Aswin Patanvadiya

Inspirational Others

4.8  

Aswin Patanvadiya

Inspirational Others

ભઠ્ઠી

ભઠ્ઠી

11 mins
649


હું મારા મિત્રના લગ્ન પ્રસંગમાં જવા બસમાં બેઠો. મારું સ્ટેશન આવ્યું એટલે કંડકટરે બેલ મારીને બસ ઊભી રહીં.

"સાહેબ તમારૂં સ્ટેશન આવી ગયુ. "હું મારા મિત્રના ઘરે પહેલીવાર જતો હોવાથી અહીંના વિસ્તારથી અજાણ હતો, તેથી મેં કંડક્ટરને પૂછ્યું, "કાકા આ ગગનપુરા અહીંથી કેટલું હશે ?" 

"બસ સાહેબ, નજીક જ છે. બવ વધારે નથી. ચારેક કિલોમીટર હશે.." 

"બસ કે રીક્ષા મળશે ?" 

"ના સાહેબ , ચાલીને જ જવું પડશે,વચ્ચે કોક મળે તો તમારૂં નસીબ" 


નસીબની વાત આવી એટલે હું સહેજ હસીને ગગનપુરાના રસ્તે ચાલતો થયો.વર્ષો બાદ આજે ફરી ધૂળની કેડીએ ચાલવાનો અવસર મળ્યો. હું ચાલતો આને પાછો વળીને ધૂળમાં મારા બુટની છાપ જોતો. મારા બૂટ નીચેની છાપ જોઈને મને નવાઈ લાગી" બૂટ બનાવનારે વાપરેલી કલા મને પહેલી વાર જ જોવા મળી. અને હવે પછી જ્યારે બૂટ લઈશ ત્યારે અચૂક બૂટ નીચેની કલા જોઈને જ લઈશ તેવું મેં મનોમન નક્કી કર્યું. વૈશાખ મહિનો હોવાથી ગરમી અતિશય હતી. ગળું સુકાયું એટલે મેં મારી નજરને લાંબી ટૂંકી કરી. એટલે મને દૂર તળાવ કિનારે નાના ઝૂંપડા જવું દેખાયું. હું તે દિશામાં આગળ વધ્યો. મેં દૂરથી જોયું કે કાળી પીપ નીચે આગ ભભૂકી રહી હતી. એક બાઈ તે પીપ નજીક ઊભી હતી. તે બાઈએ પીપમાં ગોળ અને પાણી નાખ્યું અને બીજું પણ કંઈક નાખ્યું. હું તે ઓળખી શકયો નહીં. તે જાણવા મેં નજીક જવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે આગની ઝરાળના કારણે મારા પગ થંભી ગયા.


ત્યાં તે બાઈએ બૂમ પાડીને કહ્યું."એ ત્યાંજ બેસો ! દેખાતું નથી..? હજી, હમણા તો ભઠ્ઠી ચડાવી છે. થોડી વાર લાગશે." આ લોકોને દારૂ પણ સારો જોઈએ અને ઉપરથી ઉતાવળ પણ કેટલી કરે છે ?

"મને થોડું પાણી મળશે ?" મારા આવા શબ્દો સાંભળી ભઠ્ઠીથી દૂર બેઠેલા બે- ચાર જુવાનીયા હસ્યા...


ચારમાંથી એક જુવાનીયો બોલ્યો."અલા ! આ કેવો માણસ છે ! અમૃત મળતું હોય ત્યા આ ગાંડો પાણી માંગે છેં. ત્યાં બીજો બોલ્યો."સારૂ કે'વાય કે ગાંડાએ દૂધ ન માગ્યું."ને બધા હસવા લાગ્યાં.


પેલી બાઈ વચ્ચે બોલી."અલા નટુડા, લાગે છે કોક ભલો માણસ, આ અવળે માર્ગે ભૂલો પડ્યો છે. તું ઘડીક આ ભઠ્ઠી જો, હું હમણા પાણી આપીને આવું. તે બાઈ પાણીનો ગ્લાસ લઈ મારી પાસે આવી અને પાણીનો ગ્લાસ મારા હાથમાં આપતા તેને મારી સામે નજર કરી. હું તે ગ્લાસ પકડું તે પહેલા તો તે બાઈના હાથમાંથી છૂટી પડ્યો !


"અરે ! તું અહીંયા કયાંથી ?" 

મેં કહ્યું."માફ કરજો, મને ઓળખાણ ન પડી. તમે કોણ ?" 

