ખાલી માળો
ખાલી માળો
ખાલી માળો
વર્ષો પહેલાંની વાત છે…
માટીમાંથી આવતી ભીની સુગંધમાં, કપાળ પરના પરસેવાના ટીપાં લૂછતાં લૂછતાં, સુશીલા અને સોહનલાલે એક નાનું સરસ ઘર વસાવ્યું હતું.
ઈંટો તેમણે ખરીદી હતી, સિમેન્ટ તેમણે જાતે ભર્યો હતો , દીવાલો જાતે ઉભા રહી તેમણે ચણાવી હતી…
પણ એ દીવાલોમાં રંગીન સપનાં તો તેમનાં બાળકોએ જ પૂર્યાં હતાં.
બે બાળકો—
બે નાનકડા સૂરજ,
જેમની આસપાસ તેમનું આખું જીવન ફરતું હતું.
તેમના માટે પોતાની દરેક સવાર, દરેક સાંજ, દરેક ઈચ્છા અને ઘણી બધી ખુશીઓ પણ તેમણે સહજતાથી કુરબાન કરી દીધી હતી.
બાળકો ધીમે ધીમે મોટાં થતાં ગયાં.
તેમનાં પાંખો મજબૂત બન્યાં…
અને એક દિવસ એ પાંખો તેમને પોતાના ઘરથી દૂર, પરદેશની ધરતી તરફ લઈ ગઈ.
બાળકોને વિદાય આપતી વખતે સુશીલાએ હસતાં હસતાં કહ્યું હતું,
“જાઓ બેટા… દુનિયા જુઓ. ઊંચા ઉડો. અમે અહીં જ છીએ.”
એના હોઠ પર સ્મિત હતું,
પણ એ સ્મિતની પાછળ એક નાનકડો ડર પણ છુપાયેલો હતો—
“ક્યાંક આ ઘર એક દિવસ ખૂબ જ શાંત ન થઈ જાય…”
સમય પસાર થતો ગયો.
પરદેશની ચમક બાળકોને પોતાની તરફ ખેંચતી ગઈ.
નોકરી, અભ્યાસ, કારકિર્દી, નવા સંબંધો, નવી જવાબદારીઓ…
તેમની દુનિયા વિસ્તરતી ગઈ.
અને અહીં…
આ જૂના ઘરની દુનિયા ધીમે ધીમે સંકોચાતી ગઈ.
સુશીલા અને સોહનલાલ રોજ સાંજે ઓટલા પર બેસતાં.
થોડીવાર બંને ચૂપ રહેતાં.
પછી સોહનલાલ ધીમેથી પૂછતો,
“ક્યારે આવશે?”
સુશીલા પાસે પણ એ જ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો.
પણ તે હસીને કહેતી,
“આવશે… જરૂર આવશે.”
હવા રોજ ઘરની બારીમાંથી પસાર થતી.
પણ દરવાજો ખૂલતો નહીં.
સૂરજ રોજ આંગણામાં ઊગતો અને સાંજે ઢળી જતો.
પણ બાળકોનાં પગલાંની આહટ ક્યારેય સંભળાતી નહીં.
રસોડામાં ચુલો તો સળગતો,
પણ બાળકોને ભાવતી વાનગીઓની સુગંધ હવે ઊઠતી નહોતી.
ઘરમાં બધું હતું—
જૂનું ઝૂમર,
લાકડાનું કબાટ,
બાળકોનાં રમકડાં,
જૂનાં કપડાં,
ફોટોગ્રાફ્સથી ભરેલું આલ્બમ…
બધું હતું.
માત્ર અવાજો નહોતા.
દીવાલો ઊભી હતી,
પણ દીવાલો પર ટાંગેલા કેલેન્ડરની રોજ બદલાતી કોઈ તારીખમાં હવે ખાસ દીવસ લાગતો નહોતો .
કારણ કે દરેક તહેવાર…
તેમના માટે ઉજવણી નહીં,
જૂની યાદ સાથે એક નવી રાહ બની ગયો હતો.
સોહનલાલ ક્યારેક ધીમેથી કહેતો,
“આ દિવાળીએ તો આવશે જ.”
સુશીલા તરત જ તેની વાત પકડી લેતી.
“હા… આ વખતે તો ચોક્કસ આવશે.”
દિવાળી આવતી.
ઘરમાં દીવા પ્રગટતા.
આંગણું રોશનીથી ઝળહળી ઊઠતું.
પણ દરવાજા પર કોઈની ટકોર સંભળાતી નહીં.
દીવા બળતા રહેતા…
અને ઘરની અંદરનું એકાંત વધુ સ્પષ્ટ દેખાતું રહેતું.
ક્યારેક ખાલી ઘરના સન્નાટાનો અવાજ એટલો ઊંડો બની જતો કે સુશીલાને લાગતું—
જાણે આ દીવાલો પણ તેમને કોઈ પ્રશ્ન પૂછતી હોય…
“ક્યારે પાછા આવશે એ લોકો,
જેમના માટે અમે આટલાં વર્ષોથી ઊભી છીએ?”
દર સવાર સુશીલા ઘરની ઉંબર સાફ કરતી.
પછી એક નજર રસ્તા તરફ કરતી.
“ક્યારેક પણ આવી શકે…”
એવું કહીને પોતાના મનને સમજાવતી.
સોહનલાલ જૂનું આલ્બમ ખોલીને બેસી જતો.
એક ફોટો સામે લાંબો સમય જોતો રહેતો.
“આ દિવસે યાદ છે?
કેટલું હસ્યાં હતાં આપણે…”
સુશીલા એની બાજુમાં બેસી જતી.
બંને ફોટામાં રહેલાં બાળકોને જોતાં.
ફોટામાં બાળકો હસતાં હતાં…
પણ સામે બેઠેલા માતા-પિતાની આંખોમાં હવે હાસ્ય કરતાં યાદો વધારે હતી.
તેમ છતાં બંનેએ આશા છોડી નહોતી.
તેમની આશા એક પાતળા દોરા જેવી હતી—
નાજુક હતી,
પણ તૂટતી નહોતી.
અને તેઓ એ જ દોરો પકડીને દિવસો પસાર કરતા ગયા.
એક સાંજે સૂરજ ધીમે ધીમે આકાશની કિનારે ઉતરી રહ્યો હતો.
આકાશ નારંગી રંગથી રંગાઈ ગયું હતું.
ઓટલા પર બેઠેલી સુશીલાએ લાંબો શ્વાસ લીધો અને સોહનલાલ તરફ જોયું.
“સોહનલાલ…”
“હા?”
“બાળકોને પાંખો આપવી… એ આપણું ધર્મ હતું.”
સોહનલાલ ચૂપ રહ્યો.
સુશીલાએ આગળ કહ્યું,
“એમને ઉડતા શીખવ્યા. એમને દુનિયા આપી. એમને પોતાની જિંદગી જીવવા મોકલ્યા.”
થોડી ક્ષણ રોકાઈને તે ધીમેથી બોલી,
“પણ પાછા ફરવાનો સમય… હવે એમનો છે.”
સોહનલાલે તેની તરફ જોયું.
સુશીલાની આંખોમાં આંસુ નહોતા.
માત્ર એક ઊંડી સમજણ હતી.
તે આગળ બોલી,
“આપણે તો હવે માત્ર રાહ છીએ, સોહનલાલ…”
પછી હળવું સ્મિત કરીને ઉમેર્યું,
“અને રાહ પણ એક સંબંધ હોય છે.”
સોહનલાલના હોઠ પર ધીમી સ્મિતની રેખા આવી.
એ સ્મિતમાં વર્ષોની થાક હતી,
પણ સાથે વર્ષો જૂની હૂંફ પણ હતી.
બંને જાણતા હતા—
આ ઘર ખાલી છે,
પણ નિર્જીવ નથી.
આ સન્નાટો માત્ર દુઃખ નથી.
આ તો એ પ્રેમનો પુરાવો છે
જે એટલો વિશાળ હતો
કે તેણે પોતાના બાળકોને આખી દુનિયા આપી દીધી…
અને પોતે રહી ગયું
આ શાંત ઓરડાઓમાં,
આ ખાલી આંગણામાં,
આ બંધ દરવાજાની પાછળ.
કદાચ બાળકો વ્યસ્ત હશે.
કદાચ પરદેશની જિંદગીએ તેમને પોતાની ગતિમાં બાંધી લીધા હશે.
કદાચ તેઓ પણ ક્યારેક રાત્રે પોતાના ઘરમાં બેઠાં બેઠાં આ જૂના ઘરને યાદ કરતા હશે.
કોણ જાણે?
પરંતુ માતા-પિતાના મનમાં એક આશા હંમેશાં જીવતી રહે છે.
ધીમી…
નાજુક…
પણ ધબકતી.
કારણ કે તેમને વિશ્વાસ છે—
કોઈ પણ દિવસ…
કોઈ પણ સાંજ…
આ દરવાજા પર ટકોર થઈ શકે છે.
સુશીલા દોડીને દરવાજો ખોલશે.
સોહનલાલ પોતાની લાકડી ભૂલીને ઊભો થઈ જશે.
અને બહાર…
વર્ષોથી રાહ જોવડાવતાં એ બે ચહેરા ઊભા હશે.
એ ક્ષણે કોઈ ફરિયાદ નહીં હોય.
કોઈ હિસાબ નહીં હોય.
કોઈ પ્રશ્ન નહીં હોય.
માત્ર આંખોમાંથી વહેતો પ્રેમ હશે.
અને એ દિવસે…
વર્ષોથી ખાલી પડેલું આ ઘર ફરી એકવાર ઘર બની જશે.
કારણ કે—
માળો ભલે ખાલી થઈ જાય,
માતાપિતાનું હૃદય ક્યારેય ખાલી થતું નથી.
એમાં બાળકો માટેની જગ્યા
હંમેશાં ભરેલી જ રહે છે.
એ જ તો છે,
આજની ખાલી પડેલા માળાની સૌથી મોટી સચ્ચાઈ.
