તંદ્રા
તંદ્રા
તંદ્રા
લેખક: કલ્પેશ પટેલ ©2026
ચુલી નદીકિનારે વસેલા દયાપર ગામમાં ગબલો ધોબી ગામનાં મેલાં કપડાં ધોતો.
કોણ બાપ અને કઈ એની મા,એની કોઈને ખબર નહોતી. સાડા પાંચ ફૂટનો ઊંચો, કસાયેલું શરીર, ગૌરવર્ણ અને ચહેરા પર હંમેશાં રમતું નિર્દોષ સ્મિત. મસ્તરામ સ્વભાવનો ગબલો સૌને મદદરૂપ થતો અને જે મળે તેમાં સંતોષ માનતો.
કોઈ એને મુઠ્ઠી અનાજ આપતું, કોઈ દૂધ, કોઈ શાકભાજી તો કોઈ જૂનાં લૂગડાં. બસ, આટલામાં જ એનો ગુજારો ચાલતો.
ગબલો યુવાનીમાં આવ્યો ત્યાં જ ગામના ચીમન મોચીએ પોતાની દીકરી ગંગાના ફેરા એની સાથે ફેરવી દીધા. ત્યારે આખું ગામ કહેતું—
“આ ગંગા તો કાગડી દહીંથરું લઈ ગઈ!”
ગંગા ભીની વાન હતી, પણ ચામડી કાળી. ગબલાના ગૌરવર્ણને જાણે પોતાનું ઘરેણું સમજી બેઠી હતી. ગામમાં ધોયેલાં કપડાં આપવા જતી ત્યારે મલકાતી અને ડોક ઊંચી રાખતી.
પણ ગંગાની ખુશી લાંબી ન ચાલી.
જે કહો તે ગબલાના કર્મ, કે વિધાતાના લેખ!
એક દિવસ નદીકિનારે કપડાં ધોતાં ગબલાને ઝેરી વીંછીએ ડંખ માર્યો. ગામનો વૈદ્ય આવે એ પહેલાં જ ગબલો પ્રભુને પ્યારો થઈ ગયો.
નવયુવાન ગંગાના જીવનમાં અચાનક અંધકાર છવાઈ ગયો.
જે ગૌરવર્ણ પર એને ગર્વ હતો, એ જ સફેદીએ હવે એના બાકીના જીવનને ભરડો લઈ લીધો હતો.
એક તરફ દીકરા સમાન જમાઈનું મૃત્યુ અને બીજી તરફ જુવાન દીકરીના માથે ટકો અને સફેદ સાડી જોઈ ચીમન મોચીનું હૈયું ફાટી જતું.
ગબલાના ગયા પછી ગંગા સાવ અસહાય બની ગઈ હતી. પરંતુ એના ઘરના આંગણે હજુ એના ઘરડા બાપની મજબૂત છાયા જીવતી હતી.
ચીમને પોતાની નબળી પડતી કાયાને દીકરી માટે ઢાલ બનાવી દીધી હતી.
દુનિયાની ખરાબ નજરથી ગંગાને બચાવવા એ હંમેશાં એની પડખે ઊભો રહેતો. બાપની આ નિઃસ્વાર્થ હૂંફ જ ગંગાની સૌથી મોટી મૂડી હતી.
સમય જતાં ગંગાની ઉંમર માંડ ચોવીસ-પચીસ વર્ષની થઈ, પરંતુ એની આંખોમાં આખા સંસારનું દુઃખ ઊતરી આવ્યું હતું.
ગામના પાદરે વહેતી અડધી સુકાયેલી નદીના કિનારે હવે ગંગાનો ઓટલો હતો.
ગંગા ઘોબણ.
ઉંમર નાની, પણ અનુભવ જાણે આખી જિંદગીનો.
નાની વયે જ વૈધવ્યની સફેદ સાડીએ એને માથાથી પગ સુધી વીંટાળી લીધી હતી.
જેમ પુરાણોની ગંગા પાપીઓનાં પાપ ધોઈને પણ પોતે પવિત્ર રહે છે, તેમ આ કળિયુગની ગંગા આખા ગામનાં મલિન વસ્ત્રો ધોઈને સૌને ઉજળાં કરતી.
કપડાંનો મેલ એ પાણીમાં ધોઈ નાખતી, પણ એની પોતાની આત્મા અને ચારિત્ર્ય સૂર્યનાં પહેલા કિરણ જેવાં નિષ્કલંક હતાં.
પ્રભાતના ઝાંખા અજવાળે આખું ગામ ઘોર તંદ્રામાં ઊંઘતું હોય ત્યારે નદીકાંઠેથી કપડાં પછડાવાનો અવાજ સંભળાતો.
સાબુના ફીણ સાથે કપડાંનો મેલ નદીના વહેણમાં ભળી જતો.
પણ એ મેલ માત્ર ધૂળ અને કાદવનો નહોતો.
એમાં માણસોના અહંકાર, છળ, કપટ અને છુપાયેલી વાસનાઓની પણ જાણે ગંધ ભળેલી હતી.
ગંગા એ બધું નસીબ સમજીને સહન કરતી.
એના હાથ સતત પાણીમાં પલળતાં પલળતાં ફોગાઈ ગયા હતા. આંગળીઓમાં કરચલીઓ પડી ગઈ હતી. તડકાએ ચહેરો શ્યામ બનાવી દીધો હતો.
પણ આંખોમાં હજુ કરુણા હતી.
કોઈ પ્રત્યે વેર નહીં.
કોઈ પ્રત્યે ફરિયાદ નહીં.
બપોરના તીખા તાપમાં જ્યારે નદીકિનારે ધોયેલાં ધોળાં લૂગડાં પવનમાં લહેરાતાં, ત્યારે ગંગા ઘડીક ઝાડના છાંયડે બેસી જતી.
આ ક્ષણિક તંદ્રામાં એ ભૂતકાળમાં સરકી જતી.
ગબલા સાથે વિતાવેલા એ થોડાક સુખના દિવસો…
એનું નિર્દોષ હસવું…
નદીકિનારે બેસીને કરેલી નાની નાની વાતો…
અને પછી—
વીંછીનો ડંખ.
ગબલાનું નિર્જીવ શરીર.
અને એ પછીનું લાંબું, બેરંગ જીવન.
ક્યારેક કોઈ કપડું પથ્થર પર પછડાતું અને ગંગા ચમકીને તંદ્રામાંથી બહાર આવતી.
સામે બીમાર બાપ.
ઓટલા પર પડેલાં મેલાં કપડાં.
અને ફરી એ જ જીવન.
એ પોતાની પીડાને અંદર દાટી હાથ પાણીમાં બોળી દેતી.
~~~~
ધુળેટીના બીજા દિવસે કપડાંનો એવો ઢગલો આવ્યો હતો કે જાણે આખું ગામ એકસાથે મેલું થઈને ગંગાના ઓટલે આવી પડ્યું હોય.
ગંગાએ સવારથી સાંજ સુધી પાણીમાં હાથ બોળી કપડાં ધોતી રહી હતી .
બપોરનો સૂમસામ પહોર હતો.
ચૂલી નદીનો કાંઠો શાંત હતો.
પવનમાં હજુ ધુળેટીની ઋતુની હળવી ઠંડક હતી.
થાકેલી ગંગા ઝાડને છાંયે આંખો મીંચીને પોતાની એ જ અર્ધજાગ્રત તંદ્રામાં સરકી ગઈ.
દુઃખ અને સ્મૃતિ વચ્ચે ક્યાંક ગબલાનું સ્મિત દેખાયું.
એણે જાણે દૂરથી કોઈ અવાજ સાંભળ્યો—
“ગંગા…”
એણે આંખો ખોલી.
અવાજ ફરી આવ્યો.
આ વખતે એ ગબલાનો નહોતો.
નવજાત શિશુના રડવાનો હતો!
ગંગા સફાળી જાગી ગઈ.
એણે ચમકીને ઓટલા તરફ જોયું.
કપડાંના ઢગલામાંથી રડવાનો અવાજ આવી રહ્યો હતો.
ધ્રૂજતા હાથે એણે કપડાં હટાવ્યાં.
નીચે એક નાનકડું, ફૂલ જેવું માસૂમ બાળક કસબવાળી ધોતીમાં વીંટાયેલું હતું.
ગંગાની નજર ધોતી પર પડી.
એ ધોતીને એ ઓળખતી હતી.
દયાપર ગામના મોભી—મુખીની.
ગંગાનું હૈયું એક ક્ષણ માટે ધબકવાનું ભૂલી ગયું.
આટલાં કપડાંમાંથી આ બાળક અહીં કેમ?
કોણ મૂકી ગયું?
અને શા માટે?
જવાબ એની સામે જ હતો.
ગંગાએ ધોતી તરફ ફરી જોયું.
ગામની આબરૂના નામે કોઈએ કદાચ એક નિર્દોષ જીવને દુનિયાથી છુપાવી દીધો હતો.
બાળક ભૂખથી તડપી રહ્યું હતું.
નાનકડા હાથ હવામાં ફાફા મારી રહ્યા હતા. રડતાં રડતાં એનો ચહેરો લાલ થઈ ગયો હતો.
ગંગાનું હૃદય કંપી ઊઠ્યું.
એક તરફ સમાજનો ડર.
બીજી તરફ આ નિર્દોષ જીવની તડપ.
એણે બાળકને છાતીસરસું ભીંસ્યું.
માતૃત્વ તો હૈયામાં ઊભરાયું, પરંતુ શરીરમાં દૂધ ક્યાંથી આવે?
ગંગાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યાં.
એણે બાળકનું માથું પોતાના ગાલ સાથે ચાંપ્યું.
એ જ ક્ષણે એને કંઈક યાદ આવ્યું.
નદીકિનારે થોડે દૂર વસતી રતનબાઈ—હમણાં જ પ્રસૂતિમાંથી ઊભી થયેલી. ગંગા બાળકને લઈને દોડતી એની ઝૂંપડી સુધી પહોંચી.
“બાઈ… આ જીવ બચાવી લે. ભગવાનના નામે.”
