STORYMIRROR

Kalpesh Patel

Abstract Drama Thriller

4.5  

Kalpesh Patel

Abstract Drama Thriller

તપાસ ચાલુ છે...

તપાસ ચાલુ છે...

5 mins
18

તપાસ ચાલુ છે...

સ્થળ: અંધેરી પોલીસ સ્ટેશનની કેબિન

બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

પાત્રો:
ઇન્સ્પેક્ટર ગોહિલ અને પત્રકાર દીપક.

---

ઇન્સ્પેક્ટર ગોહિલ, વ્યવસાયે પોલીસ ઇન્સ્પેક્ટર, પરંતુ સ્વભાવે એક વિચારક અને લેખક.

પોલીસ ડાયરીની સાથે તે પોતાની એક અંગત ડાયરી પણ રાખતો હતો. પોલીસ ડાયરીમાં ગુનાઓ અને પુરાવાઓ નોંધાતા; જ્યારે અંગત ડાયરીમાં માણસોના ચહેરા, તેમની આંખોમાં છુપાયેલા ભય અને વર્તનમાં દેખાતા રહસ્યો.

રાતના લગભગ બે વાગ્યા હતા.

અંધેરી પોલીસ સ્ટેશનની કેબિનમાં ગોહિલ પોતાના ટેબલ સામે બેઠા હતા. સામે ખુલ્લો લેપટોપ હતો અને તેમની આંગળીઓ કી-બોર્ડ પર ધીમે ધીમે ફરી રહી હતી.

થોડા સમય પછી તેઓ લખવાનું બંધ કરતા અને બારી બહાર તાકી રહેતા.

બહાર વરસાદ જાણે આકાશમાંથી નહીં, પરંતુ કોઈ અજાણી દુનિયામાંથી વરસતો હોય એમ ધોધમાર વરસી રહ્યો હતો.

એટલામાં પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં એક કાર આવીને ઊભી રહી.

થોડી જ ક્ષણોમાં કારનો દરવાજો ખુલ્યો.

છત્રી અને હાથમાં નોટપેડ લઈને એક વ્યક્તિ વરસાદને ચીરતો પોલીસ સ્ટેશન તરફ દોડ્યો.

તે હતો,મુંબઈ સમાચારનો પત્રકાર દીપક દીવાન .

કેબિનનો દરવાજો ખૂલ્યો.

દીપક:
(છત્રી બંધ કરતાં અને કપડાં પરથી પાણી ખંખેરતાં)
“સાહેબ, આ વરસાદે તો આખા શહેરમાં હાહાકાર મચાવી દીધો છે. પણ એનાથી પણ મોટો ધડાકો તો સુજાતાના અપહરણની ઘટનાનો થયો છે.”

તે નોટપેડ બહાર કાઢતાં બોલ્યો—

“આવા વરસાદી અને ડરામણા માહોલ વચ્ચે આવો ગુનો કેવી રીતે શક્ય બન્યો?”

ગોહિલે લેપટોપ બંધ કર્યું .
અને 
ધીમે ધીમે દીપક દીવાન તરફ નજર ફેરવી.

ઇન્સ્પેક્ટર ગોહિલ:
(ગંભીર અવાજે)
“દીપકભાઈ... તમે ક્યારેય કુદરતી તાંડવ અને ગુના વચ્ચેના સૂક્ષ્મ સંબંધને સમજવાનો પ્રયત્ન કર્યો છે?”

દીપક ચૂપ રહ્યો.

ગોહિલે બારી તરફ નજર કરી.

“વરસાદનો આ કર્કશ અવાજ... એક પ્રકારનો વ્હાઇટ નોઈઝ બની જાય છે. દુનિયાના બીજા બધા અવાજો એમાં દબાઈ જાય છે.”

થોડી ક્ષણ માટે કેબિનમાં મૌન છવાઈ ગયું.

“કદાચ સુજાતાએ ચીસો પાડી હશે... કદાચ મદદ માટે બૂમો પણ પાડી હશે...”

ગોહિલનો અવાજ ધીમો થઈ ગયો.

“પણ એ ચીસો વરસાદના આ તાંડવમાં ક્યાંક ઓગળી ગઈ હશે.”

---

દીપક:
(નોટપેડમાં ઝડપથી લખતાં)
“સાચું કહ્યું તમે, સાહેબ. 
પણ આ તો ઘટનાનું ફિલસૂફીભર્યું પાસું થયું.”

તેણે ગોહિલ તરફ જોયું.
પણ મુદ્દો એ કે..
“જ્યારે અપહરણ થઈ રહ્યું હતું ત્યારે એ છોકરીની માનસિક સ્થિતિ કેવી રહી હશે?”

ગોહિલ થોડી ક્ષણ વિચારમાં પડ્યા.

ઇન્સ્પેક્ટર ગોહિલ:
“એની પ્રતિક્રિયાઓ કલ્પના બહારની રહી હશે, દીપકભાઈ.”
પણ હું..
“જ્યારે હું ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે મેં પીડિતાની માતાના ચહેરા પર પણ ભયના અનેક સંકેતો જોયા હતા.”

“એની આંખો ભયથી પહોળી થઈ ગઈ હતી. હોઠ કસાયેલા હતા. આખું શરીર ધ્રૂજતું હતું.”

“ઠંડો વરસાદ, ભેજ અને અચાનક સર્જાયેલી ભયાનક ઘટના—આ બધું મળીને માણસની વિચારશક્તિને અસર કરે છે.”

દીપકે વચ્ચે પૂછ્યું—

“એટલે?”

ગોહિલ બોલ્યા—

“એવી સ્થિતિમાં માણસ હંમેશાં લડતો નથી... ભાગતો પણ નથી.”

“ક્યારેક મગજ સીધું જ ફ્રીઝ થઈ જાય છે.”

“લડવું કે ભાગવું, એ બંને વિકલ્પો જાણે થોડા સમય માટે મગજમાંથી ગાયબ થઈ જાય.”

---

દીપક:
“અને અપહરણકર્તા?”

“એણે તો આ કુદરતી આપદાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો લાગે છે.”

ઇન્સ્પેક્ટર ગોહિલ:

“ચોક્કસ.”

ઇન્સ્પેક્ટર ગોહિલે ટેબલ પર પડેલી પોતાની પોલીસ ડાયરી બંધ કરી.
અને નજર તેની દિપક સામે હતી. પરંતુ તે કોઈ દ્રશ્ય નું વિવેચન. કરતો હોય તેમ. બોલ્યા ....

“રસ્તાઓ લગભગ સૂમસામ હતા. માણસોની અવરજવર નહોતી.”

“દરેક માણસ પોતાની છત્રી, વરસાદ અને સલામતીમાં જ વ્યસ્ત હતો.”

“અને જ્યારે ગુનેગારને લાગે કે તેને જોનાર કોઈ નથી... ત્યારે તેનો આત્મવિશ્વાસ વધી જાય છે.”

દીપકે પૂછ્યું—

“તો પછી એ હરામખોરને પકડવાનું મુશ્કેલ છે,નહીં ને?”

ગોહિલના હોઠ પર એક રહસ્યમય સ્મિત આવ્યું.

ઇન્સ્પેક્ટર ગોહિલ:

“વરસાદ રસ્તા પરના કેટલાક પુરાવા ધોઈ શકે છે, દીપકભાઈ...”

તેમણે પોતાની આંખો સંકોચી.

“પણ માણસના મન દ્વારા પડેલા નિશાન ધોઈ શકતો નથી.”

“ગુનેગારની અધીરાઈ... એની ઉતાવળ... એની આક્રમકતા... અને સૌથી મહત્વનું,એણે કરેલી ભૂલ કે ચૂક .”

---

દીપક:
(આશ્ચર્યથી)

“એટલે તમને શંકા છે કે ગુનેગાર પીડિતા ની આસપાસનો જ કોઈ છે?”

ઇન્સ્પેક્ટર ગોહિલ:

“શંકા નહીં,વિશ્વાસ છે દીપકભાઈ...”

તેમનો અવાજ વધુ ગંભીર બન્યો.

“મને લાગે છે ત્યાં સુધી,આ કેસ માત્ર એક અપહરણ નથી.”

“આ પ્રકૃતિ અને પાપનું એવું ભયાનક મિશ્રણ છે, જેની દરેક કડી મને આ વરસાદી રાતના અંધકારમાંથી શોધીને બહાર લાવવી પડશે.”

---

થોડી ક્ષણ બંને ચૂપ રહ્યા.

પછી ગોહિલે લેપટોપ તરફ ઇશારો કર્યો.

ઇન્સ્પેક્ટર ગોહિલ:
“મારી એક વિનંતી માનો.”

દીપકે આશ્ચર્યથી જોયું.

“કાં તો બહાર જઈ છત્રી ખોલો અને તમારી કારમાં બેસીને ઘરે જતા રહો...”

ગોહિલ થોડા આગળ નમ્યા.

“અથવા ચૂપચાપ અહીં રહો.”

“થોડી જ વારમાં કોઈ મહત્વપૂર્ણ માહિતી આવે તો મારી સાથે ચાલજો.”

“હજી ઘણી તપાસ બાકી છે.”

પછી ગોહિલે લેપટોપ દીપકની સામે ફેરવ્યો.

“ત્યાં સુધી... આ મારો લેખ વાંચો.”

“હમણાં જ લખ્યો છે.”

---

અબળાનો સાદ

વરસાદની ધોધમાર હેલી વચ્ચે બનેલી અપહરણની ઘટના માત્ર એક ગુનો નથી. તે માનવીના મન અને શરીર પર થતી અત્યંત સંવેદનશીલ પ્રતિક્રિયાઓનું પણ ભયાનક દૃશ્ય છે.

આવી પરિસ્થિતિમાં વરસાદ માત્ર વાતાવરણ નથી રહેતો—તે ગુનાનો એક મૌન સાથીદાર બની જાય છે.

સંવેદન અને પર્યાવરણનો પ્રભાવ

ધોધમાર વરસાદનો ભારે અવાજ આસપાસના બીજા અવાજોને દબાવી દે છે. અંધારું, ધુમ્મસ અને પાણીની સતત ધારા દૃશ્યતા પણ ઓછી કરે છે.

એવી સ્થિતિમાં મદદ માટેની ચીસો પણ આસપાસ સુધી પહોંચી શકતી નથી.

ઠંડા પાણી અને ભેજના સતત સંપર્કથી શરીર ધ્રૂજવા લાગે છે. શરીર અસ્વસ્થ થાય ત્યારે મનની તાર્કિક વિચારશક્તિ પણ અસરગ્રસ્ત થઈ શકે છે.

પીડિતાની પ્રતિક્રિયા

અચાનક ભય સામે માણસનું શરીર વિવિધ રીતે પ્રતિક્રિયા આપે છે.

ક્યારેક હૃદયના ધબકારા વધી જાય છે.

શ્વાસ ઝડપી બને છે.

હાથ-પગ ધ્રૂજવા લાગે છે.

અને ક્યારેક માણસ Fight અથવા Flightની જગ્યાએ સીધો Freeze થઈ જાય છે.

એ પળે પીડિત લડી પણ શકતો નથી અને ભાગી પણ શકતો નથી.

ભય માણસના શરીરને જ નહીં—તેના નિર્ણયોને પણ બાંધી દે છે.

અપહરણકર્તાનું મનોવિજ્ઞાન

સૂમસામ રસ્તાઓ ગુનેગારને એક ખોટો આત્મવિશ્વાસ આપે છે.

તેને લાગે છે કે કોઈ જોઈ રહ્યું નથી.

કોઈ સાંભળતું નથી.

