તડકો - પડછાયો
તડકો - પડછાયો
"લો, આ તડકો આવ્યો ને પાછળ પડછાયો પણ લેતો આવ્યો". રાહુલે મોટેથી કહ્યું ને બધા જ સાથે રહેલા છોકરાઓ ખિખિયાટા કાઢીને હસવા લાગ્યા. આ સાંભળતા જ લાવણ્યા ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ ને રાહુલને જવાબ આપવા જતી હતી, ત્યાંજ લિપીએ તેને રોકી લીધી," શું દીદી ? તમે પણ, આ બધાનું તો રોજ નું થયું, હાથી પાછળ કૂતરાં તો ભસ્યા જ કરે ને ?". આખા એરિયામાં લાવણ્યા "તડકો" તરીકે ઓળખાતી હતી, એનું કારણ હતું એનો તુમાખી ભર્યો સ્વભાવ. ઊંચી ઘઉંવર્ણી કાયા, વાંકડિયા વાળ ને કોઈ હિરોઈન જેવી જ ચાલ. લાવણ્યાથી ચાર વર્ષ નાની એની બહેન લિપિ સંગેમરમર જેવી ગોરી, ઘાટીલી, નાજુક. લિપિ લાવણ્યા કરતા ઊંચાઈમાં નીચી હતી. નાનપણથી જ સ્વભાવે ઋજુ લિપિ કોઈની સામે, શું લાવણ્યાની સામે પણ ઊંચા અવાજે વાત નહોતી કરતી. આથી જ આખા ઘરમાં લાવણ્યાનું એકચક્રી શાસન ચાલતું હતું.
લાવણ્યાએ તો નક્કી જ કરી લીધું હતું કે એને પરણનાર છોકરો, દેખાવડો, એન્જિનિયર કે ડોક્ટરની ડિગ્રી સાથે એકનો એક અને કરોડપતિ નહિ તો લાખોપતિ તો હોવો જ જોઈએ. પણ હવે વારંવાર પોતાની મમ્મીની જીદને લીધે ૨૭ વર્ષે પહોંચેલી લાવણ્યાએ થોડી છૂટછાટ મૂકી કે છોકરો એક નો એક નહિ હોય તો ચાલશે પણ બીજી ત્રણ ખૂબી તો જોઈશે જ. "હા, લિપિ તો બટકી છે તો એને તો કોઈ પણ ચાલી જશે, પણ મારે નહિ."
એવામાં દુબઈથી લાવણ્યાનાં પપ્પાના મિત્રનાં ઓળખીતાનો પુત્ર છોકરી જોવા આવ્યો, અંશુલ એન્જિનિયર હતો ને દુબઈમાં સારું એવું કમાતો હતો. અંશુલ - લાવણ્યાની મિટિંગ થઈ, વાત વાતમાં અંશુલે પૂછ્યું કે," ભવિષ્યમાં જો કદાચ ઇન્ડિયા પાછા આવી ને મમ્મી - પપ્પા સાથે રહેવાનું થાય તો તમને ફાવશે ને ?" અને લાવણ્યાએ આ સાંભળતા જ રોકડું પરખાવી દીધું.
અંશૂલે લિપિ ને પણ જોઈ જ હતી, આથી તેણે લાવણ્યાનાં પપ્પાને લિપિ સાથે મીટીંગ કરવાની ઈચ્છા દર્શાવી. લાવણ્યાની અનિચ્છા છતાં, લિપિ ને અંશુલની મીટીંગ થઈને અંશુલ - લિપિ એકબીજા ને પસંદ પડી ગયા. બંનેનું નક્કી થઈ ગયું. અંશુલ - લિપિનાં લગ્ન લાવણ્યાનાં લગ્ન નક્કી થાય ત્યારે જ કરવાનું નક્કી થયું.
પોતાના કપડાં પણ લાવણ્યાની પસંદ વગર ના ખરીદી શકતી લિપિને લગ્નનો નિર્ણય જાતે લીધેલો જોઈ ભડકી ઉઠેલી લાવણ્યાને લિપિએ ખાલી એટલું જ કહ્યું કે ," દીદી, પડછાયો હંમેશા તડકાની પાછળ જ રહે તેવું ન માનવું."
