રણની ખારાશ અને ખારેકની મીઠાશ
રણની ખારાશ અને ખારેકની મીઠાશ
રણની ખારાશ અને ખારેકની મીઠાશ
કચ્છનું રણ...
અફાટ,દૂર સુધી પથરાયેલું સફેદ મીઠું, જાણે ધરતીએ પોતાની આંખોનાં આંસુ સૂકવીને સફેદ ચાદર પાથરી દીધી હોય.
રણની ખારાશ હવામાં હતી, જમીનમાં હતી અને આ છાપ્પણીયા દુકાળે તો તે માણસોના જીવનમાં પણ ઊતરીને જ જંપી હતી.
આ ખારી અફાટ ધરતી પર ખારેકનાં ઝાડ ઊભાં હતાં.
પાણી માળે નહિ, બારેમાસ નો તડકો આકરો હોય, ચોવીસે કલાક નો ખારો પવન રુક્ષ ... છતાં ખારેકનું ઝાડ જીવી જતું. બહારથી સૂકું દેખાતું એનું ફળ અંદરથી કાયમ મીઠું રહેતું.
આમ જુવો તો જડી પણ એવી જ હતી.
જીવનના સાપસીડી જેવા વળાંકે વળાંકે એ થાકી ગઈ હતી, સુકાઈ ગઈ હતી, પણ એની અંદરની મીઠાશ હજુ કોઈ છીનવી શક્યું નહોતું.
વર્ષ હતું ૧૯૫૬.
કચ્છમાં સતત પછલા ત્રણ વર્ષથી વરસાદ જાણે રિસાઈ ગયો હતો.
વરસાદની રાહ જોતા જોતા વાદળો તરફ જોવાથી ગામલોકોની આંખો થાકી ગઈ હતી.
જયસુખ પાસે સોનાની લગડી જેવી ચાર વીઘા જમીન હતી.
એ જમીન માત્ર જમીન નહોતી.
એના પિતાએ પોતાના પરસેવાથી એને કેળવી હતી, અને તેઓનશાક બકાલું વાવતા હતા..
બાળપણમાં જયસુખ એ જ ખેતરની પાળે રમ્યો હતો. એ ખેતર જ માટીમાં એની પહેલી પગલી તેતર સાથે પડી હતી.
પણ છેલ્લા ત્રણ વરસથી,હવે એ ચાર વીઘા જમીન પર પાક નહોતો.ગાય બળદ ચરણે અભાવે પાંજરાપોળ જઈ ચુક્યા હતા.
કુદરત જયારે રૂઠે તો ધરતી નું શું ગજું.. હવે માત્ર તિરાડો હતી.
બિયારણ તો ઊંચું નાખ્યું હતું, પણ વરસાદ ન પડ્યો.
બિયારણ નિષ્ફળ ગયું.
એક વખત નહીં...
બે વખત નહીં...
સતત ત્રણ વર્ષ.
જડીના ઘરમાં અનાજના કોથળા ખાલી થવા લાગ્યા.
પાણી માટે ગામની સ્ત્રીઓ વહેલી સવારથી કતારમાં ઊભી રહેતી. હાથમાં બેડાં અને માથે બેડાં, છતાં પણ પાણી મળવાની ખાતરી નહીં.
જડી પણ રોજ એ કતારમાં ઊભી રહેતી.
ક્યારેક સૂરજ ઊગે એ પહેલાં ઊભી થતી અને પાણી લઈને પાછી આવે ત્યારે સૂરજ માથે ચડી ગયો હોય.
જયસુખ ડીસ્ટ્રીક માં લારી લઇ ફેરી કરતો. બધા બજાર મંદ હતા..
અને
ઘરમાં તેનો બાપ કરસન અને મા કાશી, ફળીયા માં બેસીને દીકરાની રાહ જોતા.
કાશીની આંખોમાં નકરી ચિંતા હતી.કરસન ની બહેન હેમીના હાથ પીળા. કરવાનાં બાકી હતા.
તે દિવસે રાત્રે જડી એ સાદ નાખ્યો “જયા... ઘરમાં લોટ કેટલો છે?”
ઓટલે બેસેલો જયસુખ ચૂપ રહ્યો.
જડીને જવાબ ખબર હતો.
“કાલ સાંજ સુધીનો છે.”
કરસને લાંબો ઊંડો શ્વાસ લીધો.
“કાલ, પછી...?”
કોઈ પાસે જવાબ નહોતો.
---
દુકાળ માત્ર ખેતરમાં નહોતો.
દુકાળ માણસના ખિસ્સા ને પણ વળગ્યો હતો.
અને
જ્યાંરે માણસની જરૂરિયાત વધે, ત્યાં ગામના શાહુકારનું વ્યાજ પણ વધે.
જયસુખે બિયારણ માટે કરસનના નામે પૈસા લીધા હતા.
પછી પાણી માટે.
પછી ઘરના અનાજ માટે.
પૈસા વધતા ગયા.
વ્યાજનું મીટર ઘડિયાળ કરતાં પણ તેજ ચાલતું હતું.
ગામના જમીનદારનો મુનીમ વારંવાર ઘરે આવતો.
“અલ્યા કરસન, હવે હિસાબ પૂરો કર.”
કરસન હાથ જોડતો.
“થોડો સમય આપો.”
મુનિમ તાડુકતો...
“લ્યા..સમયથી થોડું પેટ ભરાય છે?”
કરસન પાસે જવાબ નહોતો.
એક દિવસ જમીનદાર ખુદ હિસાબની ખાતાવાહી લઈને આવ્યો.
કરસનને ખાતું બતાવ્યું, કરસન ને કાળા અક્ષર ભેંસ સમાન, તમે કહો તે સાચું....કહી હાથ જોડી બેસી રહ્યો.
“આ ચાર વીઘા જમીનનો કાગળ છે. અંગૂઠો મૂકી દે . એટલે આપણો હિસાબ પૂરો..”
કરસન થથરી ગયો.
“પણ આ તો મારાં બાપનું ખેતર છે.”
“છે નહિ હતું.જમીનદાર બોલ્યો ”
આ શબ્દોએ પાછલી સાત પેઢીની મહેનતનો અંત લખી દીધો.
કરસને ધ્રૂજતા હાથથી અંગૂઠો મૂક્યો.
જયસુખ એ સમયે ફેરીએ હતો.
સાંજે પાછો આવ્યો ત્યારે કરસનની આંખો નીચે હતી.
“બાપા... શું થયું?”
કરસને કંઈ કહ્યું નહીં.
કાશીએ ધીમેથી કાગળ એની સામે મૂકી દીધો.
જયસુખે કાગળ જોયો.
પછી પોતાના પિતાને જોયા.
એની આંખોમાં ગુસ્સો હતો.
પણ ગુસ્સા કરતાં વધુ દુઃખ હતું.
“બાપા... તમે જમીન આપી દીધી?”
કરસનની આંખમાંથી આંસુ નીકળ્યું.
“જમીન નથી દીધી જયા... ભૂખે છીનવી દીધી, હું જીવન હારી ગયો.”
---
તે રાત્રે ઘરમાં કોઈ જમ્યું નહીં.
ચુલો ઠંડો હતો.
જડી બહાર આંગણે બેઠી હતી.
જયસુખ એની બાજુમાં આવીને બેઠો.
ઘણી વાર સુધી બંને ચૂપ રહ્યા.
પછી જડીએ કહ્યું,
“રે જયા...”
“હં.”
દુઃખ ના કર, જરા સમજ, બાપ સામેનો ગુસ્સો થૂંકી નાખ.
“માટી સાથેની પ્રીત ખાલી પેટે કેટલી સાચવી શકાય?”
જયસુખે માથું ઊંચું કર્યું.
જડીની આંખોમાં આંસુ હતાં.
“આપણે જીવતા રહીશું તો માટી તો ફરી મેળવી લઈશું.
પણ જીવવા માટે અને આબરૂ બચાવા આપણે અત્યારે ઘર તો છોડવું જ પડશે.”
જયસુખે ખેતરની દિશામાં જોયું.
“જડી, હું આ માટી કેવી રીતે છોડું?”
“માટી છોડવાની વાત નથી જયા... જીવ બચાવવાની વાત છે.”
એ ક્ષણે જયસુખને મુંબઈમાં રહેતા જડીના ભાઈ મગનની યાદ આવી.
મગન ઘણા વર્ષોથી મુંબઈમાં રહેતો હતો.
એણે એક વખત લખ્યું હતું—
‘અહીં કામની કમી નથી.’
જયસુખે નક્કી કર્યું.
“ચાલો મુંબઈ.”
---
બીજા જ દિવસે બિસ્તરો બાંધ્યો એમ કહેવા કર્તા ...
બાઓ દાદા નું ઘર છોડ્યું.
કરસન, કાશી, જડી, જયસુખ, ચીમન અને હેમી—બધા થોડાં કપડાં, થોડું અનાજ અને આંખોમાં મોટી આશા લઈને નીકળ્યા.
સ્ટેશન સુધી પહોંચતાં જ જડી એક વાર પાછી ફરી.
દૂર ખેતરની પાળ દાદા ને નમન કર્યા, દૂર તેનું સૂકું ખેતર દેખાતું હતું..
એણે માથું નમાવ્યું.
“માંડી..હું પાછી જરૂર આવીશ.”
જયસુખે સાંભળ્યું, અને એ હસ્યો...
“કોણ જાણે?”
જડીએ કહ્યું,
“માટી એ મા છે, તે માણસને જરૂર પાછો બોલાવે છે જયા.”
---
લોકલ ટટેન બીજે દિવસે મુંબઈ પહોંચી.
મુંબઈએ તેમનું સ્વાગત કર્યું નહીં.
મુંબઈ હતું યી વિશાળ .
પણ એ વિશાળતામાં તેમના માટે કોઈ જગ્યા નહતી.
દીવસભર ની રઝળપાટ પછી આખરે મગનને મળ્યા ત્યારે બધાની આંખોમાં મોટી આશા હતી.
પરંતુ મગનનું ઘર ઘણું નાનું હતું.
“ભાઈ... હું પોતે જેમ તેમ રહુ છું. તમે બધા અહીં રહેશો તો સહુને મુશ્કેલી પડશે.”
જડી ચૂપ રહી.
જયસુખે પૂછ્યું,
“તો હવે?”
મગને નજર ફેરવી.
“સ્ટેશન પાસે રેન બશેરા છે ત્યાં જગ્યા મળી જાય તો થોડા દિવસ ત્યાં કાઢી લો. કામ મળી જશે એટલે સૌ સારાવાના થશે .”
થોડા દિવસ...
આ શબ્દ ગરીબ માણસના જીવનમાં મોટેભાગે લાંબાં બની જાય છે.
થોડા દિવસ અઠવાડિયા બન્યા.
અને
અઠવાડિયા મહિના બન્યા.
પરિવાર સ્ટેશનના એક ખૂણે રાત પસાર કરવા લાગ્યો.
દિવસે કામ શોધવું, કરવું .
રાત્રે સ્ટેશન પાસે રેનબશેરામાં સૂવું.
જયસુખ સમજદાર હતી, ચીમન ને શહેરી વૈતરા થઈ દૂર રાખી સ્કૂલ માં ભણાવ્યો. ચીમન ખંતિલો હતો.
મેટ્રિક સુધી ભણ્યો .
હવે એ કામ કરતો, પણ એને અંદરથી મનમાં કશુંક કચવતું.
એક દિવસ એક ઠેકેદારે દસ કલાકના કામના બદલામાં અડધી મજૂરી આપી.
ચીમને પૂછ્યું,
“બાકીના પૈસા?”
ઠેકેદાર હસ્યો.
“ગામડેથી આવ્યો છે ને? સમજીલે અહીંના નિયમ હું જ બનાવું છું.”
ચીમનની મુઠ્ઠી બંધ થઈ ગઈ.
જડી દૂરથી જોઈ રહી હતી.
“ચીમન...”
“મા, આપણે ગરીબ છીએ એટલે, શું આપણો હક પણ ગરીબ છે?”
જડી પાસે જવાબ નહોતો.
---
ચીમને લોકોની વાતો સાંભળવાનું શરૂ કર્યું.
કોઈ કચ્છથી આવ્યો હતો.
કોઈ સૌરાષ્ટ્રથી.
કોઈ મહારાષ્ટ્રના ગામડેથી.
કોઈ બિહારથી.
બધાની જગ્યા અલગ હતી વાર્તા અને મુશ્કેલી એક હતી.
દુઃખ એક જ હતું.
પાણીની અછત.
જમીનની અછત.
કામની અછત.
અને શોષણ.
ચીમને એક સાંજે પિતાને કહ્યું,
“બાપા, આપણે અહીં પણ એ જ કારણે હારી રહ્યા છીએ જે કારણે વતનમાં હાર્યા હતા.”
જયસુખે પૂછ્યું,
“શું વાત કરે છે ચીમન?”
માંડી ને વાત કર તો સમજાય
આપણને.“પાણી.”એ હરાવ્યા
જયસુખ ચૂપ રહ્યો.
“ત્યાં પાણી નહોતું એટલે જમીન ગઈ. અહીં, આપણામાં પાણી નથી , એટલે હારીએ છીએ .”
જયસુખ પહેલી વાર દીકરાની આંખોમાં પોતાનું જુવાની જોઈ રહ્યો હતો.
---
એ રાત્રે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચીમન ઊભો થયો.
એણે આસપાસના મજૂરોને કહ્યું,
“આપણે અલગ અલગ ગામના છીએ. પણ આપણું દુઃખ એક છે. જો આપણે ચૂપ રહીશું તો આપણાં બાળકો પણ આ જ પ્લેટફોર્મ પર ઊંઘશે.”
લોકો એને જોવા લાગ્યા.
“તો શું કરીએ?”
ચીમને કહ્યું,
“અવાજ ઉઠાવીએ.”
એ નાનો અવાજ હતો.
પણ અવાજ હતો.
---
થોડા દિવસોમાં મજૂરોની નાની બેઠક થવા લાગી.
ચીમન લખતો, નોંધ રાખતો .
કોણ ક્યાંથી આવ્યું.
ક્યાં કોની પાસે કામ. કરે છે.
કેટલી મજૂરી મળે છે.
કેટલા કલાક કામ કરે છે.
કેટલું શોષણ થાય છે.
એને સમજાયું કે ગરીબ માણસ પાસે માત્ર પૈસા નથી એવું નથી...
ગરીબ માણસ પાસે પોતાનો હિસાબ રાખવાની સુજ પણ નથી.
ચીમન સૌનો હિસાબ લખવા લાગ્યો.
પરંતુ મુંબઈએ એક બીજી વાત પણ શીખવી.
ચીમનને સમજાયું કે પોતાનું ગામ છોડીને આવવાથી મજૂરી કરવામાં રાહત નથી .
મજૂરી તો શહેરમાં તન તોડ કરવી પડે છે.
ગામનો મૂળ પ્રશ્ન પાણી છે .
એક દિવસ એણે પિતાને કહ્યું,
“બાપા, આપણે પાછા વતન જઈએ.”
જયસુખ ચમક્યો.
“પાછા વતન ? ત્યાં કયા મોઢે, ત્યાં હવે શું છે?”
ચીમને કહ્યું,
“રણ છે.”
“પાણી નથી.”
“પણ આપણું ઘર તિ છે ને .”