"મને ના ઓળખી, હું ગંગા." 

"કોણ ગંગા ?" 

"અરે ! ભૂલી ગયો , આપણે હારે તો ભણતા હતા." 

"નારણકાકાની ગંગા કે ?" 

"હા, ઇજ ગંગા" 

"હા, યાદ આવ્યું..." 

***

હું અને ગંગા હારે જ ભણતા, ગંગા એટલે ગંગા જ. તે ગંગા નદી જેવી જ પવિત્ર, ના તેને ગાળ બોલતા આવડે, ના ઝઘડતા આવડે અને ન કોઈની હારે લપ્પન - છપ્પન..બસ એનું કામ ભલું ને એ ભલી ! ગંગા ના બાપુને દારૂ પીવાનું વ્યસન હતું, ને વળી ઘરેની પરિસ્થિતિપણ કંઈ વધારે સારી ન હતી. તેથી તે રજાને દિવસે પણ મજૂરીએ જતી ને ઘરમાં ટેકો કરતી, સાથે ભણવામા પણ હોશિયાર તે શાળાનો એક દિવસ પણ ભાંગતી નહીં. ગંગા દેખાવે ધોળા દૂધ જેવી જ. ને પાછી નાજુક નમણી ! 

મને પણ મનમાં થઈ આવતું કે પરણવું તો ગંગા હારે જ. પણ હું તેના પવિત્ર વ્યક્તિત્વને જોઈ અટકી જતો. ને વળી પાછો વિચારતો કે આ કઈ આવું બધું કરવાની થોડી ઉંમર છે. આ બારમું સારા ટકાએ પાસ કરી લઉં, પછી પુછીશુ.


સમયને પસાર થતા ક્યા વાર લાગે છે. મેં સખત મહેનત કરીને પરીક્ષા આપી. અને આજે તેનું પરીણામ હતું. મારી સાથે બધાજ મિત્રો પોતનું પરિણામ જોવા ઉત્સુક હતા, સૌપ્રથમ એકથી ત્રણ નંબર આવેલા વિદ્યાર્થીઓની યાદી નોટીસ બોર્ડ પર મુકાઈ હતી. પણ મને મારા પરિણામ કરતા ગંગા ક્યા છે. તે જોવા મારી આંખ દરેક ચહેરે ભમી રહી હતી. ત્યા રાહુલ હસતો - હસતો મારી પાસે આવ્યો.

"યાર અંકિત , તું તો બીજા નંબરે પાસ થયો ! કોંગ્રેચ્યુલેશન્સ અંકિત...." 

મારા ચહેરા પર કઈ ખૂશી જેવું ન જાણતા તે બોલ્યો."કેમ અંકિત શું થયું ? તું આ નંબરથી ખુશ નથી ?" 

"અરે યાર ! ખુશ જ છું..પણ જો' ને ગંગા નથી દેખાતી." 

"ગંગા , અરે... ! ગંગા તો પરણીને સાસરે જતી રહી..." 

"ક્યારે લા ?" 

"બસ આ પરીક્ષા પૂરી થયાના ચાર દહાડા પછીજ, સારા સુખી ઘરનું માંગુ આવ્યું એટલે એના બાપે પરણાવી દેધી." 


એ પરણી ગઈ એ જાણી દુ:ખ થયું, પણ પાછું તે સારા સુખી ઘરે પરણી છે તે જાણીને મન થોડું હળવું થયું.

"હજી મનેય ના ઓળખી , બોલને અંકિત" 

હું મારા શાળા જીવનના સ્મરોણોમાં ડોકીયું કરી પાછો આવ્યો.

"ગંગા , તુંતો સાવ બદલાય ગઈ. ગંગા જેવી લાગતી જ નથી." 

"અંકિત , તું પણ હવે પહેલા જેવો ક્યાં દેખાય છે. પહેલા કેટલો શ્યામ રંગનો હતોને હવે. તો." 

"હવે તો શું બોલને ? અરે ! આતો ઘરે અને ઓફિસમાં એ.સી. હોવાનાં કારણે ઉપરથી જ ધોળો દેખાવ છું. આમતો અંદરથી તો હું એ જ અંકિત છું." 

"હું પણ એજ ગંગા છુ અંકિત , બસ આ ભઠ્ઠીએ....."ને તે બોલતી અટકી ગઈ.


હું ગંગા ને ધ્યાનથી જોઇજ રહ્યો હતો. ક્યા પેલી હંસવર્ણ વાળી ગંગાને અને આ ક્યા આ શ્યામલડી ગંગા. મનમાં જ ગુસ્સો આવ્યો. આ શ્વેત ગંગામાં ગટર ભેળવી કોણે ? મારી નસે નસમાં ગુસ્સો પ્રસરી ગયો. મેં મારા મન શાંત પાડતા કહ્યું 

"ગંગા તને તો સારા સુખી ઘરે પરણાવેલી. તો , આ શું ?" 

"જો અંકિત, કહેવાય છેને કે, ' લક્ષ્મી જે રસ્તેથી આવે તે રસ્તેથી જતી પણ રહે.' મને જે મોટો બંગલો જોઈને પરણાવેલી, એ બંગલાની ઇમારત આ જ ભઠ્ઠીના પૈસે ચણાઈ હતી. કોકની હાઇના પૈસા નાજ ટકેને ! અંકિત મારા ઈ' ને કેન્સર થયું છે. તેના ઇલાજના ખર્ચ અને ઘરખર્ચ સારું મારે આ કામ કરવું પડે છે.

મેં કહ્યું."આ ભઠ્ઠીમાં છે શું ?" 

તેણી આંખો જુકી ગઈ, ને તેને આંખો જૂકાવીને કહ્યું."દારૂ" 

"અરે ! દારૂ, દારૂના કારણે તો તણે, તારા પિતા સાથે પણ રહેવું ન' તું ગમતું. તો તે આ દારૂડિયા ઘરે પરણવાની હા કેમ પાડી ?" 

"અંકિત કેવી હા , મને મારી મરજી પૂછીજ નથીને. આમય બધાજ આ ઘરની સુખ સાહેબી જોઈને મોહી પડ્યા. અને ઉતાવળ કરીને પરણાવી દીધી. પરણીને આવી ત્યારે, મારૂં મન પણ સાતમા આસમાને જ હતું. આલીશાન બંગલો. ને ઘરમાં પણ કોઈ ચીજની ખોટ નહીં. હું ઘડીક હીંચકે જુલતીતો ઘડીક ઘરના બાગમાં ટહેલતી. એક દિવસ મેં એમને પૂછ્યું."એય સાંભળો છો, આપણી પોતાની ખેતી નથી, કે ધંધો નથી તો આ ઘર ચાલે છે કેવી રીતે ?" 

"અરે ! આપણું કારખાનું છે ગાંડી." 

"કેવું કારખાનું છે ?" 

"ચાલ બતાવું કહેતા, તે મને અહિંયા ગામથી દૂર ગીચ જંગલ ઝાડી વચ્ચે છુપાયેલી જગ્યાએ લઈ આવ્યા.

મેં કહ્યું."તમે મને આ કેવી જગ્યાએ લઈ આવ્યા." 

"કેમ જગ્યા ના ગમી ?" 

"જગ્યા તો ગમી , પણ કારખાનું ક્યાં ?" 


તેમણે મુઠ્ઠીવાળી પહેલી આંગડી સીધી કરતા કહ્યું."જો તળાવની પેલી કોરે ઘટાદાર ઝાડ નીચે. મેં આંખ ઉપરના ભમ્મર ઊઁચાનીચા કરી ધ્યાનથી જોયું.કંઈક સળગતું હોય તેવું લાગ્યું. ને અમે વાતો કરતા કરતા તે તરફ ડગ ઉપાડ્યા. નજીક આવી ત્યારે મને આ પીપ દેખાઇ. ને એ આ પીપ તરફ જોઈને કહે."આ છે આપણું કારખાનું !" 

મારાતો હોશ જ ઉડી ગયાં."આ શું, દારૂનો ધંધો ?" 

"હા, છેને જોરદાર, દિવસની આઠથી દસ હજારની આવક છે. બીજા કોઈપણ ધંધામા આટલી કમાણી ના મળે. ને ઉપરથી બીજા સામે સાહેબ- સાહેબ કરી હાથ જોડવા પડે." 

"અરે ! પણ પોલીસ આવે તો ?" 

"પોલીસ, પોલીસના હપ્તા બાંધેલા છેં. એ પોતાનો હપ્તો મળે એટલે જતા રહે. અને કોક બીજો ઇમાનદાર પોલીસ આવવાનો હોય તો. આપણને ચેતવી દે. એટલે બે- ચાર દિવસ બંધ કરી બહાર ફરવા જતું રહેવાનું." 

"તોપણ ખતરો તો ખરોને ?" 

