ચતુર કરો વિચાર:તો..ભગવાન રૂઠે!
ચતુર કરો વિચાર:તો..ભગવાન રૂઠે!
"માનનીય સાહેબ શ્રી તથા કચેરીના કર્મચારી મિત્રો. સૌનો ખૂબ ખૂબ આભાર. ! વિજયનગર વિસ્તારના નાનકડા ગામડાથી આ શહેર સુધીની સફર ખેડી આજે જિલ્લા કચેરીના વડા અધિકારીના મુખ્ય સેવક તરીકે ફરજ બજાવી વય નિવૃત્ત થઈ રહેલ ગણેશ ભાઈને તેમના નિવૃત્ત જીવન માટે શુભ કામના સાથે આજનો આ કાર્યક્રમ પૂરો કરીએ. "
માઈક પર બોલાયેલ આ શબ્દોના અંતે તાલીઓના ગડગડાટ થી કચેરીનો મિટિંગ હોલ ગુંજી રહ્યો અને ગણેશ આ હોલમાં તેના વય નિવૃત્તિ વિદાય સમારંભમાં આવેલ તમામ કર્મચારીઓ નું અભિવાદન સ્વીકારતો મિટિંગ ના અધ્યક્ષ સ્થાને રહેલ વડા સાહેબને પ્રણામ કરી વિદાય માંગી રહ્યો. !
***
વય નિવૃત્તિના સમારંભની સરભરા પામી ફરજનો છેલ્લો દિવસ પૂરો કરી ગણેશ સાડા સાતની લોકલ એસ. ટી. બસમાં ગામ તરફ રવાના થયો.
આજે બસમાં ઠીક ઠીક ભીડ હતી.. મહા પ્રયત્ને ગણેશને ત્રણની સીટમાં એક જગ્યા મળી. આજે નિવૃત્તિ નિમિતે મળેલ ભેટના ખોખા ને પરબીડિયા સાચવતો.. બારી ની બહાર જોતો, જાણે હજુ હમણાં જ નોકરીએ લાગ્યો હતો ને એટલામાં આ સફર પૂરી થઈ ગઈ ? એવું મનમાં વાગોળી રહ્યો હતો.
અચાનક, બસની બ્રેક નો ચિરપરિચિત અવાજ થયો..ને મુસાફરો ને લેવા આગળના સ્ટેન્ડ પર ઊભી રહી..
એક વૃદ્ધ અને આઠ દસ વર્ષનો બાળક સાથે બસમાં ચડ્યા. મુસાફરોથી ખચોખચ બસમાં એ વૃદ્ધ માંડ માંડ પોતાનું સમતોલન જાળવી શકતો હતો એ ગણેશની આંખોથી અછતું ના રહ્યું.
" કાકા, અમે ત્રણે થોડા સંકડાઈએ, તમે બેહી જાઓ..અહીં"
ગણેશનો વિવેક કામે લાગ્યો બે બીજા બે મુસાફરો પણ થોડા ભીંસાઈ ને એ વૃદ્ધ માટે જગ્યા કરી રહ્યા.
બધાના આશ્ચર્ય વચ્ચે..વૃદ્ધે પોતાના પોતરા ને બેસાડ્યો ને પોતે ઘણા પ્રયત્ને ટેકા પકડી ઊભો રહ્યો ને ગણેશની સામે જોઈ બોલી પડ્યો.
" સાયેબ, એનો બાપ વે'લો થઈ ગ્યો પણ મું બેઠો સુ ત્યાં લગ ઇને દખ પડવા દવ તો ભગવાન રૂઠે. !"
એ વૃદ્ધના શબ્દો ગણેશના હૈયાને પલાળી રહ્યા..ને છેલ્લા શબ્દ " ભગવાન રૂઠે !" કાને પડતાં જ તેનું મન ભૂતકાળના ચકરાવે ચડ્યું.
***
ગણેશ ને હજુ યાદ છે. એ કિશોરવયના દિવસો અને પિતાના અકાળે અવસાનથી શૂન્યતાના સાગરમાં હાલક ડોલક થતી જીવન નૌકા કેવી રીતે સ્થિર થયેલી.
નાના ભાઈનું અકાળે અવસાન થતાં મોટા કાકા દિત્તું એ ગણેશને પોતાનો ત્રીજો દીકરો ગણી કાંખ માં લીધેલ.
વાવણી ની સીઝનમાં દિત્તુ નું હળ પહેલા ગણેશના ખેતરમાં ચાલે પછી તેના પોતાના ખેતર ખેડે.
ગણેશ આ બધી જવાબદારી વચ્ચે પણ કાકાના સાથ અને હૂંફ થી નવમા ધોરણ સુધી ભણ્યો..પછી ખેતીમાં જોતરાઈ ગયો.
દરમ્યાનમાં, સરકારે નાના ગામડા ને સિંચાઈથી જોડવા કેનાલ નું કામ કાઢ્યું ને તે બરાબર કાકા દીત્તું ના ખેતરના વચ્ચે થી કેનાલ મૂકવા સંપાદનની ગતિવિધિ સરકારી ચોપડે થવા પામી.
સરકારે સંપાદનની જમીન ના બદલે ઊંચા ભાવે રૂપિયા અથવા ઘરના એક માણસને સરકારી નોકરી..એવું નક્કી કરેલું ને ગણેશનો સિતારો ચમક્યો.
" દિતું, જમીન તારી જાય સ...તો નોકરી તારા મોટાને મુક ને ! જમીન ગણેશિયા ની ક્યાં સ તે..?"
" જો હાંભળ મણા, મારા સોકરા ઓ હારું હું બેઠો સુ....હજુ , પણ, ઇનું કોણ..?. એ સુખી થહે તો કાલે મને જ ટેકો દેહે. મારા બેઠા ઇને દુઃખ પડે તો મારો ભગવાન રૂઠે !"
દિતુંએ ગામ લોકોની કે સરકારી સાહેબની પણ વાત ના સાંભળી ને ગણેશને નોકરી મળે તે માટે સંમતિ ને અરજી તાલુકે ઓફિસે આપી ને સંપાદનના ઓર્ડર માટે હકારો ભણ્યો તે ભણ્યો.. જ !
***
કાળનો પ્રવાહ પલટાયો. ગણેશ સેવકની નોકરી લાગ્યો. ને જીવતરના વાયરા વહેતા ચાલ્યા.
આ બાજુ,
દિતું ને કુદરતે થપાટે લીધો. એક દીકરો જીવલેણ બીમારીમાં સપડાયો ને, દિતુ ના ખેતરો દવાખાને જાણે ગીરવી મુકાયા. !
બીજી બાજુ પત્ની બાળકો સાથે કિલ્લોલતું જીવન ગણેશ માણી રહ્યો હતો. .કાકાના દુઃખમાં સહભાગી થવાની ઘણી ઈચ્છા છતાં પત્નીનો કકળાટ આડે આવતો રહ્યો ને દિતુંના ખોરડાંનો ખમકાર વ્યાજ અને દવાના ચક્કરમાં ઓસરવા લાગ્યો.
કહે છે ને કે સુખ લાવે મોટાઈ ને દુઃખ લાવે અદેખાઈ. આવું ના થાય તો જ નવાઈ !
દિતું ના નાના દીકરાના મનમાં ઉપજેલી અદેખાઈ અને ગણેશની પત્નીમાં જન્મેલી મોટાઈ એ બંને કુટુંબના રસ્તા જુદા કર્યા.
ગણેશના બે મેડીઓવાળા બનાવેલ મકાન સુધી જવાનો રસ્તો દિતું ના ખોરડાં આગળથી જ જતો હતો. પણ, જ્યારે ગણેશ ત્યાં આગળથી નીકળે તો ઘર આગળ ખાટલે બેઠેલા કાકાની બીડી નો ધુમાડો પોતાના શ્વાસમાં જતો રહેશે તો. ? એવા ભાવથી જ જાણે આડું જોઈ લેતો, ને પરવશ વૃદ્ધ કાકો એકટિશે જોયા કરતો.
આ અબોલા આજ પર્યંત રહ્યા..
***
એકાએક, બસ બ્રેક નો આંચકો ખાઈ ગઈ. માંડ ઊભો રહેલ વૃદ્ધ ગબડી પડતા રહી ગયો. બીજા મુસાફરોએ પકડી લીધો..!
આ ધમાધમ ગણેશની વિચાર યાત્રાને બંધ કરી ગઈ પણ. જાણે અંતરના બંધ કમાડ ખોલી ગઈ. ધીરેથી પોતાની જગ્યાએ થી ઊભો થયો ને બોલ્યો:
" કાકા, ઘણું ઊભું રહ્યા. હવે આંહી મારી જગ્યાએ બેહો. હું ઘણું બેઠો. હવે બેહવાનો વારો તમારો સે !"
બસ રાતના અંધકારમાં પણ જાણે લીલીછમ વનરાજી વચ્ચે ગતિ કરતી પોંખાઈ રહી હતી.
