Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Tragedy

4.8  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Tragedy

ઠગારી 'આશા'

ઠગારી 'આશા'

6 mins
334


"આશા... તારી આંખોમાં સમાઈ જાઉં... જાણે ! એવું ફીલ થાય છે..."

"ધત્...."

"અરે, ગાંડી...ખરેખર કહું છું..."

"આંખોમાં તો આ સાગર સમાઈ શકે...આકાશ નહિ,.... હા..હા...હા"

આશાના મુક્ત હાસ્ય ઉપર આકાશ ઓળઘોળ થઈ ઊઠ્યો!!

નવા નવા વેવિશાળ થયેલ પંખીડાં આકાશ અને આશાનો આ સંવાદ દરિયા કાંઠાને વધુ રોમેન્ટિક બનાવી રહ્યો હતો. આંખોમાં આકાશ નહિ પણ દરિયો એટલે કે સાગર સમાઈ શકે તેવું મર્માળુ બોલીને આશા એ અંબોડો ખોલી રેશમી વાળ સાગર ઉપરથી આવતી માદક હવાઓ માટે છુટ્ટા મૂકી દીધા હતા..

આશાનો આજે જન્મ દિવસ હતો. 

***

વાત એવી છે કે, સૌરાષ્ટ્રના છેવાડાના ગામડામાં નજીકની જીનિંગ મિલમાં નોકરી કરી ગુજરાન ચલાવતા દિનેશ અને સવિતાની મોટી દીકરી એટલે આશા. પ્રથમ સુવાવડમાં દીકરી આવી અને સંસાર સુખની સઘળી આશા ઓ પૂરી કરશે એવી તમન્ના સાથે નામ પડ્યું હતું,'આશા' જો કે, તે પછી ત્રણેક વર્ષે સવિતા એ દીકરા કિશનને જન્મ આપી ગામડા ગામની કુટુંબની વ્યાખ્યા પૂરી કરી દીધી. ને મહેનતુ પરિવારનું ગાડું ગબડવા માંડ્યું હતું.

સમય વીતે આશા કાઠું કાઢી ગઈ, રૂપને રંગ ગામડા ગામનું મોંઘુ ઘરેણું થઈ પડ્યું હતું જાણે ! પાસેના શહેરમાં કોલેજના પ્રથમ વર્ષમાં દાખલ થયેલી આશા હવે ગામનાને શહેરના છેલબટાઉ યુવકોની આંખોનું આંજણ હતી. જો કે...ગરીબ ઘરની દીકરી આશાને ગામથી શહેર તરફ જતાં જોઈ રહેતા લોકો હંમેશા તેને નજર ઢાળીને જતી આવતી જોતા. આમ, દિનેશ દીકરી બાબતે નિશ્ચિંત હતો.

***

આધુનિક કલ્ચર, ટીવી ઉપરના ઘણા કાર્યક્રમોની અસર અને શહેરી રંગ ગામડામાં પણ પ્રવેશી ચૂક્યો હતો. ખરી રીતે તો ગામડાની પ્રજાને આ ઝાકઝમાળ કાંઈક વધું પ્રમાણમાં જ આજકાલ આંજી રહી હતી. દીનેશનું ગામડું પણ આમાંથી ક્યાં બાકાત હતું ! યુવાન થતી દીકરી માટે તેથી સ્તો મુરતીયો ગોતવાની મથામણ દિનેશે ચાલુ કરેલી.

"અલી...મમ્મી..! મારી હજુ ક્યાં ઉંમર થઈ છે...મને કોલેજ પૂરી કરવા દે ને !"

"મારી આશલી... આપણી જ્ઞાતિમાં વેવિશાળ એક બે વરસ વહેલું કરવાની પ્રથા છે એટલે...સામેના માણસોનું સારું નરસું ખાતરી થાય...સમજી ?"

"પણ..."

"જો... સાંભળ, મારી દીકરી સોનાની મુરત છે. એના માં કોઈ દાગ નથી. હું જાણું છું, પણ...બેટા જમાનો ખરાબ છે. જે કરીએ છીએ તે સારા માટે... અને તને પસંદ આવે તો જ પાક્કું કરશું ...બસ..!"

***

દીકરીના જીવતરનો સંગાથ નકકી કરવા દિનેશ મથવા માંડ્યો હતો. સમાજમાં ચાર એક ઠેકાણે માંગા નાખી જોયા. દર વખતે રૂપના જોરે આશા તો પસંદ થઈ જતી. પણ, એની પસંદગી સાથે એકેય મુરતીયો મેળ પાડી શક્યો નહિ. સમાજમાં પણ ગણગણાટ થવા માંડ્યો કે, દિનેશની દીકરીમાં એવા તો શું તારલા જડ્યા છે કે કોઈને પસંદ કરતી નથી ?

કોઈવાર મુરતિયાની ઊંચાઈ ઓછી પડે, કોઈવાર રંગ પાકો પડે ને કોઈ વાર મુરતિયા પાસે બાઇક કે ગાડી ના હોય. આવા જુદા જુદા કારણો આશાના નકારનું કારણ બનતા રહ્યા. ગરીબ બાપ થાક્યો. સવિતાએ ઘણું સમજાવી. છેવટે મનથી કે મન વગર, આશા આકાશ સાથે વિહરવા તૈયાર થઈ. આશા અને આકાશનું વેવિશાળ નકકી થયું.લગ્નની તૈયારીઓ પણ આરંભાઈ.

***

"આશાના બાપુ, મારા કરિયાવરમાં આવેલ બધા દાગીના આશાને શું કામ દેવા છે...પાછળ દીકરો નથી ?"

"સવિતા, આશા આપણું રાંકનું રતન છે. એના આવવાથી આપણા જીવતરમાં અજવાળું છે. દીકરો હજુ નાનો છે. હું હજુ...કમાઈ લઉં તેવો છું. દીકરા વખતે જોગ થઈ જશે. પણ, મારી આશુડીને તો ધામધૂમ થી જ વળાવિશ."

"હંધુય...બરાબર, પણ તમે તો નોકરીની બચતેય ઉપાડી લીધી. દીકરીને આટલા જોડી કપડાં અને જમણવારને ગરબાની ધમાધમ બહુ વધારે કરી નાખી.."

"કંઈ વાંધો નથી. સવિતા, મારી દીકરીને રાજી રાખવા જે થાય તે કરી છૂટિશ. ને આકાશ કુમાર પણ જોશે કે આશા આપણી કેટલી લાડકવાયી છે !"

***

લગ્નના એકાદ બે મહિના જ બાકી હતા. આજે આશાનો જન્મ દિવસ હતો.સવારે વહેલી ઉઠી મોબાઈલ પર વ્યસ્ત થઈને ખુશ દેખાતી હતી. દિનેશની લાડકી આજે અઢાર વર્ષની થઈ ગઈ હતી. ગરીબ દંપતીની આજે ખુશાલી બેવડાઈ હતી. આકાશ કુમાર વહેલી સવારે આવી પહોંચ્યા હતા આશાને જન્મ દિનની વધાઈ આપવા માટે !

થનાર જમાઈ એ જમી પરવારી ને સાસુની રજા માંગી અને બાઈક પર આશાને બેસાડી નજીકના મંદિરે દર્શન કરી ફરી આવીએ તેવું જણાવી આશાને લઈ બાઈક હંકારી મૂક્યું. આકાશકુમારની બાઈક પાછળ સંકોચાઈને બેસેલી આશાને જોઈ સવિતા મનમાં ને મનમાં મલકી ઊઠી હતી. વેવિશાળ પછી આકાશનું આ રીતે આવવું જવું સામાન્ય હતું.

આજે, ભવિષ્યના સુખી દામ્પત્ય જીવનના શમણાં સાથે જન્મ દિવસની ઉજવણીનો દરિયો સાક્ષી બન્યો હતો.

***

લગ્ન નજીક આવી રહ્યું હતું. દિનેશ અને સવિતા વધુને વધુ વ્યસ્ત બન્યા હતા. આ બાજુ આશા પણ અકળ અને અવ્યક્ત ભાવનાઓ લઈ અતડી અતડી ફરતી. થોડા દિવસો પછી લગ્ન હોવાથી યુવાન દીકરી પોતાના મા બાપ અને ઘર છોડી જવાના વિષાદમાં આમ અળગીને ઉદાસ રહેતી હશે. એવું સવિતા એ મન બનાવ્યું હતું. પણ, હમણાંથી કોલેજ જઈને ઘણીવાર વહેલી આવી જતી તો કોઈ વાર મોડી આવતી આશાનું વર્તન અને દિનચર્યા લગ્નની તૈયારીમાં વ્યસ્ત સવિતા અને દિનેશના ધ્યાનમાં ન હતું.

***

લગ્નના આઠ દિવસ હવે બાકી હતા. લગ્નની લગભગ બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. દિનેશ અને સવિતાએ સઘળી બચત અને આવડત દીકરીના લગ્નને દિપાવવા માટે લગાવી દીધી હતી. આજે સવારથી જ આશા મોબાઈલ પર વ્યસ્ત હતી. વારંવાર ઘરના પછવાડે દોડી જઇ મોબાઈલ ફોનમાં ગુસપુસ કરી લેતી. જમાઈ સાથે ગોષ્ઠિ કરતી હોવાનું માની સવિતા કામમાં પરોવાઈ હતી. 

