STORYMIRROR

jagruti zankhana meera

Tragedy

4  

jagruti zankhana meera

Tragedy

સૂનો ઝરૂખો

સૂનો ઝરૂખો

3 mins
253

"શ્રદ્ધા, મામાની બહુ ઈચ્છા છે કે તું હંમેશા માટે તેમની સાથે ન્યુજર્સી જતી રહે. તારા માટે ત્યાં બહુ તક રહેલી છે, બેટા." રેખાબેને શ્રદ્ધાને સમજાવતાં કહેલું. 

ના મા, મારે નથી જવું ક્યાંય. મને આ મારી જિંદગીની અધૂરપને પૂર્ણ કરતાં રંગો બહુ પ્રિય છે. મારે આ મેઘધનુષી રંગોને મારી પીંછીમાં ભરી લેવા છે. મારે આ આખું તારા મઢેલ આકાશ મારા કેનવાસ પર ઉતારી લેવું છે. આ ચાંદ, આ નદી, દૂર દેખાતો પેલો પર્વત આ બધું કે જેને હું હકીકતમાં જીવી નથી શકતી, તેને મનભરીને કલ્પનામાં જીવવું છે. આ ઝરૂખો જ્યાંથી હું ઊગતી સવાર, સલૂણી સંધ્યા, પૂનમનો ચાંદ બધુ જોઈ શકું છું." શ્રદ્ધા બોલી ઊઠી. 

શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી...

મેં એક શહજાદી જોઈ હતી..

એના હાથની મહેંદી હસતી'તી..

એની આંખનું કાજળ હસતું હતું..

કાયમ રેપ મ્યૂઝિક સાંભળતો ભત્રીજો આજે મોબાઈલમાં આવી ગુજરાતી ગઝલ સાંભળતો હતો ! તે જોઈ ઈલાબેન વિસ્મય પામી ગયાં. તેમણે કહ્યું, "ઓહો..અમારા શ્યામને કંઈ રૂપની રાણી ગમી ગઈ ? બોલ તો ખરાં ! "

શ્યામે મોબાઈલ બંધ કરી એક બાજુ મૂક્યો. જાણે કોઈ ચોરી પકડાય જશે તેમ માનીને તરત સામાન્ય હોવાનો ડોળ કર્યો. 

"અરે ના, ઈલાફોઈ એવું નથી કશું ! આ તો એમ જ.. !"

"સારું જમવા ચાલ."

ખરેખર શ્યામને, ઈલાફોઈનાં જે ફ્લેટનાં રૂમમાં રહેતો હતો તેની સામેની બાજુ દૂર આવેલ એક બંગલાનાં ઝરૂખે કેનવાસ પર ચિત્રો દોરતી શ્રદ્ધા નજરે પડી હતી. પોતાનાં ચિત્ર દોરવામાં મગ્ન શ્રદ્ધાની આંખો આકાશને તો ક્યારેક ફૂલ-છોડને નિરખી રહેતી. તે એ વાતથી તદ્દન અજાણ હતી કે શ્યામ તેની પાસે રહેલાં દૂરબીનથી અપલક તેને જ જોઈ રહેતો હતો. આમ ને આમ શ્યામ શ્રદ્ધાનાં પ્રેમમાં પડી ગયો. 

એકવાર તે દૂરબીનથી શ્રદ્ધાને જોઈ રહ્યો હતો અને બરાબર ત્યારે જ શ્રદ્ધા પણ તેને જોઈ રહી. શ્રદ્ધાની એ નજર જાણે શ્યામને આરપાર ઊતરી ગઈ. તેણે નક્કી કર્યું કે તે ગમે તેમ કરીને શ્રદ્ધા પાસે પ્રેમનો એકરાર કરશે. 

