તડકો
તડકો


એક નાનકડા ગામમાં એક ગરીબ પરિવાર રહેતો હતો, જેમાં પતિ-પત્ની, એક 6 મહિનાનું બાળક, સાસુ-સસરા રહેતાં હતાં.
આવતાં મહિનાથી ચોમાસુ શરૂ થતું હોવાથી રાજીવ ઘરનાં છાપરા પર ચડીને નળીયા ચાળી રહ્યો હતો, સવારથી જ રાજીવ આ કામે લાગી ગયો હતો, ધીમે - ધીમે દિવસ વીતવા લાગ્યો, સૂરજ એકદમ માથાં પર આવી ગયેલ હતો, આથી રાજીવને તેના પિતા કરશનભાઈએ જમવા માટે એક બૂમ લગાવી, પરંતુ બૂમ લગાવ્યાના અડધી કલાક સુધી રાજીવ નીચે આવ્યો નહીં...આથી કરશનભાઈએ ફરી પોતાનાં પુત્રને નીચે બોલાવવા માટે બૂમ પાડી...આમ કરશનભાઈએ બે ત્રણ બૂમ પાડી હોવા છતાં પણ રાજીવ નીચે ના આવ્યો...આથી કરશનભાઈએ થોડુંક વિચારીને ઘરમાં ગયાં.
થોડીવાર બાદ રાજીવનો છ મહિનાનાં છોકરો કે જે ઘોડિયામાં સુતેલ હતો, તેને ઘોડિયા સહિત ઘરની બહાર લઈને આવ્યા, અને ઘરનાં ફળિયામાં મૂકી દીધો.
આ જોઈ રાજીવ તરત જ નીચે આવ્યો, અને કરશનભાઈને ઠપકો આપવાં લાવ્યો,
"પપ્પા ! શું ! તમે પણ ગાંડપણ માંડ્યું છે....મારા દીકરાને આવી રીતે તડકામાં રાખ્યો તો તેને તડકો લાગી જશે...અને બીમાર પડી જશે..!" - રાજીવ ગુસ્સા સાથે બોલ્યો.
"બેટા ! તને જેવી રીતે તારા છોકરાની ચિંતા છે, તેવી જ રીતે તું પણ મારું જ સંતાન છો..જેમ તારા બાળકને તડકો લાગે અને એ બીમાર પડી જાય, તેવી જ રીતે તને તડકો લાગી જાય, અને તું બીમાર પડી જાય એવી ચિંતા મને સતાવે છે.....જેટલો પ્રેમ તું તારા સંતાનને કરે છો એટલો જ પ્રેમ હું તને કરું જ છું...હું નહીં પરંતુ દુનિયાનો કોઈપણ બાપ પોતાના સંતાનને પ્રેમ કરે જ છે...પછી ભલે તે દર્શાવી ના શકે કે જણાવી ના શકે....!" - કરશનભાઈ આંખોમાં આંસુ સાથે બોલ્યાં.
"પપ્પા ! મારી ભૂલ મને સમજાય ગઈ...!" - આટલું બોલી રાજીવ પોતાનાં પિતાને પ્રેમપૂર્વક ગળે વળગી પડ્યો.