Lalit Parikh

Drama Thriller

3  

Lalit Parikh

Drama Thriller

ત્રણ ત્રણ પેઢીઓના વારસદાર…

ત્રણ ત્રણ પેઢીઓના વારસદાર…

4 mins
7.4K


નાની જ ઉમરમાં રખડુ મિત્રો સાથે ભટકતા પોતાના સહુથી નાના લાડકા પૌત્ર ઉત્તમને પરીક્ષામાં, ધાર્યા પ્રમાણે નાપાસ થયેલો જોઈ, વયોવૃદ્ધ દાદા કનૈયાલાલે તેને પોતાના વેસ્ટ કોટનના બિઝનેસની નવી બ્રાંચ કન્દરાબાદ ખાતે ખોલી, ત્યાં એક નવો મુનીમકમ મેનેજર નીમી દઈ. ત્યાંથી પોતાનો ધીકતો, વેસ્ટ કોટન સપ્લાયનો ધંધો શરૂ કરી-કરાવી દીધો.ઓફિસ પણ એવી મળી ગઈ હતી, જેમાં ઓફિસની ઉપર બે રૂમ, રસોડું, બાથરૂમ ઇત્યાદિની પૂરી સગવડ -સુવિધા હતી. ઉત્તમભાઈ તેમાં જ રહી, નાહી – ધોઈ તૈયાર થઇ ઓફિસમાં આવી જતા. પાસેની જ એક સાઉથ ઇન્ડિયન હોટલમાંથી ઇડલીવડા, દોશા-ઉપમા, પોંગલ વી. ફરતું ફરતું નાસ્તા માટે ચા કે કોફી સાથે મંગાવી લેવામાં આવતું. મેનેજર મુકુન્દરાયની કંપનીમાં ચા-નાસ્તાને ન્યાય આપી તરત જ કામકાજ શરૂ કરી દેતા. નાનાશેઠ ઉત્તમભાઈ ફોન ફેરવી ફેરવી, સંપર્કો સાધી, ઓર્ડર મેળવતા રહેતા અને મુકુન્દરાય લોકલ મિલમાંથી વેસ્ટ કોટનનો માલ ખરીદી રિક્ષા, ટેમ્પો કે ટ્રકમાં તે માલ ઓર્ડર પ્રમાણે તે જ દિવસે પહોંચાડી, કલેક્શન પણ કરીને ઓફિસ પાછા આવી જતા. બેઉ બપોરે બંધાવેલું ટિફિન ખાઈ કરી પાછા કામે લાગી જતા. માલિક-મેનેજર બેઉ મિત્રોની જેમ સાથે જ સાથે રહેતા અને ક્યારેક સિનેમા પણ જોવા પહોંચી જતા. રંગીલા સ્વભાવના નાના શેઠને તે ક્યારેક ક્યારેક રાતે રંગીલી દુનિયાનો પણ અનુભવ કરાવવા હૈદરાબાદની મશહૂર ‘મેહબૂબકી મેહંદી’ માંપણ મુકુન્દરાય લઇ જતો.

મુંબઈમાં પિતા કનૈયાલાલને તેમના એક મિત્ર દ્વારા, લાડલા પૌત્રની રંગીલી હરકતોના સમાચાર મળતા જ, તેને મુંબઈ તેડાવી, જ્ઞાતિની કન્યા જીજ્ઞાસા સાથે રાજકોટ ખાતે તાત્કાલિક પરણાવી, તેને પુત્રવધૂ સાથે જ, સિકન્દરાબાદ મોકલાવી દીધો. તેને એક ત્રણ બેડરૂમનો ફ્લેટ પણ અપાવી દીધો. પેલા મેનેજર-કમ મુનીમ મુકુન્દરાય પણ પોતાની પત્ની પ્રિયાને તેડાવી ઓફિસની ઉપરના ઘરમાં રહેવા માંડ્યા. પ્રિયા સુરતમાં નર્સ હતી. અહીં આવ્યા પછી તેણે નર્સનો જોબ શોધવાનો પ્રયત્ન તો કર્યો; પણ ગુજરાતી માધ્યમમાં કરેલો કોર્સ કે ડીગ્રી અહીં કામ ન આવ્યા. સુરતમાં આઝાદ રહેલી, કમાતી-ધમાતી, ખર્ચાળ અને મનમોજી પ્રિયા ઓફિસની ઉપરના નાનકડા ઘરમાં મૂંઝાવા લાગી. આખો દિવસ ઓર્ડરો લેવામાં વ્યસ્ત પતિની બાંધી આવકમાં તે ગૂંગળાવા લાગી. એમાં ય અધૂરામાં પૂરું તેનો પતિ મુકુન્દ બોલેચાલે તેમ જ બીજી બધી રીતે મોળો અને ઠંડો માણસ હોવાથી તે મનોમન એક પ્રકારનો ઝુરાપો પણ અનુભવવા લાગી ગઈ. ત્યાં સુરતમાં તો એ ડોકટરો અને સુખી ઘરના પેશન્ટો સાથે બહુ જ છૂટથી વર્તવાની આદી હતી. દેખાવે પણ ગોરી ગોરી અને નમણી હોવાથી ત્યાં સુરતમાં તે સહુ કોઈની માનીતી માનીતી નર્સ હતી.

તેનું મન ઓફિસની બાજુમાં જ ફ્લેટમાં રહેતા નાના શેઠ ઉત્તમ તરફ ખેંચાવા લાગ્યું. યોગાનુયોગે ઉત્તમની પત્ની પિયર ગઈ ત્યારે એકલા પડી ગયેલા ઉત્તમને પોતાના ઘરે જ જમાડી પતિનો પગાર વધારવા માટે તેણે પોતાની મોહક રીતે સફળ પ્રયાસ કર્યો. મોળા સ્વભાવનો મુકુન્દ પોતે તો પગાર- વધારા માટે મોઢું ખોલવાની હિમત જ નહોતો કરી શકતો. શેઠે પગાર દોઢો કરી દીધો. મુકુન્દ ખુશ થયો કે વાચાળ પત્ની પ્રિયાએ તેનો પગાર તો સહજમાં વધારાવી દીધો. બપોરની ચા પણ પ્રિયા પ્રેમથી બનાવી નીચે ઓફિસમાં મોકલતી રહેતી. એક વાર મુકુન્દ પાસેના શહેર વરંગલ ઉઘરાણી માટે ગયેલો ત્યારે પ્રિયાએ પોતાનો જાદુ ચલાવી ઉત્તમને પત્નીની સાલતી ખોટની ભરપાઈ એવી તો સરસ રસભરી રીતે કરી દીધી કે ઉત્તમ પાણી- પાણી થઇ ગયો. ખુશ થઇ તેણે તેને એક ગુલાબી નોટ ભેટ આપી તેને રાજી રાજી કરી દીધી. આદાન- પ્રદાનના મોકા મળતા રહ્યા અને ઉત્તમ-પ્રિયાનો પ્યારનો સિલસિલો મૂવીઓમાં આવે છે તેમ ચાલતો રહ્યો. રાજીખુશીનો સંબંધ વધતો ગયો. મુકુંદને ગંધ પણ ન આવી એમ તો નહિ જ; પણ તેણે આમાં પૈસાની સુગંધ જ અનુભવી. કાયમ નારાજ રહેતી પ્રિયાને હવે ખુશખુશાલ રહેતી જોઈ તે પણ ખુશ જ થવા લાગ્યો. પૈસાનો પ્રભાવ પણ જોવા જેવો જ.

એવામાં નાના શેઠ ઉત્તમ, પત્નીને તેડવા છેક રાજકોટ સુધી સાસરે ગયા ત્યારે મોટા શેઠ કનૈયાલાલ, વેપાર- ધંધો સાચવવા, ઉત્તમની ઓફિસ સંભાળવા ત્યાં આવી ગયા ત્યારે “નાના શેઠની જેમ અમારા ઘરે જ જમતા રહેશો તો અમને સેવાનો લાભ મળશે અને આપને હોટલનું જેવું તેવું ખાવું નહિ પડે “એમ કહી પ્રિયાએ મોટા શેઠને પ્રેમાગ્રહ કરી પોતાની સ્વાદિષ્ટ રસોઈના પ્રેમી બનાવી દીધા. પછી તો અમૂલ્ય અવસર હાથમાંથી જવા દે એવી તો પ્રિયા હતી જ નહિ. પ્રૌઢાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા તરફ જઈ રહેલા દાદા કનૈયાલાલ જોતજોતામાં પ્રિયાની મનમોહક ચાલમાં આવી ગયા અને તેમને ભેટી ભેટી, ખુશ ખુશ કરતી રહી, પ્રિયા ગુલાબી નોટોની ભેટો મેળવતી રહી. ઉત્તમ શેઠ પાછા આવતા જ મોટા શેઠ મુંબઈ ચાલ્યા ગયા; પણ ધંધો વધુ વિકસાવવા ઉત્તમના પિતા મનસુખલાલને ત્યાં થોડા સમયમાં મોકલ્યા તો પ્રિયાએ તેમને પણ પોતાની માયાજાળમાં મોહી લીધા અને ગુલાબી નોટો પ્રિય ભેગી કરતી ગઈ, કરતી જ ગઈ, કરતી જ રહી.

એવામાં જ પ્રિયા પ્રેગ્નન્ટ થઇ અને યોગાનુયોગે તેણે ત્રેલડા પુત્રોને જન્મ આપ્યો તો પોતે નર્સ હોવાથી ડી.એન.એ.નો ટેસ્ટ કરાવી તેણે પુરવાર કરાવ્યું કે આ ત્રણેય બાળકો શેઠ કનૈયાલાલ, તેમના પુત્ર મનસુખલાલ અને પૌત્ર ઉત્તમથી જ જન્મેલા છે. ત્રણ ત્રણ પેઢીના વારસદારો બનીને જન્મેલા આ બ્રહ્મા વિષ્ણુ મહેશે શેઠ કનૈયાલાલને પાછલી ઉમરમાં થડકાવી દીધા, ગભરાવી દીધા, મૂંઝવી દીધા. આબરૂ બચાવવા ગુલાબી નોટોના બંડલના બંડલ પ્રિયા અને મુકુન્દરાયને આપી, તેને છુટ્ટો કરી, કાયમી છુટકારો મેળવી, બધું ભીનું સંકેલી, શેઠ કનૈયાલાલે વિચિત્ર હાશકારો અનુભવ્યો. કોઈ કરતા કોઈને પણ નામનોય જાણોવાણો થાય નહિ એ માટે બેઉને સુરત ભેગા જ કરી દીધા.

ત્રણ ત્રણ પેઢીઓના વારસદારો સુરત ભેગા થઇ ગયા અને ત્રણ ત્રણ મોહમાયામાં ફસાયેલા વેસ્ટ કોટનના શેઠિયાઓ ‘તેરી ભી ચુપ ઔર મેરી ભી ચુપ’ની નીતિ અપનાવી મૌન વ્રત પાળતા થઇ ગયા.

(અર્ધ સત્ય કથા )


Rate this content
Log in

Similar gujarati story from Drama