Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Aswin Patanvadiya

Children Stories Inspirational


4.9  

Aswin Patanvadiya

Children Stories Inspirational


આજનો એકલવ્ય

આજનો એકલવ્ય

8 mins 2.8K 8 mins 2.8K

સૂરજે હજી વાદળ કેરી ચાદર છોડી ન હતી. છતા આદિવાસી મજૂર અને પાટણવાડિયા સમાજના મજૂર વર્ગ ખેતરે પૂગવા આવ્યા હતા. તેમાં સૌથી આગળ પાટણવાડિયા સમાજની રેવા અને તેનો મોટો પુત્ર હતો. તે આજે રવિવાર હોવાથી માને ઘર ચલાવવામાં ટેકો થાય, તે આશયથી પહેલી વાર જ ખેતરે મજૂરીએ આવ્યો હતો.

રેવા બોલી : "લો ઉતાવળે પગ ઉપાડો, આપડી પહેલા ચતુર પટેલ આવશે તો!, ગાળો ભાંડસે. ને બપોરના તડકામા પણ કામ કરાવશે, અને અડધો રોજ કાપશે.

" બેટા જો તારાથી થાય એટલું કરજે. થાક લાગે તો પેલી હમડી હેઠે જઈને આરામ કરજે" એમ કહેતા રેવાએ કાન્તીની પીઠ પાછળ ફોટવાળી ને ચાદરના બંને છેડા ખેંચીને ફડ્કીયાવાળી ગાંઠ મારી અને જોતજાતાંમાં મા દીકરો શ્વેત ગુલાબના ગોટા જેવા દેખતા કપાસના રૂ વીણવા લાગ્યા. કાંતીએ કપાસ વીણી- વીણીને બે મણની કપાસની ગાંસડી બાંધી.

હજી અડધો રોજ પણ પૂરો થયો નહતો તેથી રેવા સાથે બીજા મજૂરોનું કપાસ વીણવાનું હજી ચાલુ જ હતું. કાંતી ગણિત ચોપડી ખોલી દાખલાં ગણતો હતો. ત્યાંં તો ચતુર પટેલ ગાડું લઈને આવ્યો. તે ગાડું રસ્તે ઊભું રાખી સીધો હમડીએ આવ્યો.

" અલા એ તણે કવ છું. એ ચોપડીને મૂક બાજુ પર, અને આ ઘાહડી ઉપાડ."

" કાકા મારાથી નઈ ઉપાડાય."

ચતુર ગુસ્સે થયો " અલા મજૂરના છોરા ભણીને મોટા સાહેબ થશે તો, આમારા છોરા શું કરશે?..છાણા માણા અમારી મજૂરી કરી ખાવ, નહિં તો ભીખ માંગતા થઈ જશો. અમારૂં અહેસાન માનો કે અમે તમને કામે રાખીએ છીએ."ચલ ઊભો થા" કહેતા ચતુરે કાંતીની ચોપડી લઈ લીધી.

" કાંતીએ સહેજ ગુસ્સાવાળી નજરે ઊંચું જોયું"

" આમ જુવે છે શું? ચલ ઘાહડી ઉપાડ માથે."

" મારાથી નૈ ઉપાડાય !"

" તમે નૈ ઉપાડો તો શું અમે ઉપાડીશું ? ચલ ઉપાડ ."

કાંતીએ જેમતેમ કરી માથે ગાંસડી ચડાવી પણ તે ઘાહડીએ તેની બાર તેર વરહની કાયા ડગમગી ગઇ, અને તે કપાસની ઘાહડી સાથે ખેતર વચ્ચે જ લાંબો થઇ ગયો.

" અરે..રે! આ શું કર્યું ડોબા...આ બંધો કપાસ બગાડ્યોને, હવે આવો કાદવ કચ્ચર વાળો કપાસ કોણ લેશે ? તારો બાપ ?" ..એવું કે'તા ચતુરે હાથ ઉગામ્યો.ત્યાંં રેવાએ રાડ પાડી." ત્યાંં જ ઊભો રેજે ચતુર, જો મારા છોરા પર હાથ ઉપાડ્યો તો તારી ખેર નથી."

