STORYMIRROR

Kalpesh Patel

Drama Classics Inspirational

4  

Kalpesh Patel

Drama Classics Inspirational

અંતરની ભીનાશ.

અંતરની ભીનાશ.

2 mins
2

અંતરની ભીનાશ.

પ્રેમ, પરિવાર અને પૈસા—આ ત્રણેય આપણા જીવનના એવા વળાંકો છે, જ્યાં સંબંધોની સાચી કિંમત અને લાગણીઓનું વજન સમજાય છે.

સાંજનો સમય હતો.

ઘરના ડ્રોઈંગરૂમમાં ટેબલ પર બેંકમાંથી હમણાં જ આવેલા લોન મંજૂરીના કાગળો પડ્યા હતા. સોહમે દીવાલો પર નજર ફેરવી.

વર્ષો જૂનું આ ઘર હવે જીર્ણ થઈ રહ્યું હતું. દીવાલોના પોપડા ઊખડી રહ્યા હતા અને ચોમાસામાં છત પણ ટપકતી હતી. ઘર સમારકામ માંગી રહ્યું હતું. નવું ઘર ખરીદવા માટે કેટલાક લાખ રૂપિયાની જરૂર હતી અને એ પૈસાની ચિંતા સોહમને સતત સતાવતી હતી.

એવામાં રસોડામાંથી ચાની સુગંધ સાથે પત્ની સ્મિતાનો અવાજ આવ્યો,

“સાંભળો છો? જમવાનું પીરસી દઉં?”

સાથે જ બાજુના રૂમમાંથી દીકરો મોહક દોડતો આવ્યો.

“પપ્પા, કાલે સ્કૂલમાં સાયન્સ પ્રોજેક્ટ માટે પાંચસો રૂપિયા જમા કરાવવાના છે. તમે ભૂલી નથી ગયા ને?”

સોહમ એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો.

એના મનમાં વિચારોનું વાવાઝોડું ઊઠ્યું. એક તરફ મોંઘવારી અને પૈસાની તંગી સામે લડવાનો થાક હતો, તો બીજી તરફ નાની નાની ખુશીઓ માટે ઝઝૂમતી પત્ની અને દીકરાનો નિર્દોષ ચહેરો હતો.

એણે મોહકને ઊંચકીને ગળે લગાવી લીધો.

“ના દીકરા, પપ્પા કેમ ભૂલે? કાલે સવારે સૌથી પહેલાં તને પૈસા આપી દઈશ.”

પછી એણે સ્મિતા સામે જોયું.

સ્મિતાએ ચાનો કપ આગળ કરતાં પૂછ્યું,

“આજે લોનના પેપર્સ પર સહી કરી દીધી ને? હવે બધું ઠીક થઈ જશે ને?”

સોહમ થોડો સમય ચૂપ રહ્યો.

પછી ધીમેથી બોલ્યો,

“હા સહી હમણાં જ કરી છે, પણ બેન્કમાં, લોન પેપર રજુ નથી કરવાનો .”

સ્મિતા આશ્ચર્યથી એની સામે જોવા લાગી.

“કેમ?”

સોહમે મોહક તરફ જોયું અને હળવેથી સ્મિત કર્યું.

“કારણ કે આજે સમજાયું કે આપણને અત્યારે મોટું ઘર નહીં, આ ઘરમાં મોહક ની ખુશીઓ મોટી રાખવી છે.”

સ્મિતાની આંખોમાં અચાનક ભીનાશ આવી ગઈ.

એણે ધીમેથી કહ્યું,

“તો પછી મોહકના પાંચસો રૂપિયા હું આપી દઈશ.”

સોહમ ચમક્યો.

“તારી પાસે ક્યાંથી આવ્યા?”

સ્મિતા હસીને બોલી,

“છેલ્લા છ મહિનાથી થોડા થોડા પૈસા બચાવ્યા હતા. તમારાં  જન્મદિવસે તમને, હું નવી ઘડિયાળ આપવાની હતી.”

એક ક્ષણ અટકી, પછી બોલી,

“પણ હવે લાગે છે... તામારી ઘડિયાળ કરતાં આપણા દીકરાનું સપનું વધુ જરૂરી છે.”

સોહમની આંખો ભીની થઈ ગઈ.

એણે સ્મિતાનો હાથ પોતાના હાથમાં લીધો.

“દીવાલો જૂની થાય તો થાય, સ્મિતા... આપણા ઘરમાં વસતો પ્રેમ જૂનો થવાનો નથી.”

બંનેની આંખોમાં એકબીજા માટેનો પ્રેમ હતો.

ટેબલ પર પડેલા લોનના કાગળો ઉપર અરજકર્તાની શાહી કદાચ સુકાઈ ચુકી હતી, પરંતુ એ સાંજે એ જૂના ઘરની દીવાલોમાં અંતરની ભીનાશ અને પ્રેમની રોશની ફરી એક વાર તાજી થઈ હતી.

અને સોહમને સમજાઈ ગયું હતું—

મોટું ઘર ખરીદી શકાય,
પણ મોટું હૃદય ખરીદી શકાતું નથી...



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama