લાઈવ વાયર.
લાઈવ વાયર.
લાઈવ વાયર.
લેડી હોસ્ટેલ –દશમે માળે ટોપ ફ્લોર ,રૂમ નંબર ૧૦૮,અને તેમાં રહેતી મીસ ગુપ્તા...
લેડી હોસ્ટેલમાં આ નામ સાંભળતાં જ છોકરીઓના ચહેરા પર એક સાથે ડર અને સ્મિત બંને આવી જતા. બધા તેમને એક જ નામથી ઓળખતા..."લાઈવ વાયર!"
કારણ 108.તો કોઈ ફોન કરે અને હાજર થાય, પણ અહીં તો મીસ ગુપ્તા નું નામ વિચારો અને હાજર....
ઉંમર આશરે પિસ્તાળીસ વર્ષ. ઢળતી જુવાની, ચહેરા પર કડક શિસ્ત અને આંખોમાં એવી ચમક કે જાણે કોઈ વાત તેમની નજરમાંથી છટકી જ ન શકે.
એક સર્વજનિક ટ્રસ્ટે તેમને હોસ્ટેલના મેટ્રન તરીકે નિયુક્ત કર્યા હતા. તેમના જીણા વહીવટ, કડક નિયમો અને નિષ્ઠાને કારણે ગામડાંમાંથી શહેરમાં દીકરીઓને ભણવા મોકલતા માતા-પિતાની આ હોસ્ટેલ પહેલી પસંદ હતી.
હોસ્ટેલનો રૂમ નંબર ૧૦૮ દેખાવમાં સામાન્ય હતો.પણ તેમાં રહેતી હતી મીસ ગુપ્તા—આજીવન કુંવારી, હોસ્ટેલની મેટ્રન અને છોકરીઓની નજરે ચાલતું-ફરતું મોશન CCTV કેમેરા!
છોકરીઓ મજાકમાં કહેતી,
“મીસ ગુપ્તા પાસે બે નહીં, બાવીસ આંખો છે! બે તો દેખાય છે, બાકીની વીસ લખોટી આખા હોસ્ટેલમાં રમતી મૂકી છે. આગળ, પાછળ, ઉપર, નીચે... બધું જ જોઈ લે છે!”
મીસ ગુપ્તા રાઉન્ડ પર નીકળે એટલે આખા હોસ્ટેલમાં અચાનક શાંતિ છવાઈ જતી.
છોકરીઓના પગમાં જાણે લોખંડી બૂટ બંધાઈ જાય.
Wi-Fi પણ જાણે સિગ્નલ ગુમાવી બેસે.
કોઈ હલતું નહીં...
કોઈ બોલતું નહીં...
અને હાસ્ય તો જાણે કર્ફ્યૂમાં જતું રહે!
આજે ધુળેટીની રજા હતી.
ઘણી છોકરીઓ પોતાના ઘરે ગઈ હોવાથી હોસ્ટેલમાં પાંખી હાજરી હતી.
સવારે પાંચ વાગ્યે કોરિડોરમાં મૂકેલા લેન્ડલાઇન ફોનની ઘંટડી રણકી.
રૂમ નંબર ૧૦૭માં રહેતી નીલાએ ઊંઘેલી આંખે ફોન ઉપાડ્યો.પાછળ તેની રૂમ મેટ, મોનુ, અને સુમન કાન લઇ આવી ગયા.
કોરિડોર ના ફોનમા સામેથી એક પુરુષનો ધીમો અવાજ આવ્યો.
“હેલો...હાય હની..મીસ ગુપ્તા? હું નયન બોલું છું... યાદ છે? કોલેજના દિવસો... તારો સફેદ ડ્રેસ... અને મારા હાથનો ગુલાલ...”
નીલા અને તેની રૂમમેટ મોનુ અને સુમન, ત્રણેય એક બીજા તરફ આશ્ચર્યથી જોવા લાગયા .કોઈ ખજાના ની ચાવી હાથ લાગી હોય.
બંનેએ ફોનનું સ્પીકર દબાવી બંધ કરી દીધું .
“અરે...! મીસ ગુપ્તાનું પણ પ્રેમપ્રકરણ હતું?”
“આ તો Netflix કરતાં પણ મોટું રિવીલ છે!”
તેમણે તરત જ મીસ ગુપ્તાને બોલાવ્યા .
મીસ ગુપ્તાએ ફોન હાથમાં લીધો.
“હેલો...”
થોડી જ વારમાં તેમના ગાલ ગુલાબી થઈ ગયા.
છોકરીઓ ક્યાં છોડે એવી?
“મેમ... તમે તો રાત્રે પણ બ્લશ લગાવી સુઈ જાવ છો ને કાંઈ ?”
મીસ ગુપ્તાએ નજર ફેરવી.
“ના..રે ના, આ તો રૂમમાં આજ કાલ ગરમી બહુ લાગે છે.”
Traneyb છોકરીઓ હસતાં હસતાં કાનફુસિયા કરતી વળી તેમના રૂમ મા પાછી ગઈ.
સવારે કેન્ટીનમાં મીસ ગુપ્તા થોડાં બેચેન દેખાતા હતા.
છોકરીઓએ, તેમના કોલેજ કાળ ની વાતો કાઢાવી .
છાં ટોસ્ટ ના સંગ મા ધીમે ધીમે આખી કહાની બહાર આવી.
કોલેજના દિવસોમાં મીસ ગુપ્તા સ્ટાર હતી.
ડિબેટ ચેમ્પિયન.
ઉત્તમ ડાન્સર.
