અભિમાની સસલો
અભિમાની સસલો
એક ઘનઘોર જંગલ હતુંં. તેમા અનેક પશું-પક્ષીઓ રહેતા હતા. તે જંગલમાં એક અટકચાળો સસલો પણ રહેતો હતો. તે સૌંને ચીડવતો, તે કાગડાભાઈને કહેતો “ તું તો આખો દિવસ કચ-કચ કર્યા કરે છે, અને ઉપરથી તારો રંગ પણ તારા અવાજ જેવો જ છે.”
કાગડાભાઈ આવુંં સાંભળીને ખુબ જ દુ:ખી થતા અને તે મનોમન ભગવાન ને કહેતા “ હે ભગવાન તે મને આવો રંગ અને અવાજ શા માટે આપ્યા? હું બધા માટે સારૂં કરું છું, છતા હું કોઈ ને પણ ગમતો નથી.”
આમ એક દિવસ કાગડાભાઈ સુનમુન બેઠા હતા, ત્યા એક કાચબાભાઈ આવ્યા, તે કાગડાભાઈને ઉદાસ જોઈને બોલ્યા “ કાગડાભાઈ આમ ઉદાસ કેમ છો ?
કાગડો : " જુઓને કાચબાભાઈ, પેલો સસલો મને કદરૂપો કહ્યા કરે છે. "
કાચબાભાઈ :" કાગડાભાઈ તમે ઉદાસ ના થશો બોલવા વાળા બોલ્યા કરે, ભગવાને બધાને જે રંગ રૂપ આપ્યા છે. તે યોગ્ય જ આપ્યા છે. એટલે જ તો કહ્યું છે કે “ સારુ રૂપ જોઈને હરખાવું નહિ અને સારૂ ના હોય તો શરમાવું નહી”
કાગડાભાઈ : એ કેવી રીતે કાચબાભાઈ?
સસલાભાઈ : એ બધું છોડો સમય આવે ત્યારે તમને આપો-આપ સમજાય જશે. ચાલો અત્યારે દેખો સૂરજ પણ આથમી રહ્યો છે, ચાલો ત્યારે તમે તમારે ઘરે જાઓ ને હું પણ જાઉ છું..
બીજા દિવસે કાચબાભાઈ જંગલમાં ફરવા નિકળ્યા, ત્યા રસ્તામાં સસલાભાઈ મળ્યા.
સસલાભાઈ : કાચબાભાઈ આમ,સવાર- સવારમાં ક્યાં ફરવા જાવ છો?
કાચબાભાઈ : હું જંગલની સુંદરતા જોવા નિકળ્યો છું.
સસલાભાઈ : મને પણ જંગલમાં ફરવાનું ખુબ ગમે છે, હું પણ તમારી સાથે આવું છું.
કાચબાભાઈ : ભલે ત્યારે ચાલો, વાતો કરતા કરતા જંગલમાં ફરવાની મઝા આવશે.
(થોડે દુર ચાલ્યા બાદ) સસલો બોલ્યો શું કાચબાભાઈ આમ કીડી જેવું ધીમું-ધીમું ચાલો છો? મને જૂઓ હું કેવો ચાલું છું...પણ તમારાથી ન ચલાય, આમય ચાલવા, કૂદવા અને દોડવામાં અમારો જ નંબર આવે... ખરુને કાચબાભાઈ?
કાચબાભાઈ : ચાલવા કૂદવાની! એ ખબર નથી, પણ દોડવાની ખબર છે.
સસલો : શું ખબર છે?
કાચબાભાઈ : મારી દાદીમાં મને કહેતી હતી કે “ એક વાર તમારા જેવા સસલાભાઈ સાથે અમારા જેવા કાચબાભાઈ સાથે દોડવાની હરિફાઈ થયેલી,ને તેમાં તમારા સસલાભાઈ હારેલા” બોલો સાચુ કે ખોટું ? (સસલાભાઈની તો બોલતી જ બંધ થઈ ગઈ.)
સસલો : (થોડું અટકતા-અટકતા) એ ખરૂ પણ એ..એ... અમારા સસલાભાઈની તબિયત સારી ન હતી. એટલે, નહિતર અમે હારીયેજ નહી. અમારી વાત જ અલગ છે, અમસ્થા થોડા બધા અમને બહાદુર સસલાભાઈ કહેતા હસે!
કાચબો : તમે સાચે જ કોઈથી નથી ડરતા?
સસલો : હા..હા...હાસ્તો વળી અમે તો બહાદુરના બેટા....
આમ વાતો-વાતોમાં ક્યારે સાંજ પડી, તેની પણ તેમને ખબર ન રહી.. ( સસલાભાઈ અંધારાથી ખુબ જ ડરવા લાગ્યા, પણ કરે શું ? પોતાની ખોટી ડંફાસો ના કારણે બીચારા શું બોલે.)
કાચબો : સસલાભાઈ હવે આપણે અહીં જ સૂઈ જઈએ.તમે તો બહાદુર છો, એટલે મારે ડરવાની જરૂર નથી, આમ કહી કાચબાભાઈ નિરાંતે સૂઈ ગયા. પરંતું સસલાને તો ઉંઘ જ કેમ આવે, એ ભારે બીકણ હતા, તેથી તે કાચબાને એકલા મુકી એક ઝાડીમાં બખોલ બનાવી છુંપાઈ ગયા..
થોડીવાર બાદ ત્યાં સિંહ આવ્યો, તેને મોટેથી ગર્જના કરી તેથી કાચબાભાઈ જાગી ગયા ને, આમતેમ જૂએ છે તો સસલો નથી. ને સામે સિંહ ઉભો છે. સિંહને જોઈ કાચબાભાઈ થોડા ગભરાય ગયા..
સિંહ : એય કાચબા, મને ખુબ જ ભુખ લાગી છે. તેથી હું તને ખાઈ જઈશ.
કાચબો : અરે!..અરે! પણ મહારાજ તમે મને કેવી રીતે ખાય શકો? મારુ શરીર તો ખુબ જ મજબુત છે.
સિંહ : મજબુત, લાય મને જોવા દે, એમ કહી તેને કાચબા ઉપર પગ મુકી ચકાશી જોયો. પછી બોલ્યો તારી વાત તો સાચી છે, પણ મને અહીંયા સસલાની ગંધ આવે છે. તે એને જોયો છે?
કાચબો : ના મહારાજ, મેં એને નથી જોયો.. પછી સિંહ ત્યાથી ચાલ્યો ગયો. અને સિંહ જતા રહેતા સસલાભાઈ બહાર આવ્યા.
સસલો : સારૂં થયું કે તમે મારુ નામ ન આપ્યું, નહિતર આજે તો એ સિંહ ને છઠ્ઠીનુ ધાવણ જ યાદ કરાવી દેત.
કાચબો : ધાવણ, મને ખબર છે, કોણ કોને છઠ્ઠી ધાવણ યાદ કરાવત, છઠ્ઠીનુ ધાવણ યાદ કરાવવું હતું તો શા માટે મને એકલો મુકી જતા રહ્યા હતા. ખોટી ડંફાસો ન મારો, હવે તારું ખોટુ અભિમાન નહિ ચાલે. આજથી તારી મારી મિત્રતા પૂરી..
આમ કહી ત્યાંથી કાચબો ઘરે આવી ગયો, અને કાગડાભાઈને બધી વાત કરી. અને તમે કાગડાભાઈની ટેવ તો જાણો જ છો. ત્યારબાદ કાગડાભાઈ તો આખા જંગલમાં ઉડતા ઉડતા કહેવા લાગ્યા કે સસલો બહાદુર નથી. પણ ડરપોક છે. તેથી સસલાભાઈનું નામ હવે ડરપોક સસલો પડી ગયું...
આવું સાંભળતા સસલાને ખુબ જ ગુસ્સો આવ્યો, તેને કાગડાને મારી નાખવાનુ નક્કી કર્યુ. આમ વિચારી તે કાગડા પાસે જઈને લંગડાતા-લંગડાતા ચાલવા લાગ્યો..
કાગડો : કેમ સસલાભાઈ શું થયુ ?
સસલો : મને પગે કાંટો વાગ્યો છે, તમે મને કાંટો કાઢી ન આપો?
(કાગડાભાઈ ભોળા હતા, તે જલદી કાગડાની વાતમાં આવી ગયા,)
કાગડો : કેમ નહી લો હમણા જ તમારો કાંટો કાઢી આપું છું. કાગડો કાંટો કાઢવા જેવા નીચે આવ્યા કે, સસલાએ કાગડાને પકડી લીધો.અને એક વેલાથી બાંધી દીધા. અને જેવા સસલો કાચબાભાઈને મારવા જતો હતો, ત્યાં સિંહ આવ્યો. સિંહને જોઈને સસલાભાઈ ગભરાઈ ગયા, છતા તે વિચાર કરી બોલ્યો “ મહારાજ તમે આવશો તેવી મને ખાત્રી હતી, તેથી મે તમારા માટે આ સવારનો નાસ્તો તૈયાર કરી રાખ્યો છે.
સિંહ : ક્યાં છે મારો નાસ્તો ?
સસલો ; આ રહ્યો મહારાજ પેલો કાગડો.
સિંહ જેવો ખુશ થઈને કાગડાને ખાવા જતો હતો, ત્યાં કાચબાભાઈ આવી ગયા. ને તે મહારાજને પ્રણામ કરી બોલ્યો, મહારાજ, તમે તો મહારાજ કહેવાને લાયક જ નથી.
સિંહ ;(ગુસ્સામાં લાલ-પીળો થઈ) એટલે તુંં કહેવા શું માંગે છે કાચબા, તારૂં દિમાગતો ઠેકાણે છેને?
કાચબો : અરે! મહારાજ, જરા તો વિચાર કરો, આ કાગડાભાઈ કેટલા ગંદા અને કાળા-કાળા છે. અને એના શરીરમાં પીંછા સિવાય કાઈજ નથી. અને જરા આ સસલાને જૂઓ, જોતા જ તમારા મ્હોંમા પાણી આવી જાય. કેટલા સુંદર અને અને માંસથી ભરપુર છે.
સિંહ : તારી વાત તો સાચી છે. હા કાચબા, અને તે સસલાને પકડીને ખાય ગયો. અને ત્યાંથી જતો રહ્યો.
કાગડો : રડતા-રડતા કહેવા લગ્યા, કાચબાભાઈ તમે ના આવ્યા હોત તો, આજે મારા રામ રમી જાત. તમારો આભાર કાચબાભાઈ..
કાચબો : મેં તને નથી બચાવ્યો, તમને તમારા રંગરૂપે જ બચાવ્યાં છે, જે તમને કદી ગમતો ન હતો.
કાગડો : સાચે જ કાચબાભાઈ તમારી વાત મને આજે સમજાય ગઈ, ભગવાને જે રંગરૂપ આપ્યા હોય છે, તે યોગ્ય હોય છે. તેનુ આપણે દુ:ખ ન રાખવું ન જોઈએ.
કાચબો: હા ભાઈ એટલે તો કહું છું. કે...પોતાના રૂપ માટે ખોટા હરખાવુંં કે શરમાવુંં ન જોઈએ........
બોધ: આપણને ઈશ્વરે જેવુંં રંગરૂપ આપ્યું છે,તેનો ઈશ્વરની ભેટ સમજી, સ્વિકાર કરવો જોઈએ...