તોરણ કબાટ લેમ્પશેડ
તોરણ કબાટ લેમ્પશેડ
આજે મુખ્ય દરવાજા પર લગાડેલા મને એટલે કે તોરણને બહુ દુ:ખ થયું. આમ આ કપરા સમયમાં લગભગ કેટલાય સમયથી કોઈની આવનજાવન તો રહી જ નથી. માંડ આજે એક ડોરબેલ રણકી. મને તો ખબર જ હતી કે બારણે કોણ છે પણ માલતીબેન અચંબાભેર આવ્યાં.
“કોણ ?”
“હું.”
બારણું ખોલીને માલતીબેન નિરાશ થયાં હોય એવું મને કેમ લાગ્યું !
ત્યાં તો બારણે ઉભેલા આગંતુકે બે હાથ જોડીને કહ્યું,“બેન ! હું ભિખારી નથી હોં ! રોજનું રોજ કમાઈ ખાતો મજૂર છું. પણ આ કસોટીકાળમાં કામના અભાવે રખડવું પડે છે. જાનનું જોખમ છે તોય શું કરું ?”
“તો હું શું કરું ?”
“બેન મારી દીકરી નાની છે. એને કાંઈક ખાવાનું આપો તો ઉપકાર.”
“અરે ! એમ હાલ્યા આવતા બધાયને આપશું તો અમે શું ખાશું ! અને જો ભઈ આ સમયમાં અમારેય કોઈ પૈસાનાં ઝાડ નથી. લે આ દસ રૂપિયા અને જા હવે.”
આગંતુક નિરાશ વદને વિદાય થયો.
અને...મારી નજર બેબીબેનના રૂમમાં પેલા દુ:ખમિશ્રિત ગુસ્સા સાથે મારી સામે તાકી રહેલા કબાટ પર પડી. એની આંખ રીતસર મૌન આક્રોશ વ્યક્ત કરી રહી હતી. “બેબીબેન મસ્તીથી રમે છે. રોજ તોડફોડ કરે, રિપેરીંગના ખર્ચા થાય છે. કબાટમાં લાખો રૂપિયા જમા છે.”
“હા ભઈ કબાટ તારી વ્યથા હું સમજું છું.”ત્યાં તો મોંઘા લેમ્પશેડે આંખ કાઢી.
“પોતાના માટે તો સહુ ખરચે. આ અમને શોભામાં ગોઠવવા કેટલા પૈસા વાપર્યા ? અને પેલો વખાનો માર્યો બારણે આવીને ઊભો હતો એને દસની નોટ જેમાં શું એ ખાશે અને શું એની દીકરીને ખવડાવશે !”
અને નજરથી અફસોસ વ્યક્ત કરી કરીને ઘર શાંત થઈ ગયું.
