સુંદર પ્રભાત
સુંદર પ્રભાત
'રાત જીતની ભી સંગીન હોગી, સુબહ ઉતની હી રંગીન હોગી.'
સ્ટેશન પરની હોટલના રેડિયો પર આ ગીત વાગી રહ્યું હતું. મુશ્કેલીઓથી હારીને આત્મહત્યાનો મક્કમ નિશ્ચય કરી ચૂકેલી ભાવિ આ સાંભળી ઘડીક થંભી ગઈ. શું કરું ? આવી રહેલી ટ્રેન નીચે ઝંપલાવીને જીવનનો અંત લાવી દઉં કે પછી...? એટલીવારમાં પ્લેટફોર્મ પર ટ્રેન આવીને ઊભી રહી ગઈ. ટિકિટ તો હતી નહીં. હિંમત કરી એ ચિક્કાર ભીડથી ભીંસાતા ડબ્બામાં જેમ તેમ કરી ચઢી ગઈ. એની ગર્ભાવસ્થા જોઈ મુસાફરોએ એને અંદર જવા દીધી. વાસ મારતા બાથરૂમ પાસે એ મોઢે ઓઢણી દાબી બેસી રહી.
ભીડથી ઉભરાતા ડબ્બામાં ટી.સી.નો આવવાનો પ્રશ્ન જ ન હતો. એટલે એના જેવા બીજા ખુદાબક્ષોની સાથે એ સંકોચાઈને બેસી રહી. મુંબઈ સેન્ટ્રલ આવતાં બીજા મુસાફરોની સાથે એ ઉતરી તો ગઈ પણ હવે આગળ શું ? એ પ્રશ્ન એના મનમાં આવ્યો. પ્લેટફોર્મના બાંકડા પર એ ઘડીકવાર બેસી ગઈ. અઢાર ઓગણીસ વર્ષની નાજુક ઉંમર, ચહેરા પર નર્યું ભોળપણ નીતરે વળી પાંચ માસની ગર્ભાવસ્થા. થાક અને ભૂખથી એનો ચહેરો ચીમળાઈ ગયો હતો.
આંખ પર મોટા ચશ્મા અને સાદા પરિવેશમાં પસાર થતી વૃંદાની નજર એના પર પડી. જોતાં જ એને લાગ્યું કે કોઈ મુસીબતમાં ફસાયેલી છે. એણે નજીક જઈ સલુકાઈથી પૂછ્યું, "બેટા, ક્યાં જવું છે ? કોઈ લેવા આવવાનું છે ?" એણે ચકળવકળ આંખે કહ્યું, "માસી, મને તો અહીં કોઈ ઓળખતું નથી. મને કોણ લેવા આવે ?"
વધુ પૂછપરછ કરતાં વૃંદાને સમજાય ગયું કે કોઈએ ફસાવીને છોડી દીધી છે. એટલે નામોશીથી બચવા અહીં આવી ગઈ છે. કોઈ લફંગાઓના હાથમાં પડી જશે તો બિચારીની જિંદગી બરબાદ થઈ જશે. એણે પ્રેમથી એને પોતાની સાથે આવવા સમજાવી. નારી નિકેતનમાં કામ કરતી વૃંદા એને પોતાની સાથે લઈ આવી. સૌથી પહેલાં તો એને ખવડાવીને તૃપ્ત કરી. પછી એને બીજા કપડાં આપી નાહીને સ્વસ્થ થવા સમજાવી.
ધીમે ધીમે ભાવિ નારી નિકેતનના વાતાવરણમાં ભળી ગઈ. થોડા સમય પછી એક સુંદર બાળકીને જન્મ આપ્યો. વૃંદાએ એને આગળ ભણાવી, એક યોગ્ય સમજદાર યુવાન સાથે એના લગ્ન કરાવી એક સ્વસ્થ જીવન આપ્યું. હવે એના જીવનમાં સુંદર પ્રભાત ઊગ્યું હતું. ઘણી વાર એકલી બેસી એ પાછલી જિંદગીને યાદ કરે છે. ત્યારે એને થાય છે સારું થયું તે દિવસે સ્ટેશન પર એ ગીત સાંભળી એણે આત્મહત્યાનો વિચાર માંડી વાળ્યો હતો. જીવનમાં બધાં જ પુરુષો કંઈ એના ભૂતકાળના પ્રેમી જેવા નકામા નથી હોતા. સંજયે એને ખરેખર ખૂબસૂરત જિંદગી આપી હતી. એ મનોમન વૃંદાને અને સંજયને વંદી રહી.
