તુરીયાનો હુરિયો
તુરીયાનો હુરિયો


એકવાર હું મારા દોસ્ત પ્રીતેશ જોડે તેના પ્રોજેક્ટના કામ માટે શહેરથી દૂર એક ગામડામાં ગયો હતો. ગામડામાંનું તેનું કામ પતાવી અમે વહેલામાં વહેલી તકે ત્યાંથી નીકળી બપોરનું ભોજન રસ્તામાં કોઈક ઢાબે કરવાનું વિચાર્યું હતું. રસ્તામાં કોઈક અમારું કામ પતાવી રસ્તામાં કોઈક ઢાબામાં બપોરનું ભોજન કરવાની અમારી યોજના હતી. પરંતુ આપણી ઇચ્છાનુસાર ક્યારેય બનતું હોય છે? પ્રિતેશના ઓળખીતાઓને મળવામાં અમને ખૂબ મોડું થઇ ગયું. મોડી બપોરે અમે જેમના ઘરે રોકાયા હતા તે યજમાન રાઘવજીએ અમને આગ્રહ કરતા કહ્યું, “આવ્યા છો તો હવે જમીને જ જાઓ.”
ભૂખ તો અમને ઘણી લાગી હતી પરંતુ ઢાબા પર જમવાની મજા અમે છોડવા માંગતા નહોતા.
એટલામાં યજમાનની પત્ની સરલાબેને બોલ્યા, “તુરીયાની સરસ શાક બનાવી છે. ગરમ ગરમ મકાઈના રોટલા અને લસણની ચટણી સાથે તે ખાવાની તમને મજા આવી જશે.”
મકાઈના રોટલા અને લસણની ચટણીનું નામ સાંભળી મારા મોઢામાં પાણી આવી ગયું પરંતુ તુરીયાનું શાક! આ નામ મેં અગાઉ ક્યારે ઘરે સાંભળ્યું નહોતું. કેવું હશે આ શાક? કદાચ સ્વાદમાં એકદમ તુરુ તુરુ લાગતું હશે એટલે જ તેનું નામ તુરિયા પાડ્યું હશે. મારા દોસ્ત પ્રીતેશે મારી સામું જોયું. મેં નકારમાં માથું હલાવતા તેં બોલ્યો, “માસી, રહેવા દો... અમને મોડું થઇ રહ્યું છે.”
અમારી વાત સાંભળી ન સાંભળી કરતા રાઘવજીએ બે પાટલા મુકતા કહ્યું, “જવાય છે હવે... જમવાનું નામ કાઢ્યું છે તો હવે જમીને જ જાઓ...”
અમે મને કમને પાટલા પર બેસતા જ દંપતિ કામે લાગી ગયા. રાઘવજીન
ી નાની દીકરી ફટાફટ બે થાળી લાવી અમારી સામે મૂકી. સરલામાસીએ ગરમાગરમ મકાઈનો રોટલો અમારી થાળીમાં પીરસ્યો અને ત્યારબાદ તુરીયાનું શાક પીરસ્યું. શાક તરફ જોઇને હું ચમક્યો! મેં ધીમેકથી તેમાં આંગળી બોળી મોઢામાં નાખતા જ મારું અંતરમન બોલી ઉઠ્યું, “અરે! હી તર શીરાવલ્યાચી ભાજી!!!”
તુરીયાને અમે મરાઠીમાં શીરાવલાની શાક કહેતા. મારી માતા જયારે પણ તે બનાવે ત્યારે હું તેં હોંશે હોંશે ખાતો. મારી થાળીમાં મારી મનગમતી શાક જોઈ હું ગેલમાં આવી ગયો. વળી આ તો ખેતરમાંથી હમણાં જ તોડી લાવેલા તુરીયાની ગરમાગરમ શાક! મનમાં હુરિયો બોલાવી હું મકાઈના રોટલાને તુરીયાના શાકમાં ઝબોળી તેનો કોળીયો મોઢામાં મુકતા જ મારું મન આનંદથી ઝૂમી ઉઠ્યું. “અહાહાહા... શું અલ્હાદક તેનો સ્વાદ હતો.” કકડીને ભૂખ લાગી હોવાથી ભોજનનો સ્વાદ જાણે બમણો થઇ ગયો હતો.
પ્રીતેશે ધીમેકથી મને કહ્યું, “આપણે અહીં થોડુક જ જમીશું.”
મેં પૂછ્યું, “કેમ?”
પ્રીતેશે નવાઈ પામતા કહ્યું, “ઢાબામાં જમવા જવું નથી?”
મેં કહ્યું, “હવે ઢાભો બાભો ભૂલી જા... આ ભોજન સામે સ્વર્ગના પંચ પકવાન પણ ફિક્કા છે.”
મારી વાત સાંભળી પ્રીતેશ પણ જમવા પર તૂટી પડ્યો. અમે બંનેએ ખૂબ ધરાઈને ખાધું. ત્યારબાદ રાઘવજી જોડે અલકમલકની વાતો કરીને અમે ત્યાંથી વિદાય લીધી. આજેપણ એ તુરીયાના શાક અને મકાઈની રોટલી યાદ આવતા મારા મોઢામાં પાણી આવી જાય છે. ખરેખર, એ દિવસે રાઘવજી અને તેમની પત્નીએ આગ્રહ કરીને આટલું સરસ જમાડ્યું એ બદલ હું તેમનો જીવનભર ઋણી રહીશ.
(સમાપ્ત)