Vrajlal Sapovadia

Fantasy

3  

Vrajlal Sapovadia

Fantasy

સ્વપ્નથી વિજ્ઞાનની સફર

સ્વપ્નથી વિજ્ઞાનની સફર

4 mins
557


વિજ્ઞાનની ઘણી આધુનિક શોધની કલ્પના સાહિત્યકારોએ તેમની વાર્તા કે કથાઓમાં અગાઉ કરી છે. ઘણા સાહિત્યકારો અને વિજ્ઞાનીઓએ જયારે નવી ચીજ વસ્તુની વાર્તાઓમાં કલ્પના કરેલી ત્યારે સમાજે તેમને ધૂની અને પાગલ ગણ્યા છે. ગેલેલીયોની પૃથ્વી સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે તે શોધની કેટલી મોટી સજા ભોગવેલી? 22મી સદીમાં જોવા મળશે તેવી કેટલીક શોધની કલ્પનાની આ વાર્તા છે.


દુનિયાનો અડધો ભાગ ગરમીથી બચવા એરકંડિશનર તો અડધો ભાગ ઠંડીથી બચવા હીટર વાપરે છે. દુનિયાના આ બે ભાગ કરવામાં જેને એરકંડિશનર, હીટર કે પંખા પોસાય નહીં તેને ગણતરીમાં લીધા નથી, જોકે તેઓ દુનીયાના અડધા ભાગ ઉપરાંત છે. આવતા 50-100 વરસમાં એરકન્ડિશનર, હીટર કે પંખાની જરૂર નહીં પડે. જેમ અવાજ અને ચિત્રને ડિજિટલમાં રૂપાંતર કરી પ્રકાશની ઝડપે મોકલવામાં આવે છે તેમ ગરમી અને ઠંડીને ડિજીટલમાં રૂપાંતર કરી ને એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવામાં આવશે.  


તમને પ્રશ્ન થશે દુનિયાને જરૂર પડે એટલી ગરમી અને ઠંડી ક્યા ગોડાઉનમાં પડી છે? અને ગરમી અને ઠંડી ક્યાંથી ક્યાં મોકલવામાં આવશે? ગરમી અને ઠંડી સ્થળાંતર કરવા ઉભી અને આડી ડિજિટલ ગ્રીડ ગોઠવવામાં આવશે.


ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ઉપર ઠંડી તો વિષુવવૃત ઉપર ગરમીનો અપાર જથ્થો પડ્યો છે. ખાનગી કંપનીની આડી ગ્રીડ જરૂર પ્રમાણે ગરમી બંને ધ્રુવ ઉપર અને ઠંડી ગરમ પ્રદેશમાં મોકલવામાં આવશે જેનો બજાર પ્રમાણે ભાવ ચૂકવવો પડશે. સરકારી કંપની ઉભી ગ્રીડથી 10,000 મીટર ઊંચેથી ઠંડી નીચે મોકલશે અને ગરમી ઉપર મોકલશે જેની ઉપર ઉપભોક્તાને શબસીડી આપવામાં આવશે. શબસીડી 20મી સદીમાં અપાતી સબસીડી કરતા બિલકુલ અલગ હશે. ઉપભોક્તાએ પોતે વાપરેલી મફત ગરમી અને ઠંડીની મોજની કિંમત પોતાના શબે ચૂકવવી પડશે. 22મી સદીમાં સ્મશાન નહિ હોવાથી સરકારી કંપનીના ગરીબ ગ્રાહકને મર્યાં પછી ડિજીટલમાં રૂપાંતર કરી અવકાશમાં મોકલવામાં આવશે જયારે ખાનગી કંપનીના ગ્રાહકને ઈચ્છા પ્રમાણે શબનો આદર સત્કાર પૂર્વક નિકાલ કરવાની પરવાનગી અપાશે.

બીજી ક્રાંતિ અંગની અછત દૂર કરવા અંગ બજારમાં આવશે. માણસના અંગની ખામી કે અછત હોઈ શકે, પ્રાણીના અંગની ક્યાં ખોટ છે એ થીમ ઉપર આ સંશોધન મિલેનિયમ ક્રાંતિ હશે. હા, આ અંગદાનમાં પ્રાણીની સંમતિ પણ જરૂરી નહિ રહે.

 

અંગદાન માટે 20મી સદીમાં જેવી જાહેરાત કરવી પડતી હતી તેવી જાહેરાત નહિ કરવી પડે કે કોઈ વ્યક્તિએ હૃદય કે કિડની જેવા અંગ માટે પણ પૈસા નહીં ચૂકવવા પડે. અંગના વ્યવસાય માટે ત્રણ પ્રકારની કંપની હશે; સરકારી, ખાનગી અને સહકારી.


ખાનગી કંપની દરેક પ્રકારના કૃત્રિમ અંગનું ફેક્ટરીમાં ઉત્પાદન કરશે જેની દર્દીએ જંગી કિંમત ચૂકવવી પડશે. મગજ જેવા અંગ સમયાંતરે માઈક્રોસોફ્ટના દરેક નવા વર્ઝન સાથે મફતમાં અપડૅટ કરી આપવામાં આવશે જયારે જે ઘરડા વાંદરા ગુલાંટ ભૂલ્યા હોય અને હૃદય યુવાન રાખવા માંગતા હોય તેને ખાસ કિંમતે યુવા હૃદય બદલી આપવામાં આવશે.


સરકારી કંપની દાનમાં મળેલા માનવ અંગને વ્યાજબી ઊંચી કિંમતે વેચી સરકારી ખજાનો ભરવામાં મદદ કરશે. વ્યાજબી ઊંચી કિંમત 20મી સદી જેવી વ્યાજબી નહીં હોય પણ આકાશ જેટલી ઊંચી હશે અને અંગ દાન લેનાર લોકોએ સંયુક્ત રીતે સરકારની બધી જ નાણાં ખાધ જીવે ત્યાં સુધી પુરી કરવાની રહેશે. સરકારની ખાદ વધઘટ થાય તેમ દરેક ગ્રાહકે ઉપરની વધારાની વેરીએબલ કિંમત પણ ચૂકવવી પડશે નહીંતર એજંટો રસ્તા વચ્ચે ઉભા રાખી જે તે અંગ કાઢી લેશે !


અંગ આદાનપ્રદાન માટે સહકારી કંપની ઈ. સ. 2201ના નવા કાયદા નીચે માનવી, પશુ, પક્ષી, વનસ્પતિ અને કવિઓની બનેલી હશે. દરેક કેટેગરીનો સરખો હિસ્સો રહેશે. માનવી અંગ દાન મેળવશે જયારે પશુ પંખી પોતાના અંગનું માનવને દાન કરશે, ડૉક્ટર સંશોધન દ્વારા પ્રાણીના અંગને માનવ શરીરમાં ફિટ કરવા સક્ષમ બનશે. વ્યક્તિ બીમાર નહિ હોય તો ય હિમતવાન બનવા સિંહનું હૃદય કે પ્રેમિકાને પટાવવા ભોળા સસલાનું હૃદય ફિટ કરાવી શકશે તો કન્યા કોયલની સ્વરપેટી અને ખરબચડા દાંતની જગ્યાએ દાડમના દાણા ફિટ કરાવી શકશે. કવિઓ કન્સલ્ટિંગ સર્વિસ આપશે જેથી હોઠ ચીકુથી સુંદર લાગશે કે કીવીથી, આંખની જગ્યાએ કોડી સારી લાગશે કે બિલાડીની આંખ તેની સલાહ આપશે.  


આમ અંગ બઝારમાં ક્યારેય અંગની તંગી ઉભી નહીં થાય અને ઇઝરાયેલમાં ઓછા પાણીથી ખાસ માણસના શરીરમાં ફિટ બેસે તેવા નવા નવા ફળ ફૂલ માટે અને આફ્રિકામાં નવા નક્કોર હાયબ્રીડ પશુ પંખી બનશે, ન્યૂયોર્કમાં ત્રણે પ્રકારની કંપનીઓ માટે સ્ટોક એક્સચેન્જ બનશે. 


ત્રીજી ક્રાંતિ વાહન વ્યવહારમાં આવશે જેથી ખુબ ઝડપથી અને અકસ્માત વગર માણસો આવનજાવન કરી શકશે. મુસાફરી કરવા રસ્તા, વાહન અને ઇંધણની જરૂર નહીં પડે. બેંગ્લોર અને હૈદરાબાદની બધી IT કંપનીઓ દરેક શહેરના જુના STD બૂથ ખરીદી કિઓસ્ક ઉભા કરશે. સામાન્ય અને ગરીબ વર્ગના મુસાફરી કરનાર વ્યક્તિએ ટ્રાવેલ કિઓસ્ક ઉપર જઈ પોતાનું ડેસ્ટિનેશન બતાવવાનું રહેશે, કંપની વ્યક્તિને ડિજિટલ કે ઇલેકટ્રોનમાં રૂપાંતર કરશે અને વાઇફાઇની મદદથી કંપનીના ડેસ્ટિનેશનવાળા ગામમાં કે શહેરમાં ખાસ રિસિવિંગ કિઓસ્કમાં એક જ સેકન્ડમાં મોકલી આપશે. ત્યાંનું કિઓસ્ક ડેટાની જેમ વ્યક્તિના ડિજિટલ કે ઇલેકટ્રોનને મૂળ વ્યક્તિના સ્વરૂપમાં બદલી આપશે. એડવાન્સ પેમેન્ટ કરી કિઓસ્કને બોન્ડ આપવાનું રહેશે જેથી કન્વર્સનમાં કોઈ ભૂલ થાય તો કંપનીની કોઈ જવાબદારી રહેશે નહીં. છગનભાઇમાંથી મગનભાઈ બની જાય કે મહેશમાંથી મહમદ બની જાય તો કંપની જવાબદાર રહેશે નહીં અને સરકાર લવાદી માટે ખાસ અદાલતો ખોલશે.


નોન-રિલાયેબલ કંપની વ્યક્તિનું નિરાધાર કાર્ડ લઇ ગમે તે વ્યક્તિને અપલોડ કે ડાઉંનલોડ કરી શકાય તેવા લાઈફ ટાઈમ 'મરો' સિમ કાર્ડ ફ્રી આપશે જેથી પૈસાપાત્ર લોકોને કિઓસ્ક ઉપર જવું નહીં પડે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy