રેતમાં રંગોળી
રેતમાં રંગોળી
રેતમાં રંગોળી
કચ્છના ખાવડા મુકામે રેલવેના પાટાએ જાણે રણની સફેદ ચાદર પર પોતાની સોડ લંબાવી દીધી હતી.
ખાવડા સ્ટેશન પહેલાં આવેલા ફાટક પરથી રોજ સાંજે 18:30ની છેલ્લી લોકલ ટ્રેન રોજ પસાર થતી.
ફાટકનો રાખેવાળ હતો,જ્હોન ડિકોસ્તા.
છેલ્લી લોકલ પસાર થઈ જાય પછી રાત સુધી બીજી કોઈ ટ્રેન આવવાની નહોતી.
ટ્રેન ફાટક વટાવી જાય ત્યાર બાદ જ્હોન ફાટકની બાજુમાં પથરાયેલી રણની સફેદ રેતી પર આંગળીથી કંઈક દોરતો રહેતો.
ક્યારેક એક ગોળ…
ક્યારેક એક નાનું ઘર…
અને ક્યારેક…
બે નાનકડાં પગલાં…
ખાવડા ગામના લોકો કહેતા,
“આ જ્હોન ગજબનો ઘેલો છે! રેતીમાં રંગોળી દોરે છે!”
પણ કોઈને ખબર નહોતી કે એ રંગોળી માત્ર રંગોળી નહોતી.
એ એક યાદ હતી…
તેની નાની દીકરી એલિસની.
નાની એલિસને રંગોળી દોરવી બહુ ગમતી.
પણ એક દિવસ…
રણમાં આવેલી અચાનક રેતીની આંધીએ જ્હોનની દુનિયા ખાલી કરી દીધી.
ધૂળ અને રેતીની ડમરીમાં એલિસ ગુમ થઈ ગઈ હતી…
અને ત્યારથી જ્હોનની દરેક સાંજ…
એલિસની યાદને રેતીમાં દોરવામાં પસાર થતી.
---
એક સાંજે…
18:30ની લોકલ ટ્રેન તેના નક્કી સમય કરતાં થોડી વહેલી આવી રહી હતી.
જ્હોન રેતીમાં એલિસનો ચહેરો દોરી રહ્યો હતો.
રેતી પર આંગળીના લિસોટાથી ઉપસાવેલું એ ચિત્ર એટલું નાજુક… એટલું પ્રેમાળ હતું કે પવન પણ તેને બગાડતાં સંકોચાતો હોય એવું લાગતું હતું.
અચાનક…
દૂરથી ટ્રેનનું હોર્ન સંભળાયું.
જ્હોન હાંફળો થઈને ઊભો થયો અને ફાટક બંધ કરવા દોડ્યો.
પણ…
રેતી પર દોરાયેલી એ નાની આંખો…
એક ક્ષણ માટે…
તેને રોકી રહી હતી.
આને એ જ ક્ષણ જ્હોન માટે ઘણી મોંઘી સાબિત થઈ.
જ્યારે તે ફાટક સુધી પહોંચ્યો…
ત્યારે ટ્રેન ખૂબ નજીક આવી ચૂકી હતી.
અકસ્મત ટાળી શકાયો નહીં.
જ્હોનને ગંભીર ઈજા થઈ.
લોકો દોડી આવ્યા.
લોકોના પગરવથી રેતી પર દોરેલી એ રંગોળી બિખરાઈ ગઈ.
થોડી જ વારમાં જ્હોનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
તેની આંખો અડધી ખુલ્લી હતી…
શ્વાસ ધીમો થઈ રહ્યો હતો.
તેણે ધીમેથી આંખો ખોલી અને ખૂબ જ નબળા અવાજે કહ્યું—
“એલિસ…
આજે મેં તને…યાદ કરી હતી
ફરી દોરી હતી…, અને ટુ આવી ઓણ હતી ”
અને એ શબ્દો સાથે…
જ્હોનની આંગળી હવામાં એક નાની રેખા ખેંચતી…
અટકી ગઈ.
---
રેતની એ રંગોળી…
જે રોજ સાંજે જ્હોનની યાદમાં જીવતી હતી …
તે આજે જ્હોન સાથે જ બિખરાઈ ગઈ.
પણ…
ગામના લોકો આજે પણ કહે છે—
જ્યારે સાંજ પડે…
અને પવન શાંત હોય…
ત્યારે રેલવે ફાટકની બાજુમાં આવેલી રેતી પર…
એક નાની રંગોળી દેખાય છે.
કોઈ તેને દોરતું નથી…
કોઈને ખબર નથી કે એ ક્યાંથી આવે છે…
પણ ગામના લોકો માને છે કે એ…
જ્હોન અને એલિસની…
અવિનાશી યાદ છે.
---
લેખક — કલ્પેશ પટેલ © 2026
