ઉદય ભાગ ૧૯
ઉદય ભાગ ૧૯
દસ મિનિટ લાગી ઉદયને ભાનમાં આવતા. આજ સુધી તે વિચારતો હતો કે તેની પત્ની એ તેને લીધે આત્મહત્યા કરી છે. હવે તેના ક્રોધનો પારો ચડવા લાગ્યો હતો. તેણે ક્રોધમાં એક મોટો પથ્થર ઉપાડ્યો અને રોનકને મારવા જતો હતો ત્યાં બે હાથે તેને પાછો ખેંચ્યો. હાથ કમજોર હતા પણ તે હાથોની કોમળતા એ તેને રોકાવા મજબુર કર્યો. તેને પાછળ વળીને જોયું તો દેવાંશી ઉભી હતી. હજી એક પડછાયો દૂરથી આ દૃશ્ય જોઈ રહ્યો હતો.
જયારે તે રોનકને મારવા જતો હતો ત્યારે તે પડછાયો આગળ વધ્યો પણ જેવી દેવાંશી દ્રશ્યમાં આવી તે પડછાયો તેની જગ્યા પર ઉભો રહ્યો અને આગળ શું થાય છે તે જોવા લાગ્યો. દેવાંશી એ કહ્યું કે આ શું કરી રહ્યા છો પલ્લવ ? પલ્લવે કહ્યું તે જોયું નહિ રોનકે શું કહ્યું ? દેવાંશી એ કહ્યું મેં બધું જોયું અને સાંભળ્યું પણ હત્યા એ આ સમસ્યાનો ઉકેલ નથી તમે એક ગુનાસર જેલમાં જઈ આવ્યા છો જે તમે નથી કર્યો અને હવે બીજો ગુનો તે પણ હત્યા અને તે પણ એવી વ્યક્તિની જેના પિતા એ તમને આશરો આપ્યો કોઈ પણ જાતની ઓળખાણ અને તપાસ કાર્ય વગર. પલ્લવ ભાંગી પડ્યો નાના બાળકની જેમ રડવા લાગ્યો અને કહ્યું શું ભૂલ હતી મારી ? નાના બાળકોની તસ્કરી અને હત્યા કરતી વ્યક્તિઓ વિરુદ્ધ સાથ આપ્યો અને મને શું ફળ મળ્યું હું જેલમાં ગયો અને મારી પત્ની અને બાળક ની હત્યા કરવામાં આવી અને તેમાં આ વ્યક્તિ સંડોવાયેલી હતી જેને હું મારો દોસ્ત માનતો અને તેણે ફક્ત પૈસા માટે મને બરબાદ કરી દીધો. દેવાંશી એ પલ્લવને બાહોમાં ભરી લીધો અને તેને રડવા દીધો. થોડીવાર પછી જયારે પલ્લવે રડવાનું બંધ કર્યું તે બોલી કે રોનકને મારવાથી શું થશે, ખરો ગુનેગાર તો સ્વામી છે તેને સજા થવી જોઈએ, તે બધી સમસ્યાનું મૂળ છે અને તે જો સળિયા પાછળ જશે તો ઘણા બાળકોના જીવ બચી જશે.
અને રોનક રાવણના ઓજારની વાત કરતો હતો તે શું છે ?
આ ફક્ત એ સવાલે ઉદયને ધરતી પર લાવી દીધો. ઉદય હોશમાં આવી ગયો તેને લાગ્યું કે સારું કર્યું દેવાંશી એ તેને વાર્યો નહીંતર તેના હાથે સમય પરિવર્તનના એક મોટા નિયમનો ભંગ થઇ જાત.
દેવાંશી એ તેને હલાવ્યો અને પૂછ્યું શું વિચારમાં પડી ગયા પલ્લવ ? ઉદયે કહ્યું કે કઈ નહિ હું વિચારતો હતો કે તે ઓજાર શું છે ? મને તેમાં કઈ ખબર ના પડી. દેવાંશી મારા માટે એટલું કરજે આ વાત કોઈને કરતી નહિ. હું કાલે વિચારીશ કે આગળ શું કરવું ? પ્લીઝ ? દેવાંશી એ કહ્યું તમારે મને પ્લીઝ કહેવાની જરૂર નથી હું તમારી મનોસ્થિતિ સમજુ છું અને મને તમારા પ્રત્યે હમદર્દી છે તમે નિશ્ચિંન્ત રહો હું આ વાત કોઈને નહિ કહું. પછી તેને રોનકને આદેશ આપ્યો અને કહ્યું કે અત્યારે તમે જે વાત કરી તે તમે ભૂલી જશો તમે કોઈને કઈ કહ્યું નથી. પછી રોનકને સંમોહનમાંથી બહાર કાઢ્યો અને તે જાગે તેના પહેલા તેને બેહોશ કરી દીધો અને ખભે ઉપાડીને દેવાંશી ને કહ્યું ચાલો હું તમને ઘરે મૂકી જઉં. પછી તે લોકો અંધારે રસ્તે ચાલવા લાગ્યા. પણ અંધારે રસ્તે દેવાંશીના મનમાં પ્રકાશ પડ્યો તે આગળ ચાલતા પલ્લવને જોઈને વિચારવા લાગી કે આટલી સહાનુભૂતિ થાય છે પલ્લવ માટે કેમ આટલું ખેંચાણ અનુભવે છે, શું તેને આટલું દુઃખ ભોગવ્યું જે જીવનમાં તેને માટે કે પછી તેને પલ્લવ માટે પ્રેમ થઈ ગયો છે ?
નયનાભાભી તો તરત ગામડે પાછા આવવા ન માંગતા હતા પણ તેણે ભાભીને કહ્યું તમારા ભાઈ અને ભાભી ખબર નહિ કેટલા વર્ષે પાછા આવશે ? તો આપણે અત્યારે તેમની સાથે જઈશું તો મજા આવશે અને મારે હજી રજાઓ બાકી છે. જેમ તેમ પટાવીને ફક્ત પલ્લવના ખેંચાણને લીધે તે ફરી ગામડે આવી હતી.
દેવાંશી એ ફરી પૂછ્યું પોતાને પલ્લવ પ્રત્યે પ્રેમ છે ? અને શું પલ્લવને મારા પ્રત્યે તેવી જ લાગણી છે ? તેની આંખો તો કહે છે તેના મનમાં કંઈક તો છે પણ જ્યાં સુધી તે પોતાની જબાનથી ન કહે ત્યાં સુધી આ સવાલનો જવાબ ભવિષ્ય પર છોડ્યો અને પલ્લવની પાછળ ચાલવા લાગી.
ઉદય જયારે રોનક અને દેવાંશીને મુકી પાછો ખેતરમાં આવ્યો ત્યારે કોઈ તેની રાહ જોઈ રહ્યું હતું.જયારે તે પડછાયો અજવાળામાં આવ્યો ત્યારે જોયું તે કટંકનાથ હતા. કટંકનાથે કહ્યું કે તમે ઓજાર લઇ આવ્યા તો ઉદયે ના પડી અને કહ્યું કે મેં યોજના બદલી દીધી છે હવે હું અસીમાનંદના આશ્રમમાં જઈશ અને પછી ઓજાર લાવીશ. કટંકનાથે કહ્યું કે તમે ભૂલ કરી રહ્યા છો તમને અસીમાનંદની શક્તિનો અંદાજો નથી એકવાર ઓજાર તેની પાસે પહોંચી ગયું તો તમે નહિ પહોંચી વળો. તમને તાલીમ જરૂર આપવામાં આવી છે પણ હજી તમે અસીમાનંદ સામે નાનું બાળક જ ગણાઓ. ઉદયે કહ્યું કે હું તેનો સામનો કરવા તૈયાર છું, તેણે મારી પત્ની અને બાળક બંનેનું ખૂન કરાવ્યું છે તેની સજા તો તેને હું જ આપીશ. તમે હું કહું તેમ કરો તો તો રાવણનું ઓજાર અસીમાનંદ સુધી નહિ પહોંચે પછી તેણે કટંકનાથને યોજના જણાવી. કટંકનાથે માથું હલાવ્યું અને કહ્યું આ યોજના તો સારી છે પણ હું એક સલાહ આપીશ કે બદલાની ભાવના મનમાં રાખીને અસીમાનંદ સાથે નહિ જીતી શકો તમે પોતાનું કર્મ સમજીને કરશો તો કદાચ સફળ થશો છતાંય મારુ કહેવાનું માનો અને અસીમાનંદ સાથે ટકરાવાનું માંડી વાળો અને ઓજાર અત્યારે જ કબ્જામાં લઇ લો અને હું કીયંડુનાથને બોલાવી લઉં છે તમને સમયની પેલે પાર લઇ જશે.
ઉદયે ડોકું ધુણાવ્યું અને કહ્યું તમે મારી યોજના પર ચાલો.
અને કટંકનાથ અંધારામાં અલોપ થઇ ગયા.