ટ્યૂબલાઇટ
ટ્યૂબલાઇટ


આર્મી પરના પિક્ચરો લગભગ બધા આર્મીવાળા રસથી જોતા. પિક્ચર હોય એટલે સહેજ તો વાસ્તવિકતાથી પર હોય જ એમ સમજીને માણતા રહેતા.
પણ....
આર્મી કેન્ટોનમેન્ટના ઓપન એર થિયેટરમાં “ટ્યૂબલાઇટ” પિક્ચરના શો પછી આનંદને બદલે સહેજ ઉગ્રતા પ્રસરી ગઈ હતી.
"ટ્યૂબલાઇટ મુવીમાંતો ખરેખર સેનાની મજાક જ કરી છે હોં!"
"હા, કેપ્ટન તમે સાચું જ કહો છો. આપણે શું જીવીએ છીએ અને કેવી રીતે સર્વાઇવ થઇએ છીએ એ સિવિલિયન વર્ણવી જ ન શકે."
ગનમેન હરિસિંગ બોલ્યો,
"અરે!કોઈ મંદબુધ્ધિ ભાઈ પોતાના ભાઈ માટે આટલું વિચારી જ ન શકે."
અને બીજી હરોળમાં બેઠેલો લેફ્ટેનન્ટ રજત સ્થિર થઈ ગયો.
ફટાફટ બેચલર હોસ્ટેલ પર પહોંચીને રજતે એક મેલાંઘેલાં કવરની આજ સુધી અણગમાથી ન ખોલેલી ગોલુની ટપાલની થપ્પી કબાટમાંથી કાઢી.
"ભાઈ, તારી બહુ યાદ આવી. તું આપણે અહીયાં ઘેર જેવું ખાતા હતા એવું જ ખાજે. મા કહે છે કે, તને રજા ન મળે. મને કહીશ તો હું આવીશ."
બીજા શાહીના છાંટા ઉડેલા મેલાઘેલા કાગળમાં તૂટફૂટ લખ્યું હતું,
"મને તારી સાથે ફોનમાં કોઈ વાત કરવા નથી દેતું.
બાપુ વઢે કે, તું હકલાતાં હકલાતાં એક વાક્ય બોલ ત્યાં આખા ઘરની વાત થઈ જાય."
હજી રજત ઝાઝું વિચારે એ પહેલાં..
અરે!આ બધી ચિઠ્ઠીઓમાં એક સુઘડ પત્ર નજર બહાર રહી ગયો! મા નો પત્ર!
મા લખતી હતી,
"ગોલુની તબિયત હવે સારી નથી રહેતી. ડોક્ટરને બતાવવાનો કોઈ મતલબ તારા બાપુને નથી લાગતો. બિચારો હેરાન થાય છે."
રજત એ રાતે સૂઈ ન શક્યો. એનો આત્મા રાતભર કચોટતો રહ્યો. ગુનો કર્યાની લાગણી સતાવતી રહી.
અર્ધદગ્ધ નાનો ભાઈ ગોલુ નજર સામે તરવર્યા કર્યો. નાનપણથી હડછડ થતા ગોલુએ મને અનહદ પ્રેમ કર્યો પણ મેં!"
પસ્તાવાના ભાવ સાથે બીજે દિવસે રજતે મા ને ફોન જોડ્યો.
"મા, ઘરમાં કેમ છે બધાં?"
"અહીં શું થવાનું?"
"ગોલુ કેમ છે?"
"એ તો..."
મા બોલી ન શકી.
અને રજત રજા લઈ ગામ દોડ્યો.
એક ધ્રાસકા સાથે આંગણામાં પગ મુક્યો.
રજતને અચાનક આવેલો જોઇ મા ખુશ થઈ ગઈ. રજતે પહેલો સવાલ કર્યો,
"ગોલુ!"
બાપુએ એ સહેજ કંટાળાથી કહ્યું,
"એ રહ્યો, એને શું થવાનું! અમારાં લોહી પીવે છે."
રુમની અંદરથી આવતો 'ભાઈ' શબ્દ અંદર જ દબાઈ જતો હતો અને ગોલુ રજતનો અવાજ સાંભળીને અંદરથી વાસેલા બારણાની કડી ખોલવાની નિરર્થક કોશિશ કરી રહ્યો હતો.
રજત પારાવાર વેદના સાથે રુમ તરફ દોડ્યો..
બારણું ખોલીને ગોલુને વળગી પડ્યો.
"એય મારી ટ્યૂબલાઇટ!"
"ભાઈઈઈ!"
મા ને હંમેશાં સતાવતી ચિંતા કે,
“પોતે નહીં હોય ત્યારે ગોલુનું શું થશે!”
એ સવાલનો જવાબ મળી ગયો..!