રૂમ નંબર 7 ની પકડ.
રૂમ નંબર 7 ની પકડ.
રૂમ નંબર 7 ની પકડ.
સેન ઓઝેના વિનચેસ્ટર હાઉસમાં 160 રૂમ છે, 10,000 બારીઓ છે અને 2,000 દરવાજા. પરંતુ એક દરવાજો એવો છે જેનો ઉલ્લેખ કોઈ ટૂર ગાઈડ કે હાઉસ ક્યુરેટર ક્યારેય કરતું નથી.
દરવાજો નંબર 7.
આજ કાલ, વિઝીટર ને કહેવામાં આવે છે કે તે દરવાજો ક્યારેય અસ્તિત્વમાં હતો જ નહીં.
અને જે કહે છે કે તેણે તેને જોયો હતો... તે ફરી ક્યારેય પહેલો જેવો રહ્યો નથી.
---
હૅલોવીનની રાત્રે સેન ઓઝે પર અજીબ શાંતિ પથરાઈ હતી.
બ્રોડવેના નાટ્યલેખક શ્રીમાન કહોટ, જે હૉન્ટેડ સ્થળો આધારિત નવું નાટક લખી રહ્યા હતા, તેમને વિનચેસ્ટર હાઉસમાં આખી રાત રહેવાની વિશેષ પરવાનગી મળી હતી.
હૅલોવીન રાત્રી એ રાતભર તે હાઉસમા રહ્યો. અજીબ હાઉસના અનંત કોરીડોર, ક્યાંય ન પહોંચતી સીડીઓ, બંધ રૂમો અને ભુલભુલિયામાં આખી રાત ભટકતો રહ્યો.
ફરતા ફરતા,એક ક્ષણે તેને કોરીડોરના અંતે સીસમ ના લાકડાનો જૂનો દરવાજો દેખાયો.
તેના પર માત્ર એક જ અંક કોતરાયેલો હતો...
7
દરવાજાની નીચેની ધારી એ થી કોઈ પડછાયો પસાર થયો તેવું તેણે જોયું .
કહોટ આગળ વધ્યો.
તેણે હાથ લંબાવ્યો...
પણ એ પહેલાં જ આખો કોરીડોર થોડી પળ માટે અંધકારમાં ડૂબી ગયો.
જ્યારે ફરી પ્રકાશ થયો, ત્યાં દરવાજો જ નહોતો.
જેમ તેમ રાત વિતાવી, આવા સડીયલ વિષય પર નાટક લખવાનો વિચાર કેમ. આવ્યો તે પસ્તાવા સાથે સવારની રાહ જોઈ રહ્યો હતો.
---
વહેલી સવારે કહોટ આખરે હાઉસની બહાર નીકળ્યો.
બહાર વેસ્ટ વેલીની વહેલી સવારનો સૂર્યપ્રકાશ, લોકો, કારો—બધું સામાન્ય લાગતું હતું.
પણ તેના મન પર એક અજાણ્યો ભાર હતો.
જાણે હાઉસની કોઈ છાયા હજુ પણ તેની પાછળ ચાલી રહી હોય.
કારમાં બેસીને તેણે એન્જિન ચાલુ કર્યું.
રેડિયો બંધ હતો.એસી વર્ષોથી ખરાબ હતું,જે અહીં ની મોડારેટ ક્લાઈમેટ મા જરુરી નહોતું .
ડેશબોર્ડમાંથી સિગાર કાઢીને સળગાવી.
ઊંડો કસ લઇ, મોટો ધૂણી નો ગુબ્બરો કાઢતા,પોતાના મનને સમજાવ્યું—
"આ બધું માત્ર થાક અને હાઉસની અજીબો ગરીબ આર્કિટેક્ચરના કારણે થયેલો ચિત્તભ્રમ છે ."
પણ અંદરથી એક અવાજ બોલ્યો.
" કહોટ,તું જઈ રહ્યો છે... પરંતુ હાઉસે તને છોડ્યો નથી."
