STORYMIRROR

Kalpesh Patel

Drama Classics Thriller

4  

Kalpesh Patel

Drama Classics Thriller

બંધ ફાઇલ

બંધ ફાઇલ

2 mins
0

બંધ ફાઇલ

અંધારી રાત્રે લૉ ફર્મની કેબિનમાં દીવો ઝબૂકતો હતો.

લવલેશ મેહતા પોતાના ડેસ્ક પર ઝૂકીને વર્ષો જૂની એક ક્રિમિનલ ફાઇલ ઉથલાવી રહ્યા હતા. કાયદાની નજરે આ કેસ વર્ષો પહેલાં જ ‘બંધ’ થઈ ગયો હતો—પુરાવાના અભાવે.

પરંતુ લવલેશ માટે એ કેસ ક્યારેય બંધ થયો નહોતો.

દરવાજો હળવેથી ખુલ્યો અને કાદંબરી અંદર આવી.

“લવલેશ, તમે હજી સુધી આ ફાઇલ છોડી નથી?” કાદંબરીએ દસ્તાવેજો પર નજર નાખતાં કહ્યું, “જે ગુનો પુરાવાના અભાવે ક્યારેય સાબિત ન થઈ શક્યો, તેને હવે ખતમ માનવો જ સમજદારી છે.”

લવલેશે ત્રાસી આંખે ફાઇલમાંથી નજર ઊંચી કરી.

“કાયદો ભલે હંમેશા પુરાવા માગે, કાદંબરી... પણ સ્મરણો તો અદાલતની બહાર પણ જીવતા રહે છે. જે ગુનો કાગળો પર ભુલાઈ ગયો છે, એ આજે પણ આ ફાઇલના પાનાંમાંથી મને સવાલ પૂછી રહે છે.”

કાદંબરીએ ફાઇલનું છેલ્લું પાનું ફેરવ્યું.

અચાનક તેની નજર એક જૂના હસ્તાક્ષર પર અટકી ગઈ.

“લવલેશ... આ હસ્તાક્ષર તમારા છે?”

લવલેશ થોડા સમય સુધી ચૂપ રહ્યા.

પછી ધીમેથી બોલ્યા,

“હા.”

કાદંબરી ચોંકી.

“પણ આ કેસ તો તમારા વકીલ બન્યા પહેલાંનો છે!”

લવલેશે બારી બહારની અંધારી રાત તરફ જોયું.

“એ જ તો આ કેસનું રહસ્ય છે.”

તેમણે ફાઇલ ફરી ખોલી અને છેલ્લું પાનું કાદંબરી સામે ધરી દીધું.

“આ હસ્તાક્ષર મેં જ કર્યા હતા... એ રાત્રે, જ્યારે આ કેસની વકીલાત કરવાની ઇચ્છાએ મને વકીલ બનવાની પ્રેરણા આપી હતી.”

કાદંબરીએ ધ્રૂજતા અવાજે પૂછ્યું,

“પણ તમે ત્યારે અહીં હતા જ ક્યાં?”

લવલેશે કોઈ જવાબ ન આપ્યો.

તેમણે ફાઇલમાંથી એક જૂનો ફોટોગ્રાફ બહાર કાઢ્યો અને કાદંબરી સામે મૂક્યો.

ફોટામાં મૃત વ્યક્તિ, પોલીસ અધિકારી અને ઘટનાસ્થળે ઊભેલા લોકો દેખાતા હતા.

કાદંબરીની નજર ફોટાના એક ખૂણામાં અટકી ગઈ.

ત્યાં એક નાનો છોકરો ઊભો હતો.

તેના હાથમાં એ જ ફાઇલ હતી.

કાદંબરીએ ફોટો હાથમાંથી છોડી દીધો.

“આ... આ તો તમે છો!”

લવલેશે ધીમેથી માથું હલાવ્યું.

“હા.”

પછી તેમણે ફાઇલનું છેલ્લું પાનું કાદંબરી સામે ધરીને કહ્યું—

“અને, સાચી વાત એ કે, આ હસ્તાક્ષર મારા નથી, કાદંબરી... આ તો એ માણસના છે, જેણે મારી આંખો સામે ખૂન કર્યું હતું.”

કાદંબરી સ્તબ્ધ થઈ ગઈ.

લવલેશે ડેસ્ક પરનો દીવો બુઝાવી દીધો.

અંધારામાં તેમનો છેલ્લો અવાજ સંભળાયો—

“હવે પ્રશ્ન એ નથી કે ખૂની કોણ હતો... જીવતો પ્રશ્ન એ છે કે મેં વકીલ બનીને આ કેસને અત્યાર સુધી કેમ પાછો ઠેલ્યો ?”



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama