સ્વપ્નાનો ચમ્ત્કાર
સ્વપ્નાનો ચમ્ત્કાર
કોઇ એક માણસ એક ગામથી બીજા ગામ જવા નિકળ્યો હતો. તેને ખુબ જ ભુખ લાગી હતી, તેથી તે આમતેમ ભોજનની તલાશ કરતા-કરતા તે એક ઘનઘોર જંગલમાં જઇ પહોચ્યો.
જંગલમાં ખુબ મોટા-મોટા વૃક્ષો છે. તે જંગલની સુંદરતા જોઇ જ રહ્યો. અને મનોમન બબડવા લાગ્યો. શું સુંદર મોટા મોટા વૃક્ષો છે. ઝાડ પર પેલા વાંદરા કેવા રમી રહ્યા છે. અરે! પેલી ખિસકોલી પણ કેવી એકબીજાને પકડીને ભાગે છે. જાણે કે પકડદાવ રમતી હોય તેમ લાગે છે. મને પણ અહિયા જ ઘર બનાવી રહેવાનું મન થાય છે.
આ સાંભળતા જ એક વાંદરાભાઇને વાચા આવી. અને તે માણસને કહેવા લાગ્યો: "ના ભાઇ ના, તું અહિયા ઘર બનાવવાનો વિચાર ન કરીશ. તમારી જાતિ જ્યા વસે છે. ત્યા વૃક્ષો રહેતા નથી અને જ્યા વૃક્ષો નથી, ત્યા પંશુ- પંખી નથી રહેતા.
"એટલે કે વૃક્ષો નથી તો કશું જ નથી."
'તે તમે પણ સારી રીતે જાણો છો. ભગવાને તમને આ જગતમાં વિશેષ બુદ્ધિ આપી છે. છતાં તમે વૃક્ષોને ઉછેરવાનું તો દુર પરંતુ તમે તો વૃક્ષોને કાપે જ પાર રાખો છો'.
માણસ આ બધું સાંભળી સ્તબ્ધ થઈ ગયો. એ કઇ બોલે તે પહેલા જંગલના બધા પ્રાણીઓ આવી પહોચ્યા અને માણસને ચોતરફથી ઘેરી વળ્યા.
સૌપ્રથમ પોપટભાઇ બોલ્યા : “કેવો સુંદર માણસ છે. અને કેવું મીંઠુ- મીંઠુ બોલે છે." આમ કહી, તેને જંગલના રાજા સિંહને આ માણસને પાંજરામાં પુરવા સલાહ આપી.....
માણસ બિચારો બધા પ્રાણીઓને બોલતા જોઇ ગભરાઇ ગયો. તે માણસના કર્મોના કારણે આજે ચોક્કસ પ્રાણીઓના હાથે મરશે. એવું મનોમન વિચારવા લાગ્યો.
માણસ બોલ્યો :- "ના મહારાજા ના આ પોપટને અમે અને અમારા જેવા બીજા માણસો સારા પીંજરામાં રાખીયે છીએ. પ્રેમથી સારુ- સારુ ખાવાનું આપીએ છીએ. તો પણ આજે આ પોપટ અમારા વિશે ખોટું બોલે છે."
સિંહ બોલ્યો:- " ખોટુ, ખોટુ તો તમે અમારુ ઇચ્છો છો. શું તમને પીંજરામાં બંધ કરી સારુ-સારુ ખાવાનું આપીશું, તો તમને ગમશે?"
માણસ બોલ્યો :- "ના મહરાજ એમ કેમ ચાલે, મારો તો પરીવાર છે. મા- બાપ, પત્નિ અને મારા પુત્રો પણ છે. અને બીજા પણ......"
સિંહ બોલ્યો:- ( ગુસ્સે થઈ ને મોટેથી ગર્જના કરી ) 'ચુપ મુર્ખ માણસ, એટલે કે તમારો પરીવાર છે. તો અમે બધા શું પરીવાર વગરના છીએ? શું અમારા મા- બાપ, પત્નિ અને અમારા પુત્રો નથી? ફરક માત્ર એટલો છે કે અમે બોલી નથી શકતા. એટલે તમારે શું પશુ-પંખીઓ પર જુલમ કરતા જ રહેવાનું? ભગવાને તમને વિશેષ બુદ્ધિ આપી છે. છતા તમે તેનો ખોટો ઉપયોગ કરો છો. અને અમે જંગલી પ્રાણીઓ હોવા છતાં જે જંગલમાં રહિએ છીએ તેની રક્ષા કરીએ છીએ.'
ત્યાં જ વચ્ચે વાંદરાભાઈ બોલ્યા:- મહારાજ આ માણસો ને ગમે તેટલું ભાષણ આપશો તોપણ એવા ને એવા જ રહેવાના તેથી હું તમને કહું છુ, કે મને આ માણસને સજા આપવાની અનુમતી આપો.
સિંહ:- ' ભલે તું આ માણસને સજા આપ.' પછી વાંદરાભાઇ એક જાડો વેલો લાવી માણસના ગળામાં બાંધી અને સોટી ફટકારીને ગુલાટ ખાવા કહ્યું.
માણસ :- ' મને ગુલાટ મારતાં નથી આવડતું. '
વાંદરો કહે: 'તો અમને પણ ક્યા આવડતું હોય છે. એ તમે જ અમને મારી- મારીને શીખવો છોને ...'તમે એક કહેવત સાંભળી નથી કે ‘ સોટી વાગે ચમ-ચમ ને વિદ્યા આવે ઘમ-ઘમ ‘ સોટી વાગે તો ભલભલુ આવડી જાય આમ કહેતા વાંદરાએ એક સોટી મારીને માણસ ગુલાટ મારતો થઇ ગયો.
વાંદરો:- જૂઓ આવડી ગયું ને આમ વાંદરાભાઈ એક પછી એક સોટી મારતા ગયા. અને બધા પ્રાણીઓ ગુલાટ ગણતા ગયા. એક, બે, ત્રણ.................'
માણસ:-' બસ વાંદરાભાઇ મને ચક્કર આવે છે.અને ગળામાં પણ દોરી ખુપે છે. હું મરી જઇશ. '
વાંદરો:-' હવે ખબર પડી કે કોઇ ના ગળામાં દોરી બાંધીએ તો અને ગુલાટ ખવડાવીએ તો કેવી વેદના થાય છે.' '
માણસ:- ' મને માફ કરો, મારી જાતી ના કારણે મને સજા શા માટે આપો છો? '
સિંહ:- કોઇ ના ઉપર જુલમ થતો હોય, અને આપણે મનોરંજન માણીને ખુશ થઇ તાલીઓ પાડીએ, એ પણ જુલમ કર્યા બરાબર છે. સમજ્યો પાપી માણસ.'
ત્યારબાદ વાઘ આવી ને બોલ્યો: "મહરાજ આવા માણસો તો આપણને ચાબુક મારી-મારી સરકસમાં ખેલ કરાવે છે. તેથી આ માણસને હું પણ એવી જ રીતે મારીશ." અને આ સાથે બધા પ્રાણીઓ બોલી ઉઠ્યા, હા હા મહારાજ અમે પણ એમ જ કરીશું, બધા પ્રાણીઓ ભેગા થઇને માણસને મારવા લાગ્યા.
માણસ તો ઓ માડી રે! ...ઓ..બા..પા..રે...! કોઇ મને બચાવો એવી બુમો પાડતો રહિયો, માણસને હવે અહેસાસ થવા લાગ્યો. કે પોતાના પેટ કે મનોરંજનની ખુશી માટે કોઇની જિંદગીથી ખેલવું ન જોઇએ, પણ હવે શું?
બધા પ્રાણીઓ મારતા રહ્યા, અને માણસ બુમો પાડતો રહ્યો, ને તે મુર્છિત થઇ જમીન પર ઢળી પડ્યો.
જેવો પડ્યો તેવો ધડામ કરતો અવાજ થયો, અને તે પડયો-પડ્યો જોવા લાગ્યો, તેણે જોયું કે તે પોતે પલંગ ઉપરથી નીચે પડયો છે.
" અરે! આ તો સ્વપ્ન હતું. હાશ..હું બચી ગયો.." તેના આખા શરીર ઉપર પરસેવો થઇ ગયો હતો. ત્યારબાદ તે માણસે સંકલ્પ લીધો કે આજ પછી હું કોઇ પંશુ-પંખીઓને કષ્ટ નહિ આપું.
આમ કહી તેને ઘરના પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કર્યા, ત્યારબાદ પોતાના ઘરની આસપાસ કેટલાક વુક્ષો વાવ્યા, અને મિત્રો ને પણ વુક્ષો રોપવા માટે પ્રેરણા આપી.
કેટલાક દિવસો બાદ શેરીમાં એક મદારી આવ્યો. આ જોઇ તે માણસને સ્વપ્ન યાદ આવ્યું. તે તરત ફોન કરી પોલીસને બોલાવે છે, અને મદારીને જેલમાં પુરાવે છે અને તમામ જીવ દયા ઉછેર કેન્દ્ર્માં મુક્ત કરાવે છે.
હવે તે માણસના ચેહરા ઉપર ગજબની રોનક દેખાતી હતી. તેને ખરેખર એમ લાગ્યુ કે , કોઇને ગુલામ કરવા કરતા, કોઇને આઝાદ કરાવવામાં જે ખુશી મળે છે. એ બીજા કોઇ કાર્યમાં નથી મળતી.
“તો આવો તમે રાહ કોની જુઓ છો? તમે પણ મારા સ્વપ્નના ચમત્કારમાં ભાગીદાર થાવ, અને મારી સાથે બોલો:
"અમે આઝાદ રહીશું અને બીજાને પણ આઝાદ કરાવીશું."