જડી દૂરથી સાંભળતી હતી.
એના ચહેરા પર વર્ષો પછી સ્મિત આવ્યું.
---
પરિવાર પાછો કચ્છ આવ્યો.
ગામમાં ઘણા ઘરો ખાલી હતા.
ઘણા લોકો બહાર જઈ ચૂક્યા હતા.
પણ જે બચ્યા હતા તેમની આંખોમાં એ જ પ્રશ્ન હતો.
“પાણીની સમસ્યા ક્યારે દૂર થશે ?”
જયસુખે ગામની ચોપાલમાં બેઠક બોલાવી.
કરસન હવે વૃદ્ધ હતો.
એણે દીકરાને કહ્યું,
“જયા, જમીન તો ગઈ.”
જયસુખ બોલ્યો,
“બાપા, જમીન પાછી આવશે કે નહીં ખબર નથી. પણ ગામઅ પાણી જરૂર આવશે. અને પાણી આવશે તો કદાચ બધું પાછું આવશે.”
ચીમન ઊભો થયો.
“પાણી માટે કોઈ એક માણસ નહીં લડે. આખો મલક લડશે.”
---
આ રીતે શરૂઆત થઈ.
જયસુખ ગામેગામ ગયો.
ચીમન હિસાબ લખતો ગયો.
હેમી સ્ત્રીઓને જોડતી ગઈ.
જડી ગામતળ ની જમીન. માં શાક બકાલું. વાવતી ગઈ. પાણીની કતારમાં ઊભી રહેતી સ્ત્રીઓની વાતો એકઠી કરતી ગઈ.
કાશી ગામની વૃદ્ધ સ્ત્રીઓને સમજાવતી.
અને કરસન પોતાની ભૂલની વાર્તા કહેતો:
“ભૂખ સામે અંગૂઠો કદી પાડજો નહિ .”
આ શબ્દો ગામમાં આગની જેમ ફેલાયા.
---
જયસુખે નક્કી કર્યું કે માંગ માત્ર પોતાના ગામ માટે નહીં હોય, આખા મલક માટે..
કચ્છ માટે પાણી જોઈએ.
નદીનું પાણી કચ્છ સુધી પહોંચે તો જ.
રણની ખારાશમાં મીઠા પાણીની ધાર આવે.
ખેડૂત ભાડુત મટી ફરી ખેડૂત બને.
ગામનો યુવાન મજૂર બનીને પરદેશ ન જાય.
સ્ત્રી પાણી માટે માઈલો ન ચાલે.
બાળક તરસને વારસામાં ન મેળવે.
આ માંગ લઈને જયસુખ અને ગામલોકો અધિકારીઓ સુધી પહોંચ્યા.
કેટલાક હસ્યા.
“કચ્છમાં પાણી. કે દી લાવશો?”
જયસુખે જવાબ આપ્યો,
“નદી નહીં લાવી શકીએ તો આશા તો લાવી શકીએ.”
---
વર્ષો વીત્યાં.
ચળવળ વધતી ગઈ.
આવાજ દૂર સુધી પહોંચ્યો.
અને એક દિવસ...
કચ્છની ધરતી પર નર્મદાના નીર પહોંચવાની આશા હકીકત બનવા લાગી.
કેનાલોનું કામ શરૂ થયું.
માટી ખોદાઈ.
પથ્થરો ખસ્યા.
લોકોએ વર્ષોની રાહ જોઈ.
જડી દરરોજ એક જ વાત કરતી:
“જયા, પાણી ક્યારે આવશે?”
જયસુખ હસતો.
“આવશે જડી.”
---
પછી એ દિવસ આવ્યો.
કેનાલમાં પાણી દેખાયું.
પહેલી ધાર ધીમે ધીમે આગળ વધી.
ગામલોકો દૂર ઊભા હતા.
કોઈ બોલતું નહોતું.
જાણે આખું કચ્છ શ્વાસ રોકીને જોઈ રહ્યું હોય.
પાણી ખેતરમાં વળ્યું.
સૂકી માટીએ પહેલી વાર પાણી પીધું.
જડીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા.
એણે પોતાની ઓઢણીના ખૂણામાંથી એક સૂકી ખારેક કાઢી.
જયસુખની હથેળીમાં મૂકી.
“યાદ છે?”
જયસુખે ખારેક જોઈ.
જડી બોલી,
“સૂકી હતી... પણ મીઠી હતી.”
જયસુખે ભીની માટી હાથમાં લીધી.
“આ ધરતી પણ એવી જ હતી જડી.”
“હવે?”
જયસુખે સ્મિત કર્યું.
“હવે એની મીઠાશ લીલોતરી બનીને દેખાશે.”
---
સમય આગળ વધ્યો.
જ્યાં એક વખત તિરાડો હતી ત્યાં પાક લહેરાયો.
જ્યાં સ્ત્રીઓ પાણી માટે કતારમાં ઊભી રહેતી હતી ત્યાં ઘરોમાં પાણી આવવા લાગ્યું.
જ્યાંથી યુવાનો રોજગારી માટે નીકળતા હતા ત્યાં રોજગાર ઊભો થવા લાગ્યો.
ચીમન ગામમાં જ રહ્યો.
એણે બાળકો માટે શાળા શરૂ કરવામાં મદદ કરી.
હેમીએ સ્ત્રીઓ માટે બચત મંડળ બનાવ્યું.
જડી હજુ પણ ખારેકના ઝાડ નીચે બેસતી.
કરસન હવે નહોતો.
કાશી પણ એક દિવસ શાંતિથી ચાલી ગઈ.
પણ કરસનનો એક વાક્ય જયસુખ ક્યારેય ભૂલ્યો નહીં—
“ભૂખ સામે અંગૂઠો ન પાડજો.”
---
વર્ષો પછી જયસુખ વૃદ્ધ થયો.
એક દિવસ તેનો પૌત્ર એની પાસે આવ્યો.
“દાદા, આ ખારેક કેમ સૂકી છે?”
જયસુખ હસ્યો.
“કારણ કે એણે રણ જોયું છે.”
“પણ મીઠી કેમ છે?”
જયસુખે દૂર લહેરાતા લીલા ખેતરો તરફ જોયું.
“કારણ કે એણે આશા પણ જોઈ છે.”
પૌત્રને કદાચ આ વાત પૂરી સમજાઈ નહીં.
જયસુખે એની હથેળીમાં ખારેક મૂકી.
“બેટા, આ ખારેક સાચવી રાખજે.”
“શા માટે?”
જયસુખે ધીમેથી કહ્યું—
“કારણ કે આ માત્ર ખારેક નથી.
આ કચ્છની કહાણી છે.
રણની ખારાશમાંથી જન્મેલી મીઠાશની કહાણી.”
દૂર કેનાલમાં નર્મદાનું પાણી વહી રહ્યું હતું.
પવનમાં હવે રણની ખારાશ સાથે ભીની માટીની સુગંધ પણ ભળી હતી.
અને કચ્છ...
જે ક્યારેક તરસની ઓળખ હતો,
એ હવે હરિયાળીનું સ્વપ્ન બની રહ્યો હતો.
ખારેક સૂકી હતી, પણ મીઠી હતી.
કચ્છ સૂકું હતું, પણ કચ્છીઓના હૃદયમાં મીઠાશ જીવતી હતી.
અને જ્યારે એ મીઠાશએ સંઘર્ષનું રૂપ લીધું,
ત્યારે રણની ધરતી પર
નર્મદાના નીરે નંદનવનનું સ્વપ્ન સાકાર કર્યું.
દૂર કેનાલમાં નર્મદાનું પાણી વહી રહ્યું હતું.
પવનમાં હવે રણની ખારાશ સાથે ભીની માટીની સુગંધ પણ ભળી હતી.
જ્યાં ક્યારેક ધરતી પર તિરાડો પડતી હતી, ત્યાં હવે લીલોતરી લહેરાતી હતી.
જ્યાં સ્ત્રીઓ પાણીના એક બેડા માટે માઈલો ચાલતી હતી, ત્યાં હવે ઘરના આંગણે પાણીની ધાર વહેતી હતી.
અને જ્યાંથી યુવાનો રોજગારીની શોધમાં પરદેશ જતા હતા, ત્યાં હવે પોતાના ગામમાં જ ભવિષ્યનાં બીજ વાવવામાં આવતાં હતાં.
જડી એક દિવસ ખારેકના ઝાડ નીચે બેઠી હતી.
એણે હાથમાં એક ખારેક લીધી.
સૂકી હતી.
પણ મીઠી હતી.
જયસુખ એની બાજુમાં આવીને બેઠો.
જડીએ ખારેક એની હથેળીમાં મૂકી.
“જયા... યાદ છે? આ રણની ખારાશમાં પણ એની મીઠાશ ક્યારેય ગઈ નહોતી.”
જયસુખે ભીની માટી હાથમાં લીધી.
“આ ધરતી પણ એવી જ હતી જડી.”
થોડી ક્ષણ બંને ચૂપ રહ્યાં.
પછી જયસુખે ધીમેથી કહ્યું—
“ફરક એટલો જ છે કે પહેલાં એની મીઠાશ માટીની અંદર છુપાયેલી હતી...”
એણે સામે લહેરાતા લીલા ખેતરો તરફ જોયું.
“હવે એ મીઠાશ લીલોતરી બનીને દેખાય છે.”
વર્ષો પછી જયસુખનો પૌત્ર એની પાસે આવ્યો.
એણે હાથમાંની ખારેક જોઈને પૂછ્યું,
“દાદા, આ ખારેક આટલી સૂકી કેમ છે?”
જયસુખ હસ્યો.
“કારણ કે એણે રણ જોયું છે.”
“અને મીઠી કેમ છે?”
જયસુખે પૌત્રના માથા પર હાથ ફેરવ્યો.
“કારણ કે એણે આશા પણ જોઈ છે.”
પૌત્ર કદાચ વાતનો ઊંડો અર્થ સમજી શક્યો નહીં.
જયસુખે ખારેક એની હથેળીમાં મૂકી.
“આ સાચવી રાખજે.”
“શા માટે?”
જયસુખની આંખો દૂર સુધી પથરાયેલા લીલા ખેતરોમાં અટકી ગઈ.
“કારણ કે આ માત્ર ખારેક નથી, બેટા...”
એ થોડો અટક્યો.
“આ કચ્છની કહાણી છે.”
“રણની ખારાશમાંથી જન્મેલી મીઠાશની કહાણી.”
દૂર કેનાલમાં નર્મદાનું પાણી નિરંતર વહેતું હતું.
રણની ધરતી જાણે વર્ષો પછી હસી રહી હતી.
કચ્છ હવે માત્ર તરસની ઓળખ નહોતો.
એ સંઘર્ષની ઓળખ હતો.
આશાની ઓળખ હતો.
અને સૌથી વધારે—
માણસની અડગ જિજિવિષાની ઓળખ હતો.
ખારેક સૂકી હતી, પણ મીઠી રહી.
કચ્છ સૂકું હતું, પણ કચ્છીઓના હૃદયમાં મીઠાશ જીવતી રહી.
અને જ્યારે એ મીઠાશે ખારાશ સામે ઝૂકવાને બદલે સંઘર્ષનો હાથ પકડ્યો...
ત્યારે તરસેલી ધરતી સુધી પાણી પહોંચ્યું.
રણમાં લીલોતરી ઊગી.
અને કચ્છના આકાશ નીચે
નંદનવનનું એક સ્વપ્ન
ધીમે ધીમે
સાકાર થવા લાગ્યું.
