Mariyam Dhupli

Children Others

4  

Mariyam Dhupli

Children Others

તાવીઝ

તાવીઝ

8 mins
14.7K


"તો જે રીતે આપણે જોયું. અહીં આ તાવીઝ ફક્ત એક કાળો દોરો કે કાપડમાં લપેટાયેલું માદળિયું નથી, લોકો માટે એ એમનું સુરક્ષા કવચ છે. શિક્ષણનો અભાવ અને ગરીબીના મોજાંઓમાં તણાતા આ શરીરો ચુસ્ત પણે માને છે કે એમના જીવનમાં કોઈ પણ માંદગી હોય, કોઈ પણ સમસ્યા હોય કે કોઈ પણ અણધારી અથવા અણગમો વાળી પરિસ્થતિ, એમના ગળામાં લટકાયેલી તાવીઝમાં દરેક સમસ્યાનો ઉકેલ છે. દરેક પરિસ્થતિમાં એમને સુરક્ષિત રાખતી એ એક જીવાદોરી છે. આપણે આજે અન્ય ગ્રહો ઉપર પહોંચી રહ્યા છીએ ત્યારે આપણીજ પૃથ્વીના આવા કેટલાક અંધારિયા ખૂણાઓ પણ છે જ્યાં વિજ્ઞાન અને તર્ક હજી પહોંચી શકવા સમર્થ થયું નથી,

હું લ્યુસી,

અમેરિકાની પ્રખ્યાત ડોક્યુમેન્ટરી ચેનલ 'અનસીન વર્લ્ડ' તરફથી આપને અલવિદા પાઠવું છું."

મારી ડોક્યુમેન્ટરીનું આખરી રિકોર્ડિંગ હતું એ.

મારી સામે ઉભેલ આઠ વર્ષનો એ છોકરો મારા દરેક શબ્દને મોઢું ખુલ્લું રાખી ધ્યાનથી સાંભળી રહ્યો હતો. અર્ધનગ્ન શરીર ઉપરની એની તાવીઝ ખુલ્લી છાતી ઉપર દરરોજની જેમ સુરક્ષા કવચ બની ગર્વથી લટકી રહી હતી. મારી અંગ્રેજી ભાષામાં કશી ગતાગમ પડી ન હતી, એ એની વિસ્મિત પહોળી આંખો સ્પષ્ટ કહી રહી હતી.

મારી જોડે ઉભા કેટલાક વિદ્યાર્થીઓનો હું હૃદયથી આભાર માની રહી. એમના વિના ભારતની મારી સૌ પ્રથમ ડોક્યુમેન્ટરી ફિલ્મનું રિકોર્ડિંગ શક્યજ ક્યાં હતું ? હિન્દી કે અહીંની પ્રાદેશિક ભાષાના મારા શૂન્ય જ્ઞાન ને કારણેજ.

એક મહિના પહેલા જયારે માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ ઉપર મારી ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા હું મુંબઈના આ પ્રખ્યાત ઝુપડપટ્ટી વિસ્તારમાં પહોંચી હતી, ત્યારે એનો મુખ્ય વિષય હજી નિર્ધારિત થયો ન હતો. મારું અને મારા કેમેરામેનનું ભારતીય ભાષા અંગેનું અજ્ઞાન પણ એક મોટો પડકાર હતો. આ ઝુપડપટ્ટી વિસ્તાર શહેરના મુખ્ય રેલ્વે સ્ટેશનની નજીક હોવાથી આરામદાયક નહીં છતાં રહી શકાય એવી હોટેલ તો મળી રહી હતી. ત્યારબાદ વિસ્તારની એક પ્રખ્યાત અંગ્રેજી માધ્યમ શાળાના આચાર્ય અને વાલીઓને નામે લેખિત અરજી લખી, કેટલાક વિદ્યાર્થીઓ ભાષા -રૂપાંતર, અનુવાદ માટે મળી ગયા. કામ થોડું સરળ થયું. અન્ય વ્યવસાયિક ટ્રાન્સલેટરની જગ્યાએ વિદ્યાર્થીઓની પસંદગી પાછળનો મારો હેતુ ડોક્યુમેન્ટરી ફિલ્મ ને ફક્ત ચેનલ સુધી સીમિત ન રાખતા શાળાઓ કે કોલેજો સુધી પહોંચાડવાનો હતો.

ડોક્યુમેન્ટરીનો વિષય જેટલો લાગતો હતો એટલો સંકુચિત ન નીકળ્યો. તમામ માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ અહીં રિકોર્ડ કરવા બેસો તો કદાચ રીલના રીલ સમાપ્ત થઇ જાય. ડોક્યુમેન્ટરી ફિલ્મની સમય મર્યાદા એ વાતની પરવાનગી આપતી ન હતી. મૂંઝવણ વધી રહી હતી. શું કરી શકાય ? પણ આખરે શરૂઆતતો કશેથી કરવીજ રહી, એ વિચારે મારા કેમેરામેન અને વિદ્યાર્થીઓની મદદ જોડે રિકોર્ડિંગની શરૂઆત કરી નાખી.

જેમ જેમ રિકોર્ડિંગ આગળ વધ્યું તેમ તેમ મારી બુદ્ધિ અને તર્કને અગણિત શોક લાગતા ગયા. ગરીબી, બેકારી અને શિક્ષણના અભાવ વ્યક્તિના મન અને મગજને કેટલી હદે ગેરમાર્ગે દોરી શકે, એ લોકોની જાતજાતની ને ભાતભાતની અતાર્કિક, અશિક્ષિત માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ દ્વારા હું સમજતી જઈ રહી હતી. પૃથ્વી અને સૃષ્ટિના વિકાસ અને વિજ્ઞાનની તરક્કીઓ મને અચાનક ધૂંધળી ભાસી રહી હતી. મનને દરેક વાતો ઊંડે સુધી સ્પર્શી રહી હતી.

એવીજ એક જીવન- વાર્તાનો મનને સ્પર્શ થયો અને મારી ડોક્યુમેન્ટરી માટેનો મુખ્ય વિષય આખરે નિર્ધારિત થઇ ગયો. ફિલ્મનું લંબાણ હવે સંપૂર્ણપણે કાબુમાં દેખાવા લાગ્યું અને શીર્ષક પણ નક્કી થઇ ગયું.

'તાવીઝ'

જે જીવન -વાર્તાના સ્પર્શથી આ શીર્ષક અને વિષય નક્કી થયો હતો એ વાર્તા હતી મારી આગળ ઉભેલા એજ આઠ વર્ષના અર્ધનગ્ન, તાવીઝ પહેરેલા છોકરાની. ઝૂંપડપટ્ટીના લોકો એને 'વીરુ' કહી બોલાવતા. એના માતાપિતાએ આ નામ કોઈ ભારતીય ફિલ્મના ચરિત્ર ઉપરથી રાખ્યું હતું, એમ એણે ગર્વથી જણાવ્યું હતું.કાળો રંગ, પાતળું શરીર, ચિંદુ ગળું અને દાદાગીરી ભર્યા હાવભાવો. કચરો વીણીને છોલાયેલા ગંદા, અસ્વચ્છ હાથ-પગ.

પાંચ વર્ષનો હતો ત્યારે શહેરમાં ફાટી નીકળેલા કોઈ રોગચાળામાં એના માતા-પિતા મૃત્યુ પામ્યા. ઝુપડપટ્ટીની ગરીબી અને દરિદ્રતાને હવાલે મૂકી ગયેલ પોતાના બાળક માટે એ અભણ માતા-પિતા કશું પાછળ છોડી શક્યા નહીં. એક માત્ર એના ગળામાં લટકી રહેલ કાળા કાપડમાં વીંટળાયેલ તાવીઝ. એ તાવીઝ એને કેટલી પ્રિય હતી, એતો એની જોડેના પહેલા રિકોર્ડિંગથીજ હું સારી પેઠે સમજી ચુકી હતી. તાવીઝ નજીકથી નિહાળવા લંબાયેલા મારા હાથને ડરથી એણે કેવો હડસેલી મુક્યો હતો !

પરંતુ ધીરે ધીરે નિયમિત મુલાકાતોથી એનો ડર ઓગળતો ગયો. એની માટે ક્યારેક કોઈ ભેટ, ક્યારેક કોઈ રમકડું તો ક્યારેક એને ગમતા વડા- પાઉં હું લઇ જતી. મિત્રતા મેળવવા માટેની લાંચ. પણ કેટલીક લાંચ ખરેખર અનન્ય નૈતિક બની રહે છે, જયારે એ વ્યક્તિને નહીં એના હૃદયને ખરીદવા અપાતી હોય.

આખરે મારી લાંચથી હું એના માસુમ હ્નદયને જીતીજ ગઈ . ક્યુમેન્ટરીની સૌ પ્રથમ વાર્તા વીરુથીજ શરૂ થઇ. મારા વિદ્યાર્થીઓ એ પ્રાદેશિક ભાષામાં વીરુને તાવીઝ અંગેના મારા તમામ પ્રશ્નો વારાફરતી પૂછ્યા અને વીરુના દરેક ઉત્તરો યોગ્ય રીતે રિકોર્ડ થતા ગયા.

વિદ્યાર્થીઓ એ કરેલા એના ઉત્તરોના ભાષાંતર ઉપરથી જાણવા મળ્યું કે એના માટે એ ફક્ત એક તાવીઝ નથી. એના માતા-પિતાની પ્રાર્થનાઓ અને દુઆઓ છે જે એમણે જાતે એના ગળામાં પહેરાવી હતી કે જેથી દરેક રીતે એ સુરક્ષિત રહી શકે. કોઈ પણ પ્રકારની માંદગી, બીમારી, જાદુ, વશીકરણ, સમસ્યાઓ કે નજરથી એને બચાવી રાખે. આ તાવીઝ બનાવા માટે તેઓ એ શહેરના અન્ય ખૂણે કોઈ પ્રખ્યાત ધાર્મિક વ્યક્તિત્વ પાસે રૂબરૂ ગયા હતા. જ્યાં સુધી આ તાવીઝ એના ગળામાં છે, ત્યાં સુધી એ સંપૂર્ણ સુરક્ષિત છે. કોઈ પણ શક્તિ એને નુકશાન પહોંચાડી શકતી નથી. એમાં એના માતા-પિતાના આશીર્વાદ છે. જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એ એના ગળામાંજ રહેશે. એ કદી તાવીઝને પોતાનાથી દૂર કરશે નહીં, કઈ પણ થઇ જાય !

ત્યાર બાદ ડોક્યુમેન્ટરી અન્ય અનેક લોકો સુધી પહોંચતી ગઈ. જુદા જુદા ધર્મો અને ભાષાના લોકો. કોઈ એને તાવીઝ કહેતું તો કોઈ માદળિયું તો કોઈ દોરો. વાત જુદી, વાર્તા જુદી પણ માન્યતા એકસમાન. કાળા કાપડની વચ્ચે ટાંકાઓથી સિવાયેલી કાગળની નાનકડી કાપલી. એ કાપલી ઉપર જુદા- જુદા શબ્દો, શ્લોક,આયત, જાપ કે તસ્બીહ ફૂંકાયેલી કે લખાયેલી. દરેકને માટે એમનું વ્યક્તિગત સુરક્ષા કર્મી.

ડોક્યુમેન્ટરી સરસ તૈયાર થઇ રહી હતી અને બીજી તરફ મારી અને વીરુની મૈત્રી એટલીજ પાક્કી થઇ રહી હતી. હું એની પહેલી શિક્ષિત મિત્ર હતી અને એ મારો સૌ પ્રથમ અશિક્ષિત મિત્ર. બે ભિન્ન વિશ્વના જીવો કેમેરાના તાંતણે એક સ્નેહ સંબંધમાં વીંટળાઈ રહ્યા હતા. એ દરરોજ આવતો મારુ રિકોર્ડિંગ જોવા. એક હાથમાં કચરાનો થેલો અને બીજા હાથમાં મારા તરફથી મળેલ વડાપાઉં. વડાપાઉં ખાતું એનું નાનકડું પહોળું મોઢું પહોળી આંખે બધુંજ નિહાળતું, સાંભળતું. એમાંથી એને કેટલું સમજાતું ખબર નહીં. પણ મારી સાથે રહેવું એને ગમતું અને મને પણ એની હાજરીથી ફિલ્મ શુટિંગમાં અનેરો જોમ અને ઉત્સાહ અનુભવાતો.

એક રવિવારે મારા કેમેરામેન અને વિદ્યાર્થીઓ જોડે હું મુંબઈ દર્શન કરવા ગઈ ત્યારે વીરુને પણ સાથે લઇ ગઈ. પહેલીવાર પોતાનાજ શહેરની એણે સહેલ માણી. કેટલી મજા કરી હતી અમે. હું તો વીરુ જોડે તદ્દન 'બેક ટુ ચાઇલ્ડહુડ 'ની જેમ નાની બાળકી બની ગઈ હતી. એકવાર મારી જોડે હોટેલના રૂમમાં આવ્યો હતો અને પહેલીવાર જીવનમાં કાર્ટૂન જોયું. ડોક્યુમેન્ટરી સમાપ્ત થઇ ત્યાં સુધી તો કદાચ હું એની 'બેસ્ટ ફ્રેન્ડ બની ચુકી હતી.

વિદ્યાર્થીઓ એ જયારે પ્રાદેશિક ભાષામાં સામે ઉભા વીરુને મારા કહેવા પ્રમાણે જણાવ્યું કે મિસ લ્યુસીની ડોક્યુમેન્ટરી ફિલ્મ સમાપ્ત થઇ ચુકી છે અને તેઓ આજેજ અમેરિકા પરત થઇ રહ્યા છે ત્યારે એનું મોઢું પડી ગયું. એની આંખોનું પાણી હું સ્પષ્ટ જોઈ શકી. હાથમાં થામેલી મારી ભેટ પરની એની માસુમ પકડ ઢીલી થઇ ગઈ. પોતાના રડમસ જેવા સ્વરમાં એણે કંઈક પૂછ્યું. વિદ્યાર્થીઓએ અનુવાદ કરી મને સમજાવ્યું કે વીરુ જાણવા માંગે છે કે હવે હું અન્ય ફિલ્મ બનાવવા કયા દેશ જઈશ ? અહીંજ ન બનાવી શકાય ?

એનો માસુમ ચ્હેરો થામી હું નીચે ઝૂકી. મારા અંગ્રેજી શબ્દોનું ભાષાંતર, અનુવાદ મારા વિદ્યાર્થી મિત્રો કરતા ગયા અને વીરુ સાંભળતો ગયો.

"હું એક નવા દેશમાં જઈશ જ્યાં વીરુ જેટલી ઉંમરના ઘણા બાળકો છે. પણ ત્યાં આકાશમાંથી સવાર સાંજ બોમ્બની વર્ષા થાય છે. આગના ગોળાઓ ફેંકાઈ છે. ન જાણે કેટલા વીરુઓ એક દિવસમાં મોતને ઘાટ ઉતરી જાય છે. મારી ફિલ્મ થકી હું વિશ્વ સામે એ તમામ વીરુઓના જીવન હક અંગે પ્રશ્નો ઉઠાવીશ. જો સુરક્ષિત રહીશ તો ફરીથી અહીં આવીશ, મારા શ્રેષ્ઠ મિત્ર વીરુને મળવા."

આંખોના પાણીને સંકેલી, વીરુની પીસાની ચૂમી હું રાહ જોઈ રહેલ ટેક્ષીમાં ગોઠવાઈ ગઈ. વિદ્યાર્થી મિત્રોને શાળાએ પહોંચાડી આચાર્યનો અંતિમ આભાર વ્યક્ત કરવાનો હતો. ટેક્ષી આગળ વધી કે પાછળથી વીરુનો ઊંચો સ્વર સંભળાયો. ડ્રાઈવરને ગાડી અટકાવવાની વિનંતી કરી. ગાડીનો કાચ નીચે કર્યો. પોતાના ગળામાંની તાવીઝ મારા હાથમાં થમાવી વીરુએ કેટલાક શબ્દો કહ્યા અને એકજ શ્વાસમાં ત્યાંથી ભાગી અદ્રશ્ય થઇ ગયો.

હું અવાક બની ગઈ. જે તાવીઝમાં વીરુનો જીવ હતો એ મારા હાથમાં ? વિદ્યાર્થીમિત્રોની આંખો પણ થોડી ભેજવાળી થઇ. વીરુના શબ્દોનું અનુવાદ એમણે આ પ્રમાણે કર્યું.

"આ તાવીઝ હંમેશા ગળામાં રાખજો. તમારી સુરક્ષા થશે. તમે ફરીથી આવશોજ. હું રાહ જોઇશ."

ટેક્ષી આગળ વધી અને મારી આંખોના પાણીનું નિયંત્રણ છૂટી ગયું. ખુબજ માન જોડે તાવીઝ મારા ગળામાં વીંટાળી લીધી.

એક તાવીઝ માનવીનું રક્ષણ કે સુરક્ષા કરી શકે જ નહીં. એના વૈજ્ઞાનિક પુરાવાઓ નથી. પણ એ તાવીઝ એ વાતનો પુરાવો ચોક્કસ આપે છે કે કોઈ વ્યક્તિ છે જે આપણી સુરક્ષા માટે ચિંતિત છે, જેને આપણા રક્ષણની ફિકર છે. જે આપણને ચાહે છે, પ્રેમ કરે છે અને આપણી સુરક્ષા માટે પ્રાર્થના કરે છે.

તાવીઝનું તો ફક્ત એજ રહસ્ય છે ... એ જાતે આપણી સુરક્ષા નથી કરતી પણ કોઈની પ્રાર્થના કે આશીર્વાદ કે દુઆઓનું પ્રતીક બની આપણી જોડે રહે છે અને આપણને સતત યાદ અપાવ્યા કરે છે કે કોઈ છે જે આપણને પ્રેમ કરે છે, આપણી ચિંતા કરે છે.

એ દિવસે હું ભારત છોડી અમેરિકા આવતી રહી. પણ મારા હ્નદયનો એક હિસ્સો હંમેશ માટે ભારત છોડી આવી. તાવીઝ અંગેની મારી એ ડોક્યુમેન્ટરીને વિશ્વમાં અંધશ્રધ્ધાઓની નાબુદીના હેતુલક્ષી સામાજિકસેવાની શ્રેણીમાં મોટો આંતરરાષ્ટ્રીય મીડિયા પુરસ્કાર મળ્યો. પુરસ્કાર સ્વીકારતા સમયે મારા અતિ ચુસ્ત ગળા- બંધ જેકેટની પાછળ છુપાયલી વીરુની તાવીઝ મારા હૃદયને સ્પર્શી રહી હતી. મારી સુરક્ષા કાજે નહીં પરંતુ મિત્રતાના આશીર્વાદ બની એક 'ફ્રેન્ડશીપ બેલ્ટ' સમી.


Rate this content
Log in

Similar gujarati story from Children