રેવાનું વાઘણ સરીખુ રૂપ જોઈ ચતુરનો હાથ હવામાંજ અટકી ગયો.

" હરામખોર મારું જ ખાઈને મારા હામે થાવ છો, "

" અરે મહેનત કરીને ખાઈએ છીએ, કાંઈ મફત નથી ખાતા." રેવાએ વળતો જવાબ દીધો.

" લે તારું ખેતર, તને મુબારક" એવું કે'તા કાંતીએ ડગ ઉપાડ્યા.

" જા...જા... કેટલે જવાનો? વળી પાછું, મારી મજૂરી કરવા આવવું જ પડશેને! અરે ! તારા બધા જ બાપ દાદાઓ અમારી જ મજૂરી કરીને! ને સાંભળ કાંતી તારે પણ મારી મજૂરીને ગુલામી કરવાની છે."

" અરે હું ભીખ માગીશ. ગમે તે કરીશ પણ, હવે તારા જેવાને ત્યાં મજૂરી તો નૈજ કરું.."

" તો શું, ચોપડા વાંચી મોટી ધાડ મારવાનો છે? ."

" અરે! ઉપરવાળો સાથ આપશે તો ધાડ પણ મારીને બતાવીશ."

" જા હવે મોટો સાહેબ થવાવાળો, પહેલા તારા બે ટંકનું ખાવાનું વિચાર."

" એતો સમય બતાવશે...ચતુર..તું તારું વિચાર કર...અમારો નહીં .." ..રેવા એ કાંતીનો હાથ પકડી ગામ ભણી હેન્ડવા માંડી.

***

કાંતી ડભોઇમાં કામની શોધ કરવા લાગ્યો. ઘડીક ડભોઇની કંપની તો ઘડીક પોરની કંપની, બસ રાત દિવસ કામ કરતો રહ્યો. ને પોતાનું અભ્યાસ પણ ચાલુ રાખ્યો. જ્યારે તે થાકતો કે હિંમત હારતો ત્યાંરે તેના કાને ચતુર પટેલના કવેણ સાંભળી આવતા; ને તે ડબલ જુસ્સાથી આગળ વધવા લાગ્યો. ધીરેધીરે તેે ટ્યુશન આપતો અને તેના બદલામાં તેણે જમવાનો પ્રબંધ થઇ જતો. ત્યાંરબાદ તે દરેક કામ શીખતો ગયો અને આગળ વધતો ગયો. ડભોઈમા બીએસસી ની કૉલેજ પણ તેણે માત્ર એકજ કપડાની જોડીએ પૂરી કરી, તે સમયે લાઈટની તો વાત જ નહીં પણ તેના ઘરમા ખડીયો સળગાવવા કેરોસીન પણ ન મળે. તેથી તે આડોશ પાડોશ મા જઈને દીવે જ વાંચતો..ત્યાં સુધી રેવા કાંતીના કપડા ધોઈને ચૂલે તપાવી દેતી.

બીએસસી પૂરું કર્યું એટલે તેને શિક્ષક બનાવા માટે બીએડ કરવા પૈસા ભેગા કરવા લાગ્યો. ને નસીબ જોગે 1985ના મેરીટમા તેનું નામ પણ આવ્યું. તેની ખુશીનો પાર ન રહ્યો, તરત તે કોલેજ ગયો.

"લો સર, મારી આ ફી જમા કરી લો."

"કેટલા છે ?"

"100 રૂપીયા ."

"અરે ભાઈ બીએડ કરવું હોય તો 300 ભરવા પડે..."

"કાંતીનો ચહેરો ઉતરી ગયો."

"ફી ભરવાની છેલ્લી તારીખ કઈ છે.? "

"15, જૂન"

" સારું આજે તો 10 થઈ ..." હજી પાંચ દિવસ બાકી છે. તેને રાત દિવસ મહેનત કરીને 50 રૂપિયા ભેગા કર્યા, રેવાએ 100 રૂપીયામા કાનના સોનાના બુટ્ટા વેચ્યાં. કાંતીએ બધા ભેગા કરી ગણી જોયા.250 રૂપિયા થયા, હવે 50 રૂપિયા ખૂટ્યા. કાંતી બે ત્રણ ઘર મદદ માટે ફરી આવ્યો, ને નિરાશ થઇ પાછો આવ્યો. છેવટે તેણે બીએડ કરવાનું માંડી વાળ્યું.

હવે કાંતી સીવણ ક્લાસ શીખીને ડભોઇ નજીક આવેલ મંડાળા ગામમાં સીવણ ક્લાસમાં નોકરી ચાલુ કરી. સાથે તે બીએડ કરવા તેને ગલ્લામાં રોજ જે મળે તે નાખતો ગયો. અને વર્ષ પછી ફરીથી તેણે 1986માં બીએડ ની ફી ભરીને એડમીશન લીધું.

કાંતીએ બીએડ પ્રથમ ક્લાસ મેળવી પૂરું કર્યું..ને 1987 મા તેને દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જય યોગેશ્વર વિદ્યા મંદિર, મંડેર હાઈસ્કૂલ તરફથી ગણિત-વિજ્ઞાન વિષય શિક્ષક તરીકે પસંદગીમા હાજર રહેવા કાગળ આવ્યો. કાંતીની સાથે આખું ઘર પત્ર વાંચી ખુશ ખુશાલ હતું. એકાએક કાંતી ઉદાસ થઈ ગયો.

" શું થયું બેટા, તું ખુશ નથી ? "

" ખુશ છું મા, પણ દાહોદ જવાનું ભાડું" તે સમયે તો એક જિલ્લામાંથી બીજા જિલ્લામા જવું એટલે આજનું દેશ પરદેશ જવા કરતા પણ વધારે કપરું હતું.

" બેટા તું ચિંતા ન કર , હું છું ને ..તું ખાલી જવાની તૈયારી કર.."

રેવા, બેટાને તૈયારી કરવાનું કહી..પોતાના લાગતા વળગતા પાસે દોડી ગઈ.

" નાગજીકાકા ..વાંચો આ કાગળ..."

" મને થોડું વાંચતા આવડે છે..પણ કાગળ પર સહિ સિક્કા પરથી કોક સરકારી ઓફીસનો લાગે છે...બોલ રેવા શું છે આ કાગળમાં ? "

" અરે મારો કોઁતી માસ્તર બનવાનો."

" એવું ,તો- તો બવ હારું, રેવા તારી હારે આખા ગામનું પણ નાક રહી જાય હો , રેવા..! "

" હા, એટલે તો આવી છું..એણે દાહોદ જવાનું છે. પાંચ દસ રૂપિયાનો ટેકો કરો તો..કોઁતી દાહોદ જાય ."

" હા, કેમ નય રેવા પણ, જોને આ વરહ પણ કેવું રહ્યું તું જાણે છે. આજે મારી પાસે ફૂટી કોડી પણ નથી..નકર હું ના કહું જ નહીં".રેવા સમજી ગઈ ને તે નિરાશ થઈ ઘરે આવી.

રેવાનો પતિ શંકર ઓટલે જ બેઠો હતો." શું થયું ? આમ તારું મોઢું ઢીલું કેમ છે? ."

" અરે તમને પીવામાથી નવરાશ આવે તો કહું ને.."

" પણ બોલને તું. હું પીવું છું પણ કોઈનું ખોટું તો નથી કરતોને. અને તું કઈ બોલે તો મને હમજ પડે ? "

" કોઁતીને નોકરી હારું દાહોદ જવાનું છે. તે હારું પૈસા ...."

" ઓ, એમ કે ને, .કેટલા જોઈએ બોલ ? "

" જે કઈ મળે, સો બસો...."

