સુખડી
સુખડી
“સુખડી”
ગામે ગામ ફરીને રામલીલા કરતી એક નાટક મંડળી—જૂની પતરાની પેટીઓમાં ભરેલા પડદા, રંગીન વસ્ત્રો અને થાકેલી સ્મિતો સાથેની ટોળકી… અનેક આશાઓની એક જીવંત યાત્રા હતી.
ક્યારેક ધૂળિયાં મેદાનમાં, ક્યારેક શાળાના ઓટલા પર, તો ક્યારેક મંદિરના પ્રાંગણમાં તેઓ પોતાનો રંગમંચ ઉભો કરતા. દરેક ગામમાં નવા દર્શકો, નવી તાળીઓ… અને મોટા સરપાવની આશા.
આજે તેમની યાત્રા પહોંચી હતી—માધવપુર, કચ્છની ખાડી પાસે વસેલું ગામ.
ખારા દરિયાઈ પવન વચ્ચે શંખનો અવાજ રેલાઈ રહ્યો હતો…
અને આખા ગામમાં ઉત્સાહની હલચલ હતી।
સાંજ પડતાં જ ગામના ચોકમાં મંચ તૈયાર થયો…
અને નાટક કંપનીનો સૌથી નાનો સભ્ય હરિ,કેરોસિનની કિશનલાઈટ, અને લાલ-પીળા-વાદળી રંગના કાચ લઈને ફરી એકવાર સ્ટેજ ઉપર પ્રકાશ ફેલાવવા તૈયાર ઊભો હતો.
🎭 હરિ, સામાન્ય લાઈટ બોય
હરિ કોઈ કલાકાર નહોતો…
પણ એના હાથમાં પ્રકાશ હતો,જે પાત્રોના ભાવોને જીવંત બનાવતો,એજ પ્રકાશથી સ્ટેજ પર દેવતાઓમાં પ્રાણ આવતો અને પાત્રો જીવંત લાગતાં.

આજે કૃષ્ણલીલાની આગલી કડીનું નાટક હતું—
“કૃષ્ણ-સુદામા”
સ્ટેજના ખૂણે કૃષ્ણ કનૈયાનો ફોટો…અને સામે સુખડીના પ્રસાદનો થાળ।
“કૃષ્ણ કનૈયા લાલ કી જય!” ના ઘોષ સાથે, હાર્મોનિયમ અને નાટક કંપની નાં માલીક રામુદાદાના કંઠે “ઓ મારા ગિરધારી…” ભજનની સુરાવલી ગાજી ઉઠી …વાતાવરણ કૃષ્ણ મય બની ગયું.
સીન આવ્યો..
“સુદામા દ્વારિકા પહોંચે છે…”
હરિએ લાલ અને વાદળી કાચ ભેગા કરીને જાંબલી પ્રકાશ કૃષ્ણ પર ફોકસ કર્યો…
પણ એ જ ક્ષણે.
આખા અઠવાડિયાના થાકથી એની આંખો ભારોભાર થઈ ગઈ…
જોકે ચડ્યો…
અને એ ઊંઘી ગયો…
✨ દ્વારિકા
જ્યારે હરિ જાગ્યો.
સામે સોનેરી ચમકતી દ્વારિકા…
સિંહાસન પર કૃષ્ણ… બાજુમાં રુક્મિણી…
એક મોહક અવાજ, તેના કાને આવ્યો.
“એય હરિ…”
“તું પ્રકાશ આપે છે…
પણ તારા જીવનમાં અંધકાર કેમ છે?”
હરિ કંઈ બોલે એ પહેલા…
⚡ તમાચો
ચટાક્ક!!
એક જોરદાર તમાચો…
દ્વારિકા તૂટી ગઈ…
સ્વપ્ન ભાંગી ગયું…
સામે—રામુદાદા, નાટક કંપનીનાં માલીક.
“એ હરિયા! ઊંઘવા આવ્યો છે?
જોતો નથી લાઈટ બંધ થઈ ગઈ!”
તેના કોમળ ગાલ પર પડેલી થપાટથી હરિની આંખોમાં આંસુ આવી ગયા…
પ્રકાશ વગર તેનો ગાલ લાલચોળ થઈ ગયો…
હીરા, મુખી ની છોકરી આ બધું જોઈ રહી હતી.આગલી હરોળમાં બેઠેલી નાની બાળકના નાનકડા હૃદયે આ દૃશ્ય સહન ન કર્યું…
હરિના ગાલ પર પડેલો તમાચો
એને પોતે લાગ્યો હોય એમ લાગ્યું…
એ તરત દોડી આવી…
“ભાઈ…”
એણે ધીમેથી કહ્યું।
હરિ આશ્ચર્યથી એને જોયું…
હીરાએ નાજુક હાથથી એના ગાલ પર ફેરવ્યો…
અને પોતાના ફ્રોકથી એના આંસુ લૂછી નાખ્યા…
પછી ખિસ્સામાંથી નાની સુખડી કાઢી—
એના હાથમાં મૂકી…
“લ્યો… આ ખાશો તો દુઃખ ઓછું થઈ જશે…”
હરિ સ્થબ્ધ થઈ ગયો…
એણે સુખડી હાથમાં લીધી…
અર્ધી હીરાને ખવડાવી…
અને બાકી પોતે ખાધી…
આંખોમાં ફરી પાણી આવ્યું.
પણ આ વખતે એ દુઃખનું નહોતું…
એણે અંદરથી કૃષ્ણની કરુણા અનુભવી…
અહીં કોઈ સ્ટેજ નહોતું…
અહીં કોઈ નાટક નહોતું…
પણ એક નાની બાળકી,
જેના હૃદયમાં કરુણા હતી…
એજ તો કળયુગની દ્વારિકા હતી.

✨
તે રાત્રે હરિએ લાઈટ તો ચાલુ રાખી…
પણ હવે એ કિશનલાઈટનો પ્રકાશ અલગ હતો…
એ સમજ્યો—
લોકો કહે છે ભગવાન સ્વપ્નમાં મળે…
પણ સાચી દ્વારિકા તો માણસના હૃદયમાં વસે છે।
અને આજે—
એક નાની સખી દ્વારા મળેલી સુખડીના પ્રસાદે,
હરિ માટે આખું જગ જ દ્વારિકા બની ગયું હતું। 🌼✨
કિશન લાઈટ — ટૂંકો પરિચય
કિશન લાઈટ એ કેરોસિનથી ચાલતી એક જૂની પ્રકાશ વ્યવસ્થા હતી, જે વીજળી વગર પણ તેજ અજવાળુ આપતી. ગામડાં, મેળાઓ અને નાટક મંડળીઓમાં તેનો ખાસ ઉપયોગ થતો. હવાનાં પંપથી દબાણ બનાવી, તેની મેંટલમાં જ્યોત પ્રગટાવવામાં આવતી અને સફેદ, તીવ્ર પ્રકાશ ફેલાતો.
નાટકની દુનિયામાં તો કિશન લાઈટ (પેટ્રોમેક્સ ) માત્ર લાઈટ નહોતી—
એજ સ્ટેજનો આત્મા હતી. ✨
