સૂરજમુખીનો સૂરજને પત્ર
સૂરજમુખીનો સૂરજને પત્ર
પ્રિય સૂરજ,
શું લખવું તને ? મૂંઝવણમાં છું કાફિયા - રદિફ રિસાયા મારાથી, પ્રાસ પણ મળતો નથી. અલંકારોમાં હું અટવાઈ.
શબ્દો નથી આપતા સંગાથ કરવા કવિતાનો શણગાર..
હું કેમ કરી લખું ? શબ્દોમાં તારા પ્રત્યેનો મારો ભાવ.
મારો તારા પ્રત્યેનો પ્રેમ છે એનું શબ્દમાં વર્ણન કરવું ખૂબ મુશ્કેલ છે. જેમ મૂંગા ને આવેલ સ્વપ્નનું વર્ણન કરવું મુશ્કેલ એમ તારા પ્રત્યેના પ્રેમ ને શબ્દો માં લખવાનું મુશ્કિલ બસ તારા થકી છે મારું અસ્તિત્વ. તું છે તો હું છું. પ્રેમ કોઈ બંધન નથી. તું તારા સમયે ઉગવા અને અસ્ત થવા મુક્ત છો. મારો પ્રેમ તો દર્દી ને બેભાન કરવા વપરાતી દવા જેવો છે.
જેમ દર્દી પોતાના દર્દ ને ભૂલી જાય છે. એમ હું પણ તારી હાજરીમાં મારી જાતને ભૂલી તારામાં એક્યતા પામી લઉં છું.
મારો પ્રેમ સતત છે. અને સદા રહેશે. તું ઊગે છે ત્યારે તારી કુમળી કુમળી કિરણો ને મારી પાસે મોકલે છે.હું એને તારા પ્રેમની વર્ષા સમજી ભીતર ભીનાશ અનુભવું છું..
એટલે જ મારો ચહેરો એટલો ખીલી જાય છે.તારા ઉદય સાથે મારો ઉદય થાય છે..જેમ જેમ તું ફરતો જાય મારું મુખ પણ એ દિશામાં ફેરવી લઉં છું.. તારા પ્રેમમાં પાગલ છું એટલે જ તારો ધોમધખતો તડકો પણ મને તારા પ્રેમની સુંદર વર્ષા લાગે છે. મારા પ્રેમની શું અનુભૂતિ છે એ તો મારો ખીલેલો ચહેરો જોઈને મારા ભાવ ને સમજી શકીશ..તારા પ્રેમ થકી જ મારો આં રંગ અને અંગ નિખરે છે..તારા પ્રેમ ની આભા મારો ચહેરો ચાડી ખાય છે જ્યારે બે પ્રેમીઓમાં મિલન જોવ છું એને મારી પાસે ફોટા પડાવતા જોવ છું ત્યારે હૃદયમાં ટીસ ઊઠે છે. મારો પ્રેમ પણ આવો જ છે તો પણ નસીબ માં જુદાઈ ? પણ આં તારા કિરણો ને તારો સુખદ સ્પર્શ માની મનને મનાવી લઉં છું.. જ્યારે જલ અને માછલી સરિતા અને સાગર ને જોઉં છું ત્યારે ક્યારેક ઈશ્વર ને ફરિયાદ કરવાનું મન થાય કે મારા પ્રેમ માં મિલન કેમ નહીં ? ? પણ પ્રેમ એ ત્યાગ છે સમર્પણ છે. પ્રેમ એટલે શરીરનું મિલન નહીં ફક્ત પણ આત્મા થી આત્મા નું મિલન. આમ કહી મારી જાત ને મનાવી લઉં છું..
હા તું પણ મને બહુ પ્રેમ કરે છે. પણ તારી મજબૂરી હશે એટલે મને નથી મળી શકતો.. હા, શાયદ તું મને મળી નથી શકતો એટલે જ તને ગુસ્સો આવતો હશે ! તું વિરહની આગમાં સળગતો હશે એટલે જ એટલો ભડકતો હશે.
એટલે જ દુનિયાને ધોમધખતો તડકો આપતો હશે.! તને આંસુઓ નહીં ગમતા હોય મારા એટલે જ કદાચ.તું ઝાકળ ને સૂકવી દેતો હશે. તારા દીદાર ની તડપ છે મને એટલી શાયદ તને પણ લાગે છે.જોને !જેમ એક પ્રેમી પ્રેમિકા ની ગલીમાં આંટા મારે એમ તું પણ આકાશ માં પૂર્વ થી પશ્ચિમ નું ચક્કર લગાવે છે.. તારો પ્રેમ જ મારું જીવતદાન છે..
તું જ મારી જિંદગી ને મારો પ્રાણ છે. તારી એક દિવસની ગેરહાજરી મારા અસ્તિત્વ ના ટુકડા ટુકડા કરે છે.
હવે તો આં ચોમાસુ આવશે તારા દર્શન દુર્લભ થશે. હું કેમ રહીશ ? એની ચિંતા મને સતાવે. તારી જુદાઈ ના ડરે હું હમણાં થી જ મૃતપાય થઈ ગઈ..આ વાદળાં તો મને મારી સોતન જેવા લાગે. તને સંતાડી મારું હૈયું બાળતા હોય એવું લાગે !
વાદળને એક વિનંતી કરજે તું તો સદાય એની સાથે જ છો..પણ મને દિવસ ઉગતાં સૂરજનું મુખડું જોવા મળે બસ આટલી વિનંતી કરવી મારે. આ વાદળ ને હું તો રૂબરૂ ના આવી શકું ક્યારેક ઊડી ને તને મળવાનું મન થાય. કદાચ ઈશ્વરે મને પાંખો આપી હોત તો ! હું તને રૂબરૂ મળી તો શકત..પણ આં બધા ખ્યાલી પુલાવ છે.
મારા મન દર્પણમાં તારો ચહેરો મલકાય અને એની આભા મારા મુખ પર વર્તાય. આ અપેક્ષા છે મારી. મારી ખાસ મિત્ર હવા સાથે સંદેશો મોકલું છું..
તારાથી અવાય તો એકવાર મને મળી જાજે.
હું ક્યાં કહું ! જિંદગીભર રોકાજે.
પણ એક પળ આવી ને જિંદગીભરનું સંભારણું દઈ જા.
બની શકે તો વરસાદમાં તારું સોનેરી મુખ દેખાડી જા જે.
આ વર્ષા ઋતુમાં તો પશુ પંખી માનવી બધા ખુશ. એક ઉદાસ તો મારી આંખો હોય છે જે હંમેશા સતત તને શોધતી હોય છે. તારા દીદાર ના મળવાથી હું મુરઝાઈ જાવ છું..
ફક્ત તારી અને તારી જ.
પ્રેમાળ સૂરજમુખીના વરસાદી બુંદો જેટલા પ્રેમનો સ્વીકાર કર જે.

