્યા છે તો તમે કીયંડુનાથ સાથે પાછા જાઓ અને ત્યાં અસીમાનંદનો સામનો કરો.
ઉદય અને કીયંડુનાથ ભૂતકાળમાંથી પોતાના વર્તમાનની સફરે નીકળી ગયા.
કીયંડુનાથ તેને પહેલા ચાર દિવસ ભૂતકાળમાં લઇ ગયો જ્યાં ચોથા પરિમાણનું દ્વાર ખુલ્લું હતું. ત્યાંથી ચોથા પરિમાણમાં પ્રવેશ્યા પછી તે ભવિષ્યમાં એટલે કે પોતાના વર્તમાનની સફરે ઉપાડી ગયા. પોતાના વર્તમાનમાં પહોંચ્યા ત્યારે સૂર્ય માથે આવી ગયો હતો. ભભૂતનાથ ને મળવા ગયા ત્યારે તે સમાધિમાં હતા ઉદયે થોડીવાર રાહ જોવાનું નક્કી કર્યું. થોડીવાર પછી ભભૂતનાથ સમાધિમાંથી બહાર આવ્યા અને ઉદયને મળ્યા.
ઉદયને કહ્યું કે દાદ આપવી જોઈએ તમારી હિમ્મતની. દરેક કર્મનું ફળ હંમેશા મિશ્રિત હોય છે. કોઈ કર્મ કરવાથી ક્યાંક તમને ફાયદો થાય તેમ ક્યાંક નુકસાન પણ થાય. ત્રીજા પરિમાણમાં કરેલ કર્મનું નુકસાન તે થયું કે ઓજાર આપણા હાથમાં ન આવતા અસીમાનંદના હાથમાં પહોંચી ગયું પણ તેની સારી બાજુ એ છે કે રોનક અને તેના પરિવારનો જીવ બચી ગયો.
કોઈ વાંધો નથી ઓજારનો ઉપયોગ તે તરત નથી કરવાનો. આપણી પાસે ત્રણ દિવસનો સમય છે. હું કહું તેમ કરો તો ઓજાર નકામું બની જશે.