સૂરજ આથમે એ પહેલાં
સૂરજ આથમે એ પહેલાં


`હા, બોલ યાર...’ દેવે પોતાના મોબાઈલના ડિસ્પ્લે પર વ્રજનું નામ જોઈ ઉપાડતા કહ્યું. સામે છેડેથી વ્રજનું એક વાક્ય સાંભળતાં જ દેવે દોટ મૂકી અને બાઈક સ્ટાર્ટ કરી ભગાવી મૂક્યું... બાઈક વીસ જ મિનિટમાં અગ્રવાલ હોસ્પિટલ પાસે આવી અટ્ક્યુ. દેવે બાઈક પાર્ક કરી અને હોસ્પિટલની અંદર પહોંચ્યો. મિ. સૂરજ દવે.. નામ આપતાં જ રિસેપ્શનિસ્ટે ઓપરેશન થીયેટર તરફ ઈશારો કર્યો. દેવને જોઈ વ્રજ તેની પાસે આવ્યો. દેવે જોયું તો વિહાર અને મલ્હાર પણ ત્યાં જ હતા.
`યાર ! બાઈક સામે ટ્રક આવી ગયું, સંતુલન બગડ્યું અને એક્સિડન્ટ થઈ ગયો.’ વ્રજે દેવને કહ્યું. વિહાર સૂરજના માતાપિતા પાસે જઈ તેમને પાણી પીવા માટે મનાવી રહ્યો હતો. એટલામાં મલ્હાર બે ચા હાથમાં લઈ આવ્યો અને સૂરજના મમ્મીપપ્પાને ચા પીવા વિનંતી કરવા લાગ્યો. સૂરજના મમ્મી સુધાબેન અને પપ્પા સુધાંશુભાઈની સ્થિતિ દયનીય હતી. પોતાના એકના એક સંતાનને આવી હાલતમાં જોઈ બંને સૂનમૂન થઈ ગયા હતા. દોઢેક કલાક પછી ઓપરેશન થીયેટરમાંથી ડો. પારેખ બહાર આવ્યા, તેમણે સુધાબેન અને સુધાંશુભાઈને પોતાની કેબિનમાં આવવા કહ્યું. શું કહેશે ડોક્ટર એ જાણવા બંને ઉતાવળે પગલે ડોક્ટરની કેબિનમાં ગયા. વિહારે દેવ તરફ ઈશારો કર્યો તેમની સાથે જવા... દેવ પણ કેબિનમાં ઘૂસ્યો.
ડોક્ટર પારેખે ચેર પર બેસી સામે પડેલા સોનોગ્રાફી મશીન પર આંગળીથી દર્શાવતા કહ્યું કે, `સૂરજને બંને પગમાં ઘૂંટણમાં સિરિયસ ઈન્જરી છે, આમ જુઓ તો થોડા સમય પછી તેને ટ્રીટમેન્ટથી સરખી કરી શકાય, પણ ગેરંટી નથી કે તે સક્સેસ જાય... આઈ મીન ટુ સે...’
સૂરજના માતાપિતાની આંખમાં આંસુ આવી ગયા. દેવે તેમને સાંત્વના આપતા કહ્યું, `હિંમત રાખો અંકલ આન્ટી... તમે સૂરજ સામે મજબૂત રહેશો તો એ પણ મજબૂત રહેશે... આપણે તેને ઊભો કરી દઈશું.’
થોડા કલાકો પછી સૂરજ ભાનમાં આવ્યો. પોતાના મા-બાપની પડખે મિત્રોને ઊભેલા જોઈ તેને ખૂબ રાહત મળી. થોડીક મિનિટો બાદ જ્યારે તેણે પોતાના હાથ-પગ હલાવવાની કોશિશ કરી ત્યારે તે બંને પગમાં કોઈ જ મુવમેન્ટ ન કરી શક્યો. એક-બે વાર ફરી નિષ્ફળ પ્રયાસો કરી જોયા... આખરે તેણે પ્રશ્નાર્થ નજરે મમ્મી-પપ્પા સામે જોયું, સુધાબેનની ભીની આંખો જોઈ તેને શક ગયો. `મારા પગમાં કંઈ વધારે ઈન્જરી છે ?’ તેણે પૂછી જ લીધું. સુધાંશુભાઈએ માંડમાંડ પોતાની જાતને સંભાળતા જવાબ આપ્યો, `ના બેટા, કંઈ ખાસ નહિ, પરંતુ થોડી ટ્રીટમેન્ટ લેવી પડશે. પછી નોર્મલ થઈ જશે.’ પપ્પાના જવાબથી સૂરજને સંતોષ તો ન થયો પણ તે અત્યારે મમ્મી-પપ્પાને સવાલો પૂછીને વધુ તકલીફ આપવા નહોતો ઈચ્છતો એટલે તેણે `ઠીક છે.’ કહી દીધું.
દેવ, વિહાર, વ્રજ અને મલ્હાર બધાએ મળીને હોસ્પિટલમાં વારાફરતી સૂરજની દેખરેખ કરી. એમ ને એમ ચાર-પાંચ દિવસ પસાર થઈ ગયા. પરિસ્થિતિમાં સુધાર દેખાયો એટલે ડો.પારેખે ડિસ્ચાર્જ આપી દીધો.
ઘરે આવતાં જ સુધાબેને બધા મિત્રોને કહી દીધું, કોઈએ ડિનર કર્યા વગર જવાનું નથી. `આજે હું સૂરજના ફેવરીટ છોલેપુરી બનાવવાની છું.’
`ઓકે આન્ટી.. ડન’ મલ્હારે મસ્તીથી કહ્યું. બધા જ દોસ્તો હસીમજાક કરવા લાગ્યા, ત્યાં અચાનક સૂરજ ગંભીર થઈ ગયો એટલે વિહારે પૂછ્યું, `શું થયું સૂરજ ? કંઈ જોઈએ છે ?’
`યાર.. બાસ્કેટબોલ ટુર્નામેન્ટ છે નેક્સ્ટ મન્થ.. હું કેવી રીતે ?’ કહેતા સૂરજ ગળગળો થઈ ગયો.
`અરે ! તું એમાં ઢીલો કેમ પડે છે ચેમ્પિયન ? નેક્સ્ટ યર ટ્રાય કરજે. જોજે તું જ સિલેક્ટ થઈશ.’ દેવને ખબર હતી કે સૂરજના મનમાં આ પ્રશ્ન થશે જ. એટલે તેણે આ વાત એકદમ લાઈટલી જ લીધી.
આમ ને આમ એક મહિનો વીતી ગયો. સુધાંશુભાઈએ મુંબઈના એક બેસ્ટ ડોક્ટરને હાયર કર્યા, સૂરજના પગની ટ્રીટમેન્ટ માટે. ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. ત્રણ મહિનાની ટ્રીટમેન્ટ બાદ પરિણામ કંઈ જ ન આવ્યું. સૂરજ હવે પરિસ્થિતિ પામી ગયો હતો. તે સાવ ભાંગી ગયો. સુધાબેન અને સુધાંશુભાઈના માથે તો જાણે આભ તૂટ્યુ હતું. કોલેજના ફૂટબોલ ચેમ્પિયન સૂરજના જીવનનો હિસ્સો હવે વ્હીલચેર બની ગઈ હતી. દેવ, વિહાર, વ્રજ અને મલ્હાર રોજેરોજ સૂરજને મળતાં. તેને ક્યારેય એકલો ન પડવા દેતાં. બહારબહારથી આનંદનો ઢોંગ કરતાં મિત્રો અંદરથી ખૂબ જ દુઃખી હતા, સૂરજની હાલત જોઈને... એકવાર તો સૂરજે અંદરની ભડાસ કાઢતા કહી પણ દીધું, `તમે બધા મારી પાછળ તમારો સમય ન વેડફો. મારે હવે આમ જ રહેવાનું છે કાયમ...’ ચારેય મિત્રોને સૂરજની વાતનું દુઃખ નહોતું પણ તેની માનસિક પરિસ્થિતિ જોઈ ઢીલા પડી ગયા હતાં. આ વર્ષે સૂરજે એન્યુઅલ એક્ઝામ પણ નહોતી આપી. તેનું એક વર્ષ પણ વેડફાઈ ગયું હતું.
એકવાર વિહારે દેવ, મલ્હાર અને વ્રજને ફોન કરી ભેગા થવાનું નક્કી કર્યું. બધાં વિહારના ઘરે જ ભેગા થયા. સૂરજની તકલીફો દૂર કરવાનો ઉપાય વિચારવા લાગ્યા. આખરે મલ્હારને કંઈક સૂઝ્યું અને તેણે પ્લાન ઘડ્યો. ચારેય મિત્રોએ ભેગા મળી પ્લાન પર અમલ શરૂ કરી દીધો.
છાપાવાળો સૂરજના ઘરે રોજની જેમ છાપું ફેંકતો ગયો. દૂધવાળો દૂધ આપવા આવ્યો એટલે રોજની જેમ સુધાબેને દૂધની સાથે છાપુ હાથમાં લીધું અને ડાઈનીંગ ટેબલ પર મૂક્યું. સૂરજ પોતાના નિત્યકર્મ પતાવી રૂમની બહાર આવી, ટેબલ પરથી છાપુ ઉઠાવી વાંચવા લાગ્યો, એમાંથી એક બ્રોશર નીકળ્યું. સૂરજની નજર તેના પર પડી... `બ્રેઈની ક્વીઝ કોન્ટેસ્ટ’ તે ધ્યાનથી વાંચવા લાગ્યો. કોન્ટેસ્ટ આ જ મહિનાની પંદરમી તારીખે હતો. નિયમો પ્રમાણે પોતે એલિજિબલ પણ હતો. તેની આંખમાં ચમક આવી ગઈ. `પપ્પા... અહીં આવો તો....’ આટલા દિવસમાં આટલા જોશપૂર્વક પપ્પા સાંભળતાં જ સુધાંશુભાઈ ઝડપથી આવ્યા. `બોલ બેટા’ સુધાંશુભાઈએ પૂછ્યું.
`પપ્પા.. આ કોન્ટેક્ટ નંબર પર કોલ કરીને ડીટેઈલ્સ લેવી હતી. ક્વીઝ કોન્ટેસ્ટ છે તો મારે પાર્ટ લેવો છે. મારા મોબાઈલની બેટરી ઉતરી ગઈ છે તો તમે જરા...’ સૂરજે બ્રોશર પપ્પાના હાથમાં આપતા કહ્યું.
સુધાંશુભાઈએ ફોન કરી બધી વિગતો પૂછી લીધી. એ પછી તેમણે દેવને ફોન કર્યો અને કહ્યું, `પ્લાન સક્સેસ’ હા.. ચારેય મિત્રોએ સુધાંશુભાઈ અને સુધાબેનને પણ પ્લાનમાં શામેલ કરી દીધા હતા. બન્યું હતું એવું કે, એ દિવસે વિહારને આ ક્વીઝ કોન્ટેસ્ટની ખબર પડતાં જ તેણે મિત્રો સાથે પ્લાન કર્યો. સૂરજ કોલેજમાં ક્વીઝ કોન્ટેસ્ટમાં વિનર રહી ચૂક્યો હતો. તેનામાં દરેક વિષયનું નોલેજ હતું, પણ સીધા તો સૂરજને આ વાત કરવાથી તે માને એમ નહોતો. તે પોતાની તકલીફને કારણે ચીડચીડો થઈ ગયો હતો. એટલે આ બ્રોશર બનાવડાવી, તેના સુધી પહોંચાડવું અને તેને જાતે જ નિર્ણય કરવા દેવો એવું નક્કી થયું હતું.
આ બાજુ હવે, સૂરજને માર્ગ મળી ગયો હતો. તેણે લાયબ્રેરીમાંથી બુક્સ મંગાવી ઘરે જ વાંચવાનું શરૂ કરી દીધું હતું. તે પોતાની ખામી ભૂલવા લાગ્યો હતો. તેનું દિમાગ હવે વ્યસ્ત રહેવા લાગ્યું હોવાથી અવળી દિશામાં વિચારતું બંધ થઈ ગયું હતું. એકવાર તેની નજર પોતાના રૂમમાં લગાવેલ મિત્રો સાથે પડાવેલ ફોટોફ્રેમ પર પડી અને આંખમાં ઝળઝળિયા આવી ગયા. તરત જ સ્વસ્થ થઈ મિત્રોને ફોન કર્યા. પછી તો શું ? બધા જાણે રાહ જ જોતા હતા, મિત્રોનું ધાડુ આવી પડ્યું સૂરજના ઘરમાં.... ખૂબ હસીમજાક કરી... સૂરજે ક્વીઝ કોન્ટેસ્ટની વાત કરી, એટલે બધાએ અજાણ બનવાનું નાટક કર્યું અને તેને પાર્ટ લેવા બદલ એપ્રિશિએટ કર્યો. પોતાના વર્તન બદલ સૂરજે મિત્રો સામે માફી માંગતા કહ્યું, `સોરી યાર... તે દિવસે બધો ગુસ્સો તમારા બધા પર ઉતરી ગયો... તમે આટલી મદદ કરી એ માટે થેન્કયુ કહેવાની જગ્યાએ....’
`વાહ.. હવે તું દોસ્તોને સોરી અને થેન્કયુ કહીશ ?’ કહેતા દેવે સૂરજના માથા પર ટપલી મારી.
બધાએ આનંદથી નાસ્તાપાણી કર્યા અને છૂટા પડ્યા. આખરે ક્વીઝ કોન્ટેસ્ટ આવી ગયો. સમયસર સૂરજ ત્યાં પહોંચી ગયો. બધા કન્ટેસ્ટન્ટ સાથે ગોઠવાઈ ગયા. ક્વીઝનો પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ પૂરા થયા અને વિનર અનાઉન્સ થયા. પ્રથમ રનરઅપ વેદાંત શાહ, સેકન્ડ રનરઅપ વિદ્યુત પટેલ એન્ડ ધ વિનર ઈઝ સૂરજ દવે... કોન્ટેસ્ટ જોવા આવેલા દેવ, વિહાર, મલ્હાર અને વ્રજ ઊભા થઈ નાચવા લાગ્યા. સૂરજને એવોર્ડ એનાયત થયો. સુધાબેન અને સુધાંશુભાઈના આંખમાં હર્ષના આંસુ આવી ગયા. પ્રોગ્રામ પત્યો એટલે બધા ઘર ભેગા થયા.
બીજા દિવસે ચારેય મિત્રો સૂરજના ઘરે આવી પડ્યા અને પાર્ટી પાર્ટી પાર્ટી બરાડવા લાગ્યા. સૂરજે ફોન પર જ પીઝાનો ઓર્ડર આપી દીધો... બધાએ જલસા કર્યા. સૂરજે એ કોન્ટેસ્ટનું બ્રોશર પોતાની બેગમાંથી કાઢી મિત્રોની વચ્ચે રાખ્યું... ચારેય મિત્રો એકબીજાની સામે જોવા લાગ્યા... `આઆઆ શું છે ?’ વિહારે અજાણ બનવાની એક્ટિંગ કરતાં સૂરજને પૂછ્યું.
`કંઈ નહિ.. બસ પૂછવું હતું કે, આવું એક જ બ્રોશર તે ક્યાં બનાવડાવ્યું ? સ્પેશ્યલ મારા માટે ?’ સૂરજે ધડાકો કર્યો.. ચારેય મિત્રોને શું બોલવું, કંઈ ન સમજાયું. બધા થોથવાવા લાગ્યા... ચારેયની દયનીય હાલત જોઈ સૂરજને હસવુ આવી ગયું. તે ખડખડાટ હસી પડ્યો અને તેને જોઈ બધા મિત્રો હસી પડ્યા.. જોરજોરથી હસવાનો અવાજ સાંભળી સુધાંશુભાઈ રૂમમાં આવી ગયા... પોલ ખૂલી ગઈ છે એ જાણી તેમણે સૂરજને કહ્યું, તારા આ ચારેય મિત્રોએ મને દિલાસો આપતા કહ્યું હતું કે, `ગમે તે થાય અંકલ અમે સૂરજ આથમે એ પહેલાં તેના જીવનને ઉજાસથી ભરી દઈશું.’