ટૂંકી રહસ્ય વાર્તા :"એ કોણ હશે
ટૂંકી રહસ્ય વાર્તા :"એ કોણ હશે
દિશા આજે પણ પાર્ટીમાંથી મોડી આવી. સીધી રૂમમાં જઈને ધસઘસાટ ઊંઘી ગઈ. દિશાને પાર્ટી એન્જોય કરવી બહુ ગમતી. પાર્ટીમાં ખૂબ પીતી અને ભરપૂર ખાતી. મિત્રો સાથે બિન્દાસ થઈને એન્જોય કરતી. દરેક પાર્ટીમાં દિશાની હાજરી પાર્ટીની રોનક વધારી દેતી. દિશાનું ડ્રેસિંગ બધાંના આકર્ષણનું કેન્દ્ર રહેતું. દિશા હાજર હોય ત્યાં સુધી પાર્ટી આમંત્રીતોથી ભરચક રહેતી. દિશાની વિદાય સાથે પાર્ટી હોલ ખાલીખમ થઈ જતો. એટલે મિત્રો મોડે સુધી દિશાને પાર્ટીમાં રોકી રાખતા. કોઈ પાર્ટી એવી નહોતી કે જેમાં દિશાની હાજરી ન હોય. દિશા શહેરનાં પ્રખ્યાત એડવોકેટ જમનભાઈ દેસાઈની એકલોતી બેટી હતી. પૈસાની જમનભાઈ પાસે કોઈ કમી નહોતી. જમનભાઈનું નામ વકીલાતમાં બહુ ઊંચું હતું. આમતો સિવિલ અને ક્રિમીનલ બંને પ્રેકટીસ કરતા પણ ક્રિમીનલમાં તેનું સ્થાન મોખરાનું હતું. જમનભાઈ કોઈ અસીલનો કેસ લે એટલે સામેની પાર્ટીને સારામાં સારા વકીલને રોકવો પડતો. આવી ધાક હતી જમનભાઈની.
જમનભાઈ કામકાજમાં એટલા વ્યસ્ત રહેતા કે ઘર, ગૃહસ્તીમાં બરોબર ધ્યાન આપી શકતા નહોતા. જમનભાઈનાં પત્ની પણ સામાજિક કાર્યો, સંમેલન, મિટિંગ વગેરેમાં વ્યસ્ત રહેતા હતા. એટલે દિશા ઉપર કોઈ જાતનું અનુશાસન નહોતું. આ તેનું જ પરિણામ હતું કે દિશા મોડે સુધી ક્લબ કલચરમાં, પાર્ટીમાં વ્યસ્ત રહેતી, બધીજ મર્યાદાઓ ઓળંગી ચુકી હતી.
દિશાનો સ્વભાવ ઉગ્ર, ઝગડાળું, તોફાની, મસ્તીખોર હતો. કોઈ એવી પાર્ટી નહોતી કે જેમાં દિશાને કોઈ સાથે ઝગડો, બોલાચાલી ન થઈ હોય. દિશાને મિત્રો કરતા દુશ્મનો વધારે હતા પણ પાર્ટીની રોનક વધારવા બધાં જ પાર્ટી, પિકનીકમાં દિશાને આમંત્રણ અચૂક આપતા.
દિશા, સવારે સફાળી જાગી ગઈ અચાનક તેણે જોયું તો તેના ગળાથી થોડાક નીચેનાં ભાગ ઉપર એક તાજું મઘમઘતું દેશી ગુલાબનું ફૂલ પડેલું હતું. દિશા વિચારમાં પડી ગઈ, ગુલાબનું અને તે પણ તાજું મઘમઘતું ફૂલ ક્યાંથી આવ્યું ? અને આ જ જગ્યાની પસંદગી કેમ કરી ?
બધાં જ હાઉસકિપિંગ કર્મચારીઓને બોલાવ્યા, પુછયુ કે મારા રૂમમાં કોણ આવ્યું હતું ? આ ગુલાબનું ફૂલ અહીં ક્યાંથી આવ્યું ? કોઈને કાંઈ ખબર નહોતી દિશાએ બધાને ધમકાવીને કાઢી મુક્યા. દિશા, વિચારવા લાગી કે આવું ફૂલ મેં કયાંક જોયું છે. યાદ નથી આવતું. કોણ આવ્યું હશે ? શું કામ આવ્યું હશે ? મને આ ગુલાબનાં ફુલથી શું કહેવા માંગે છે ? દિશા પાસે પ્રશ્નો ઘણા હતા, પણ જવાબ કોઈ મળતો નહોતો.
ફરી એક દિવસ દિશા પાર્ટીમાંથી આવીને સુઈ ગઈ. સવારે પાછું એ જ આશ્ચર્ય, નવાઈ અને ડર ઉભો થયો. આજે ગુલાબનાં ફૂલ સાથે એક કાંટો પણ હતો. દિશા ડરી ગઈ કે, શું કોઈ મારુ દુશ્મન મને મારી નાખવાની સાઝીશ કરે છે ? થોડા દિવસ પહેલા તરુણે મને ધમકી આપી હતી, કે એડવોકેટની દીકરી છો તો શું થઈ ગયું હું તને બરોબરનો પાઠ ભણાવીશ. દિશાનો આખો દિવસ ટેન્શનમાં ગયો. મમ્મી, પપ્પાને વાત કરી શકાય એવું નહોતું. મમ્મી, પપ્પા વાત જાણીને બહાર જવાનું જ બંધ કરાવી દે.
દિશાએ વિચાર્યું, હું પાર્ટીમાંથી આવું તે રાત્રીની સવારે જ આ બનાવ બને છે. હું બેડરૂમની ચાવી જ બેડરૂમ બંધ કરી મારી સાથે લેતી જઈશ એટલે મારી ગેરહાજરીમાં બેડરૂમમાં કોઈ સંતાય રહેતું હોય તો તે સંતાઈ ન શકે. દિશાએ ચાવીથી બેડરૂમ ખોલ્યો ને મીઠી માદક ખુશ્બુ તેના નાકમાં પેસી ગઈ, બેડ સુધીતો માંડ માંડ પહોંચીને બેડમાં પડી એવી ઘસઘસાટ ઊંઘી ગઈ....ને..બીજી..સવારે....
દિશા સવારે જાગી આજે તેને નવાઈ કે આશ્ચર્ય ન થયું. બે ગુલાબના ફૂલ હતા, કાંટા નહોતા, પણ મસ્ત મજાની ખુશ્બુ ગુલાબમાંથી આવતી હતી. દિશાને હવે આશ્ચર્ય થયું. આ ...આ...ખુશ્બુ તો હેમલની પસંદ હતી ને હેમલનું કાર એક્સસિડેન્ટમાં મૃત્યુ થઈ ગયું છે, એમ પપ્પાએ સમાચાર આપ્યા હતા. દિશાનું મગજ ચકરાવે ચડી ગયું. તેને સૂઝ નહોતી પડતી કે આ બધું શું છે ? અને શું કામ છે ? દિશા અને હેમલ સાથે અભ્યાસ કરતા હતા. હેમલનું ફેમિલી પણ જમનભાઈ જેટલું નહીં પણ ખાધે પીધે સુખીને સંપન્ન હતું. જમનભાઈને હેમલની અને દિશાની પ્રેમ કહાણીની ખબર પડી, હેમલને મુલાકાત માટે બૉલાવ્યો.
"હેમલ, તું ને દિશા એક બીજાનાં પ્રેમમાં છો, મને ખબર છે. દિશાએ મને બધી જ વાત કરી છે. દિશા મારી ઈચ્છા પ્રમાણે કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી એડવોકેટ તરીકે મારી સાથે જમનભાઈ દેસાઈ એન્ડ કંપનીમાં જોડાઈ જશે, તારું શું પ્લાનિંગ છે ?"
"દેસાઈ સાહેબ, હું એમ.એ. બી.એડ. કરી એજ્યુકેશન લાઈનમાં જવા માંગુ છું. ગુજરાતી ભાષાની અસ્મિતા ઉપર પી.એચ.ડી. કરવા માગું છું."
"એટલે તું પંતુજી બનવા માંગે છે ? જેની કોઈ વેલ્યુ નથી. મારી ઈચ્છા છે તું પણ કાયદાનો અભ્યાસ કરી દિશા સાથે મારી ફર્મમાં જોડાઇજા, આ પંતુજી, ફંતુજી ના વિચાર છોડી દે."
"હું, આપનાં વિચાર સાથે સહમત નથી. મને એ કાળા, ધોળાનાં ખેલ ન ફાવે. મારા મતે વિદ્યાદાન જેવું કોઈ ઊંચું દાન નથી."
"તો તારા ને દિશાના લગ્ન શક્ય નથી. મારી આબરૂને ધક્કો લાગે કે, એડવોકેટ જમનભાઈ દેસાઈનો જમાઈ પંતુજી છે. તારો વિચાર બદલાય તો દિશાને મળજે, મને મળવા આવજે બાકી દિશાને ભૂલી જજે...તું...જઈ શકે છે".
હેમલે, દિશાને વાત કરી. દિશાએ જમનભાઈને ચોખ્ખી વાત કરી કે- "હું લગ્ન કરીશ તો હેમલ સાથે; બાકી હું આ દુનિયા છોડી દઈશ."
જમનભાઈ, દિશાના સ્વભાવને બહુ સારી રીતે ઓળખતા હતા કે, આ છોકરી બોલે એવું કરી નાખે એવી છે. જમનભાઈએ દિશાની જીદ પાસે નમતું જોખી "હા પાડી" અને શરત કરી કે તમારો અભ્યાસ પૂર્ણ થાય પછી લગ્ન કરી દઈશ ત્યાં સુધી તમે હળોમળો, હરોફરો, મોજ મસ્તી કરો.
દિશા ને હેમલ ખુશ થઈ ગયા. હેમલ વારંવાર દિશાને મળવા બંગલે પણ આવતો. દરેકને ખબર હતી હેમલ; દેસાઈ સાહેબનો જમાઈ થવાનો છે. બધાં જ હેમલને પૂરતું માન આપતા. દિશાની મમ્મી તો પોતાના સર્કલમાં, પાર્ટી, ફંકશન વગેરેમાં મસ્ત હતી. દિશાનાં લગ્ન હેમલ સાથે થાય કે બીજે તેને કોઈ ફરક પડતો નહોતો.
એક દિવસ જમનભાઈએ હેમલને કહ્યું, "હેમલ આ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટેનાં પેપર્સ છે. કાલ સવાર સુધીમાં આપણા એડવોકેટને દિલ્લી પહોંચાડવા જરૂરી છે. બહુ અગત્યનાં પેપર્સ છે. ભસોસા પાત્ર વ્યક્તિને જ આ કામ સોપાય. તું આપણી કાર લઈને અત્યારે જ નીકળ. દિશાને હું જાણ કરી દઈશ. સમય થોડો છે. હેમલ કાર લઈને નીકળી ગયો.
જમનભાઈએ...અડધી રાતે દિશાના બેડરૂમનો દરવાજો ખટખટાવ્યો, "શું! છે પપ્પા આમ અડધી રાતે ?"
"બેટા બહુ ખરાબ સમાચાર છે. હેમલની કારને ભયંકર અકસ્માત થયો છે. કાર પૂરે પુરી સળગી ગઈ છે. હેમલ કાર સાથે સળગીને ભસ્મીભૂત થઈ ગયો છે."
દિશા ક્યાં કઈ સાંભળતી હતી, એતો બેભાન થઈને પડી ગઈ હતી. જમનભાઈએ ડોક્ટરને ફોન કર્યો...જમનભાઈ ઉપર એક ફોન આવ્યો, ને જમનભાઈ બેબાકળા થઈ બધે ફોનથી સૂચનાઓ આપવા લાગ્યા.
દિશાએ આ વખતે નક્કી કર્યું કે પાર્ટીમાં પીવું તો જરાય નથી. બહુ થોડુંક ખાઈશ એટલે નિંદ્રા દેવી કબજો ન લઈ શકે. આ વખતે તો જે હોય તેને રંગે હાથ પકડવો જ છે. સાલાએ નાકમાં દમ કરી રાખ્યો છે. દિશા પૂરેપૂરી સ્વસ્થ હતી. ઊંઘ નહોતી આવતી છતાં તેણે બહુજ ઊંઘ આવે છે એવું નાટક ચાલુ રાખી બેડમાં પડી ઘસઘસાટ ઊંઘી ગયાનો ડોળ ચાલુ રાખ્યો.
અડધી રાત વીતી ગઈ. કાંઈજ હિલચાલ ન થઈ. દિશાને બહુજ ઊંઘ આવતી હતી. ઊંઘ સામે જીદે ચડી હતી કે, આજે તો એ કોણ હશે?...એ કોણ છે?.. એ વાતનો ફેંસલો કરી જ નાખવો છે. વહેલી સવારે થોડીક બેડ રૂમમાં હલચલ થતી લાગી. દિશા સતર્ક થઈ ગઈ ઊંઘવાનો ઢોંગ કરી સૂતી રહી.
એક ઓળો ધીમે ધીમે દિશાનાં બેડ તરફ આગળ વધતો હતો. દિશાની દિલની ધડકન વધી ગઈ, ડર પણ લાગ્યો; છતાં જરા પણ હલ્યા વગર ચતી સૂતી રહી. ઓળો નજીક આવ્યો દિશા મહા પ્રયત્ને પોતાની જાત ઉપર નિયંત્રણ રાખી રહી હતી. મનમાં ભયંકર ડર હતો. દિશા હવે ઓળાને તદ્દન નજીક મહેસૂસ કરી રહી હતી. ઓળાએ આ વખતે ત્રણ ગુલાબનાં ફૂલ મૂક્યા. ગુલાબનાં ફૂલમાંથી દેશી ગુલાબની મહેક આવી રહી હતી. ઓળો દિશા ઉપર ઝૂક્યો દિશાના હોઠ ઉપર ચુંબન કર્યું. દિશાનાં આખા શરીરમાં ઝણઝણાટી પ્રસરી ગઈ. જેવો ઓળો પાછળ ફરી ભાગવા ગયો,દિશાએ ઝડપથી હાથ પકડી લીધો. ઓળો હાથ છોડાવી ભાગી ગયો. પણ દિશાનાં હાથમાં ઓળાની ઘડિયાળ આવી ગઈ. ઘડિયાળ જોઈને દિશા ચમકી ગઈ. આ બનીજ ન શકે, આ અશક્ય છે, આ અશક્ય..છે.. એવી ચીસ પાડી...બેભાન થઈ ગઈ.
દિશાની ચીસ સાંભળીને જમનભાઈ સાથે ઘરનાં બધાં જ કર્મચારીઓ દિશાનાં બેડ રૂમમાં ભેગા થઈ ગયા. થોડીવારમાં દિશા સ્વસ્થ થઈ ગઈ. દિશાએ ઘડિયાળ છુપાવી દીધી હતી. તે વિશે કોઈને જાણ નહોતી કરી. ઘડિયાળ જોઈને દિશાને એક શંકા ઉભી થઈ હતી; ને દિશા ઘડિયાળનાં માલીક સુધી પહોંચવા માંગતી હતી.
દિશાએ વિચાર્યું કે મારા સ્ટાફમાંથી તો કોઈક મદદ નહીં કરતું હોય ને ? કારણ કે મારા બંધ બેડરૂમમાં કોઈ બહારની વ્યક્તિ,ઘરનાં કોઈની મદદ વગર આવી શકે એ શક્ય નથી. કોઈ એવું શું કામ કરે ? હું બધાને સારી રીતે રાખું છું. મારો વહેવાર પણ ઘરના કર્મચારી સાથે સારો છે. આવનારે હજી સુધી મને કઈ નુકશાન કે ઈજા પહોંચાડી નથી. પણ હોઠ ઉપરના ચુંબને તેને હેમલ વિશે વિચારવા માટે વિવશ કરી દીધી હતી.
દિશાએ બધાજ ઘરના કર્મચારીઓને ભેગા કર્યા. કહેવા જેવી વાત કરીને કહ્યું કે મારા બેડરૂમ સુધી તમારા કોઈની મદદ વગર કોઈ પહોચી જ ન શકે. હું તમને વચન આપું છું કે મને જે હકીકત હોય તે કહો. હું કોઈને સજા નહીં કરું કે પપ્પાને વાત નહીં કરું. પછી મારી રીતે હું જાણીશ અને જે ગુનેગાર હશે તેને આકરામાં આકરી સજા કરીશ. બોલો, સારું એ તમારું.
બધા કર્મચારીઓ એક બીજા સામે જોવા લાગ્યા, છેવટે બધાએ સૌના વડીલ એવા મુખ્ય રસોયા વિભૂ કાકા સામે જોયું. કાકા સમજી ગયા કે હવે વાત બહાર પાડ્યા સિવાય છૂટકો નથી.
"દિશા, બેટી".
"કાકા બોલો", દિશા પણ ઉંમરના લીધે વિભૂભાઈને વિભૂકાકા કહેતી. "દિશા બેટી તારું હૈયું હાથમાં રાખજે'."
"શુ, કામ કાકા, એવું શું કારણ કે સમાચાર છે. જેનાથી હું આનંદથી ઉછળી પડું".
"બેટી એવાજ સમાચાર છે કે તારા આનંદનો પાર નહીં રહે".
"તો કાકા જલ્દી કહો. તમારા બધાંના બધા ગુના માફ, બોલો, બોલો કાકા, જલ્દી બોલો".
"દિશા, બેટી તને જે ગુલાબનું ફૂલ આપવા આવે છે, એ હેમલ આવે છે. બાકી કોઈની તાકાત છે કે તારી સુધી પહોંચી શકે".
"કાકા સાચું કહો છો ? હેમલ જીવિત છે ? મને માનવામાં નથી આવતું, એ બનેજ કેવી રીતે ?. તમારી કાઈ ભૂલ તો નથી થતી ને ? ખરેખર વાત સાચી છે ? તો મને છુપાઈને મળવા આવવાનું કારણ શું ? આવી રીતે શું કામ કરવું પડે ?".
"ધીરજ રાખ બેટા, હું તને થોડી વાત કરું છું." બાકીની વાત હેમલ પોતે કહેશે એમ કહ્યું છે. "એક દિવસ રાત્રે હું અહીંનું કામ પતાવી મારા ઘરે ગયો તો હેમલ છુપાઈને બેઠો હતો. મેં બારણું બંધ કર્યું એટલે બહાર આવ્યો. હું એકદમ હબકી ગયો. કાકા હું છું હેમલ જીવતો જાગતો હેમલ. આ હેમલનું ભૂત નથી;હેમલ પોતે છે. મે પુછ્યુ, "બેટા તું તો કાર એક્સસિડેન્ટમાં મૃત્યુ પામ્યો છો એવા સમાચાર મળ્યા હતા."
"કાકા એ બધી વાત પછી પહેલા એ કહો મારી દિશા કેમ છે."
"મેં બધી વાત કરી કે તારા મૃત્યુનો આઘાત દિશા બેટીને બહુ લાગ્યો છે. તેણે તેની જિંદગી બેફામ કરી નાખી છે. સાહેબને કે બેનને તો કઈ સમય જ નથી. તું આવી ગયો છો તો કાલે મળીને તારી હસ્તી બતાવી દિશા બેટીની બરબાદ થતી જિંદગી બચાવી લે."
"પછી તેણે જે વાત કરી એ હેમલ પોતે તને કહેશે. અમે તને હેમલ સુધી લઈ જવાનો પ્લાન ઘડી કાઢ્યો. તને દેશી સુગંઘી ગુલાબ બહુ ગમે છે એટલે તેણે તને ગુલાબ ભેટ કરવાનું નક્કી કર્યું. એક કાંટાવાળું ગુલાબ એટલે મુક્યું હતું કે એ કહેવા માંગતો હતો કે આપણા રસ્તામાં કાંટો છે. હેમલની બધી જ ગતિવિધિઓની અમને ખબર હતી. બેટા અમે કાઈ ભૂલ કરી હોય તો માફ કરજે."
"અરે! કાકા તમારા બધાની એક નહીં સો ભૂલ માફ. મારે હેમલને મળવું છે. હવે મારાથી નહીં રહી શકાય. બેટા, થોડી ધીરજ તારા આનંદ અને મળવા માટે રાખ. એ પણ ગોઠવાય જશે ત્યાં સુધી તું સાહેબ કે બેનને હેમલ વિશે વાત ન કરતી."
દિશા દ્વિધા માં હતી કે હેમલ જીવિત છે એ વાત મમ્મી પપ્પાને શું કામ વાત નહીં કરવાની એ અમારા દુશ્મન થોડા છે. એ તો હિતેચ્છુ અને અમારા લગ્નની તરફેણમાં હતા...પણ...વિભૂ કાકાએ કહ્યું છે તો કઈક કારણ જરૂર હશે...
દિશા વિચારતી બેઠી હતી. કોઈ શું કામ હેમલને મારી નાખવાની સાઝીશ કરે, પપ્પા તો એવું કરે જ નહીં, તો પપ્પાના કોઈ બિઝનેસ હરિફનું આ કામ હશે, તેને હેમલને મારવાથી શું લાભ થાય ? પ્રશ્નો ઘણા, ઘણા હતા, જવાબ મળતા નહોતા, હવે તો હેમલ મળે ત્યારેજ બધા જવાબ મળે. દિશા હેમલને મળવા માટે તલપાપડ થઈ ગઈ હતી.
"શું વિચારમાં પડી ગઈ મારી દીકરી, આજે પાર્ટીમાં નથી ગઈ?".
"ના પપ્પા આજે પાર્ટીમાં જવાનું મન નથી થતું".
"કેમ ? બેટા તબિયત તો સારી છે ને?".
"પપ્પા, હું વિચારતી હતી, હેમલ જીવિત હોય એવા મને ભણકારા વાગે છે, પપ્પા એવું બને?".
"ના બેટા, આપણને મળેલ સમાચાર સાચા હતા, આ તો તું હેમલને બહુ પ્રેમ કરે છો ને એટલે એવું લાગે".
"પપ્પા, હેમલને મારી નાખવાની કોઈની સાઝીશ હોય એવું બને ? તમારા કોઈ બિઝનેસ દુશ્મને બદલો લીધો હોય?".
"ના એવું કંઈ નથી, તારા મનના વહેમ છે". એમ કહી જમનભાઈ ચાલ્યા ગયા, દિશાના સવાલોથી તેના મનમાં ગડમથલ અને જબરી ઉથલપાથલ મચી ગઈ હતી.
વિભુકાકા એ કહ્યું: "દિશા બેટા આજે તારી આતુરતાનો અંત આવી જશે."
"કાકા તમે હેમલની મુલાકાત મને જલ્દી કરાવી દયો. હવે હું તેને મળ્યા વગર નહીં શકું."
"તો, લે બેટા મળી લે તારા હેમલને"...એમ કહી કાકા આઘા ખસી ગયા. પાછળ હેમલ ઉભો હતો... "હેમલ"..."હેમલ.."
હેમલને જોતા વેંત દિશા દોડીને હેમલને બાઝી પડી, ક્યાંય સુધી એજ સ્થિતિમાં ઝકડી ઉભી રહી.
"દિશા"...'દિશા"... હવે હું ક્યાંય નથી જવાનો એમ તું અધીરી થામાં".
"હેમલ, મને બધીજ, બધીજ વાત કર".
"તું, ઉશ્કેરાટ કે ગુસ્સે થયા વગર શાંતિથી સાંભળે તો કહું?"
"હું, બધુજ શાંતિથી સાંભળીશ."
"તારા પપ્પા આપણા લગ્ન ન થાય એવું જ ઇચ્છતા હતા. તારી જીદ પાસે નમતું ઝોખી દીધું. એ તને ગફલતમાં રાખવા માટે હતું. એક વખત દેસાઈ સાહેબને તેના માણસ સાથે વાત કરતા સાંભળી ગયો હતો. દેસાઈ સાહેબ કહેતા હતા. આ દિશા દીકરી કઈ માનતી નથી. આ હેમલ બબૂચક, પંતુજીનાં પ્રેમમાં પાગલ છે. દિશા તો નહીં માને આ પંતુજીને હટાવા કઈક યોજના વિચારવી પડશે. ત્યારથી હું ચેતી ગયો હતો. અહીં તો તારી હાજરી હોય તું અનેક, અનેક પ્રશ્નો ઉભા કરે એટલે બહારની યોજના વિચારીને મને એકલો કારમાં દિલ્લી મોકલ્યો. હું ના પાડી શકું એવી સ્થિતિમાં નહોતો. તારી સાથે પણ વાત કરવાની ના પાડી હતી."
"મને આપેલ કવર દેસાઈ સાહેબ પેક કરવું ભૂલી ગયા હતા. મેં કુતુહલ વસ ખોલીને જોયું તો તેમાં રફ કાગળો હતા. એક પણ કાગળ કામનો નહોતો. હું સમજી ગયો કે કોઈક સાઝીશ આકાર લઈ રહી છે. હું કાર ડ્રાઈવ કરી જઈ રહ્યો હતો. જ્યારથી હું અહીંથી નીકળ્યો ત્યારથી એક કાળી કાર મારો પીછો કરી રહી હતી. મારી શંકા સાચી પડી કે રસ્તામાં મારુ ખૂન કરવાની યોજના છે. હું હાઈ વે હોટલ ઉપર ઉભો રહ્યો, કાળી કાર આગળની હોટલ પાસે ઉભી રહી. હવે મને ચોક્કસ ખાતરી થઈ ગઈ કે આ લોકો મારો પીછો કરે છે. મેં હોટલની બાજુનાં પેટ્રોલ પમ્પ ઉપરથી વીસ લિટરનો પેટ્રોલ ભરેલા કેરબો લઈ લીધો અને આગળની સફર શરૂ કરી."
"એક લાંબા વળાંક ઉપર કારને ફૂલ સ્પીડમાં કરી, બારણું ખોલી, હું રોડની બાજુની ગીચ ઝાડીમાં દડીને છૂપાઈ ગયો. કાર થોડીક આગળ જઈને એક ઝાડ સાથે ધડાકા સાથે અથડાઇને સળગી ગઈ. અંદર વીસ લીટરના પટ્રોલનાં કેરબાને લીધે આગે મોટું સ્વરૂપ લઈ લીધું હતું. કોઈની કાર નજીક જવાની હિંમત નહોતી ચાલતી. કાળી કાર આવીને ઉભી રહી, ફોન કર્યો, જમનભાઈ સાહેબ, હેમલની કાર ઝાડ સાથે અથડાઈને પૂરેપૂરી સળગી ગઈ છે. આવું બનેજ કેમ? આ એક્સિડેન્ટ આપણી યોજનામાં નહોતો, તો કેમ થયું?. અને દેસાઈ સાહેબે તેના માણસોને સૂચના આપી હું સળગીને મૃત્યુ પામ્યો છું તેની પુષ્ટિ કરી ફોન કરો. હું આ બધું ઝાડીમાંથી જોતો હતો ને સાંભળતો હતો. કલાક પછી કારની આગ પાણી છાંટીને બુઝાવી દીધી. મેં વિચાર્યું કારમાં મારા અસ્થિ નહીં મળે એટલે મારી શોધ ખોળ ચાલુ થશે હું એક ગીચ ઝાડ ઉપર ચડી ગયો. મારુ અનુમાન સાચું પડ્યું. કારમાં મારા અસ્થિ નહીં મળતા બધા ઘાંઘા ને બેબાકળા થઈ ગયા."
દેસાઈ સાહેબને ફોન કરી જાણ કરી. દેસાઈ સાહેબે સૂચના આપી. હેમલને શોધો અને કામ પૂરું કરો. આ સમય દરમ્યાન એક ટ્રક જરા રસ્તા ઉપર ઉભો રહેતા, હું ટ્રકનાં પાછળનાં ભાગમાં ચડી, વેશ બદલી ઘરે પહોંચી ગયો."
"મેં મારા મમ્મી, પપ્પાને વાત કરી એક યોજના ઘડી કાઢી. તને હું જીવિત છું એવો અહેસાસ કરાવવાની, તેમાં વિભૂ કાકા અને બીજા કર્મચારીનો સાથ અને સહકાર મળ્યો. એ લોકો એ એટલે સહકાર આપ્યો કે તેઓ પણ આપણા લગ્ન થાય તેમાં ખુશ હતા, એવુંજ ઇચ્છતા હતા."
"હેમલ, આવી યોજના ઘડવાની શું જરૂર હતી?" તું સીધો આવીને પણ મને મળી શક્યો હોત?"
"મારે તારા મનમાં મને ફરીથી પુનઃજીવિત કરી, એક શંકા તારા મનમાં ઉભી કરવી હતી કે આવી સાઝીશ કોણ કરે. મને ખબર હતી. તું દેસાઈ સાહેબ સાથે ચોક્કસ વાત કરીશ, દેસાઈ સાહેબને તો ખબર હતી જ કે હું બચી ગયો છું અને તેનીજ આ સાઝીશ છે. એ હું જાણી ગયો છું."
"એટલે, હું આવ્યો છું કે નહીં એ જાણવા દેસાઈ સાહેબ મારા પપ્પાને પણ મળવા ગયા હતા. આડી અવળી વાત કરી એમ કહ્યું કે મારી ઈચ્છા તો હેમલને મારો જમાઈ બનાવાની હતી. ઈશ્વરને જે ગમ્યું તે ખરું. આ બધું હું સાંભળતો હતો."
"હું, મારા પપ્પાને ક્યારેય માફ નહીં કરું"
"...તે ન જ કરાય, જે બાપ દીકરીના મનને ન સમજી શકે. દીકરીના પ્રેમને ન સમજી શકે આબરૂ અને મિથ્યાભિમાનમાં ગળા ડૂબ રહી દીકરીના પ્રેમીનું ખૂન કરવા સુધી પહોચી જાય..પાછું લગ્ન કરાવી દેવાનું વચન આપી વિશ્વાસઘાત કરે . એ બાપ માફીને યોગ્ય નથી જ...નથી જ."
...."પપ્પા તમે?!"
"હા, દીકરી હું. મેં તારી અને હેમલની બધીજ વાત સાંભળી છે...હું તમારા બધાનો ગુનેગાર છું. તું મને માફ કર કે ન કર હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકુ. અને તેના પ્રાયશ્ચિત માટે મેં રચેલા મોતના ષડયંત્રને, મોતને હાથ તાળી આપી પાછા આવેલા આ તારા હેમલ સાથે તારા લગ્ન કરી દેવાનો નિર્ણય કરી ચુક્યો છું',...બેટા હવે આ તારા પપ્પા ઉપર વિશ્વાસ રાખજે આ કોઈ સાઝીશ કે ષડયંત્ર નથી."
"આવો, વેવાઈ આવો, તમે પણ મને માફ કરી દીધો હશે. ચાલો, આપણે બધાં મોઢું મીઠું કરી એ"
...હેમલના મમ્મી, પપ્પા હોલમાં દાખલ થયાને તાળીઓના ગગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.

