STORYMIRROR

Kalpesh Patel

Children Stories Drama Classics

4  

Kalpesh Patel

Children Stories Drama Classics

ખિસ્સામાં ચાંદ~

ખિસ્સામાં ચાંદ~

2 mins
3

ખિસ્સામાં ચાંદ~ઉજાસ 

સાંજનો સમય હતો. આકાશમાં હજી સૂર્યાસ્તની લાલાશ છવાયેલી હતી, પણ  આંગણામાં પાંચ વરસના ઉમંગના ચહેરા પર આજે એક અલગ જ ચમક હતી.

ઉમંગ સ્વભાવે જ જિજ્ઞાસુ અને કલ્પનાશીલ બાળક હતો. આજે સ્કૂલેથી રમીને પાછા ફરતી વખતે રસ્તામાં તેને એક અનોખી વસ્તુ મળી હતી – ચાંદીના વરખ જેવો ચમકતો એક ગોળ કાગળનો ટુકડો, જે બરાબર પૂનમના નાના ચાંદ જેવો જ દેખાતો હતો.

ઉમંગે હર્ષભેર એ ટુકડાને પોતાના શર્ટના ખિસ્સામાં, કોઈ ગડી પડે નહિ તેમ સાચવીને મૂકી દીધો અને મનોમન વિચારવા લાગ્યો,

"હવે આજે તો મારી પાસે અસલી ચાંદ છે!"

ઘરે પહોંચીને જમી પરવારી ઉમંગે તરત જ પોતાનું હોમવર્ક પૂરું કર્યું અને ફળિયામાં ખાટલો પાથરીને બેસી ગયો. બહાર રાત ઘેરાવા લાગી હતી અને આકાશમાં અસંખ્ય તારા ટમટમી રહ્યા હતા.

ઉમંગે ધીમેથી પોતાનો હાથ ખિસ્સામાં નાખ્યો અને પેલા ચમકતા કાગળના ટુકડાને સ્પર્શ કર્યો. એને એમ લાગ્યું કે જાણે એ ખિસ્સામાં હાથ નાખીને આકાશના ઠંડા ચાંદને સ્પર્શી રહ્યો છે.

થોડીવાર પછી ઉમંગના મમ્મી રસોડામાંથી ગરમ દૂધનો પ્યાલો લઈને બહાર આવ્યા. તેમણે ઉમંગને આમ એકદમ ખોવાઈ ગયેલો જોઈને પૂછ્યું,

"કેમ રે ઉમંગ, શું વિચારે છે આટલો ગંભીર થઈને? આકાશ સામે કેમ તાકી રહ્યો છે?"

ઉમંગે ઉત્સાહથી ખિસ્સામાંથી પેલો નાનો ચાંદ બહાર કાઢ્યો અને મમ્મીની હથેળી પર મૂકતા કહ્યું, "મમ્મી, મારે આકાશના ચાંદની રાહ જોવાની જરૂર નથી. જો, મેં એને મારા ખિસ્સામાં જ બંધ કરી દીધો છે! હવે એ ક્યાંય નહીં જાય."

મમ્મીએ દીકરાની આ માસૂમ અને સુંદર કલ્પના જોઈને સ્મિત કર્યું. તેમણે પેલા ચમકતા ટુકડાને પ્રેમથી હાથમાં લીધો અને ઉમંગને સમજાવતા કહ્યું,

"બેટા, આ તો કાગળનો ટુકડો છે,
“બેટા, સાચો ચાંદ તો આકાશમાં જ હોય છે. પણ તું જેને ચાંદ માને છે ને, એ તારી કલ્પનાનો ચાંદ છે. અને જ્યાં કલ્પનાનો ઉજાસ હોય ત્યાં અંધારું ક્યાંથી રહે?”

ઉમંગ વધુ કાંઈ સમજ્યો નહિ પરંતું મમ્મીને હસીને વાત કરતા ભાળીને ખુશ થઈ ગયો.

તેણે ફરીથી એ ચમકતી ચીજને પોતાના ખિસ્સામાં સરકાવી દીધી અને આકાશ તરફ જોઈને મનોમન હસી પડ્યો. 

“ઉમંગના ચહેરા પર આજે એક અલગ જ ઉમંગ હતો ” 

એ રાત્રે ઉમંગ ઊંઘી ગયો.
આકાશમાં ચાંદ હતો...
અને ઉમંગના ખિસ્સામાં પણ.
ફરક એટલો જ હતો કે આકાશનો ચાંદ આખી દુનિયા જોતું હતું, જ્યારે ઉમંગનો ચાંદ માત્ર તેના નાનકડા દિલને અજવાળતો હતો.



સામગ્રીને રેટ આપો
લોગિન