STORYMIRROR

Kalpesh Patel

Abstract Romance Classics

5.0  

Kalpesh Patel

Abstract Romance Classics

ઓર્ચિડની આભા.

ઓર્ચિડની આભા.

5 mins
19



ઓર્ચિડની આભા.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સેન્ટ્રલ ફૂડ કોર્ટના એક શાંત ખૂણાના કાઉન્ટર પર મારિયા બેઠી હતી.
ધમધમતા કેમ્પસમાં જ્યાં એન્જિનિયરિંગ, આર્ટસ અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓની સતત અવરજવર રહેતી, ત્યાં મારિયાનું નાનકડું કાઉન્ટર જાણે એક અલગ જ દુનિયા હતું—શાંતિ, હૂંફ અને એક નિઃશબ્દ સ્મિતથી ભરેલી દુનિયા.
મારિયાનો એક પગ પોલિયોના કારણે નિર્જીવ હતો. ચાલવા માટે ક્યારેક ક્રચનો અને ક્યારેક વ્હીલચેરનો સહારો લેવો પડતો. પરંતુ શરીરની એ મર્યાદા તેની આંખોમાં વસેલા સપનાઓને ક્યારેય સ્પર્શી શકી નહોતી.
તેના કાઉન્ટર પર કાચની એક નાની બરણીમાં હંમેશાં એક ઓર્ચિડનું ફૂલ રહેતું.
જાંબુડિયા રંગનું એ નાજુક ફૂલ મારિયા માટે માત્ર એક ફૂલ નહોતું. એ તેના બાળપણની યાદ હતું... તેના દાદાની યાદ હતી.
વર્ષો પહેલાં દાદાએ તેને એક દિવસ કહ્યું હતું,
“મારિયા, ઓર્ચિડને જોતી રહેજે. એ તને જીવનનું એક રહસ્ય શીખવશે.”
“કયું રહસ્ય, દાદા?”
દાદાએ તેના માથા પર હાથ ફેરવ્યો હતો.
“મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સુંદરતાથી ખીલતા શીખવું. જીવનમાં પરિસ્થિતિઓ ક્યારેય આપણા હાથમાં નથી હોતી, પરંતુ એ પરિસ્થિતિઓમાં આપણે કેવી રીતે ખીલવું એ આપણા હાથમાં હોય છે.”
એ દિવસથી ઓર્ચિડ મારિયાનું પ્રિય ફૂલ બની ગયું હતું.
એક બપોરે રિસર્ચ લેબનું કાર્ડ ટેપ કરીને એક યુવાન ફૂડ કોર્ટમાં આવ્યો. હાથમાં કેટલીક ફાઇલો હતી અને ચહેરા પર લાંબા સમયના સંશોધનની થાકેલી શાંતિ.
તે મારિયાના કાઉન્ટર પાસે ઊભો રહ્યો.
“એક બ્લેક કોફી, પ્લીઝ.”
“શુગર?”
“ના.”
“તો પછી તમારી કોફી પણ તમારી જેમ ગંભીર હશે,” મારિયાએ હળવું હસતાં કહ્યું.
યુવાનના ચહેરા પર પહેલી વાર સ્મિત આવ્યું.
“કદાચ.”
“નામ?”
“એરિક.”
એરિક સિયોલ નેશનલ યુનિવર્સિટીમાંથી સ્ટેનફોર્ડમાં બોટનીના એક ખાસ એક્સચેન્જ પ્રોગ્રામ માટે આવ્યો હતો. કેલિફોર્નિયાની આબોહવામાં ઓર્ચિડની નવી હાઇબ્રિડ જાતોના વિકાસ પર તે સંશોધન કરી રહ્યો હતો.
કોફી લેતી વખતે તેની નજર કાઉન્ટર પર રાખેલા ઓર્ચિડના છોડ પર પડી.
તે થોડી ક્ષણ માટે અટકી ગયો.
“આ અહીં કેવી રીતે આટલું તાજું રહે છે?”
મારિયાએ છોડ તરફ જોયું.
“તમે ઓર્ચિડની વાત કરો છો કે મારી?”
એરિક હસી પડ્યો.
“બંનેની.”
“તો બંનેનું રહસ્ય એક જ છે.”
“શું?”
“થોડું પાણી... અને અનહદ પ્રેમ.”
એરિકે પહેલી વાર તેને ધ્યાનથી જોયું.
“તમે આ ફૂલને બહુ પ્રેમ કરો છો?”
મારિયાએ ઓર્ચિડની એક પાંખડીને ખૂબ હળવેથી સ્પર્શી.
“આ ફૂલ મને મારા દાદાની યાદ અપાવે છે.”
“શું તેઓ પણ ઓર્ચિડ ઉગાડતા હતા?”
“ના. તેઓ મને જીવન ઉગાડતાં શીખવતા હતા.”
એરિક કંઈ બોલ્યો નહીં.
પણ એ દિવસની એ નાની વાતચીત તેના મનમાં ક્યાંક ઊંડી ઉતરી ગઈ.
બીજા દિવસથી એરિક લગભગ રોજ આવવા લાગ્યો.
રિસર્ચ લેબમાં આખો દિવસ પસાર કર્યા પછી સાંજે તે સીધો ફૂડ કોર્ટમાં આવતો. શરૂઆતમાં માત્ર કોફી માટે આવતો, પછી વાતો માટે રોકાવા લાગ્યો.
“આજે રિસર્ચ કેવું રહ્યું?” મારિયા પૂછતી.
“એક પણ પરિણામ મારા પક્ષમાં આવ્યું નથી.”
“તો આજે કોફી મારી તરફથી.”
“કેમ?”
“કારણ કે નિષ્ફળતા પછીની કોફી હંમેશાં થોડી મીઠી હોવી જોઈએ.”
“પણ હું તો શુગર લેતો જ નથી.”
“તો જીવનમાં થોડું મીઠું હું ઉમેરી દઈશ.”
બંને હસી પડતાં.
ધીમે ધીમે કોફી તેમની મુલાકાતનું કારણ રહી નહીં; મુલાકાત જ તેમની ટેવ બની ગઈ.
એરિકે ક્યારેય મારિયાને તેની શારીરિક મર્યાદાની નજરે જોઈ નહોતી. તેને મારિયામાં દેખાતી હતી તો માત્ર એક એવી સ્ત્રી, જે પોતાની મુશ્કેલીઓ કરતાં પોતાના સપનાઓને વધારે મોટી માનતી હતી.
જ્યારે કેમ્પસમાં પરીક્ષાઓનું ટેન્શન વધતું, ત્યારે મારિયા વિદ્યાર્થીઓને પોતાની બનાવેલી હોમમેઇડ કૂકીઝ આપતી.
અને ક્યારેક દરેક કૂકી સાથે ઓર્ચિડનું નાનકડું ફૂલ પણ.
“ફૂલ શા માટે?” એક વિદ્યાર્થીએ પૂછ્યું હતું.
મારિયાએ કહ્યું,
“કારણ કે ક્યારેક માણસને જવાબ કરતાં પહેલાં આશાની જરૂર હોય છે.”
એરિક દૂર ઊભો રહીને એ દૃશ્ય જોતો.
એક દિવસ તેણે પૂછ્યું,
“તમે દરેકને ફૂલ આપો છો?”
“હા.”
“તો પછી હું ખાસ નથી?”
મારિયાએ તેની સામે જોયું.
“તમે ખાસ છો કે નહીં એ નક્કી કરવાનું કામ તમારું છે, એરિક.”
એરિક થોડી ક્ષણ ચૂપ રહ્યો.
“અને જો હું કહું કે તમે મારા માટે ખાસ છો?”
મારિયાના ચહેરા પરનું સ્મિત એક ક્ષણ માટે અટકી ગયું.
પણ તેણે વાત બદલી નાખી.
“તમારી કોફી ઠંડી થઈ રહી છે.”
એરિક સમજી ગયો.
કેટલીક લાગણીઓને નામ આપવું જરૂરી નથી હોતું.
એક વર્ષ પલકારામાં વીતી ગયું.
એરિકનું રિસર્ચ સફળતાપૂર્વક પૂર્ણ થયું. તેની હાઇબ્રિડ ઓર્ચિડ પરની સંશોધન નોંધ સ્ટેનફોર્ડની લેબમાં વખાણાઈ.
પણ એ સફળતા સાથે એક વિદાય પણ આવી.
સિયોલ પરત જવાની તેની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હતી.
છેલ્લા દિવસે એરિક હંમેશની જેમ ફૂડ કોર્ટમાં આવ્યો.
મારિયાએ તેને દૂરથી જ જોઈ લીધો.
આજે તેના ચહેરા પર સફળતાની ખુશી હતી, પરંતુ આંખોમાં એક અજાણ્યું મૌન.
તે કાઉન્ટર પાસે આવ્યો.
“આજે પણ બ્લેક કોફી?”
મારિયાએ પૂછ્યું.
“હા. પણ આજે કદાચ છેલ્લી.”
મારિયાના હાથ એક ક્ષણ માટે અટકી ગયા.
“કેમ?”
“મારું રિસર્ચ પૂરું થઈ ગયું છે. આજે સાંજે મારી ફ્લાઇટ સિયોલ માટે છે.”
કેટલીક ક્ષણો બંને વચ્ચે મૌન રહ્યું.
ફૂડ કોર્ટમાં હંમેશની જેમ અવાજ હતો. વિદ્યાર્થીઓની હસી હતી. કપોની ખખડાટ હતી.
પણ મારિયાને લાગ્યું—આ ખૂણામાં અચાનક બધું શાંત થઈ ગયું છે.
તેણે પોતાની જાત ને સંભાળી લીધી .
“સારું છે, એરિક. તારું તો સપનું પૂરું થયું.”
“હા.”
“તો પછી ખુશ કેમ નથી?”
એરિકે તેની આંખોમાં જોયું.
“કારણ કે કેટલાક સપનાઓ પૂરા થયા પછી સમજાય છે કે આપણે શું પાછળ છોડી આવ્યા છીએ.”
મારિયાની આંખો ભીની થઈ ગઈ.
તેણે નજર ઝુકાવી દીધી.
“તારે પાછા જવું જોઈએ, એરિક.”
“મને ખબર છે.”
“અને મને ભૂલી જજે.”
એરિક ધીમેથી હસ્યો.
“આ વાત તો તમે ક્યારેય કહી જ ન હતી કે હું યાદ રાખીશ.”
મારિયા કંઈ બોલી નહીં.
એરિકે કાઉન્ટર પર એક નાનું બોક્સ મૂક્યું.
“આ તમારા માટે.”
“શું છે?”
“તમે ખોલશો ત્યારે ખબર પડશે.”
એરિક વળી ગયો.
થોડાં પગલાં ચાલ્યા પછી તે અટક્યો. પાછો ફર્યો નહીં.
માત્ર એટલું બોલ્યો,
“મારિયા... ઓર્ચિડને પાણી આપવાનું ભૂલતી નહીં.”
મારિયાના હોઠ પર કંપતું સ્મિત આવ્યું.
“તમે પણ... તમારા સપનાઓને.”
એરિક ચાલ્યો ગયો.
અને આ વખતે મારિયાએ તેને રોક્યો નહીં.
થોડી વાર પછી તેણે બોક્સ ખોલ્યું.
અંદર ઓર્ચિડનું એક નાનું, દુર્લભ હાઇબ્રિડ રોપો હતો .
સાથે એક ચિઠ્ઠી.
મારિયાના હાથ ધ્રૂજી રહ્યા હતા.
તેણે ચિઠ્ઠી ખોલી.
“મારિયા,
હું સિયોલ પાછો જઈ રહ્યો છું. કદાચ હજારો માઇલનું અંતર આપણી વચ્ચે હશે. પરંતુ અંતર હંમેશાં સંબંધોને દૂર કે ઢીલા નથી કરતો.
કેટલીક વ્યક્તિઓ જીવનમાં આવે છે અને આપણા દિવસો બદલી નાખે છે. તમે મારા માટે એવી જ વ્યક્તિ છો.
આ ઓર્ચિડ મેં મારા રિસર્ચ દરમિયાન ઉછેર્યું છે. કદાચ તે સ્ટેનફોર્ડની આ જ જગ્યાએ વધારે સારી રીતે ખીલશે.
તેનું ધ્યાન રાખજો.
અને જ્યારે પણ તેમાં પહેલું નવું ફૂલ ખીલે, ત્યારે સમજી લેજો કે દુનિયાના કોઈ એક ખૂણે બેઠેલો એક માણસ તને યાદ કરી રહ્યો હશે.
— એરિક”
ચિઠ્ઠી વાંચતાં વાંચતાં મારિયાની આંખોમાંથી એક આંસુ સરકી ગયું.
તેણે એ આંસુ લૂછ્યો નહીં.
બહાર સ્ટેનફોર્ડ કેમ્પસમાં સૂર્ય ધીમે ધીમે પશ્ચિમ તરફ ઢળી રહ્યો હતો.
મારિયાએ ઓર્ચિડનું રોપ કાઉન્ટર પર એવી જગ્યાએ મૂક્યું, જ્યાં સાંજનો નરમ પ્રકાશ સીધો તેના પર પડતો હતો.
તેણે ખૂબ હળવેથી તેની પાંખડીને સ્પર્શી.
“ખીલજે...”
એક ક્ષણ અટકી.
પછી ધીમેથી બોલી,
“કારણ કે તારી સાથે કોઈની યાદ પણ જીવંત છે.”
તે દિવસે મારિયાનું કાઉન્ટર પહેલાં કરતાં વધુ શાંત હતું.
પણ એ શાંતિમાં એક નવી હૂંફ હતી.
એક નાનકડું ઓર્ચિડનું રોપું...
એક જૂની યાદ...
અને એક એવો સંબંધ, જેને અંતર તો મળ્યું હતું, પરંતુ અંત નહોતો મળ્યો.
કારણ કે સાચા સંબંધો હંમેશાં સાથે રહેતા નથી...
કેટલાક સંબંધો તો માત્ર એક ફૂલ બનીને જીવનભર ખીલતા રહે છે.

વાંચન વિશેષ :~

શીર્ષક પરિચય

‘ઓરા’ એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સંબંધની આસપાસ અનુભવાતી એક વિશિષ્ટ આભા—એવી અદૃશ્ય અસર, જે આંખે દેખાતી નથી, છતાં હૃદય તેને અનુભવી શકે છે.

આ વાર્તામાં ઓર્ચિડ માત્ર એક ફૂલ નથી. તે મારિયાની હિંમત, તેના દાદાની યાદ, એરિકની લાગણી અને બે હૃદયોને જોડતા એક નિઃશબ્દ સંબંધનું પ્રતીક છે. ઓર્ચિડની જેમ જ કેટલાક સંબંધો પણ કઠિન પરિસ્થિતિઓમાં ખીલે છે અને અંતર વધ્યા પછી પણ તેમની સુગંધ અને આભા જીવનમાં લાંબા સમય સુધી રહે છે.

એટલે જ આ વાર્તાનું નામ “ઓર્ચિડની ઓરા" રાખેલ છે .



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract