અંધકારનો અંત
અંધકારનો અંત
અંધકારનો અંત
થીમ: પ્રેમ • પરિવાર • પૈસો
શિનોય ગામના ચોકમાં જીવરાજ દેસાઈનું એક જૂનું ઘર ઊભું હતું.
દિવસે એ ઘર સામાન્ય લાગતું,આંગણામાં પરિવારની અવરજવર, પશુઓનો અવાજ અને આવતાં-જતાં ગામવાસીઓ.
પરંતુ રાત પડતાં જ એ જ ઘર અજીબ શાંતિથી ભરાઈ જતું.
જીવરાજ સાથે પરણીને આવેલી જીવકોરને આ ઘર ક્યારેય ગમ્યું નહોતું.
ઘરમાં આવ્યા પછીના થોડા જ દિવસોમાં તેણે જીવરાજને કહ્યું હતું—
“આ ઘરમાં કંઈક તો છે, બાપલિયા... તમે ખેતરે હો, અને મું એકલી હોઉં, ન્યારે આ ઘરની દીવાલો જીવતી હોય એવું લાગે છે. બધું સાંભળે છે... બધું જાણે છે.”
જીવરાજ હસીને વાત ટાળી દેતો.
“તું હજુ નેની છે, જીવકોર! ઘર તારા માટે નાવું છે એટલે આવું લાગે.”
પણ જીવકોર તેની આંખોમાં કંઈક એવું જોતી, જે તેના શબ્દોમાં નહોતું.
કોઈ જૂનું રહસ્ય...
કોઈ અધૂરું પાપ...
---
જીવરાજ દેસાઈ શિનોય ગામમાં માનનીય માણસ હતો.
પૈસો, જમીન અને મિલકત—કોઈ વસ્તુની તેને કમી નહોતી.
પણ તેની આટલી સંપત્તિ ક્યાંથી આવી, એ વાત બહુ ઓછા લોકો જાણતા હતા.
કોઈ કહેતો—
“જીવરાજે યુવાનીમાં મોટો સોદો કર્યો હતો.”
બીજો કહેતો—
“એ સોદામાં તેના ખાસ મિત્રનો જીવ ગયો હતો.”
જીવકોરે આવી વાતો ઘણી વખત સાંભળી હતી, પરંતુ તેને એ માત્ર ગામની અફવા લાગતી.
જીવરાજ ક્યારેક તેને કહેતો—
“આપણા આવનાર બાળકોનું અને પરિવાર નું ભવિષ્ય સુરક્ષિત રહે એ માટે મેં આ બધું એકલે હાથે ઊભું કર્યું છે.”
અને જીવકોર હસીને જવાબ આપતી—
“બાળકોને પૈસા કરતાં માતા-પિતાનો પ્રેમ વધારે જોઈએ.”
જીવરાજ ચૂપ થઈ જતો.
કદાચ એ જ વાક્ય તેને અંદરથી સૌથી વધારે વાગતું હતું.
---
એક દિવસ દિવાળીની સફાઈ કરતી વખતે જીવકોરને જીવરાજના રૂમમાં એક જૂની લોખંડની પેટી મળી.
પેટી પર વર્ષોની ધૂળ જામી હતી.
જીવકોરે ધૂળ સાફ કરી.
અંદર દાગીના કે પૈસા નહોતા.
માત્ર એક નાની ચાંદીની ચાવી હતી.
ચાવી પર સૂકાઈ ગયેલા લોહીના ડાઘ હતા.
જીવકોરે ચાવી હાથમાં લીધી.
એ જ ક્ષણે તેને લાગ્યું કે આખું ઘર જાણે હળવેથી ધ્રૂજી ઊઠ્યું.
દૂર ક્યાંક દરવાજો ખખડાયો.
તે ચમકી ગઈ.
પણ ઘરમાં તો તે એકલી જ હતી.
---
રાત્રે જીવરાજ ઘરે આવ્યો.
જીવકોરે ચાવી તેની સામે મૂકી.
ચાવી જોઈને જીવરાજનો ચહેરો બદલાઈ ગયો.
“આ ક્યાંથી મળી?”
“તમારી પેટીમાંથી.”
“મારી અંગત વસ્તુને કોણે હાથ લગાડ્યો?”
જીવકોર ચૂપ રહી.
થોડી ક્ષણ પછી જીવરાજનો અવાજ નરમ પડ્યો.
“જીવકોર... આ ચાવી નીચેના ભંડકિયાના દરવાજાની છે.”
“તો પછી એને આટલા વર્ષોથી બંધ કેમ રાખ્યું છે?”
જીવરાજે નજર ફેરવી.
“કારણ કે એમાં મારા જીવનનો આપણા પરિવાર નો સૌથી મોટો અપરાધ બંધ છે.”
જીવકોર સ્તબ્ધ થઈ ગઈ.
“કયો અપરાધ?”
જીવરાજે વાત આડે પાટે ચડાવી જીવકોર ને ગાલે ટપલી મારી કહ્યું.
“નેની એ દરવાજો ક્યારેય ખોલતી નહીં.”
“કેમ?”
જીવરાજ તેની આંખોમાં જોઈને બોલ્યો—
“કારણ કે ત્યાં જે છે... એ આપણા પરિવારને તોડી નાખશે.”
---
બીજા દિવસે જીવરાજ કપાસ વેચવા શહેર ગયો.
જીવકોર આખો દિવસ વિચારોમાં ડૂબેલી રહી.
પૈસો... પરિવાર... અપરાધ... અને એ બંધ ભંડકિયું.
સાંજે તે નીચે ઊતરી.
વર્ષોથી બંધ પડેલા ભંડકિયાના દરવાજા સામે ઊભી રહી.
કંપતા હાથથી તેણે ચાંદીની ચાવી તાળામાં નાખી.
ક્લિક!
તાળું ખૂલી ગયું.
દરવાજો ખોલતાં અંદર ગાઢ અંધકાર હતો.
એક જૂનો લાકડાનો ખાટલો.
એક તૂટેલી પેટી.
અને ખાટલા પર પડેલો એક જૂનો ફોટો.
જીવકોરે ફોટો હાથમાં લીધો.
તેમાં જીવરાજ સાથે તેનો યુવાનીનો ખાસ મિત્ર ઊભો હતો.
એ જ મિત્ર, જેના મૃત્યુને વર્ષો પહેલાં અકસ્માત કહેવાયેલ હતો .
ફોટાની પાછળ લાલ શાહીથી લખેલું હતું—
“સોદો અધૂરો છે.
જેનું લીધું છે, તે પાછું લેવા આવશે.”
જીવકોરના હાથ કંપવા લાગ્યા.
તેણે ફોટો નીચે મૂક્યો.
એ જ સમયે પાછળથી પગલાંનો અવાજ આવ્યો.
તે ફરી.
જીવરાજ દરવાજા પાસે ઊભો હતો.
---
“તમે પાછા આવી ગયા?”
જીવરાજે કોઈ જવાબ ન આપ્યો.
તેની નજર ફોટા પર હતી.
“તેં બધું જોઈ લીધું?”
જીવકોરે ધીમેથી પૂછ્યું—
“સાચું શું છે, જીવરાજ?”
ઘણી ક્ષણો સુધી મૌન રહ્યું.
પછી જીવરાજ ખાટલા પર બેસી ગયો.
“મારા મિત્રનું નામ હરિદાસ હતું.”
“એનું મૃત્યુ અકસ્માત નહોતું?”
જીવરાજે માથું નમાવી દીધું.
“ના.”
જીવકોરની આંખોમાં આંસુ આવી ગયા.
“પછી?”
જીવરાજ બોલ્યો—
“અમે સાથે મળીને જમીનનો એક મોટો સોદો કર્યો હતો. પૈસા બંનેના સરખા જ હતા અને જમીનના કાગળો હરિદાસ પાસે.
વખત જતા મને ખબર પડી કે જમીનની કિંમત ઘણી વધી છે.”
તે થોભ્યો.
“મને પૈસાની લાલચ થઈ.”
જીવકોર શાંતિથી સાંભળતી રહી.
“મેં હરિદાસ સાથે દગો કર્યો. પુરી જમીનના કાગળો મારા નામે કરાવી લીધા. પણ હરિદાસને બધી ખબર પડી ગઈ .”
“પછી?”
જીવરાજની આંખોમાં પસ્તાવો હતો.
“એ રાત્રે અમારી વચ્ચે ઝઘડો થયો. ધક્કામુક્કીમાં હરિદાસ તેના ખેતરે કુવામાં નીચે પડી ગયો. માથામાં ગંભીર ઈજા થઈ.”
“તમે તેને બચાવ્યો કેમ નહીં?”
જીવકોરનો અવાજ કંપી રહ્યો હતો.
જીવરાજે આંખો બંધ કરી.
“મારે કોઈને બોલાવ વા જોઈતા હતા ... પરંતુ હું ડરી ગયો હતો. મારો ફાયદો,મારી સંપત્તિ, મારી ઈજ્જત, મારું નામ—બધું દાવ પર રહેત.”
જીવકોરની આંખમાંથી આંસુ સરકી પડ્યાં.
“અને તમે આખી જિંદગી આ પૈસાથી પરિવારનું ભવિષ્ય ઘડવાના હતા ?”
જીવરાજે ધીમેથી કહ્યું—
“હા.”
“પણ એ પૈસામાં તો એક માણસની જિંદગીનો શાપ હતો!”
જીવરાજે માથું ઝૂકાવી દીધું.
“મને ખબર છે.”
---
એ જ ક્ષણે ભંડકિયાની દીવાલ પર એક છાયા દેખાઈ.
બંનેની નજર ત્યાં ગઈ.
છાયા ધીમે ધીમે મોટી થતી ગઈ.
જીવરાજ પાછળ ખસી ગયો.
“હરિદાસ...”
જીવકોરે તેનો હાથ પકડી લીધો.
“ડરશો નહીં.”
જીવરાજનો હાથ બરફ જેવો ઠંડો હતો.
છાયા જાણે ધીમે ધીમે તેમની તરફ આગળ વધી રહી હતી.
પણ આ વખતે જીવકોર ભાગી નહીં.
તેણે જીવરાજનો હાથ મજબૂતીથી પકડ્યો.
“જો ખરેખર તારો મિત્ર તને લેવા આવ્યો છે, તો ભાગશો નહીં.”
જીવરાજ તેની સામે જોતો રહ્યો.
“તો શું કરું?”
“સત્ય કબૂલ કરો.”
જીવરાજની આંખોમાં આંસુ આવી ગયા.
વર્ષો પછી પહેલી વાર તેણે જીવકોરના ખભા પર માથું મૂક્યું.
“મને માફ કર.”
જીવકોરે કહ્યું—
“મને નહીં. પહેલાં હરિદાસને.”
જીવરાજ ઊભો થયો.
તેણે ભંડકિયાની જૂની પેટી ખોલી.
અંદર જમીનના મૂળ કાગળો અને એક જૂની ડાયરી હતી.
તેણે બધું જીવકોરને આપ્યું.
“આ સંપત્તિનો સાચો હકદાર હું નથી.”
---
બીજા દિવસે જીવરાજ પોલીસ સ્ટેશન ગયો.
વર્ષો જૂનો ગુનો તેણે કબૂલ કર્યો.
તેના નામની સંપત્તિનો મોટો ભાગ હરિદાસના પરિવારને પરત આપવાનો નિર્ણય કર્યો.
ગામમાં જીવરાજની ઈજ્જત તૂટી ગઈ.
પરંતુ તેના ઘરમાં પહેલી વાર શાંતિ આવી.
જીવકોરે તેને છોડ્યો નહીં.
તેના માટે પ્રેમનો અર્થ અપરાધ છુપાવવો નહોતો.
પ્રેમનો સાચો અર્થ હતો—પ્રિય વ્યક્તિને ખોટા રસ્તેથી પાછો લાવવો.
સમય જતાં પરિવાર ફરી જોડાયો.
ઘરમાંથી જૂનો ભય પણ ધીમે ધીમે દૂર થવા લાગ્યો.
ભંડકિયાનો દરવાજો ફરી ક્યારેય બંધ રહ્યો નહીં.
---
વર્ષો પછી એક રાત્રે જીવકોર આંગણામાં દીવો પ્રગટાવી રહી હતી.
તેણે અચાનક ભંડકિયાની બારી તરફ જોયું.
અંદર કોઈ છાયા ઊભી હતી.
જીવકોર થોડા સમય સુધી તેને જોતી રહી.
પછી તેને લાગ્યું—
એ છાયા ધીમે ધીમે ઓગળી રહી હતી.
જાણે કોઈ રાહ પૂરી થઈ હોય.
જીવકોરે હાથ જોડ્યા.
“હવે તમારો હિસાબ પૂરો થયો, હરિદાસ.”
પવનની એક હળવી લહેર આવી.
દીવો ઝબક્યો.
અને પછી...
ઘર આખું પ્રકાશથી ભરાઈ ગયું.
અંધકારનો અંત થયો હતો.
કારણ કે પૈસાથી ઘર ખરીદી શકાય છે...
પરંતુ પરિવાર ખરીદી શકાતો નથી.
પ્રેમથી પરિવાર બચાવી શકાય છે...
અને સત્યથી આત્માને મુક્ત કરી શકાય છે.
