Niranjan Mehta

Romance Inspirational

4.3  

Niranjan Mehta

Romance Inspirational

સુવર્ણજયંતિ

સુવર્ણજયંતિ

6 mins
197


આવતીકાલે મારી પત્ની શ્યામલાનો જન્મદિવસ તેને લઈને હું એક મૂંઝવણમાં છું. તમે પૂછશો કેમ ? એ એટલા માટે કારણ આ જન્મદિવસ તેનો પચાસમો જન્મદિવસ છે. તો ફરી તમે કહેશો કે મુંઝારો શેનો છે ? હા, તમારી સાચી વાત છે, આમાં મૂંઝારો શેનો. પણ ભાઈ પરિસ્થિતિ જ એવી છે કે મને શું મારી જગ્યાએ તમે હો તો તમને પણ મૂંઝવણ થાય. તમને ખબર તો છે કે હાલમાં કોરોનાને કારણે બધે લોકડાઉન છે એટલે ન બહાર હોટેલમાં જવાય, ન કેક લવાય, ન કોઈ ભેટ ખરીદી શકાય. વળી કાલે તો તેના જન્મદિવસની સુવર્ણજયંતી એટલે ખાસ ઉજવણી કરવી પડે.

આમ તો જન્મદિવસની ઉજવણી અમે તે દિવસે સાંજે સહકુટુંબ કોઈ હોટેલમાં જઈ ઉજવીએ પણ હવે હોટેલો પણ બંધ હોવાથી કાલે તે પણ શક્ય નથી. તો કાલે ઉજવણી કેવી રીતે કરવી ? કેટલાક સમય પહેલા મેં મનમાં ઉજવણીનાં જે પ્લાન કર્યા હતાં તે બધા કોરોનાને કારણે વ્યર્થ બની ગયા અને તેથી મારૂં મન વ્યથિત થાય જ ને ! ત્યાંજ મારી પુત્રવધુ ચૌલા મારી પાસે આવી અને બોલી, ‘પપ્પા તમે કાલે મમ્મીની વરસગાંઠને લઈને ચિંતામાં છો ને ?’

‘હા, ચૌલા, તેનો આ જન્મદિવસ પચાસમો જન્મદિવસ છે એટલે મેં કેટલાય દિવસ પહેલા તે કેમ ઉજવવો તેનો વિચાર કર્યો હતો પણ હવે આ કોરોનાએ તે બધા પર પાણી ફેરવ્યું. ન બહાર જવાનું, ન કોઈ ભેટ ખરીદી શકાય. વળી મારો વિચાર તો કોઈ ખાસ ભેટ આપવાનો હતો પણ હવે તો મન મારીને બેસી રહેવું પડશે.’

‘પપ્પા તમે ચિંતા ન કરો. હું રાજીવને વાત કરૂ છું. તે જરૂર ઘર બેઠા ઉજવવા માટે કોઈ વિચાર કરશે. મને તો કેક બનાવતા આવડે છે એટલે આજે બપોરે મમ્મી આરામ કરતા હશે ત્યારે હું તે કામ પતાવી દઈશ.’

‘ચાલ તે થોડોક બોજો હળવો કર્યો, પણ રાજીવનો શું પ્લાન છે તે મને જણાવજે એટલે હું તે પ્રમાણે તૈયાર રહું.’

રાજીવે જે પ્લાન બનાવ્યો તે શ્યામલા દેખાતા કહી ન શકે એટલે તેણે મને બપોરે વોટ્સએપ પર નાનો સંદેશો આપ્યો કે આજે રાતના ૧૧.૫૫ વાગે સંદેશો મોકલે ત્યારે હું મારા ડેસ્કટોપને ચાલુ કરી ઝૂમ એપ ચાલુ કરૂ અને તે જે ID અને પાસવર્ડ આપે તે પ્રમાણે મિટિંગમાં દાખલ થાઉં. અને હા, મારે મારા બેડરૂમનો દરવાજો પણ અમસ્તો જ બંધ રાખવો એમ કહ્યું.  આમ કરવાનો તેનો ઈરાદો શું તે તો પૂછાય નહિ પણ જરૂર શ્યામલા માટે જ હશે એમ માની રાત સુધી ધીરજ ધરવા સિવાય છૂટકો ન હતો.

રાતના ૧૧.૫૫ વાગે મારા મોબાઈલમાં રાજીવનો સંદેશો આવ્યો કે મિટિંગ શરૂ કરૂ છું. તમે પણ જોઈન થાઓ. શ્યામલા તો ક્યારની સુઈ ગઈ હતી. મેં ઊભા થઇ લાઈટ કરી અને ડેસ્કટોપ ચાલુ કર્યું. પણ લાઈટ થતાં જ શ્યામલાની આંખ ઉઘડી ગઈ અને બોલી, ‘હવે અડધી રાતે એવું શું થયું કે આમ કોમ્પ્યુટર પર બેસી ગયો ? તને તો ચેન જ નથી. કોઈ નવો વિચાર આવ્યો ? સવાર સુધી રાહ ન જોવાય?’

હજી હું કાઈ જવાબ આપું ત્યાં તો સ્ક્રીન પર રાજીવ, ચૌલા અને સાત વર્ષની પૌત્રી જીયા તેમના રૂમમાંથી સ્ક્રીન પર દેખાયા. આ જોઈ શ્યામલા બોલી, ‘આ શું ? આ લોકો ઘરમાં નથી ? બહાર કેવી રીતે ગયા ?’

રાજીવે કહ્યું ‘મમ્મી, અમે ઘરમાં જ છીએ. બે મિનિટ રાહ જો બધું સમજાઈ જશે. ત્યાં તો સ્ક્રીન પર પહેલા અંધેરી રહેતી મારી દીકરી, જમાઈ અને પૌત્ર દેખાયા. અને પછી તો ફટાફટ શ્યામલાના અમદાવાદ સ્થિત ભાઈ, ભાભી અને વડોદરા સ્થિત મારો નાનો ભાઈ, તેની પત્ની અને પુત્રના ચિત્રો દેખાયા.

આશ્ચર્યથી શ્યામલા હજી કાઈ બોલે ત્યાં તો સ્ક્રીન પર એક મહિલા દેખાઇ. તેને જોઇને શ્યામલા બોલી ઉઠી, ‘અરે દિવ્યા તું ? તું આમાં સામેલ ? કેવી રીતે ?’

દિવ્યા શ્યામલાની ખાસ બહેનપણી પણ હવે તે અમેરિકા રહેતી હતી એટલે બહુ સંપર્ક ન થતો હતો એટલે તેને જોઇને શ્યામલાને નવાઈ તો લાગે જ ને ?

‘બધું આ તારા રાજીવના પ્રતાપે. મને કહ્યું કે માસી, મમ્મીનો કાલે જન્મદિવસ છે અને તે પણ પચાસમો. તમે ભારતીય સમય ૧૨.૦૦ વાગે તમારા મોબાઈલ દ્વારા અમારી સમક્ષ આવો અને અમેં મમ્મીને સરપ્રાઈસ આપવાના છીએ તેમાં સામેલ થાઓ. તારા જન્મદિવસની ઉજવણીમાં હું સામેલ થયા વગર રહી શકું? મારા એવણની મદદ લઇ હું હાજર થઇ ગઈ ને ?’અને ત્યાં જ સૌના 'હેપી બર્નાથ દેના નાદથી મારો બેડરૂમ ગાજી ઉઠ્યો.

મને ખબર નહિ પણ આ તો હજી શરૂઆત હતી. મારા બેડરૂમનો દરવાજો ખટખટાવ્યાનો અવાજ આવતા મેં દરવાજો ખોલ્યો તો રાજીવ, ચૌલા અને જીયા દાખલ થાય. રૂબરૂમાં શ્યામલાને હેપી બર્થ ડે કહી ચૌલાએ ટેબલ પર કેક મૂકી અને કહ્યું કે મમ્મી હવે તમે આગળ આવો અને બધાના દેખતા કેક કાપો અને અમને અને અન્યોને ખવડાવો.

શ્યામલા મૂંઝાઈ કે હાજર રહેલાને તો ઠીક પણ અન્યોને કેવી રીતે ખવડાવું ? એટલે તેણે ચૌલાને જ આ પ્રશ્ન કર્યો. હસીને ચૌલાએ કહ્યું કે અન્યોને વર્ચ્યુઅલ રીતે ખવડાવવાનું છે એટલે કે એક કટકો કરી કોમ્પ્યુટર પર હાજર દરેકના મોઢા આગળ તે ધરવાનો એટલે તેઓ પણ કેક ખાધી એમ માની ચીયર્સ કરશે.

હવે શ્યામલાની મનોસ્થિતિ હલબલી ગઈ હતી એટલે ધ્રુજતે હાથે તેણે કેક કાપી અને ચૌલાએ કહ્યું હતું તેમ સ્ક્રીન પર દરેક આગળ ધરી. બધાએ હસતે મોઢે તે સ્વીકારી. પણ વાત આટલેથી ન અટકી. ચૌલાએ બધાને કહ્યું હવે તમે જે મીઠાઈ બનાવી છે તે એકબીજાને બતાવો. એટલે એક પછી એક ફેમિલીએ જે મીઠાઈ બનાવી હતી તે સ્ક્રીન પર દેખાય એમ મૂકી. ત્યારબાદ વર્ચ્યુઅલી દરેકે શ્યામાંલાને આપી. હવે શ્યામાંલાથી ન રહેવાયું. તેની આંખના ઝળઝળીયા તેના સાક્ષી હાતા.

ત્યાં તો મારી પુત્રી જીયાએ એક કાર્ડ કાઢ્યું અને કહ્યું, ‘દાદી, આ મારા તરફથી ભેટ.’ જોયું તો તે એક કોલાજ હતું જેમાં શ્યામલાનાં કેટલાક જુના ફોટાની ગોઠવણી હતી. આ જોઈ શ્યામાંલાએ તેને ગળે વળગાડી અને કહ્યું કે જીયા થેંક્યું પણ આ તે કર્યું છે? જવાબ હામાં આવ્યો.

‘હવે મને સમજાયું કે રોજ પોતાની રૂમથી દીવાનખાનામાં અને ત્યાંથી રસોડામાં આંટા મારતી મારી જીયા આજે બપોરે કેમ તેની રૂમની બહાર નથી દેખાઈ. જીયા બેટા તે તો દાદીને બહુ મોટું સરપ્રાઈઝ આપ્યું. અને ચૌલા તે કેક ક્યારે બનાવી? મને તો તેની જાણ જ ન થઇ ?

‘મમ્મી જ્યારે બપોરે તમે સૂઈ ગયા ત્યારે તમારા રૂમનો દરવાજો આસ્તેથી બંધ કરી મેં મારૂં કામ કર્યું.’ ચૌલાએ હસતા હસતા કહ્યું.

‘મમ્મી હજી વાત આટલેથી નથી અટકતી.” મારી દીકરીનો અવાજ સંભળાયો. ‘તારા લાડલા સાહિલે તારા માટે એક ગીત બનાવ્યું છે જે તે તને ગઈ સંભળાવશે.’

અને દસ વર્ષના સાહિલે નાનીને સ્વરચિત ગીત સંભળાવી ન કેવળ તેને પણ હાજર દરેકને આશ્ચર્યચકિત કરી દીધા. ‘સાહિલ, અભિનંદન’ એવા અવાજથી મારો બેડરૂમ ફરી ગૂંજી ઊઠ્યો.

ત્યાં તો અમદાવાદથી તેના ભાઈએ કહ્યું. ‘દીદી, જન્મદિવસની મુબારકબાદી. આવતીકાલે ફોન કરવાનો હતો પણ જ્યારે રાજીવે મને આ રીતે હાજર થવા કહ્યું ત્યારે મને પણ આનંદ થયો કે હું દીદીને મોઢામોઢ જોઈ શુભેચ્છા આપીશ. થેંક્યું રાજીવ.’

‘મામા, ઉલટું મારે તમને થેંક્યું કહેવાનું કે તમે આમ હાજર રહી મમ્મીના આનંદમાં વધારો કર્યો.’

તરત રાજીવની મામીએ પણ શુભેચ્છા આપી પોતાની ખુશી વ્યક્ત કરી.

આ જોઈ મારો ભાઈ ચૂપ બેસી રહે ? તેણે અને તેની પત્નીએ પણ શુભેચ્છાઓ આપી અને આ રીતે મળ્યાનો આનદ વ્યક્ત કર્યો.

લગભગ અડધો કલાકની આ મિટિંગ પછી બધા નાછૂટકે ગુડનાઈટ કરી છૂટા પડ્યા.

મેં પણ કોમ્પ્યુટર બંધ કરી પથારીમાં લંબાવ્યું.

‘તો તને આની ખબર હતી, નહીં ?’ તીર છૂટ્યું.

‘ના, રાજીવે મને કશું કે મમ્મીને સરપ્રાઈઝ આપવી છે એટલે કહું ત્યારે કોમ્પ્યુટર ચાલુ કરજો. બાકી કોને કોને સામેલ થવા કહ્યું હતું તેની મને પણ જાણ ન હતી.’

‘જેટલી જાણ હતી તેની મને કેમ ખબર ન આપી ?’

‘તો સરપ્રાઈઝ કેમ કહેવાય ? અને મને પણ ક્યા પૂરી ખબર હતી કે તને કહું ? અફસોસ એક જ વાતનો છે કે હું તારા માટે કોઈ ભેટ ન લાવી શક્યો.’

‘બધા તરફથી આટલી ખુબસુરત ભેટ મળી તે શું ઓછું છે ?’

‘પણ તે મારા તરફથી તો ન જ હતીને ?’

‘તો પછી જ્યારે બને ત્યારે ભેટની વસ્તુ લઇ આવજે અને આપજે, બસ ? હવે સુઈ જા.’

‘કોઈ ભેટ આપ્યા વગર થોડું સુઈ જવાય છે ?’ આમ કહી મેં તેને મારી પાસે ખેંચી અને તેના કપાળે અને ગાલે ચુંબન આપ્યું.

શ્યામલા મને વળગી અને કહ્યું. ‘બસ, આટલું જ ?’

હું કાઈ તેને તેનો જવાબ આપું તે પહેલા તેણે પોતાના બે હોઠ મારા હોઠ પર મૂકી મને ચૂપ કરી દીધો.


Rate this content
Log in

Similar gujarati story from Romance