રતનબાઈએ એક ક્ષણ પણ પ્રશ્ન ન કર્યો.
એણે બાળકને ખોળામાં લીધું.
માતાનું દૂધ મળતાં બાળકનું રડવું ધીમે ધીમે શાંત થઈ ગયું.
ગંગાની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા.
એ પહેલી વાર સમજાઈ—
માતા બનવા માટે માત્ર દૂધ નહીં, હૈયું જોઈએ.
બાળક ફરી ગંગાની ખોળામાં આવ્યું ત્યારે એની નાનકડી આંગળી ગંગાની આંગળી સાથે વીંટળાઈ ગઈ.
ગંગાની આંખોમાં અચાનક અજવાસ ફૂટ્યો.
એને લાગ્યું—
આ બાળક કોઈ ‘પાપ’ નથી.
આ તો ઈશ્વરે એના ખાલી પડેલા આયખામાં મૂકેલી ભેટ છે.
એણે બાળકને હૈયે ચાંપ્યું.
અને એ જ ક્ષણે નક્કી કરી લીધું—
સમાજ જે નામ આપે તે આપે, આ બાળક હવે એનું છે.
દૂર દયાપાર ના મંદિરની ઝાલર વાગી.
ગંગાએ મદિર ની ધજા ને નમન કર્યા અને નદી તરફ જોયું.
નદી ધીમી ધારે વહી રહી હતી.
એણે બાળકના કપાળ પર ચુંબન કર્યું અને ધીમેથી બોલી—
“તું કોનું પાપ છે એ મને ખબર નથી…
પણ મારા માટે તું ઈશ્વરની ભેટ છે.”
બીજા દિવસે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ.
“ગંગાના ઓટલે બાળક મળ્યું છે!”
“મુખીના ઘરની ધોતી હતી…”
“કલંકનું બાળક છે!”
કોઈએ તો ગંગાને સીધું જ કહી દીધું—
“બીજાના પાપનો બોજો શા માટે માથે લે છે?”
ગંગા ચૂપ રહી.
એણે બાળકને વધુ મજબૂતીથી હૈયે વળગાડ્યું.
પછી ધીમેથી બોલી—
“મેલાં કપડાં ધોવાનું મારું કામ છે.
પણ નિર્દોષ બાળકને મેલું કહેવાનું કામ મારું નથી.”
આ શબ્દો સાંભળીને આસપાસનું વાતાવરણ એક ક્ષણ માટે શાંત થઈ ગયું.
ચીમન મોચીની આંખો ભીની થઈ ગઈ.
એ ધીમે ધીમે દીકરી પાસે આવ્યો.
બાળકના માથા પર હાથ ફેરવ્યો.
“આજથી આ તારો દીકરો નહીં…”
એણે ગંગાની આંખોમાં જોયું.
“આપણો દીકરો.”
ગંગાની આંખોમાંથી આંસુ વહ્યા.
પણ આ વખતે એ આંસુ દુઃખના નહોતા.
કેટલાક દિવસો પછી પણ નદી એ જ રીતે વહેતી રહી.
ગંગા એ જ રીતે કપડાં ધોતી રહી.
લોકો એ જ રીતે કપડાં લઈને આવતા રહ્યા.
પરંતુ ગંગા બદલાઈ ગઈ હતી.
હવે બપોરે જ્યારે થાકીને ઝાડની છાંયે બેસતી, ત્યારે એની તંદ્રામાં ગબલાની યાદ સાથે એક નવું દૃશ્ય પણ આવતું—
નાનકડું બાળક હસતું હતું.
ક્યારેક એની આંગળી પકડીને સૂઈ જતું.
ક્યારેક એની છાતી પર માથું મૂકીને નિશ્ચિંત થઈ જતું.
ગંગાને લાગતું—
જીવન કદાચ દુઃખને ભૂંસી નાખતું નથી.
પરંતુ એ દુઃખની બાજુમાં પ્રેમનું એક દીવડું જરૂર પ્રગટાવી દે છે.
નદીના પાણીમાં સૂરજનું પ્રતિબિંબ ઝળહળી રહ્યું હતું.
ગંગાએ બાળકને ઊંચું કરીને સૂરજ સામે જોયું.
એને લાગ્યું—
વર્ષોથી જે જીવન તંદ્રામાં પસાર થતું હતું,
એ આજે પહેલી વાર સાચે જાગ્યું છે.
એણે નદીમાં કપડું પછાડ્યું.
પાણી ઊછળ્યું.
સૂર્યનાં કિરણો એ પાણીનાં ટીપાં પર ઝગમગી ઊઠ્યાં.
ગંગાના ચહેરા પર પણ અજવાસ પથરાયો.
આજે એના ચહેરા પર વૈધવ્યની સફેદી નહોતી.
માતૃત્વની ઉજળી કિરણ હતી.
અને કદાચ જીવનનો સૌથી મોટો મેલ પણ એ જ દિવસે ધોવાઈ ગયો હતો—
બીજાના મેલાં કપડાં ધોતાં ધોતાં,
ગંગાએ અંતે પોતાનું જીવન પણ ધોઈ ઉજળું કરી નાખ્યું હતું.
