ધ સિક્રેટ ઓફ વિલા લ્યુસિના
ધ સિક્રેટ ઓફ વિલા લ્યુસિના
ધ સિક્રેટ ઓફ વિલા લ્યુસિના
રોમથી થોડે દૂર આવેલા એક પહાડી ગામની ટેકરી પર સદીઓ જૂની એક વિશાળ હવેલી હતી,વિલા લ્યુસિના.
ગામલોકો માનતા કે હવેલી શાપિત છે. સૂર્યાસ્ત પછી ત્યાંથી પથ્થરો ઘસાવાનો અવાજ અને કોઈ અજાણી ભાષામાં મંત્રોચ્ચાર સંભળાતો. તેથી રાત્રે ત્યાં જવાની કોઈ હિંમત કરતું નહીં.
પણ જુવાન જુનોને ભૂતમાં વિશ્વાસ નહોતો.
તે યુવા ઇટાલિયન પુરાતત્વશાસ્ત્રી હતી અને પ્રાચીન રોમન સ્થાપત્ય તેનો પ્રિય વિષય હતો. તેના મિત્ર માર્કોએ જ્યારે વિલા લ્યુસિનાની વાત કરી ત્યારે જુનોની આંખોમાં ભય નહીં, પરંતુ ઉત્સુકતા ચમકી.
“જુનો, લોકો કહે છે કે ત્યાં ભૂત છે,” માર્કોએ કહ્યું.
જુનો હસી.
“ભૂત કરતાં મને બે હજાર વર્ષ જૂના પથ્થર વધારે રસપ્રદ લાગે છે.”
“પણ મને તો બંનેથી દૂર રહેવામાં રસ છે,” માર્કોએ જવાબ આપ્યો.
---
હવેલીમાં પ્રવેશ
તે સાંજે બંને કેમેરા અને ટોર્ચ લઈને હવેલીમાં પહોંચ્યા.
વર્ષોની ઉપેક્ષા છતાં હવેલીની ભવ્યતા અકબંધ હતી. વિશાળ રોમન સ્તંભો, તૂટેલી બારીઓ અને મધ્યમાં રંગીન પથ્થરોનું અદ્ભુત મોઝેક.
મોઝેકમાં રોમ્યુલસ અને રેમસને વરુ દૂધ પીવડાવતી હોય તેવું દૃશ્ય હતું.
જુનો ઘૂંટણિયે બેસી મોઝેક નિહાળવા લાગી.
“જો માર્કો... અહીં કંઈક અલગ છે.”
“મને તો પહેલેથી જ બધું જ અલગ લાગે છે,” માર્કોએ આસપાસ જોતાં કહ્યું.
જુનોએ મોઝેકના મધ્યમાં આવેલા મોટા પથ્થર પર હાથ ફેરવ્યો.
“આ સામાન્ય પથ્થર નથી.”
માર્કોએ ઘડિયાળ જોઈ.
“રાતના અગિયાર વાગી ગયા છે. હવે જે સામાન્ય નથી એને અહીં જ રહેવા દઈએ?કાલે આવશું, કાંઈ જતું નહિ રહે!!”
જુનો હસી.
“થોડીક રાહ જો.”
બરાબર મધરાતે અચાનક હોલમાં ગૂંજ્યો એક રહસ્ય મય અવાજ
“ઘર્રર્ર... ઘર્રર્ર...”
માર્કો એકદમ પાછળ ખસી ગયો.
“આ રહ્યો તારો બે હજાર વર્ષ જૂનો પથ્થર ખસે છે !”
પરંતુ જુનોની નજર મોઝેક પર હતી.
મધ્યમાં આવેલો મોટો પથ્થર ધીમે ધીમે ખસી રહ્યો હતો.
ઘર્રર્ર...
પથ્થર ખસતાં નીચે જતી ગુપ્ત સીડીઓ દેખાઈ.
માર્કોએ ડર ભરેલા અવાજે કહ્યું,
“જુનો... હવે તું એવુ ના કહીશ કે, ચાલ નીચે જઈએ?”
જુનોએ ટોર્ચ સળગાવી.
“માર્કો તું કેટલો સરસ છે ચાલ ને, નીચે એક આંટો મારી આવીએ .”
“મને તારી ઈચ્છા ની ખબર હતી!”
---
બંને ધીમે ધીમે સીડીઓ ઊતર્યા.
નીચે પથ્થરની મજબૂત દીવાલો અને લાંબો ભૂગર્ભ માર્ગ હતો.
અચાનક કોઈ લેટિન ભાષામાં ધીમેથી બોલ્યું.
માર્કો અટકી ગયો.
“હવે પણ તને લાગે છે કે, અહીં ભૂત નથી?”
જુનોએ ધ્યાનથી સાંભળ્યું.
“ભૂત લેટિનમાં વાત કરે છે કે નહીં એ મને ખબર નથી... પણ આ અવાજ ચોક્કસ કોઈ માણસનો છે.”
થોડે આગળ એક વૃદ્ધ માણસ દીવાના પ્રકાશમાં બેઠા હતા.
તેમની સામે પ્રાચીન દસ્તાવેજો અને નકશા પડ્યા હતા.
“તમે કોણ?” માર્કોએ પૂછ્યું.
વૃદ્ધે સ્મિત કર્યું.
“પ્રોફેસર એન્ટોનિયો.”
જુનો તરત ઓળખી ગઈ.
“ગામના ઇતિહાસકાર?”
“નિવૃત્ત ઇતિહાસકાર,” પ્રોફેસરે સુધાર્યું. “પણ ઇતિહાસમાંથી ક્યારેય નિવૃત્ત થયો નથી.”
માર્કોએ હળવેથી જુનોને કહ્યું,
“આ માણસ મને તારા કરતાં પણ વધારે ખતરનાક લાગે છે.”
પ્રોફેસર હસી પડ્યા.
“ડરશો નહીં. હું ભૂત નથી.”
---
બાળકો આવો એક અજીબ ચીજ બતાવું..
પ્રોફેસરે જૂનો નકશો ખોલ્યો.
“વિલા લ્યુસિનાની નીચે પ્રાચીન રોમન એક્વેડક્ટ પસાર થાય છે. પહાડોમાંથી આવતા પાણીના દબાણથી અહીંનું હાઇડ્રોલિક મિકેનિઝમ સક્રિય થાય છે.”
તેમણે એક પથ્થરના લીવર તરફ ઈશારો કર્યો.
“પાણીનું દબાણ આ વ્યવસ્થાને ચલાવે છે. પછી કાઉન્ટરવેઇટની મદદથી હવેલીમાં ઉપરનો પથ્થર ખસે છે અને આ ગુપ્ત દરવાજો ખુલે છે.”
જુનોની આંખોમાં આશ્ચર્ય હતું.
“બે હજાર વર્ષ પહેલાં આટલી અદભૂત ટેકનિક!”
પ્રોફેસરે કહ્યું,
“રોમનો પાસે માત્ર તલવાર નહોતી, બુદ્ધિ પણ હતી.”
માર્કોએ સિક્કાઓ તરફ જોઈને પૂછ્યું,
“અને આ સોનું?”
પ્રોફેસર હસ્યાં .
જુનો..
“સાચો ખજાનો સોનું નથી.”
સાચો ખજાનો જ્ઞાન છે...
તેમણે જૂનો દસ્તાવેજ હાથમાં આપ્યો.
“આ છે સાચો ખજાનો—માનવની બુદ્ધિ ની નોંધ .”
હવે રહસ્ય સ્પષ્ટ હતું. ગામલોકો જેને ભૂતનો પ્રકોપ માનતા હતા, તે પ્રાચીન રોમન એન્જિનિયરિંગ હતું. અને જે મંત્રોચ્ચાર સાંભળાતો હતો, તે પ્રોફેસર એન્ટોનિયો દ્વારા વાંચવામાં આવતા પ્રાચીન લેટિન ગ્રંથોનો અવાજ હતો.
---
પરંતુ રહસ્ય પૂરું થયું નહોતું...
બીજા દિવસે વિલા લ્યુસિનાનું રહસ્ય દુનિયા સમક્ષ આવ્યું. હવેલી પરથી શાપનો ડર દૂર થયો અને તે પ્રાચીન રોમન સ્થાપત્ય અને એન્જિનિયરિંગના અભ્યાસનું કેન્દ્ર બની.
જુનો અને માર્કો જ્યારે હવેલીમાંથી છેલ્લી વખત બહાર નીકળ્યા ત્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો.
માર્કોએ હસીને કહ્યું,
“હવે તો તને ખાતરી થઈ ગઈ કે વિલા લ્યુસિનામાં કોઈ ભૂત નથી?”
જુનોએ પાછળ જોઈને કહ્યું,
“હા... લગભગ.”
“લગભગ?”
જુનો કંઈ બોલી નહીં.
તે જ રાત્રે, જ્યારે હવેલી સંપૂર્ણપણે ખાલી હતી...
બરાબર મધરાતે ફરી અવાજ આવ્યો—
“ઘર્રર્ર... ઘર્રર્ર...”
મોઝેકનો પથ્થર ફરી ખસ્યો.
પરંતુ આ વખતે નીચે કોઈ નહોતું.
પથ્થરની દિવાલ પર એક નવું લેટિન લખાણ દેખાયું.
તેનો અર્થ હતો—
“જુનો, તે આ તો માત્ર પહેલો દરવાજો જોયો છે ...”
દૂર અંધકારમાંથી પાણીના ટીપાં પડવાનો અવાજ આવ્યો.
ટપ્... ટપ્... ટપ્...
અને વિલા લ્યુસિનાનું સાચું રહસ્ય ફરી અંધકારમાં છુપાઈ ગયું.
જો આ પહેલો દરવાજો હતો... તો બીજા આવા દરવાજા ક્યાં હતા ?
ધ સિક્રેટ ઓફ વિલા લ્યુસિના — સમાપ્ત.
વાંચન વિશેષ ~
1 Juno (જુનો) - રોમન દેવીઓની રાણી, જે લગ્ન અને પરિવારની રક્ષક મનાય છે.
2 એક્વેડક્ટ — પ્રાચીન રોમનું અજોડ જળવિજ્ઞાન
પ્રાચીન રોમ માત્ર ભવ્ય મહેલો અને વિશાળ રસ્તાઓ માટે જ જાણીતું નહોતું. રોમનોની સૌથી અદ્ભુત સિદ્ધિઓમાંની એક હતી તેમની એક્વેડક્ટ વ્યવસ્થા—દૂર આવેલા ઝરણાં અને જળસ્રોતોમાંથી શહેરો સુધી પાણી પહોંચાડતી વિશાળ જળનહેરો. ઊંચા પથ્થરના કમાનો, ભૂગર્ભ નહેરો અને ચોકસાઈથી બનાવેલા ઢોળાવ દ્વારા પાણી કોઈ આધુનિક પંપ વિના કુદરતી રીતે વહેતું. બે હજાર વર્ષ પહેલાંની આ જળવ્યવસ્થા રોમન ઇજનેરોની ગણતરી, સ્થાપત્ય અને વૈજ્ઞાનિક સમજણનો અદભૂત પુરાવો હતી. વિલા લ્યુસિનાની નીચે પસાર થતો ભૂગર્ભ એક્વેડક્ટ પણ કદાચ આ જ પ્રાચીન ઇજનેરી પરંપરાનો એક ભૂલાયેલો ભાગ હતો...
ડિસ્કલેમર
આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સંવાદો અને રહસ્યો લેખકની કલ્પનાની રચના છે. વિલા લ્યુસિના નામની હવેલી અને તેમાં દર્શાવાયેલું રહસ્ય કથાના સર્જન માટે કલ્પિત છે.
વાર્તામાં પ્રાચીન રોમ, રોમન સ્થાપત્ય, એક્વેડક્ટ, લેટિન ભાષા અને રોમન ઇજનેરી અંગેના કેટલાક ઐતિહાસિક સંદર્ભોનો ઉપયોગ માત્ર વાર્તાને રસપ્રદ અને વાસ્તવિક વાતાવરણ આપવા માટે કરવામાં આવ્યો છે. વાસ્તવિક ઐતિહાસિક તથ્યો અને કથામાં રજૂ થયેલી કલ્પિત ઘટનાઓ વચ્ચે સમાનતા જોવા મળે તો તે માત્ર સંયોગ ગણવો.
આ રચનાનો હેતુ કોઈ ઐતિહાસિક, પુરાતત્વીય અથવા વૈજ્ઞાનિક માહિતીનો અધિકૃત દાવો કરવાનો નથી.
