Aswin Patanvadiya

Children Stories

4.9  

Aswin Patanvadiya

Children Stories

પારસમણી શિક્ષક

પારસમણી શિક્ષક

5 mins
315


એક મોટુ જંગલ હતું. જંગલમાં એક આદર્શ સ્વચ્છ શાળા આવેલી હતી. શાળા જોતાજ આંખોમાં ઠરે તેવી હતી. શાળાના દરેક વર્ગખંડો સુવ્યવસ્થીત રીતે સજ્જ હતા. શાળાની સાથે સાથે શાળામાં આવતા દરેક વિદ્યાર્થીઓ પણ સ્વચ્છ અને આજ્ઞાંકિત હતા. આ શાળાના આચાર્ય હતા મોરભાઇ. મોરભાઇ દરેકને ગમતીલા હતા. આ શાળામાં મેના, પોપટ, બતક, સસલા, ખીસકોલી અને હરણાઓ જેવા અનેક પશું-પંખીઓ ભણવા આવતા.

આજે મોરસાહેબ જરા વહેલા આવી શાળાના ઓફિસ રૂમમાં બેઠા. સમય થતા કોયલમેડમે મીઠા ત્રણ ટહુકા કર્યા. કોયલબેનના મિઠો ટહુકો સાંભળી જંગલના પશું-પક્ષીઓ શાળાએ દોડી આવતા. આવી સૌ શાળાની સ્વચ્છતામાં જોડાય જતા. ક્યારેક તો મોરસાહેબ અને કોયલમેડમ પોતે વિદ્યાર્થી સાથે શાળા સફાઇમાં જોતરાઇ જતા, અને વિદ્યાર્થીઓને સ્વચ્છતા કેવી રીતે કરવી તે સમજાવતા.સ્વચ્છતા બાદ સૌ પ્રાર્થનાખંડમાં ગોઠવાયા.

પ્રાર્થનાની શરૂઆત કોયલમેડમ સ્વરથી કરવામાં આવી. કોયલમેડમના સૂરથી શાળાનું વાતાવરણ ભક્તિમય બની ગયું. પ્રાર્થના પૂર્ણ થતા શાળાના આચાર્યસાહેબે નવા આવેલ બે વિદ્યાર્થીઓને ઉભા કરતા બોલ્યાં: “જૂઓ વિદ્યાર્થીઓ હવેથી આપણી શાળામાં આ નવા બે વિદ્યાર્થીઓ પણ ભણવા આવશે. આ છે વાંદરાભાઇ, અને આ છે કાગડાભાઇ, બન્ને નવા છે. તેથી તમારે તેમને મદદ કરવી, કોઇએ તેમને હેરાન કરવા નહિ.” સૌં નવા વિદ્યાર્થીને જોતા-જોતા પોતાના વર્ગખંડમાં પ્રવેશ કર્યો.

કાગડાભાઇ અને વાંદરાભાઇ બન્ને ખુબજ તોફાની હતા, બે દિવસ શાંત રહ્યા અને પછી વાંદરભાઇ તોફાન અને કાગડાભાઇ શાળામાં ગંદકી કરવાનું શરૂ કર્યું.વાંદરાભાઇતો શાળાના બગીચામાં ફુલ-ઝાડ પર કુદા-કુદ કરવા લાગ્યાં, અને વર્ગખંડમાં તોડફોડ કરવા લાગ્યાં અને ચાલુ ક્લાસે તે બધાને માથમાં ટપલી મારવા લાગ્યા.તો બીજી તરફ કાગડાભાઇ આખો દિવસ ખા-ખા જ કરતા, અને બધો કચરો શાળામાં જ્યા-ત્યાં ફેકતા ફરતા. વાંદરાભાઇ અને કાગડાભાઇથી સૌં તોબા તોબા પોકારી ઉઠયા. સ્વચ્છ શાળા હવે પૂરી રીતે અસ્વચ્છ શાળામાં બદલાય ચુકી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓ આ બન્ને નવા વિદ્યાર્થીઓથી હેરાન પરેશાન થઇ ગઇ હતી. કેટલાક વિદ્યાર્થીઓ તો શાળાએ આવવાનુ જ બંધ કરી દીધુ હતું. છેવટે બન્નેના વર્ગ શિક્ષક ચકીમેડમ અને કાબરમેડમ આચાર્યસાહેબ પાસે ગયાં.

મોરસાહેબની રજા લઇ બન્ને ઓફિસમાં પ્રવેશ કર્યો.

મોરસાહેબ ચકીબેનને જોતા જ બોલ્યાં: “ બોલો ચકીબહેન શું વાત છે, ખુબ જ ચિંતામાં લાગો છો?” 

“ અરે! આચાર્ય સાહેબ આપ વાત સાંભળશો તો તમે પણ ચીંતામાં મુકાય જશો.”: કાબરબેને કહ્યું.

“મને સમજાય તેવું સ્પષ્ટ બોલો”: મોરસાહેબે અધિરાઇથી પુછ્યું.

ચકીબેન બોલ્યા: “સાહેબ નવા આવેલ બન્ને વિદ્યાર્થી ખુબજ તોફાની છે. વાંદરાભાઇ બધાને માંથામાં ટપલી મારે છે, અને શાળાનો બગીચો પણ ચુથી નાખ્યો છે. અને કાગડાભાઇતો ગંદો ગંદો ખોરક લઇ શાળાએ આવે છે. અને જ્યાં-ત્યાં તે એઠવાડ અને કચરો નાખે છે.” ત્યાં વચ્ચે કાબરબેન બોલ્યા: “ મોરસાહેબ આમને આમ ચાલશે તો, આ બે તોફાની સિવાય બીજુ કોય ભણવા નહિઆવશે!”

ચકીબેન અને કાબરબહેન મોરસાહેબને ટેંશન આપી જતા રહ્યા. મોરસાહેબ આ બન્નેનુ શું કરવું તેનો વિચાર કરવા લાગ્યાં..

બીજા દિવસે મોરસાહેબે પ્રાર્થનાખંડમાં જ આ બન્ને તોફાનીઓને ઉભા કર્યાં.

ચકીબેન તો રાજી રાજી થઇ ગયા.: “ જોયું કાબરબેન આજે તો આચાર્યસાહેબ આ બન્નેને શાળામાંથી દાખલો જ કાઢી આપશે..”

“ હા, મને પણ એમ જ લાગે છે.”

“જૂઓ આ વિદ્યાર્થીઓને આપની શાળામાં હજી એક મહિનો થવા આવ્યો છે, અને આપની શાળા જૂઓ કેવી હતી અને કેવી થઇ ગય.તેનુ કારણ આ બે વિદ્યાર્થીઓ જ છેને? ”

બધા “હા મેડમ....હા મેડમ.” બોલવા લાગ્યાં.

“સાંભળો દર વર્ષની જેમ, આ વર્ષે પણ ખેલઉત્સવ યોજાવાનો છે. મને આશા છે કે વાંદરાભાઇ આપણી શાળાને સારા એવા ઇનામ અપાવશે. મને વાંદરાભાઇના સ્ફુર્તિલા શરીર ઉપર ભરશો છે. તેથી આ વર્ષે વાંદરાભાઇને યોગમંત્રી અને ખેલમંત્રી બનાવવામાં આવે છે. બોલો નવા મંત્રી બધાને પંસંદ છે ને ?” 

સૌંએ મને-કમને તાળીઓથી વધાવી લીધા. ચાલો હવે કાગડાભાઇની વાત કરીએ. કાગડાભાઇ ભલે આપણને કદરૂપા અને ગંદા લાગે. પરંતુ કાગડાભાઇ જેટલા ભલા બીજા કોઇ નથી. કાગડાભાઇના પરિવારજ આપણા જંગલને સ્વચ્છ રાખે છે. તે ચોક્સાઇ અને સ્વચ્છતા પાઠ સારી રીતે જાણે છે. “ ખરૂને કાગડાભાઇ ?”

“ હા સાહેબ કેમ નહિ, કગડાભાઇ તો પોતાના વખાણ સાંભળી રાજી-રાજી થઇ ગયા.”

મોરસાહેબ વાત આગળ વધારી. “ કાગડાભાઇની કામ કરવાની આવડત જોઇને મેં તેમને શાળા સ્વચ્છતા મંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. આપણે બધા કાગડાભાઇ પાસે આશા રાખીએ કે તેઓ આ વર્ષનો સ્વચ્છ શાળાનો એવોર્ડ જરૂર અપાવશે.”

સૌંએ ફરીથી વાંદરાભાઇ અને કાગડાભાઇને તાળીઓથી વધાવી લીધા. ચકીબેન અને કાબરબેન તો મોરસાહેબના આવા નિર્ણયથી માંથુ ખંજવાળવા લાગ્યાં: “અરે! મોરસાહેબ આ બનેને સજાને બદલે ઇનામ આપ્યું.” 

“લાગે છે મોરસાહેબનુ ચસ્કી ગયું છે.” ચાલો કાબરબેન જોઇશું કે હવે આ બને આપણી શાળાને એવોર્ડ અપાવશે કે બીજુ જ કઇક ? બન્ને હસતા-હસતા વર્ગખંડ તરફ ચાલ્યાં ગયા.

મોરસાહેબ હવે વાંદરાભાઇ અને કાગડાભાઇ સાથે રાખી કામ કરવા લાગ્યાં. વાંદરાભાઇ અને કાગડાભાઇને શાળા માટે કઇક નવું કરવાની તક મળતા તેઓ પણ ખુશ અને ઉત્સાહિત દેખાતા હતા. કાગડાભાઇ હવે શાળામાં રોજ વહેલા આવી સફાઇની ટીમ સાથે સફાઇમા જોતરાઇ જતા. કાગડાભાઇની ચકોર નજર નાનામાં નાના કચરાને પણ જોય લેતી. કાગડાભાઇનું કામ જોઇ મોરસાહેબ પણ ખુબ ખુશ થતા, ને તે કાગડાભાઇના કામનાં વખાણ કરતા. કાગડાભાઇ વખાણ સાંભળી રાજીનારેડ થઇ જતા. અને વધારે ઉત્સાહથી શાળાને સ્વચ્છતા એવોર્ડ અપાવવા વધુ મહેનત કરવા લાગતા.

કાગડાભાઇની જેમ જ વાંદરાભાઇ પણ તોફાન કરવાનું છોડી. રોજ શાળામાં અવનવા યોગ કરી બતાવતા, તેથી વિદ્યાર્થીઓને ખુબજ મજા પડતી. અને શનિવારે સવારે તો વાંદરાભાઇ કસરત કરાવતા અને લાંબીકૂદ, દોડ, ઊંચીકૂદની પ્રેકટીસ કરી બતાવતા. સૌ વાંદરાભાઇ આવુ કૌશલ્ય ફાટી આંખે જોઇ જ રહેતા.

આજે સમગ્ર જંગલની શાળાઓનો ખેલઉત્સવ હતો. મોરસાહેબ સાથે આખી શાળાની નજર વાદરાભાઇ ઉપર મંડાય હતી. વાંદરાભાઇ ઊંચીકૂદ અને લાંબીકૂદમાં પ્રથમ સ્થાન મેળવી શાળાને ગૌરવ અપાવ્યું. મોરસાહેબ ખુશ થતા વાંદરાભાઇને પોતાનુ રૂપાળુ રંગબેરંગી પીંછુ આપ્યું..વાંદરાભાઇના કારણે મોરસાહેબ અને તેમની શાળાની બોલબાલા થવા લાગી.

જોત જોતામાં તો વર્ષ પણ પુરૂ થવા આવ્યું હતુ. વર્ષના અંતે સ્વચ્છ શાળા એવોર્ડ અંતરગત શાળાના ઉચ્ચ અધિકારી સિંહસાહેબ અને હાથીસાહેબ શાળાની મુલાકાતે આવ્યાં. તેવો શાળાના બાગ, વર્ગખંડ અને શાળાની દરેક નાની મોટી વસ્તુઓની ગોઠવણ અને સ્વચ્છતા જોઇને મુલ્યાંકન કરી માર્ક મુકતા હતા.

શાળાની સ્વચ્છતા નિહાળી સિંહસાહેબ બોલ્યા: “ મોરસાહેબ તમારૂ કામતો કહેવું પડે હા! આ પ્રકારની સ્વચ્છતા મે બીજી કોઇ શાળામાં નિહાળી નથી.

અરે! સર આ શાળાને સ્વચ્છ બનાવવાનુ કામ મારા વિદ્યાર્થીનું છે. મારૂ નહી.!

“ક્યાં છે એ વિદ્યાર્થી ?”

“આ રહ્યાં કાગડાભાઇ”

“અરે કાગડાભાઇ તમે! તમે તો ખુબ સારું કામ કર્યું છે, આપના કામને વંદન અને તમને અભિનંદન; આ વર્ષની સ્વચ્છ શાળાનો એવોર્ડ તમારી શાળાના નામે જાય છે:ચાલો આવજો. સ્વચ્છતા એવોર્ડ સમારંભમાં શાળા પરિવાર અવશ્ય પધારજો. અને કાગડાભાઇ તમારે તો ખાસ આવવાનું છે.”

મોરસાહેબ કાગડાભાઇના કામથી ખુશ થતા મોરસાહેબે ફરીથી તેમનું રંગબેરંગી પીંછુ કાગડાભાઇ આપ્યું. કાગડાભાઇની આંખોમાં ખુશીના આંશુ વહેવા લાગ્યાં.મોરસાહેબે તેમની સુંદર પાંખોથી કાગડાભાઇને ઉંચકી લીધા.

ચકીમેડમ મોરસાહેબને જોતા બાલ્યાં: “કાબરબેન ખરેખર આપણા આચાર્ય સાહેબ એક પારસમણી જેવા જે. તેમણે આ તોફાની વિદ્યાર્થીઓને પણ સંસ્કારી અને વિવેકી બનાવી દિધા.”

“હા, ચકીબેન આપણે પણ મોરસાહેબ પાસેથી ઘણું-ઘણું શીખવું જોઇએ. વિદ્યાર્થીમાં અપાર શક્તિ પડેલી છે બસ તેને બહાર લાવવા શિક્ષકને પારસમણી બનતા આવડવું જોઇએ.” કાબરબેને જવાબ આપતા કહ્યું.

સૌ શાળા પરિવાર વાંદરાભાઇ અને કાગડાભાઇ સાથે નાચી રહ્યાં હતાં. અને કાગડાભાઇ સ્વચ્છતાનો સંદેશો આપી રહ્યાં.: “જે આપણી આસપાસ સ્વચ્છતા રાખશે, તેને સ્વચ્છતા નિરોગી રાખશે.”

 


Rate this content
Log in