અને કોઈ સાક્ષી નથી.

પરંતુ ગુનેગાર જ્યારે પોતાને સંપૂર્ણ સુરક્ષિત માને છે, ત્યારે ઘણી વખત સૌથી મોટી ભૂલ કરી બેસે છે.

ઉતાવળ.

અધીરાઈ.

અને અતિશય આત્મવિશ્વાસ.

ગુનાના સૌથી મહત્વના પુરાવા ઘણી વખત જમીન પર નહીં—ગુનેગારના વર્તનમાં છુપાયેલા હોય છે.

એકલતાનો ભય

વરસાદમાં પસાર થનારા લોકો પણ પોતાની સુરક્ષા અને અગવડતામાં વ્યસ્ત હોય છે.

એ સમયે પીડિતને સૌથી ભયાનક લાગણી થાય છે—

“હું એકલી છું.”

અને કદાચ એ જ ક્ષણ હોય છે જ્યારે વરસાદની વચ્ચે કોઈ અબળાનો સાદ બહાર તો નથી આવતો...

પણ ક્યાંક કોઈની આત્મામાં જરૂર ગુંજતો રહે છે.

---

દીપક લેખ વાંચતો રહ્યો.

કેબિનમાં ફરી વરસાદના અવાજ સિવાય કંઈ સંભળાતું નહોતું.

અને અચાનક—

ટ્ર્ર્ર્ર્ર... ટ્ર્ર્ર્ર્ર... ટ્ર્ર્ર્ર્ર...!

અંધેરી પોલીસ સ્ટેશનનો ફોન રણકી ઊઠ્યો.

દીપક ચમકી ગયો.

ગોહિલે તરત ફોન ઉપાડ્યો.

“હેલો... ઇન્સ્પેક્ટર ગોહિલ બોલું છું.”

સામેથી કોઈ કંઈક કહી રહ્યું હતું.

ગોહિલના ચહેરાનો રંગ બદલાઈ ગયો.

“શું?”

થોડી ક્ષણ માટે તેમનો ચહેરો એકદમ ગંભીર થઈ ગયો.

“તમે ત્યાં જ રહેજો.”

“કોઈને અંદર કે બહાર જવા દેજો નહીં.”

“હું તરત પહોંચું છું.”

તેમણે ફોન મૂકી દીધો.

દીપક ઉત્સુકતાથી ઉભો થઈ ગયો.

“સાહેબ... શું થયું?”

ગોહિલે કોઈ જવાબ આપ્યો નહીં.

તેમણે પોતાની કેપ પહેરી.

કમર પટ્ટે રહેલી  પિસ્તોલ તપાસી .

રેઇનકોટ હાથમાં લીધો.

પછી દીપક તરફ જોયું.

ઇન્સ્પેક્ટર ગોહિલ:

“તમે પૂછ્યું હતું ને કે તપાસ કેવી રીતે આગળ વધશે?”

દીપક મૌન રહ્યો.

ગોહિલે દરવાજો ખોલ્યો.

બહાર વરસાદ હજુ પહેલાં કરતાં વધુ ભયાનક રીતે વરસી રહ્યો હતો.

ઇન્સ્પેક્ટર ગોહિલ:

“ચાલો.” દીપકભાઈ લાઈવ રિપોર્ટિંગ ની તક છે, ઝડપી લેજો..

“સુજાતાના અપહરણકર્તાએ... કદાચ પહેલી ભૂલ કરી છે.”

દીપકે તેનું નોટપેડ બંધ કર્યું.

એક શબ્દ બોલ્યા વિના તે ગોહિલની પાછળ ચાલ્યો.

બંને વરસાદી અંધકારમાં બહાર નીકળી ગયા.

અને પાછળ—

કેબિનમાં ખુલ્લા લેપટોપની સ્ક્રીન પર માત્ર એક જ શબ્દ ઝબકી રહ્યો હતો—

તપાસ......ચાલુ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~
કલ્પેશ પટેલ ©2026



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract