થશરનું રહસ્ય ભાગ ૩
થશરનું રહસ્ય ભાગ ૩
સમયગાળો : વર્ષ ૨૦૧૪ , ડિસેમ્બર
સ્થળ : પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ
નીલકંઠે કહ્યું સર સાંભળવામાં થોડું અજુગતું લાગશે પણ પૃથ્વી પર આપણે એકલા પૃથ્વીવાસી નથી રહેતા. આપણી વચ્ચે એલિયનો પણ રહે છે જે જુદા જુદા કારણોસર પૃથ્વી પર આવ્યા છે. હજી સુધી તો તેઓ શાંતિપૂર્વક અને ગુપ્તતાથી રહી રહ્યા છે પણ આગળ કોણ શું કરશે તેની કોને ખબર ? ખેદની વાત એ છે કે તે વિશે કોઈને જાણકારી નથી.
પ્રધાનમંત્રીશ્રી ધ્યાનપૂર્વક બધું સાંભળી રહ્યા હતા. તેમણે એકવાર પણ નીલકંઠને ટોક્યો ન હતો. તેણે કહ્યું અને આના સગડ મને નાસામાં નોકરી કરતી વખતે મળ્યા. એવી ઘણી બધી વિચિત્ર ઘટનાઓ મને અને મારી ટીમને ધ્યાનમાં આવી જયારે કોઈ અજાણ્યું સ્પેસશીપ પૃથ્વી પર લેન્ડ થયું હોય પણ અમે કોઈ સાબિતી આપી શકીયે એમ નહોતા કારણ તે સ્પેસશીપોની સ્પીડ બહુ વધારે હતી અને જે એક બે ફોટોગ્રાફ લીધા તે નાસાના ડાયરેક્ટરે જાહેર કરવાની ના પડી. તે પછી હું નાસામાંથી નોકરી છોડીને ભારત પાછો આવી ગયો અને એવી ઘટનાઓ શોધતો રહ્યો જે રહસ્યમય હોય અને જેમાં એલિયનોનો હાથ હોઈ શકે અથવા હાજરી હોઈ શકે.
પ્રધાનમંત્રીશ્રીએ પહેલો પ્રશ્ન કર્યો એટલે તમે કહેવા માગો છો કે ભારતમાં પણ એલિયનો વસે છે. નીલકંઠે હકારમાં માથું હલાવ્યું અને કહ્યું મારો અભ્યાસ અને ડાયરી અને ફાઈલમાં લખેલી ઘટનાઓ તેજ દર્શાવે છે. પ્રધાનમંત્રીશ્રીએ પૂછ્યું આપ સરકાર પાસેથી શું ઈચ્છો છો ? નીલકંઠને આ પ્રશ્નથી થોડી નવાઈ લાગી કારણ આ પહેલા બધાએ સાબિતીજ માગી હતી. તેણે કહ્યું હું એક એવો ડિપાર્ટમેન્ટ ઉભો કરવા માગુ છું જે એલિયનોની ગતિવિધિ પર નજર રાખે જેથી આગળ જતા આપણા દેશને નુકસાન ન થાય. પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું એવો ડિપાર્ટમેન્ટ તો બનાવી શકાય પણ જો એવું જાહેર કરવામાં આવે કે એલિયનો આપણી વચ્ચે રહે છે તો હાહાકાર મચી જાય, તે ઉપરાંત લોકો એક બીજાનો ભરોસો ખોઈ નાખે કે કદાચ સામેવાળી વ્યક્તિ એલિયન હોઈ શકે ? નીલકંઠનો ચેહરો પડી ગયો.
પ્રધાનમંત્રીશ્રીએ પોતાના ચેહરા પર ચિરપરિચિત સ્મિત લાવીને કહ્યું એક કામ કરો હું તમને ડિપાર્ટમેન્ટ બનાવવાની પરમિશન આપું છું પણ તે ડિપાર્ટમેન્ટ જાસૂસી ખાતાની જેમ ગુપ્તતાથી કામ કરશે અને જાહેરમાં કોઈ હોબાળો નહિ કરે. તમને જોઈતી પાવર, હથિયારો અને આધુનિક ઉપકરણો સરકાર આપશે, તે ઉપરાંત કોઈ જરૂરત હોય તો કહેજો. પણ તમારા ડિપાર્ટમેન્ટને ફક્ત એક વર્ષની પરમિશન આપું છું અને જો તે દરમ્યાન તમે સાબિત નહિ કરી શક્ય કે એલિયનો આપણી વચ્ચે વસે છે તો હું ડિપાર્ટમેન્ટ બંધ કરી દઈશ. તેમના અવાજમાં નમ્રતાની
સાથે આદેશનો રણકો હતો જે દેખાડતો હતો કે તે મજબૂત મનોબળની વ્યક્તિ છે. નીલકંઠની વર્ષોની મહેનત આજે સફળ થઇ હતી. તેને આશા ન હતી કે પહેલીજ મિટિંગમાં ફક્ત પાંચ મિનિટમાં ડિપાર્ટમેન્ટની મંજૂરી મળી જશે.
પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું તમે તમારી ડાયરી અને ફાઈલ મુકતા જાઓ હું અધ્યયન કરીને કાલે પછી આપી દઈશ. બાકી તમારી પરમિશન અને તમારે ટીમ બનાવવી હશે તે માટે તમે અમિત દુલાજી ને મળી લેજો તે તમારી મદદ કરશે અને લિસ્ટ ફાઇનલ થઇ જાય એટલે મને દેખાડજો એમ કહીને તેમણે બે હાથ જોડ્યા જે મિટિંગ પુરી થયા હોવાનો સંકેત હતો. નીલકંઠ ઉભો થયો અને ઓફિસની બહાર આવ્યો, તેને હજી લાગી રહ્યું હતું કે આ કોઈ સપનું છે. બહાર નીકળીને તેને સચિવોની લિસ્ટ જોઈ અને અમિત દુલાનું નામ શોધી કાઢ્યું અને બે દિવસ પછીની એપોઇન્ટમેન્ટ લીધી.
એક મહિનાની મહેનત ને અંતે ચાર નામો ફાઇનલ થયા નિખિલ, અવની, શ્રીધર અને પરાગ. નિખિલ અને પરાગ મિલિટરી સ્કુલના વિદ્યાર્થીઓ હતા જયારે શ્રીધર ખગોળ વિજ્ઞાની હતો જયારે અવની જીવવિજ્ઞાની હતી. અવનીનો બુદ્ધિમત્તા અંક બહુ ઊંચો હતો. તેણે જેટલી પરીક્ષાઓ પાસ કરી હતી એટલી બાકીના ત્રણેય જણે મળીને પણ કરી ન હતી. તે હંમેશા પુસ્તકોમાં ખોવાયેલી રહેતી અને કોઈ સાહિત્ય તેનાથી અછૂતું ન હતું. દેશવિદેશના લેખકોના પુસ્તકો અને કોલમો રસપૂર્વક વાંચતી. નિખિલને વાંચનનો શોખ ખરો પણ તે કામ પૂરતો. તે પોતાના સિલેબસની બહારનું કઈ પણ વાંચતો નહિ. તેને કોઈ પણ ઉપકરણના ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ વાંચવાનો શોખ હતા અને તે બધા તે યાદ પણ રહી જતા. તે પોતાનો ખાલી સમય જીમમાં ગુજારવાનું પસંદ કરતો તેથી તે એકદમ ફિટ અને તંદુરસ્ત હતો. પરાગ માર્શલ આર્ટમાં નિપુણ હતો પણ તેનો ક્રોધ તેના કાબુમાં ન હતો. જયારે શ્રીધર આ બધાથી જુદો પડતો હતો તેને ફિલ્મોનો શોખ હતો અને સમય મળે એટલે તે તરત ફિલ્મ જોવા બેસી જતો, જુદી જુદી ફિલ્મોના ડાયલોગ તેને કંઠસ્થ હતા ઉપરાંત તે જુદા જુદા કલાકારોની મિમિક્રી પણ સરસ કરતો. પણ તેના એક ગુણ વિષે તેના સાથીદારો વધુ જાણતા ન હતા તે હતી તેની એનાલિસિસ પાવર. તે જુદી જુદી ઘટનાઓનું વિશ્લેષણ કરીને આખો ડેટાબેઝ તૈયાર કરતો અને તેનું ગ્રાફિકલ પ્રેઝેન્ટેશન તૈયાર કરી શકતો. તેની એનાલિસિસ કરવાની શક્તિને લીધેજ તેને આ નોકરી મળી હતી. ચારેય જણ પોતપોતાની રીતે સક્ષમ હતા અને અદ્દભુત પણ નીલકંઠે જયારે તેમને સિલેક્ટ કર્યા અને તેમને તેમના કામ વિષે વાકિફગાર કર્યા ત્યારે તેઓ માનવા તૈયાર ન હતા કે એવો કોઈ ડિપાર્ટમેન્ટ કે કોઈ કામ હોઈ શકે. પણ જયારે પ્રધાનમંત્રીશ્રીની હાજરીમાં તેમની ગુપ્તતા પાળવાની શપતવિધિ પાર પાડવામાં આવી ત્યારે તેમને વિશ્વાસ બેઠો.
ક્રમશઃ