અને આખી કોલેજની લાડકી.
નયન નામનો એક યુવાન તેમને મનથી પ્રેમ કરતો.
એક વરસાદી સાંજે તેણે પ્રેમનો એકરાર પણ કર્યો હતો.
પણ મીસ ગુપ્તા કોઈ નિર્ણય લઈ શકી નહીં.
સમય સરકી ગયો.
રસ્તા અલગ થઈ ગયા.
મીસ ગુપ્તા નોકરીમાં વ્યસ્ત થઈ ગઈ...
અને પ્રેમ...
'પેન્ડિંગ' રહી ગયો.
હવે એ જ નયન વર્ષો પછી, લંડન થી આવ્યો હતો અને ફરી મળવા માંગતો હતો.
એ દિવસ પછી મીસ ગુપ્તામાં નાનકડો, પણ સ્પષ્ટ બદલાવ દેખાવા લાગ્યો.
તેમના ચહેરા પર સ્મિત રહેવા લાગ્યું.
કોરિડોરનો ફોન હવે છોકરીઓ માટે ચોવીસે કલાક ખુલ્લો હતો.
રાત્રે દસ વાગ્યા પછી પણ કહેતી,
“જાઓ... થોડી બાલ્કનીમાં હવા ખાઈ આવો.”
છોકરીઓ મજાક કરતી,
“અરે... મેમ તો Wi-Fi જેવી થઈ ગઈ!”
“એકવાર કનેક્ટ થઈ જાય પછી બધું સ્મૂથ!”
એક સાંજે નયન તેની ઓડી કાર લઇ હોસ્ટેલના ગેટ પાસે આવ્યો.
મીસ ગુપ્તાએ વર્ષો પછી અરીસામાં પોતાની જાતને થોડો વધારે સમય લઇ ને જોયું.
સ્ટાર્ચ કરેલી સફેદ સાડી , અને વાળમાં ચાંદી જેમ ચમક્તી લટો, આજે કાળા રંગે રંગેલી હતી .
અને ચહેરા પર વર્ષો પછીનું ભુલાયેલું શરમાળ સ્મિત.
બાલ્કનીમાં ઊભેલી છોકરીઓ માટે આ કોઈ ફિલ્મના ક્લાઇમેક્સથી ઓછું નહોતું.
નયને, મીસ ગુપ્તા કહ્યું,
“હની ... પાંત્રીસ વર્ષ પહેલાં ધુળેટીના દિવસે મારા હાથનો ગુલાલ તારા ગાલ સુધી પહોંચ્યો હતો. આજે ફરી એ જ પ્રશ્ન લઈને આવ્યો છું.., હજુ આ હાથ કોઈ સાથી માટે તલશે છે . શું, તું આ વખતે પણ ચૂપ જ રહીશ?”
મીસ ગુપ્તાએ હળવું સ્મિત કર્યું.
“ના... આ વખતે, મૌન તો હરગીજ નહીં. મે જીવનનો ઘણો કિંમતી સમય, મેન્યુલ ના નિયમોમાં પસાર કર્યો છે. હવે બાકીનું જીવન દિલના નિયમથી જીવવું છે.”
નયને આગળ વધીને તેનો હાથ પકડી લીધો.
ઉપર બાલ્કનીમાંથી તાળીઓનો ગડગડાટ થયો.
એક છોકરી બૂમ પાડી,અલી 108મા રહેવા વાલીનો હસવાનો શાપ તૂટ્યો
બીજી બોલી “... રૂમ નંબર ૧૦૮ને રૂમ મેટ મળી ગયો!”
ત્રીજી તરત બોલી,
“નો મોર ટોક ગર્લ્સ... આજથી મેટ્રન મેમને 'લાઈવ વાયર' નહીં...
'લવ વાયર' કહી બોલાવજો !'”
આખા હોસ્ટેલમાં વર્ષો પછી એવું ખડખડાટ હાસ્ય ગુંજ્યું કે જાણે બધા ફ્લોર ની દિવાલો પણ સ્મિત કરી ઊઠી.
મીસ ગુપ્તાએ ઉપર જોઈને કહ્યું,
“ચાલો... આજે કર્ફ્યૂ અડધો કલાક વધારે મુક્તિ .
પણ એક વાત યાદ રાખજો... જીવનમાં કોઈ સાચો પ્રેમ જતાવે ત્યારે તેને ડરથી ક્યારેય પાછો ન મોકલતા.”
છોકરીઓએ એકસાથે જવાબ આપ્યો,
“યેસ... લવ વાયર મૅમ!”
તે સાંજે રૂમ નંબર ૧૦૮નો દરવાજો બંધ થયો નહીં.
કારણ કે વર્ષો સુધી જે હૃદય બંધ રહ્યું હતું...
તે આજે પહેલી વાર સાચા અર્થમાં ખુલ્યું હતું.
સંદેશ
કેટલાક લોકો કડક નથી હોતા; તેઓ માત્ર પોતાની અધૂરી લાગણીઓની આસપાસ દિવાલો બાંધી દેતા હોય છે.
ક્યારેક એક અણધાર્યો ફોન, એક જૂની યાદ અને એક હિંમતભર્યો નિર્ણય જીવનમાં ફરી વસંત ખીલવી દે છે.
પ્રેમ મોડો આવી શકે, પરંતુ સાચો પ્રેમ ક્યારેય મોડો પડતો નથી.
અને...
હોસ્ટેલની "લાઈવ વાયર"ને આખરે પોતાનું "ટ્રાન્સફોર્મર" મળી ગયુ !