"આશુ...દીકરી આ ડ્રેસ તો લગન પછી પહેરવા સિવડાવ્યો હતો..ને, આજે કેમ પહેર્યો ?"

"અલી મમ્મી, આજે મારે જાઉં છે બજાર...'એ' લેવા આવવાના છે ખરીદી માટે..., ને...આજે પહેરું કે પછી...ડ્રેસ તો પહેરવાનો જ છે ને..!"

"એમ, પણ દર વખતે તો જમાઈ અગાઉથી ફોન કરી અમારી સંમતિ લેતા, આજે આમ અચાનક...તને લઈ જવાના છે ?"

"શું તું પણ...મમ્મી, હવે..."

"વાંધો નથી બેટા, જમાઈ આવે તો ચા નાસ્તો કરી ને પછી નીકળો.."

"મુકવા આવે એટલે નાસ્તો કરાવીશું. અત્યારે તો એ આવે એટલે નીકળી જઈએ. પછી બહુ મોડું થઈ જાય"

"એ સારું...બેટા, સાચવી ને જઈ આવ, જમાઈ ને વધુ ખર્ચ ના કરાવતી."

"ના...ઉપરથી એમનો ખર્ચ ઓછો કરાવીશ ... જો જે..."

થોડી ક્ષણો વીતીને ઘર આગળ ફળિયામાં પૂરપાટ વેગે હેલ્મેટ પહેરી આવેલ બાઈક સવારની પાછળ દોડીને આશા બેસી ગઈ.  સવિતા દોડીને ઘરની બહાર જમાઈ ને આવકાર આપવા આવે તે પહેલાં બાઈક ફળિયું છોડી ચૂક્યું હતું. 

"બળ્યું...આવી શી ઉતાવળ ?...હેલ્મેટ પહેરી આવ્યા ને મોઢું પણ ના જોયું કે આવકાર આપવા પણ ના મળ્યો, જબરા ઉતાવળિયા છે આકાશ કુમાર...!" આવું બબડતી...સવિતા કામમાં પરોવાઈ ગઈ.

***

દિવસ પૂરો થવા આવ્યો હતો. ભેંસને શેર કાઢી દૂધ પણ ગામની ડેરીએ મોકલાવી દીધું. હજુ આશા અને આકાશકુમાર આવ્યા નહતા. ચિંતા કરતી સવિતા ડેરી થી ઘરે આવી. દિનેશ નોકરીથી આવી ગયો હતો.

"સવિતા, આશુ ક્યાં છે ? જમાઈ નો મારા પર ફોન આવ્યો. આશાનો ફોન લાગતો નથી એવું કહે છે...બોલાવ એને, મારા ફોનથી જમાઈ સાથે વાત કરી લે...એ જરા."

"હેં...? એ તો સવારની જમાઈ સાથે જ બજાર ગઈ છે.."

"તો જમાઈ કેમ આવું કહે છે? જમાઈ આવ્યા 'તા અહી ?"

"હા, તમારા નોકરી ગયા પછી આવેલા, ફળિયામાંથી જ દીકરીને બેસાડી લઈ ગયા.. હેલ્મેટ પહેરી હતી. હું આવકાર આપવા જાઉં તે પહેલાં તો બાઈક મારી મુકેલું.."

દિનેશ ચમક્યો...કાંઈક વિચારી રહ્યો. સવિતા બૂમ પાડી ઉઠી,


"કહું છું...જમાઈને ફોન લગાવો. એ કેમ, આવું કહે છે... આશા તેમની સાથે નથી ગઈ ?.....તો ?"

***

ગામમાં ચોરે ને ચૌટે રાતના મોડે સુધી વાત ફેલાઈ ગઈ. દિનેશની આશા બાજુંના ગામમાં દારૂ વેચવાનો ધંધો કરતા સાગર નામના રખડેલ સાથે ભાગી ગઈ હતી. થોડી દોડા દોડી પછી દિનેશને સવિતા લમણે હાથ દઈ ઘર વચાળે બેઠા હતા. નજીકના કુટુંબીઓ આવીને સાંત્વના આપવાની કોશિશ કે પછી વંઠેલ દીકરી માટે કયા પરિબળો જવાબદાર છે તેની વિદ્વતા પૂર્ણ ચર્ચા ગુસપુસ સ્વરૂપે કરતા હતા. 

આકાશ કુમારના ઉપરા ઉપરી ફોન દિનેશના મોબાઈલ પર આવી આવી ને પ્રત્યુતર વગર થાકી ને શમી ગયા હતા.

સાચે જ, આશા એ તેના દ્વારા જન્મદિને બોલેલ શબ્દો સાર્થક કર્યા હતા કે, તેની આંખોમાં તો સાગર સમાઈ શકે આકાશ નહિ.

દિનેશ અને સવિતાની 'આશા' ઠગારી નીવડી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy