ટર્નીંગ પોઈન્ટ પ્રકરણ ૯
ટર્નીંગ પોઈન્ટ પ્રકરણ ૯
સોળે સાન અને વીસે વાન
મેઘા વિચારમાં પડી ગઈ. પ્રિયંકા રૂપાનાં બધા ફોટા અને વીડીયો તો લઈ ગઈ છે અને પાછી હવે ફોટોગ્રાફરને લઈને આવે છે.શું ચાલી રહ્યું છે.પ્રિયંકા હોલીવુડના યુનિટમાં કામ કરે છે એને રૂપા એટલી બધી ગમી ગઈ છે કે આજે ફરી ફોટોગ્રફરને લઈને આવે છે?
થોડા સમય પછી તેણે જાનકી ને ફોન કર્યો “હેલો”
જાનકીએ ફોન ઉપાડ્યો અને બોલી, “સો વર્ષનું આયુષ્ય છે તમારું. હમણા પ્રિયંકાનો ફોન હતો અને રૂપાને ગોલ્ડન કલર નાં ડ્રેસમાં આવે કે તે ડ્રેસ સાથે લાવે તેમ કહેવા ફોન હતો.”
“તમે કારણ પુછ્યુ ?”
“હા. તો કહે તેના ફોટા ટચ કરવાનાં છે”
“એટલે તેના ફોટા કેલેંડર કંપની ની સ્પર્ધામાં મોકલવાનાં છે.”
“હું તો વિચારમાં પડી ગઈ પછી મેં કહ્યું છોકરી હજી ભણે છે એટલે તેના ભણતર પહેલા કશું જ કરવું નથી.”
મેઘા કહે, “તો તમે લોકો ચાર વાગે આવી જશોને?”
“મેં તો એમને એમ કહ્યું કે તમે મેઘાબેનનાં ઘરે જવા નીકળો ત્યારે ફોન કરજો અને અમે પહોંચી જઈશું.”
“ભલે તે સારું થયું.”
“ખાવાનું શું બનાવવાનો છો? હું કંઇક બનાવીને લાવું?”
“ના અહી બધું બની ગયું છે.”
“પાછા વળતા તેઓની સાથે સદાશિવ આવવાનાં છે તો તમે પણ રામ અવતાર ભાઇને સાથે લાવજો.”
“તેમને મતે રૂપા હજી નાની છે તેમને આ નહીં ગમે એટલે એ જમવાનાં સમયે આવી જશે.”
“ભલે પણ આ મુલાકાત આવો ટર્ન લેશે તે ખબર નહોંતી.”
“આવો એટલે કેવો?”
“મને લાગે છે એ રૂપાને બ્રેક આપવા માંગે છે. કોઇક રોલ આપવા માંગે છે.”
“શું? તમારે કંઇ વાત થયેલી?”
“ના. પણ સાંભળ્યુ છે સારા ચહેરાની આ લોકો શોધમાં હોય છે તેવું સદાશિવ કહેતો હતો..”
“એટલે આ એક ધારણા છે ને?”
ફોન મુકાઇ ગયા પછી જાનકી ની વિચાર ધારા આગળ ચાલી. રૂપા છે તો સુંવાળા સાપનો ભારો.. જે જુએ છે તે તેના પ્રેમ માં પડે છે. આ છોકરીનું રૂપ તેની મૂડી બનશે કે ભાર તે ખબર નથી…પણ હવે તેને સમજ આપવી પડશે કે બહું ખીલ ખીલ ના કરે. સંયમ માં રહે. આટલું બધું રૂપ અલ્લડપણામાં ઓળાતા વાર નહીં લાગે.
સાડા ત્રણે કોલેજથી રુપા ઘરે આવી ત્યારે પહેલો શબ્દ “મોમ! આ ભણવાનું તો બહું બોરીંગ છે. મને તો રહી રહીને થાય છે કે અક્ષર તો ડોક્ટર થશે પછી મારે તો એનો ચુલો જ સાચવવાનો છે ને? મને તો લાગે છે કે આ ૨૧ વરસ ની રાહ જોવાની તે અક્ષર કહે છે તેમ સમય નો બગાડ છે.”
“જો બેટા સમજ આ ઉંમરનો તકાજો છે. હજી તું જુવાનીના ઉંબર ઉપર ઉભી છે. આજે જે વિચાર આવ્યો તેને જ ઉંમરનો ઉછાળ કહેવાય. તારા ગુગલ ગુરુને પૂછી જો સ્ત્રીનું શરીર માતૃત્વમાટે ક્યારે તૈયાર થાય..?”
“મા આ ભય કેવો છે? માતૃત્વ તો હવે પ્લાન થતાં હોય છે. અમે મળશું અને તર્ત ગર્ભાધાન નો ભય? આજનાં જમાનામાં તે ખોટો ભય છે.”
“હા કદાચ તારી મા તને જૂનવાણી લાગતી હશે પણ ડાહ્યું તેજ કહેવાય જે પારકાનાં અનુભવે શીખે.”
“મા તારી સાથે દલીલ નથી કરતી પણ સાચુ શું અને ખોટુ શું તે જાણવાની આ ઉંમરે મને જીજ્ઞાસા થાય છે.”
“જો બેટા આ ઉંમરની ભુલો સમજવાની તારી જિજ્ઞાસા તે સારી વાત છે અને તે કામ ગુગલ ગુરુ કરતા મા કે સારો ગાયનેક
ોલોજીસ્ટ સારી રીતે સમજાવી શકે. હું કહીશ કે આ પ્રકારનાં જ્ઞાનને સમજાવું તે પહેલા સમજ પ્રભુ એ આપણા શરીરનાં દરેક અંગોને બબ્બે કામ સોપ્યાં છે અને તેની સમય મર્યાદા પણ નક્કી કરી છે.જેમ કે આંખનું કામ જોવાનું છે અને બીજું ઉંઘવાનું છે. કાન નું કામ સાંભળવાનું છે અને સમતુલા જાળવવાનું છે. પ્રજનન અંગ જ એવું છે જે મોડી ઉંમરે સક્રિય થાય અને વહેલું જતું રહે.”
“એવું કેમ મા?
”સ્ત્રીને પ્રભુએ તેમનું સર્જન કામ સોંપ્યું ત્યારે આ કામ માટે સંપૂર્ણ વિશિષ્ટ અંગ સોંપ્યું કે જે સંતાનને પેટમાં ૯ મહીના ધારણ કરી શકે. આ કામ અર્થે જરુરી પુખ્તતા ૨૧ વર્ષે આવે.આ કુદરતનાં નિયમો છે. તેથી કહ્યું છે ને સોળે સાન અને વીસે વાન.”
થોડા મૌન પછી જાનકી બોલી, “મેઘાનો ફોન આવ્યા પછી તેમને ત્યાં પ્રિયંકા ચૌધરીએ તને મળવા બોલાવી છે. તારો ગોલ્ડન ડ્રેસ અને બીજા કપડા લેવાનાં છે તારો શક્ય છે વીડીઓ પણ લે કે ફોટા પાડે. મેઘા જેમ કહે, "તેમ કરવાનું અને તને મેઘા મા કહે અને યોગ્ય ના લાગે તો મને પૂછવાનું. પણ કોઇ નિર્ણય હા કે નામાં આપતા એટલું કહેવાનું કે મારા વડીલો અને સાહ્યબો કહેશે તેમ કરીશ.”
“કોણ છે આ પ્રિયંકા ચૌધરી?”
“કાલે પદ્મજાને મળવા ગયા હતા ને? તેની છોકરી.”
“તે તો ફીલ્મ ઈનડસ્ટ્રીમાં છે ને?”
“ હા અને અક્ષરની બેન થાય. તેથી આપણે જવું પડે.”
“ આ જબરું એક માણસને અપનાવવા તેનાં કેટલા બધા માણસને અપનાવવાનાં.?”
“હા અને જ્યારે પણ સાસરીમાં જવાનું એટલે વ્યવસ્થિત થઈને જવાનું અને વ્યવસ્થિત વર્તવાનું.” આ વાત ચાલતી હતી ત્યાં સદાશિવનો ફોન આવ્યો. તે દસ મિનિટમાં પ્રિયંકા સાથે ઘરે જવા નીકળે છે. જાનકી એ પણ કહ્યું કે તે વીસેક મીનીટમાં પહોંચે છે.
દસ મિનિટમાં તૈયાર થવું કેટલું અઘરુ કામ.. પણ સાસરે જવાનું હતું તેથી થોડા કંટાળા સાથે રૂપા અને જાનકી તૈયાર થઈને નીકળ્યા. પ્રિયંકા માટે બે બુટ્ટી અને નાનકડો મેચીંગ હાર લીધો અને ગાર્ડનમાંથી થોડાક ગુલાબ લીધા. વેવાઇ વરતમાં પહેલી વખત નણંદબાને ખાલી હાથે તો મળવા ના જવાયને?
ગાડી ચલાવતી રૂપાને જાનકી એ સુચના આપી બને તો ફોટા પરિને સાથે રાખીને જ પડાવવાનાં અને ફરીથી રીપીટ કર્યુ કોઇ પણ ડીસીઝન તરત નહીં આપવાનું.
સદાશિવ જ્યારે ઘરે પહોંચ્યો તેજ સમયે રૂપા પણ પહોંચી… બંને ગાડી ખાલી થઈ. પ્રિયંકા અને પદ્મજા બંને ને ગુલાબ આપી રૂપા પગે લાગી ત્યારે પ્રિયંકા લગભગ રૂપાને ભેટી જ પડી..ભાભી તું તો ફોટા કરતા રૂબરુમાં વધારે સરસ લાગે છે. અક્ષરનું તો ભાગ્ય જ ખુલી ગયું.રૂપા પ્રિયંકાનાં વર્તાવથી ખુબ સંકોચાઇ અને તરત જ પરિ પાસે પહોંચી ગઈ.તે પણ સરસ સજ્જ થઇને બેઠી હતી.
પ્રિયંકાએ વાત શરુ કરતા પહેલા બંને નણંદ ભોજાઇને ખુબ અભિનંદન આપ્યા અને કહ્યું “ મને જણાવતા આનંદ થાય છે કે હું અને ફોટોગ્રાફર પંડીત તમારા બંનેનાં ફોટા ભારતની મોટી કેલેંડર કંપનીમાં મોકલવા માંગીએ છે. તે સ્પર્ધામાં વિજેતા થઈશું તો મોડેલ તરીકે તમે પ્રસિધ્ધિ પામશો.અને ભારત માટેની બે ટીકીટ પણ મળશે.
મેઘા કહે “મારી બંને છોકરીઓ નાની છે મને અને જાનકી ને તેમના ભણતર ચિંતા છે. તેથી માફ કરજો.”