રાખમાં ગુલાબ.
રાખમાં ગુલાબ.
રાખમાં ગુલાબ
નાગાસાકીની એક સવાર, વર્ષ હતું ૧૯૪૫. અને નવેમ્બર મહિનો ચાલતો હતો .
નાગાસાકી...
એક સમયનું ધબકતું શહેર હવે રાખ, કાટમાળ અને સન્નાટાની ચાદર ઓઢીને પડ્યું હતું.
કેટલાક દિવસ પહેલાં જ્યાં બજારોમાં લોકોની ભીડ રહેતી, દુકાનોમાં હાસ્ય સંભળાતું અને બાળકો શેરીઓમાં દોડતાં, ત્યાં હવે માત્ર તૂટેલી દીવાલો, વાંકી વળી ગયેલી લોખંડની સળિયા અને બળેલા લાકડાની ગંધ હતી.
વિનાશ એટલો સંપૂર્ણ હતો કે જાણે કોઈએ શહેરમાંથી માત્ર માણસોને જ નહીં, પરંતુ તેની યાદોને પણ ભૂંસી નાખી હોય.
પરમાણુ વિસ્ફોટ પછી બચી ગયેલા ઘણા લોકો શહેર છોડીને દૂર ચાલ્યા ગયા હતા. નાગાસાકી જાણે જીવંત નગરમાંથી એક નિર્જીવ ખંડેરમાં ફેરવાઈ ગયું હતું.
પરંતુ એક વૃદ્ધ માણસ હજી પણ એ શહેર સાથેનો સંબંધ તોડી શક્યો નહોતો.
તેનું નામ હતું—હિરોશી.
હિરોશી એક સમયે ઘડિયાળ બનાવતો અને રિપેર કરતો કારીગર હતો. નાની એવી તેની દુકાનમાં દિવસભર ઘડિયાળોના ટિક-ટિકના અવાજો સંભળાતા.
તે કહેતો,
“ઘડિયાળની દરેક ટિક આપણને યાદ અપાવે છે કે સમય ક્યારેય અટકતો નથી.”
પરંતુ હવે તેની પોતાની ઘડિયાળ પણ સમય સાથે અટકી ગઈ હતી.
વિસ્ફોટમાં તેનો આખો પરિવાર ગુમાઈ ગયો હતો.
પત્ની...
દીકરો...
વહુ...
અને તેની નાની પૌત્રી, યુમી.
યુમીને લાલ ગુલાબ બહુ ગમતાં.
દુકાનની બહાર એક નાનકડા ક્યારામાં તેણે જ એક વખત ગુલાબનો છોડ રોપ્યો હતો. રોજ સવારે દુકાન ખોલતાં પહેલાં તે છોડને પાણી આપતી અને પછી દાદાને કહેતી,
“દાદા, આ ગુલાબ એક દિવસ બહુ મોટું થશે.”
હિરોશી હસીને કહેતો,
“હા, અને તું પણ એની સાથે મોટી થઈશ.”
પણ હવે...
ન ગુલાબ હતું, ન યુમી.
---
વિસ્ફોટના લગભગ સો દિવસ પછીની નવેમ્બર માસની એક ઠંડી સવાર હતી.
હિરોશી ધીમે ધીમે પોતાના જૂના બજાર તરફ ચાલતો હતો.
તે જાણતો હતો કે ત્યાં હવે તેની દુકાનનું કોઈ અસ્તિત્વ નહીં હોય. છતાં મન વારંવાર કહે,
“એક વાર જઈને જોઈ આવ, હિરોશી..”
કદાચ માણસ પોતાના ભૂતકાળને શોધવા નહીં, પરંતુ પોતાના હૃદયને સમજાવવા પાછો ફરતો હોય છે.
હિરોશી પોતાની દુકાન જ્યાં હતી ત્યાં પહોંચ્યો.
ક્યાંક દીવાલનો એક ટુકડો બચ્યો હતો.
ક્યાંક બળેલા લાકડાનો ઢગલો હતો.
ક્યાંક ઘડિયાળના તૂટેલા કાચના ટુકડા પડ્યા એમના.એમ જ વિખરાયેલ. હતા.
તે કાટમાળ વચ્ચે બેસી ગયો.
થોડી વાર સુધી તે નિઃશબ્દ રહ્યો.
પછી તેને કંઈક ચમકતું દેખાયું.
કાટમાળમાંથી તેણે ધીમેથી એક નાની ઘડિયાળનો ભાગ બહાર કાઢ્યો.
તે તેની દુકાનની જ ઘડિયાળ હતી.
ઘડિયાળ બળી ગઈ હતી.
કાચ તૂટી ગયો હતો.
સોયો અટકી ગઈ હતી.
સમય પણ અટકી ગયો હતો.
હિરોશીએ તેને હાથમાં લીધી અને આંખો બંધ કરી.
“સમય... તું પણ અહીં આખરે અટકી ગયો?”
તેની આંખોમાં આંસુ આવી ગયાં.
એ જ ક્ષણે તેને, વાતાવરણ માં એક અજીબ સુગંધ આવી.
ખૂબ હળવી...
પણ ઓળખીતી.
ગુલાબની સુગંધ.
હિરોશીએ ચોંકીને આસપાસ જોયું.
આ રાખ અને કાટમાળ વચ્ચે ગુલાબની સુગંધ ક્યાંથી આવે?
તે ધીમે ધીમે કાટમાળ હટાવવા લાગ્યો.
એક પથ્થર...
પછી બીજો...
પછી રાખનો જાડો થર...
અને અચાનક તેની આંગળીઓ કોઈ નરમ માટીને અડકી.
હિરોશી અટકી ગયો.
તેણે બંને હાથથી માટી હટાવી.
અને તેની આંખો સામે જે હતું તે જોઈને તે નિઃશબ્દ થઈ ગયો.
કાળી પડી ગયેલી ધરતીમાંથી એક નાનકડો છોડ બહાર આવ્યો હતો.
અને તેના ઉપર...
એક લાલ ગુલાબ ખીલેલું હતું.
હિરોશી લાંબા સમય સુધી તેને જોતો રહ્યો.
આખું શહેર બળી ગયું હતું.
ઘરો બળી ગયા હતા.
દુકાનો બળી ગઈ હતી.
લોકો ગુમ થઈ ગયા હતા.
પણ જીવન...
જીવન હજી અહીં હતું.
એક નાનકડા ગુલાબના રૂપમાં.
હિરોશીએ ધ્રૂજતા હાથથી તે ફૂલને સ્પર્શ્યું.
“યુમી...”
તેના મોંમાંથી માત્ર એટલું જ નીકળ્યું.
એને લાગ્યું જાણે તેની નાની પૌત્રી ફરીથી સામે ઊભી હોય અને કહેતી હોય—
“દાદા, જોયું? મેં કહ્યું હતું ને... આ ગુલાબ એક દિવસ મોટું થશે.”
હિરોશીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.
પરંતુ આ વખતે એ આંસુ માત્ર દુઃખના નહોતા.
એમાં આશા પણ હતી.
તેની નજર હાથમાં પકડેલી અટકી ગયેલી ઘડિયાળ પર ગઈ.
પછી ગુલાબ તરફ.
એક તરફ અટકેલો સમય હતો...
અને બીજી તરફ ફરીથી જન્મ લેતું જીવન.
હિરોશીએ પોતાની કેડેથી પાણીની નાની બોટલ કાઢી.
બોટલમાં થોડું જ પાણી હતું.
તે જાણતો હતો કે એ પાણી તેની પોતાની તરસ માટે પણ જરૂરી હતું.
પણ તેણે એક ક્ષણ પણ વિચાર્યું નહીં.
તે પાણી ધીમેથી ગુલાબના છોડના મૂળમાં રેડી દીધું.
એ રીતે...
જાણે પોતાની પૌત્રીને પાણી પીવડાવતો હોય.
પછી તેણે ઘડિયાળને ફરી હાથમાં લીધી.
અચાનક તેની નજર સેકન્ડની સોય પર પડી.
તેને લાગ્યું કે...
સોય જરા હલી હતી.
હિરોશી હસ્યો .
કદાચ તે માત્ર તેની આંખોનો ભ્રમ હતો.
કદાચ ઘડિયાળ ખરેખર બંધ હતી.
પણ એ ક્ષણે તેને સમજાઈ ગયું હતું—
ઘડિયાળ ચાલે કે ન ચાલે...
જીવન ફરી ચાલવાનું શરૂ થઈ ગયું હતું.
તે ધીમે ધીમે ઊભો થયો.
પાછળ વળીને તેણે છેલ્લી વાર ગુલાબને જોયું.
પછી કાટમાળમાંથી બહાર નીકળવા લાગ્યો.
નાગાસાકી હજી પણ રાખમાં દટાયેલું હતું.
પરંતુ હિરોશીના હૃદયમાં હવે રાખ નહોતી.
ત્યાં એક નાનું લાલ ગુલાબ ખીલી ગયું હતું.
અને તેને લાગ્યું—
શહેરો નષ્ટ થઈ શકે છે.
ઘડિયાળો અટકી શકે છે.
માણસો વિખેરાઈ શકે છે.
પરંતુ જીવન...
જીવન રાખમાંથી પણ પોતાનો રસ્તો શોધી લે છે.
હિરોશી આગળ વધતો ગયો.
તેના પગલાં ધીમા હતા...
પણ આ વખતે એ પગલાં ભૂતકાળ તરફ નહીં, ભવિષ્ય તરફ જઈ રહ્યા હતા.
— સમાપ્ત —
ડિસ્ક્લેમર (Disclaimer)
પ્રસ્તુત વાર્તા દ્વિતીય વિશ્વયુદ્ધ અને નાગાસાંકીના પરમાણુ હુમલાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત કાલ્પનિક (Fictional) રચના છે.
વાર્તામાં દર્શાવેલા પાત્રો (જેવા કે હિરોશી, કે યુમી ) અને ઘટનાઓ માત્ર લેખન અને કલ્પનાશક્તિના ભાગ રૂપે રજૂ કરવામાં આવ્યા છે, જેનો હેતુ યુદ્ધના વિનાશ વચ્ચે માનવીય આશા અને પ્રકૃતિની અડગતાને ઉજાગર કરવાનો છે.
આ રચનાનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, સમુદાય કે ઇતિહાસની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ શાંતિ અને માનવતાનો સંદેશ આપવાનો છે.