" અરે બસો....બસો હું પાંચ વરહ ચાકર રહું તોય ન મળે..! અને આટલી મોટી મૂડી તો. ચતુર પટેલ સીવાય કોઈ જગ્યાએ ન મળે..પણ ઈ મને બસો રૂપિયામાં દસ વરસ ચાકર રાખશે, તું બેસ હું ત્યાં આંટો મારી આવું..."

ત્યાં કાંતી બોલ્યો: "મોટા તમારે ત્યાં જવાની કોઈ જરૂર નથી, બો (મા) મોટાને સમજાવી દે. એ ચતુરનું તો હું પાણી પણ ન પીવ.."

" તો બેટા, પૈસા ક્યાંથી આવશે.?"

" આવશે, જલારામ બાપા કોઈ રસ્તો જરૂર બતાવશે..! "

બો, મારી પાસે પાંચ રૂપિયા છે. રેવા કહે મારી પાસે ચાર જેવું ખરૂં, ત્યાં નાનો ભાઈ રાવજી બોલ્યો:"મારી પાસે 1 રૂપિયો છે..આજે જ કંપનીમાંથી પગાર થયો. ત્યાંં બાજુમાં રહેતી કાશી બોલી :"કોઁતી મારા પચાસ રૂપિયા લે...આજે જ બકરી વેચી. તારાજ નશીબના હશે ! લે.. પણ માસ્તર બનીશ તો બકરી લઈ આપીશ ને." ? કાશીએ હસતા હસતા જ કહ્યું..

કાંતી માત્ર સાહીઠ રૂપિયા લઈને દાહોદ જવા તૈયાર થયો.

" પણ બેટા..આટલા રૂપિયામાં તો તું માંડ પહોંચી રહીશ તો તું આવીશ કેવી રીતે ? "

" મા જલારામ બાપા વધુ સારું જ કરશે તું ચિંતા ન કર, હું ગમે તેમ કરી આવી જઈશ..નઈ તો કાગળ લખીશ."

કાંતિ વળતા ભાડા વિના જ મોટા હબીપૂરાથી નિકળી ગયો. સુરેશ તેને સાયકલ લઈ ડભોઈ બસ ડેપો સુધી મૂકવા ગયો.

કાન્તી એ દાહોદ જવા બસમા બેઠો અને સુરેશને હાથ હલાવતો રહ્યો અને બસ ઉપડી ગઈ.

***

તે ઇંટરવ્યૂ માટે લાઇનમાં ઊભો હતો અને હવે તેનો વારો આવ્યો, તે ઇંટરવ્યૂમાં સફળ રહ્યો.

" ઓકે કાંતીભાઈ તમે અમારી સંસ્થામાં શિક્ષક તરીકે કાલથી જોડાઈ શકો છો..પણ ? "

" પણ શું સાહેબ? "

" તમારે ડોનેશન આપવું પડશે.."

" કાંતી ધ્રૂજી ઊઠ્યો, કેટલા સાહેબ ? "

" દસ હજાર રૂપિયા.."

" સાહેબ દસ હજાર શું મારી પાસે હમણા દસ રૂપિયા પણ નથી..અને હાલ તો મારી પાસે મારા ઘરે જવાનું ભાડુ પણ નથી. તો દસ હજાર ક્યાંથી લાવું."

ત્યાંં એક ભલા સાહેબે વચ્ચેનો રસ્તો કર્યો." કાંતીભાઈ એક રસ્તો છે"

" બોલો સાહેબ.."

" તમારા પગાર મહિને 1500 મળશે તેમાંથી તમારે દર મહિને 1000 રૂપિયા આપી શકશો..? "

કાંતી હા કહીને, સાહેબ સામે બે હાથ જોડી રડી પડ્યો.

" અરે બેટા રડે છે કેમ...?"

" સાહેબ આ મારી જ નહીં અમારા આખા પરીવારની સફળતા છે અને ખુશી પણ."

***

કાંતી નોકરી સાથે જોડાયો અને આજે તે અને તેનો પરિવાર ખુશ ખુશાલ છે..અને આજે તે રિટાયરમેન્ટ થઈ ઘરે આવ્યૉ છે. તેની ખુશીમા તેના સમાજ દ્વારા એક સમારોહ ગોઠવવામાં આવ્યો છે, કાંતીને સ્ટેજ પર બોલાવી તેનું ફૂલહારથી સન્માન કરવામા આવ્યું.

ત્યાં માઈક એનાઉન્સર દ્વારા કાંતીને તેના સફળ જીવન વિશે બે બોલ કહેવા સ્ટેજ પર બોલાવવામા આવ્યો.

કાંતીએ પોતની આપવીતી કહી સંભળાવી અને ભાવુક થઈ રડી પડ્યો.

" ખરેખર કાંતીસાહેબનું જીવન આપણા સમાજ માટે એક પ્રેરણારૂપ છે. ઓકે કાંતીભાઈ તમે આજના શુભ પ્રસંગે સૌથી વધારે કોને યાદ કરો છો? "

"અફકોર્સ, મારી બો(મા) અને મોટાને...."

" ઓકે કાંતીભાઈ તમારી આ સફળતાનો શ્રેય કોને આપશો.? .તમારા ગુરૂજીને, પિતાજીને, માતાજીને, કે તમારી ધરમ પત્નીને ..." .

" તમે આપેલ ઓપ્શનમાંથી કોઈને નહીં..."

" શું વાત કરો છો કાંતીભાઈ ? તમારી માતાજી પણ નહીં.."

" હા, " મા તે મા, બટ મારી સફળતા પાછળ બીજું કોક છે."

" તો એ કોણ છે..? "

માઈક એનાઉન્સર સાથે દરેક વ્યક્તિના કાન, કાંતીનો જવાબ સાંભળવા આતુર હતા.

" તમે જે વ્યક્તિનું નામ સંભાળવા આતુર છો, તે આપણી વચ્ચે હાજર છે. એક મિનીટ હું તેમને સ્ટેજ પર લઈને આવું છું" કાંતી સ્ટેજ પરથી ઉતરી તે એક ઘરડા દાદાને સ્ટેજ પર લઇ આવ્યો.

" લો આ છે મારા સફળ જીવનના સર્જક...ચતુર પટેલ" સ્ટેજ તાળીઓના આવજથી ગુંજી ઊઠ્યો.

" ના, ના મેતો આ કોઁતીની કોઈ મદદ નથી કરી અને ઉપરથી કાંતી નોકરી ન લાગે તેવું જ ઇચ્છ્તો હતો.."

" હા ચતુરકાકા' , પણ તમને યાદ છે..તમે મને તમારા ખેતરમાં મેણું માર્યું હતું ..કે મંજૂરના છોરા શું માસ્તર બનવાના..અને મેં તેજ દિવસથી તમને મારા ગુરૂ બનાવ્યા, તમારા મેણાને ગુરૂમંત્ર માનીને તે શબ્દને જપતો રહ્યો અને આજે હું જ નહીં, મારા બે પુત્રો પણ માસ્તર છે.."

" ચતુર પટેલ ગળગળા થઇને કાંતીને ભેટી પડ્યા..અને સ્વસ્થ થઈ માઈક હાથમા લીધું.."

" હું જીવનનું સાચો હાર્દ આજે સમજ્યો. કોઈ પણ માણસે જાત ધર્મ કે પૈસાનો રૂઆબ ના રાખવો જોઇએ, પૈસા અને મોભો...બદલાય છે. આજે મારો છે તો કાલે બીજા કોઈનો. પણ સાચો માણસ એજ છે જે..પોતાના મોભા કે પૈસાનું ઘમંડ ન રાખે અને હા મારી જેમ તમને પણ મહાભારતનો એકલવ્ય યાદ આવ્યો હશે. હા આ કાંતી છે આજનો એકલવ્ય. તમે કોઈના મેણા કે શબ્દોને ગુરૂમંત્ર માની તમારુ જીવન પણ સફળ બનાવી શકો છો. બસ ખાલી તમારી અંદર એકલવ્ય હોવો જોઈએ.


Rate this content
Log in