---
કહોટે કાર El Camino Real રોડ તરફ વાળી.
સવારનો રસ્તો અસામાન્ય રીતે શાંત હતો.
સેન ઓઝેના જૂના Spanish Mission યુગની સુગંધ, સાથે આધુનિક ટ્રાફિકનો હળવો અવાજ અને વચ્ચે કોઈ અદૃશ્ય તણાવ.
અચાનક ક્રોસ રોડ પાસે સ્ટ્રીટલાઇટ નીચે એક Spanish-style ઘર દેખાયું.
સફેદ દીવાલો.
લાલ ટાઇલની છત.
અને સીસમ ના દરવાજા પર ઝાંખા રંગમાં લખાયેલો નંબર...
7
કહોટનો શ્વાસ અટકી ગયો.

આ તો એ જ દરવાજો હતો.
વિનચેસ્ટર હાઉસમાં જોયેલો.
એ જ ક્ષણે વર્ષોથી બંધ પડેલો કાર નું એસી જાતે ચાલુ થઈ ગયુ .અને રેડિયો પણ કોઈ સ્પર્શ વગર જીવંત થઈ ઊઠ્યો.
એક નિષ્પ્રાણ ડિજિટલ સ્ત્રી એનાઉસમેન્ટ નો અવાજ સંભળાયો—
«"Exterior Simulation Extended... Mr. Kahot... Proceed to Camino Real Sector..."»
અચાનક ચાલુ થયેલ કાર નું એ સી અને ડર ને લીધે, કહોટના હાથ બરફ જેવા ઠંડા પડી ગયા.
તેને સમજાયું...
તે હાઉસમાંથી બહાર આવ્યો જ નહોતો.
હાઉસ હવે વિસ્તાર પામી El Camino Real રોડ સુધી ફેલાઈ ગયું હતું.
---
તે કાર પાર્ક કરી હાઉસ પાસે ગયો. ક્રોસ રોડ ના તે સ્પેનીસ હાઉસ ના દરવાજાની પાછળથી ધીમો અવાજ આવ્યો.
"કહોટ... દરવાજો ખોલીશ નહીં."
કહોટ ચમકી ગયો.
એ તો તેનો પોતાનો જ અવાજ હતો.
થોડીવારમાં દરવાજાની નીચેની તિરાડમાંથી એક પીળો પડેલો કાગળ બહાર સરક્યો.
તેમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું—
"હું એ કહોટ છું જેણે વીસ વર્ષ પહેલાં આ દરવાજો ખોલ્યો હતો. મે કરેલી ભૂલ, હવે તું ફરીથી કરતો નહીં."
કહોટનું લોહી ઠંડું પડી ગયું.
અંદરથી ટકોરા પડવા લાગ્યા.
ઠક... ઠક... ઠક...
પછી એક સ્ત્રીનો અવાજ...
"મદદ કરો..."
પછી એક બાળક...
"પપ્પા..."
અને પછી...
ફરી તેનો પોતાનો જ અવાજ...
"મને બહાર કાઢ..."
દરેક અવાજ સાચો લાગતો હતો.
દરેક અવાજ તેને દરવાજો ખોલવા મજબૂર કરતો હતો.
કહોટનો હાથ ધીમે ધીમે હેન્ડલ તરફ વધ્યો.
હેન્ડલ બરફ જેવું ઠંડું હતું.
એ જ ક્ષણે દરવાજાની ચમકતી લાકડાની સપાટી પર તેનું પ્રતિબિંબ દેખાયું.
પણ...
તે વર્તમાન કહોટ નહોતો.
પોતાથી વીસ વર્ષ મોટો, શાંત અને નિર્ભય કહોટ તેની સામે જોઈ રહ્યો હતો.
તેના હોઠ હલ્યા.
"દરવાજાની પાછળ કોઈ કેદી નથી... દરવાજો પોતે જ કેદખાનું છે.
જે તેને ખોલે છે, તે પોતાની જ દુનિયા ગુમાવી દે છે, અને અહીં પકડ મા આવી જાય છે ."
કહોટે તરત હાથ પાછો ખેંચી લીધો.
એ જ ક્ષણે અંદરથી એવી ભયાનક ચીસ સંભળાઈ કે આખું Spanish-style ઘર ધ્રૂજી ઊઠ્યું.
અલ કમીનો રિયલ રોડની સ્ટ્રીટલાઇટો દિવસે પણ ઝબૂકવા લાગી.
આસપાસની ઇમારતો ક્ષણભર માટે વિનચેસ્ટર હાઉસના અનંત કોરીડોરમાં બદલાઈ ગઈ.
પછી...
એકદમ શાંતિ.
ઘર ગાયબ.
નંબર 7 ગાયબ.

રસ્તો ફરી સામાન્ય.
જાણે અહીં ક્યારેય કંઈ બન્યું જ ન હોય.
---
તે ઘડી અનેંતે દીવસ પછી કહોટ ક્યારેય ફરી El Camino Real રોડ પર ગયોજ નહીં. અને સેન ઓઝે છોડી લોસ એન્જલસ પહોંચી ગયો.
તેને પોતાનું નાટક પણ અધૂરું છોડી દીધું.
લોકોએ કારણ પૂછ્યું.
તે માત્ર એક જ વાક્ય બોલતો રહેતો, ભાઈઓ..."કેટલાક દરવાજા ખુલવા માટે નથી બનતા... તેઓ કેદ માટે બનેલા હોય છે."
પરંતુ કથા ત્યાં પૂરી થતી નહોતી .
દર વર્ષે...
હૅલોવીનની રાત્રે...કોઈ અચૂક જાણવા માંગે છે.. આમ કેમ?
સેન ઓઝેમાં કોઈને કોઈ Spanish-style ઘરના દરવાજા પર સવારે અચાનક નંબર 7 દેખાય છે.
ઘરના લોકો કહે છે કે મધરાત્રિએ અંદરથી ટકોરા સંભળાય છે.
ક્યારેક કોઈ ઓળખીતો અવાજ બોલાવે છે.
ક્યારેક પોતાના જ નામથી.
પોલીસ આવે છે.
દરવાજો તપાસે છે.
બધું સામાન્ય લાગે છે.
કારણ કે...
"કેટલાક દરવાજા ખોલવા માટે નથી બનતા... તેઓ માત્ર એટલા માટે બંધ રાખવામાં આવે છે કે અંદરનું કંઈક બહાર ન આવી જાય."
~~~~~~~
વાંચન વિશેષ ~
1 વિનચેસ્ટર હાઉસ~ (Winchester Mystery House)
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેન ઓઝે (San Jose) શહેરમાં આવેલી એક અત્યંત રહસ્યમય અને ભુલભુલિયા જેવી ઐતિહાસિક આ હવેલી છે.
આ ઘર વિનચેસ્ટર રાઈફલ કંપનીના માલિકની વિધવા સારાહ વિનચેસ્ટર દ્વારા બનાવવામાં આવ્યું હતું.
એવું માનવામાં આવે છે કે, તેમને બનાવેલી રાઈફલથી મરેલા લોકોની આત્માઓના ડર અને ભ્રમને કારણે તેમણે આ ઘરનું બાંધકામ સતત ૩૮ વર્ષ સુધી ચાલુ રખાવ્યું હતું.
આ હવેલીની સ્થાપત્ય શૈલી એટલી અજીબોગરીબ છે કે અહીં ક્યાંય ન પહોંચતી સીડીઓ, દીવાલ તરફ ખુલતા દરવાજા, અને જમીન પર ખુલતી અગણિત બારીઓ જોવા મળે છે. ભારતીય સાહિત્ય કે ફિલ્મોમાં જેમ 'ભૂલભુલામણી' કે તંત્ર-મંત્ર સાથે જોડાયેલા રહસ્યમય કિલ્લાઓની વાર્તાઓ હોય છે, બરાબર એવો જ રોમાંચક અને ડરામણો ઇતિહાસ આ વિનચેસ્ટર હાઉસનો છે, જે આજે પણ વિશ્વભરના પ્રવાસીઓ માટે એક મોટું રહસ્ય બનેલું છે.
2~અલ કેમિનો રિયલ (El Camino Real)
એ કેલિફોર્નિયા રાજ્યનો સૌથી ઐતિહાસિક અને પ્રખ્યાત રસ્તો છે, જેનો શાબ્દિક અર્થ સ્પેનિશ ભાષામાં "ધ રોયલ હાઈવે" (રાજાનો માર્ગ) થાય છે. ભારતીય સંદર્ભમાં સમજીએ તો, જેમ આપણા દેશમાં સદીઓ જૂનો અને ઐતિહાસિક 'ગ્રાન્ડ ટ્રંક રોડ' (GT Road) છે, તેવી જ કંઈક સમાનતા આ રોડ પણ ધરાવે છે.
આ રોડ વિશેની કેટલીક રસપ્રદ વાતો મુજબ આ રસ્તો સ્પેનિશ મિશનરી યુગ (Spanish Mission era) સાથે જોડાયેલો છે. ૧૮મી સદીના અંતમાં અને ૧૯મી સદીની શરૂઆતમાં કેલિફોર્નિયાના દરિયા કિનારે આવેલા ૨૧ સ્પેનિશ મિશનો (પૂજાના સ્થળો/ચર્ચ), કિલ્લાઓ અને જૂના ગામડાઓને એકબીજા સાથે જોડવા માટે આ માર્ગ બનાવવામાં આવ્યો હતો.
રોડ ની અનોખી ઓળખ (મિશન બેલ્સ):
આ રોડની સૌથી મોટી વિશેષતા રસ્તાની બાજુમાં લાગેલા કાસ્ટ-આયર્નના અનોખા ઘંટ લગાવ્યા (Mission Bells) છે. સ્પેનિશ મિશન યુગની યાદમાં વોકિંગ સ્ટિક (લાકડી) જેવા વળાંકવાળા થાંભલા પર આ ઘંટ લટકાવેલા જોવા મળે છે, જે પ્રવાસીઓને આ ઐતિહાસિક માર્ગ પર હોવાનો આજે પણ અહેસાસ કરાવે છે.
આજના સેન ઓઝે સીટીમા,સમય જતાં આ ઐતિહાસિક માર્ગ આધુનિક કેલિફોર્નિયાના વિકાસનું કેન્દ્ર બન્યો.
આજે તે સેન ઓઝે (San Jose) અને સિલિકોન વેલીના વ્યસ્ત અને મુખ્ય કોમર્શિયલ રોડ તરીકે ઓળખાય છે, જ્યાં સ્પેનિશ આર્કિટેક્ચર વાળા જૂના મકાનો અને આધુનિક લાઈફસ્ટાઈલ બંને એકસાથે જોવા મળે છે.
3 હૅલોવીન (Halloween).
પશ્ચિમી દેશોમાં (મુખ્યત્વે અમેરિકા, કેનેડા અને યુરોપમાં) દર વર્ષે ૩૧ ઓક્ટોબરની રાત્રે ઉજવવામાં આવતો એક પરંપરાગત તહેવાર છે.
વાચકો માટે આ તહેવારનો સરળ પરિચય નીચે મુજબ છે:
ઐતિહાસિક શરૂઆત: સદીઓ પહેલાં આયર્લેન્ડ અને સ્કોટલેન્ડના લોકો શિયાળાની શરૂઆત અને પાકની લણણીની ઉજવણીના ભાગરૂપે આ દિવસ મનાવતા હતા. તેમની પ્રાચીન માન્યતા હતી કે આ રાત્રે જીવતા લોકો અને મૃત આત્માઓ વચ્ચેની દીવાલ એકદમ પાતળી થઈ જાય છે.
ભૂતિયા વેશભૂષા (Costumes):
એવી માન્યતા હતી કે આ રાત્રે પૃથ્વી પર આવતી ખરાબ આત્માઓ કે ભૂત-પ્રેતથી બચવા માટે લોકો પોતે જ ડરામણા કપડાં અને વિચિત્ર મહોરાં (માસ્ક) પહેરી લેતા, જેથી આત્માઓ તેમને પોતાના જેવા જ સમજીને કોઈ નુકસાન ન પહોંચાડે.
ટ્રિક-ઓર-ટ્રીટ (Trick-or-Treat):
આજના આધુનિક સમયમાં આ તહેવાર એક મનોરંજક ઉત્સવ બની ગયો છે. બાળકો ભૂત, જાદુગર કે સુપરહીરોના કપડાં પહેરીને આસપાસના ઘરોમાં જાય છે અને 'ટ્રિક ઓર ટ્રીટ' કહીને ચોકલેટ્સ અને મીઠાઈઓ ભેગી કરે છે.
કોળાનું ફાનસ (Jack-o'-lantern):
હૅલોવીનની સૌથી મોટી ઓળખ છે મોટુ પીળું કોળું (Pumpkin). લોકો કોળાની અંદરનો ભાગ સાફ કરી, તેના પર ડરામણો ચહેરો કોતરે છે અને તેની અંદર દીવો કે મીણબત્તી પ્રગટાવીને ઘરની બહાર મૂકે છે.
ટૂંકમાં કહીએ તો, જેમ આપણા દેશમાં પિતૃપક્ષ કે કેટલીક પ્રાદેશિક સંસ્કૃતિઓમાં મૃતકોના શ્રદ્ધ વિધિ જેવી સ્મરણની પરંપરાઓ હોય છે, તેવી જ રીતે પશ્ચિમના દેશોમાં આત્માઓ અને રહસ્યના માહોલને એક રોમાંચક અને ડરામણા ઉત્સવ તરીકે ઉજવવાનો દિવસ એટલે 'હૅલોવીન'. પ્રસ્તુત વાર્તામાં આ રાતનો ઉલ્લેખ હોવાથી રહસ્ય અને ડરનો માહોલ વધુ ઘાટો બનશે .
વાર્તામાં ઉપરોક્ત, ઉત્સવ અને સ્થળનો ઉલ્લેખ કરવાથી અમેરિકા સિવાયના ભારતીય વાચકો માટે રહસ્યનો માહોલ વધુ ઘાટો સમજાશે , કારણ કે, હેલોવીન ની રાત,અજીબ હવેલી અને રસ્તો પોતે જ સદીઓ જૂનો ઇતિહાસ અને રહસ્યો પોતાની અંદર સાચવીને બેઠા છે!
~~~~~~~~~
ડિસ્કલેમર (અસ્વીકરણ)
"આ વાર્તામાં દર્શાવેલા સ્થળો (જેવા કે વિનચેસ્ટર હાઉસ અને એલ કેમિનો રિયલ રોડ) વાસ્તવિક ભૌગોલિક સંદર્ભો ધરાવે છે, જેનો ઉપયોગ માત્ર વાચકોની રસ વૃત્તિ અનુરૂપ વાર્તા માટે કરેલ છે. જે વાર્તા અને વાસ્તવિકતા થી પર છે.
પરંતુ વાર્તાના પાત્રો, ઘટનાઓ અને પ્લોટ સંપૂર્ણપણે લેખકની કાલ્પનિક વિચારસરણી પર આધારિત છે. આ વાર્તાનો ઉદ્દેશ્ય માત્ર વાચકોનું મનોરંજન કરવાનો છે, કોઈ પણ પ્રકારના અંધવિશ્વાસ કે ડરને પ્રોત્સાહન આપવાનો નથી."

તમારૂ સૂચન અને પ્રતિભાવ એ કેળવાયેલ કલાકારના હાથની પીંછી જેવા છે મારા શબ્દો ને રંગ અને દિશા આપે છે,
🙏

