શોર
શોર
શોર
સીટી સિવિલ હોસ્પિટલના મોર્ગમાં હંમેશાં કડકડતી ઠંડી જ રહેતી.
સ્ટીલના લાંબા રેકમાં સફેદ ચાદરોથી ઢંકાયેલી લાશો વર્ષોથી એક જ નિયમનું પાલન કરતી હતી...
કોઈ જ અવાજ નહીં.
પણ આજની સવાર જુદી હતી.
મળસકાના અંધકારમાં એક એમ્બ્યુલન્સ આવીને અટકી. સ્ટ્રેચરના પૈડાં મોર્ગના ઠંડા ફ્લોર પર ચિચિયાટ કરતા સરક્યા. ધૂળ પર પડતા એ લિસોટા જાણે કોઈ જીવતી વ્યક્તિના અંતિમ પગલાંની નિશાની બની ગયા હતા.
આજે,રોડ અકસ્માત માં ગુજરી ગયેલ એક જુવાન યુવતીની લાશ મોર્ગમાં લાવવામાં આવી.
મોર્ગની ઠંડી હવામાં હજુ પણ તેના વાળમાંથી શેમ્પૂની આછી સુગંધ આવતી હતી. ડાબા હાથમાં ડિજિટલ ઘડિયાળ ચાલતી હતી...
પરંતુ સમય હવે તેનો રહ્યો નહોતો.
એમ્બ્યુલન્સના કર્મચારીઓએ તેને ધીમેથી એક રેકમાં સરકાવી.
તેની બાજુમાં મધ્યવયના એક પુરુષની લાશ હતી.
બંને વચ્ચે માત્ર થોડા ઇંચનું અંતર...
અને વચ્ચે હતી,
નીરવ શાંતિ.
સમજો કે આખી જિંદગીનું હવે અંતિમ મૌન.
યુવતીની દુનિયા થોડા કલાક પહેલાં સુધી શહેરની નાઈટ લાઈફના શોર-બકોર અને ચાહકોની દાદથી ભરેલી હતી.
મોબાઇલની રિંગ...
મિત્રોની મસ્તી...
માનો સાદ...
પિતાનો ઠપકો...
અધૂરા સપનાઓનો કોલાહલ...
અને હા, ભગ્ન પ્રેમના રુદનના ડૂસકા અને ફૂસફૂસાટ...
પરંતુ હવે અહીં...
અત્યારે...
આ મોર્ગમાં...
એક પણ અવાજ નહોતો.
અર્ધી નિંદ્રા જેવી તન્દ્રામાં તેને અચાનક લાગ્યું...
આ મોર્ગ સંપૂર્ણ શાંત નહોતો.
અહીં એક મૂંગો શોર હતો.
કોઈ વૃદ્ધની અધૂરી માફી...
કોઈ બાળકનું અપૂરું બાળપણ...
કોઈ પ્રેમીનું અધૂરું વચન,
"હું પાછો આવીશ..."
કોઈ માની છેલ્લી ચિંતા...
કોઈ પિતાનું અધૂરું વચન...
દરેક લાશ કંઈક બોલતી હતી...
હોઠ વગર.
દરેક પાસે એક વાર્તા હતી...
શબ્દ વગરની...
નિશબ્દ .
યુવતીને પહેલી વાર સમજાયું કે—
મૃત્યુ માણસનો અવાજ છીનવી લે છે, પરંતુ તેની અધૂરી વાતો ક્યારેય મરતી નથી.
અહીં મોર્ગમાં સૌથી મોટો અવાજ ચીસોનો નહોતો...
સૌથી મોટો અવાજ હતો—
અધૂરી જિંદગીઓનો, અધૂરી ઈચ્છાઓનો અને અધૂરા સંબંધોનો શોર.
વાંચન વિશેષ
મોર્ગ એટલે હોસ્પિટલ અથવા ફોરેન્સિક વિભાગનું એવું સ્થળ, જ્યાં મૃતદેહોને ઓળખ, પોસ્ટમોર્ટમ અથવા અંતિમ વિધિ માટે સોંપવામાં આવે ત્યાં સુધી સુરક્ષિત રાખવામાં આવે છે.
બહારથી મોર્ગ સંપૂર્ણ શાંત લાગે છે, પરંતુ ત્યાં પડેલી દરેક લાશ પાછળ એક અધૂરી જિંદગી, એક અધૂરી વાત અને અનેક સંબંધોની અનકહી ચીસો દટાયેલી હોય છે.
કદાચ એટલા માટે...
મોર્ગમાં સૌથી મોટો અવાજ મૌનનો હોય છે.
વિચાર આધાર
મોર્ગ માત્ર મૃતદેહોનો સંગ્રહ નથી;
તે અધૂરી વાર્તાઓનું પ્રતીક્ષાલય છે.
અહીં શરીરો મૌન હોય છે, પરંતુ દરેક લાશ પોતાની જિંદગીનો છેલ્લો અધ્યાય નિઃશબ્દ રીતે કહેતી રહે છે...
અને એ તો છે, કોઈ પણ મોર્ગનો મૂંગો શોર.
લેખક: કલ્પેશ પટેલ ©