"અરે ! ખતરો શાનો ગાંડી ? અને ધંધામાં ખતરો ના હોય તો ધંધામાં મઝા પણ ન આવેને.." 

"એ બધી વાત રહેવા દો.આ ધંધો બંધ કરો. મને નથી ગમતું આવું બધું. આપણા બાળકો શું આજ શીખશે ?" 

"હાસ્તો વળી, આતો આપણો વારસાગત ધંધો છે. એકવાર આ લાઇનમાં ઊતર્યે , એટલે વધુ જ આવડી જાય. તું નથી જોતી ભણેલા હાલ કેવા છે ? અરે ! આપણા જ ફળીયાના શૈલાનાજ હાલ જોને. ભણવામાં તે કેવો એક્કો હતો. તેણે એટલી બધી ડિગ્રી મેળવવી કે એ બી સી ડીના માંડ બે ચાર અક્ષર જ બાકી હશે. છતા બીચારો આજે પણ નોકરી માટે વલખા મારે છે." 

"અરે ! પણ , આપણા દારૂના કારણે કોકના ઘરના ચુલા બંધ રહે - છોકરા ભૂખ્યાજ સૂઈ જાય, અને ક્યાંક તો સુખી સંસારમાં ભંગાણ પણ પડે. આ બધી હાય લઈ મારાથી કેમ જીવાય..?" 

"જીવાયજને વળી, આપણે ક્યા એમણા ગળામાં દારૂ રેડવા જઈએ છીએ. એજ તો બધા આ દોઢ કિલોમીટર હેંડતા આવે છે. હું થોડો આમંત્રણ આપવા જાવ છું." 

"એ બધું છોડો, જો તમારે આ કારખાનું જ ચલાવવું હોય તો. મારે અહીંયા નથી રહેવું. તમ તમારે આ ભઠ્ઠી ચલાવે રાખો , હું તો આ હેડી મારા બાપને ત્યાં.

"અરે ! કયા જાય છેં ?ના જાણતી હોય તો જાણી લે ગંગા, ત્યાનું ઘર પણ આ ભઠ્ઠી જ પુરૂ કરે છે." 

"મારા બાપાને ખબર છે આ ભઠ્ઠી વિશે ?" 

"હાસ્તો વળી, આ ભઠ્ઠીનો દારૂ પીધા પછી તો તણે મારી હારે પારણાવાની હા ભરી હતી."


હું પોક મૂકી રડી પડી! , હાઈ રે ! આ કેવો દારૂ જીવતા માણસને કસાઇ બનવી દે !.બાપે દારૂ ખાતર દીકરીને કસાઈને સોંપી..અરે ! હું મજૂરી કરીશ, પણ આ દારૂ પૈસેતો નૈજ જીવું. ને ગંગા ડૂસકાં ભરતી રડવા લાગી.

મેં તેનાં ખભે હાથ મુકતા કહ્યું."તો પછી આજે પોતે જ ભઠ્ઠી પર કેવી રીતે ?" 

"અંકિત કઉં તને, તું ઘડીક બેસ હું હમણાં આવી"એમ કહેતા તેણે સાડીના પાલવે આંખો સાફ કરતી તે ભઠ્ઠી તરફ ગઈ.

"જો નટુડા, લાકડીના ઠોયાની જેમ ઊભો ના રહેતો.આ ભઠ્ઠી જોતો રે 'જે. દારૂ આ પ્યાલાનું માપ લઈને જ ભરજે. અને હા, પોટલીની સરખી ગાંઠ વાળજે".

"ગંગાભાભી તમે આરામથી બેસોને. હું બધુ કરી લઈશ." 

"જોજે, પૈસા હરખા ગણજે. અને મોટી નોટોતો આંખો ફાડીને જોજે. ને ઉધાર તો આપતો જ નઈ."


નટુડાને કામ સોંપી તે મારી પાસે આવીને મારા ખાટલાની સામે ઉંચી ટેકરીએ બેઠી.

"જો અંકિત, પછી તો હું મારા પીયર જતી રહી. મજૂરી કરીને આખું ઘર ચલાવતી, મા - બાપ સાથે સુખેથી રહેવા લાગી. હું તો ભૂલી જ ગઈ ' તી કે મારે પાછું આ ઘરે આવવું પડશે. પણ." 

"બોલને ગંગા, પણ શું ?" 

"મારા ઇ, નીકેતની ખબર આવી કે, તે બીમાર છે. ગળામાં દુખે છે. અન્નનો દાણો પણ ખવાતો નથી. માત્ર પ્રવાહી પર છે." 

હું બધું જ ભૂલીને અહીં આવી. નિકેતની પથારી પાસે જઈને બેઠી, મેં નિકેતના માથે હાથ ફેરવતા કહ્યું."નિકેત તમને આ શું થયું, બોલોને ? બોલો, અરે ! કંઈક તો બોલો ?" 

તેમને ગળા પર હાથ મુકતા તેમની આંખોથી આંશુઓ સરવા માંડ્યા. ને તૂટક સ્વરે બોલ્યા."તું...કે..તી હતીને, તેવું જ થયું. લોકોની હાય લાગી." અને તેમની આંખોમાંથી ટપ-ટપ આંશુઓ પડવા લાગ્યા..

મેં કહ્યું."નિકેત તમને કંઈ નહીં થાય, હું છુંને તમારી સાથે." 

"પછી તો હું તેમને સારા- સારા દવાખાને લઈને ફરી પણ કંઈજ ફરક ન પડ્યો. છેવટે મેં તેમણે વડોદરાની સારી એવી હૉસ્પિટલમા દાખલ કર્યા. બધા જ રીપોર્ટ કરાવ્યા. ને રિપોર્ટમાં જેનો ડર હતો તેજ આવ્યું." 

"શું, શું ગંગા ?" 

"કેન્સર..મારા નિકેતને કેન્સર છે. અને તે હાલ અમદાવાદ સીવીલ હોસ્પિટલમા દાખલ છે. ને તેનો રોજનો ખર્ચ બે હજારનો છે. હું તેમણી માટે જ આ ભઠ્ઠી ચલાવું છું અંકિત." 

"આજદિન સુધીતો આ ભઠ્ઠી મારતી જ આવી છે. કદાચ આ ભઠ્ઠી તેનો ખર્ચ પૂરો પાડી તેને જીવાડી દે. બસ એજ આશાએ ભઠ્ઠી ચલાવે રાખી છે." 


"અરે! અંકિત તું તો બોલ , મારું તો ભાગ્ય જ આવું છે. બોલ લગ્ન કર્યા કે નઈ ?"કે હજી પણ જોગી જ છે.

"ના, નથી કર્યા".

"કેમ ના કર્યા ?"

"તારા જેવી કોક મળવી જોઈએને."મેં હસતા હસતા જ કહ્યું.


ત્યા તો ગંગા ચહેરો ખીલી ઊઠ્યો.."તો તારે મને પૂછવું જઈએને ? મારેય આ ભઠ્ઠી સાથે તપવાનો વારો ના આવત."

"સાચે, મેં તને પૂછ્યું હોત તો ? તો તું હા કહત કે ના ?"

"અરે ! તું પણ શું અંકિત, છોડ વાતને, મારા હા કે ના કેવાથી ભાગ્ય થોડું બદલાવાનું હતું."

મેં વાત બદલતા કહ્યું ,"એવું નથી હા ગંગા, આ ભણવામા જ સમય ના મળ્યો..એટલે." 

"કેટલું ભણ્યો ?" 

"માનવશાસ્ત્ર પર પી. એચ. ડી કર્યું. હાલ પ્રોફેસર છું" 


મારા અને ગંગાનો વાર્તાલાપ ચાલુ જ હતો. ત્યાં મેં દૂરથી એક માણસને આમારી તરફ આવતા જોયો. તે નજીક આવીને બોલ્યો:"ભાભી ચાલો ઘરે..." 

"અરે તું ક્યારે આવ્યો નીતિન, હવે તારા ભાઈને કેવું છે ?..બોલને, હવે તો તેમના ડૉ. કીધેલા શેક પણ પૂરા થઈ ગયા હશે ?" 

"હા ભાભી, થઈ ગયા, હવે ઝટ ચાલો ઘરે..." 

"જો નીતિન, તારી ભાભી આખી જિંદગી ભઠ્ઠી ચલાવશે. બસ મારા નિકેતને સારૂ થઈ જવું જોઇએ. બોલને નીતિન, હવે તો મારા નિકેત બોલતા હશે. ને ખાતા પણ હશે, બોલને કેમ બોલતો નથી." 


નીતિન કંઈપણ બોલ્યા વગર. મૌન ધારણ કરીને ઊભો જ રહ્યો.".હા ભાભી , હવે ચાલો ઘરે મોડું થાય છે." 

"અરે મને જરા ભઠ્ઠીને તો વગે કરવા દે. હજી તો સૂરજ માથે છે. હજી સૂરજ આથમવાની ઘણી વાર છે. તો તું શા માટે આટલી ઉતાવળ કરે છે ?" 

"પણ ભાભી...".

"પણ શું, બોલને નીતિન ?" 

"તમારો સૂરજ.... આથમી ગયો..." 

"શું નિકેત... ના... ના... આવું કદીએ ન બને. મારો કંકુનો સૂરજ આમ ભરબપ્પોરે ના આથમે." 

"બસ ભાભી હવે, છાના રહો, થનાર ને કોણ રોકી શકવાનું ?" 

"હા એતો છે, પણ તું આ ભઠ્ઠીને તો રોકી શકતો હતોને ? તારા ભાઈને ભઠ્ઠી ચલાવવામાં સાથ ના આપ્યો હોત તો ? પણ ના બધાંને મરવું ગમશે. પણ આ ભઠ્ઠી બંધ કરવી કોઈને નૈ ગમે. બધાને જ રાતો - રાત માલદાર થવું છે. લે એમાને એમા મારો નિકેત, હતો- ન' તો થઈ ગયોને." 

"બસ ભાભી હવે શાંત પડો, ચાલો ઘરે હવે..." 

"હા, ઊભો રે નિતીન, પહેલા હું આ ભઠ્ઠીને શાંત પાડતી આવું.."એમ કે'તા ગંગાએ હાથમાં લાકડાનો ડીંગો લીધોને તે ભઠ્ઠી તરફ દોટ મૂકીને લાકડાનો એક ઠેહો માર્યા, ભઠ્ઠી ગબળતી- ગબળતી તળાવ ભેગી થઈ ગઈ. ભઠ્ઠીનો દારૂ તળાવના પાણીમાં વિલીન થઈ ગયો."


ગંગાનું આવું સ્વરૂપ જોઇ હું પણ ધ્રૂજી ઉઠ્યો. ગંગા નજીક જવા કોઈએ હિંમત ન બતાવી, એટલે હું ગંગા પાસે ગયો.."ગંગા ભઠ્ઠીને શું જુવે છે. ચાલ ઘરે નિકેતનું મોઢું જોઈલે. ઘરે તેના અગ્નીસંસ્કારની તૈયારી પણ થઈ ગઈ હશે. હવે ચાલ ઘરે." 

"હા ચાલ હવે, અહીં શું કામ ? ભઠ્ઠીએ તો એનો બદલો વાળી લીધો ! આજ સુધી નિકેત ભઠ્ઠીને અગ્ની પર ચઢાવતો, આજે ભઠ્ઠીએ નિકેતને અગ્ની પર ચઢાવશે. હિસાબ બરાબરને"એવું કહેતા તે મોટે મોટેથી હસવા લાગી. ને વળી પાછી ચોધાર આશુએ રડવા લાગી.

"બસ હવે , શાંત પડ. વિચારો નીતિન ક્યાં ભણેલો છે. એને શું ખબર પડે." 

"હા એ નથી ભણ્યો, પણ તું તો ભણેલો છે. અને પાછું માનવશાસ્ત્ર પર પી.એચ. ડી કર્યું છે. તું તો ઘડીક આ માનવને સમજાવ. ને આ ભઠ્ઠીને રોકી દે. પણ ના તમને તો મોટી - મોટી ડિગ્રીઓ મેળવીને ઘરમાં સજાવીને મૂકશોને. ઘરની બહાર જ નામ સાથેજ ડિગ્રી લખી દેશો. અરે બે ચાર ચોપડી ગોખી નાખી એટલે એને પી. એચ. ડી. કર્યું ના કહેવાયું. અરે સાચી પી.એચ.ડી તો, સમાજના આવા દુષણ હાટાવે તેમણે જ મળવી જોઇએને. બોલ તું , પી.એચ.ડીનો સાચો ઉપયોગ કરીશને. ગંગાનો ગુસ્સો વધી રહ્યો હતો. અને ગંગાએ ભાણ ભૂલી મારી ફેટ પકડી, બોલ બોલ તું આ ભઠ્ઠીને સળગતી બંધ કરીશને.

હજી પણ ગંગાને કંઈક કહેવું હતું. તે વધુ કઈ બોલે તે પહેલા મારા શર્ટના બટન તટ - તટ તૂટતા ગંગા જમીન પર ઢળી પડી." 



Rate this content
Log in

Similar gujarati story from Inspirational