તે પછી ઘણાં દિવસો સુધી શ્રદ્ધા મંદ-મંદ સ્મિત કરતી રંગોનાં સંયોજન સાથે શ્યામને પણ ચિત્રોમાં સંયોજતી રહી. એક દિવસ શ્યામે તેની સામે હાથ ઊંચો કરી ઈશારો કર્યો. હવે શ્યામની ધીરજ ખૂટી હતી. તેણે જોયું કે શ્રદ્ધાની આંખોમાં કશુંક પ્રગટીને અસ્ત થઈ ગયું. ઈશારાનો પ્રતિસાદ દેવાને બદલે તે અચકાઈને નીચું જોઈ ગઈ. ઈલાફોઈનો સાદ પડતાં શ્યામ નીચે ભાગ્યો.

તે રાતે શ્યામે સ્વપ્નમાં પણ શ્રદ્ધા જ જોઈ. ગઝલ વાગતી હતી..'

શાંત ઝરૂખે વાટ નિરખતી...

કોણ હતી એ,બાજુ નામ હતું શું એ પણ હું ક્યાં જાણું છું.. !'

ત્યાં ઈલાફોઈ રૂમમાં આવ્યાં ને બોલ્યાં."શ્રદ્ધા'... હા શ્યામ બેટા, જેની પાછળ તું પાગલ થયો છે તેનું નામ શ્રદ્ધા છે. જોકે એ મૃગજળ છે બેટા ! તે એક નર્તકી હતી. એક્સિડન્ટમાં તે બંને પગ ગૂમાવી ચૂકી છે. હવે એ ચિત્રકાર બની ગઈ છે. જિંદગી જીવવાની તાકાત છે એનામાં ! દુઃખને હરાવવાની શક્તિ છે. રૂપ છે પણ પગ.. !" ઈલાફોઈ નિસાસો નાખી શ્યામ માથે હાથ ફેરવી જતાં રહ્યાં. 

તે પછી ઘણાં દિવસ શ્યામ પોતાની પ્રિયતમા સામે ન ગયો. ખુદને તેનાથી દૂર રાખવાનો પ્રયાસ નિરર્થક બન્યો તો તેણે નક્કી કર્યું કે તે હવે શ્રદ્ધા સાથે જ લગ્ન કરશે.

આઠ દિવસ ઘરે ગયો. મા-બાપને સમજાવી, મનાવી,પોતે મરી જશે એવી ધમકી આપી ઈલાફોઈની ઘરે આવ્યો. ઈલાફોઈએ શ્યામનાં હાથમાં શ્રદ્ધાએ બનાવેલ શ્યામનું તૈલચિત્ર અને એક ચિઠ્ઠી પકડાવી દીધી.

શ્યામે ચિઠ્ઠી ખોલી. તેમાં લખ્યું હતું.

"પ્રિય તું,

આ ચિઠ્ઠી લખતી વખતે તમારું નામ નથી જાણતી પણ જાણું છું કે તમે મને ચાહો છો. મારી કડવી હકીકત જાણી તમે મને નહીં અપનાવી શકો તે પણ સમજુ છું. તેથી હું હંમેશા માટે અમેરિકા જઈ રહી છું. ના, એટલે નહીં કે તમે મને ચાહો છો પણ એટલે કે હવે મારી દિવાનગી મારા કાબુ બહાર છે. હું તમારું ભવિષ્ય મારી પંગૂતા નીચે કચડી ન શકું. તમે આપણાં પ્રેમનું સન્માન જાળવવાં બીજે લગ્ન કરી લેશો એવી પહેલી અને આખરી ઈચ્છા સહ..

લી. ફક્ત તમારી સ્વપ્ન પરી,

શ્રદ્ધા"

શ્યામ રડતો રહ્યો. કાગળ ભીંજાતો રહ્યો. ઈલાફોઈનું ઘર છોડતી વખતે શ્યામનાં હૃદયમાં સૂનો ઝરૂખો જોઈ ગઝલની અંતિમ પંક્તિ વાગી રહી..

"એમ છતાંય દિલને આજે સૂનું-સૂનું લાગે છે.. બહુ વસમું-વસમું લાગે છે.. !"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy