STORYMIRROR

Kalpesh Patel

Drama Thriller

4.5  

Kalpesh Patel

Drama Thriller

404: ધ અનએક્ઝિસ્ટન્ટ ડે.

404: ધ અનએક્ઝિસ્ટન્ટ ડે.

5 mins
25

404: ધ અનએક્ઝિસ્ટન્ટ ડે
(404 : The Nonexistent Day)

29 ફેબ્રુઆરી, 2028. રાત્રે 11:45 વાગ્યે…

સુરતના જાણીતા ડેટા સિક્યુરિટી એક્સપર્ટ શ્લોક શાહ પોતાની ઓફિસની રિવોલ્વિંગ ચેર પર બેઠા હતા. સામે કમ્પ્યુટરની વિશાળ સ્ક્રીન પર સુરત નેશનલ બેંકના મુખ્ય સર્વરની સુરક્ષા વ્યવસ્થાનાં લોગ્સ ખુલ્લાં હતાં.

શ્લોકની આંખોમાં ઊંઘનો અંશ નહોતો. છેલ્લા કેટલાક કલાકોથી તેઓ એક એવી ડિજિટલ ગૂંચવણ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેનો ખુલાસો થાય તો દેશની બેંકિંગ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થઈ શકે તેમ હતા.

તેને જાણવા મળ્યું હતું કે બેંકના ડિજિટલ ગોલ્ડ રિઝર્વમાં રહેલા રૂ. 500 કરોડના સોનાના હિસાબને ગેરકાયદેસર રીતે બદલી નાખવાની યોજના ઘડાઈ હતી. એ માટે એક જૂની સિસ્ટમની ખામીનો લાભ લેવાનો હતો. હુમલાખોરે એવી સમયસીમા પસંદ કરી હતી, જેમાં બેંકના એક જૂના સોફ્ટવેરમાં તારીખ અને સમયના રેકોર્ડ વચ્ચે વિસંગતતા ઊભી થઈ શકે.

આ ખામીનો લાભ લઈને ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરવામાં આવવાની હતી. હુમલાખોરની ગણતરી એવી હતી કે સુરક્ષા લોગ્સમાં ગડબડ ઊભી થાય તો ચોરીનો ચોક્કસ સમય અને તેની ડિજિટલ કડી શોધવાનું મુશ્કેલ બની જાય.

એ સમય હતો—29 ફેબ્રુઆરીની છેલ્લી મિનિટ અને 1 માર્ચની પહેલી મિનિટ વચ્ચેનો!

શ્લોકને એક જ વાતની ચિંતા હતી: આ કાવતરું ઘડનાર વ્યક્તિને સિસ્ટમની અંદરની માહિતી કેવી રીતે મળી?

જવાબ કદાચ તેની સામે જ બેઠો હતો.

11:52 PM — શંકા અને સન્નાટો

ઓફિસમાં ગાઢ શાંતિ હતી. એરકન્ડિશનરનો હળવો અવાજ અને દિવાલ પરની ઘડિયાળની ટિક-ટિક કરતા લોલકનાં અવાજ સિવાય કશું સંભળાતું નહોતું.

શ્લોકે પોતાના આસિસ્ટન્ટ સુલેમાન તરફ નજર કરી. તે આરામથી કોફી પી રહ્યો હતો.

“સુલેમાન, સર્વર લોગ્સ ફરીથી ચકાસ્યા?”

“હા, સર. બધું નોર્મલ છે. કોઈ હેકિંગ એટેકના પુરાવા નથી.”

સુલેમાનના અવાજમાં આત્મવિશ્વાસ હતો, પણ શ્લોકની નજર તેના ચહેરા પર નહીં, તેના હાથ પર હતી.

સુલેમાને હમણાં જ પોતાની પેનડ્રાઇવ ખિસ્સામાં સંતાડી હતી.

શ્લોકને અચાનક સાંજે છ વાગ્યે બનેલી ઘટના યાદ આવી. બેંકના સર્વરમાંથી અજાણ્યા કનેક્શનનો એક નાનો સંકેત મળ્યો હતો. ત્યારથી તેમણે ગુપ્ત રીતે વધારાની મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવી હતી. થોડા સમય પહેલાં જ એ વ્યવસ્થાએ ફરી એક અસામાન્ય સંકેત નોંધ્યો હતો.

આ બધું સુલેમાનની હાજરીમાં જ બન્યું હતું.

“તું... તું આ બધું કરી રહ્યો છે, સુલેમાન?, પણ મને તેની જાન છે.”

સુલેમાનના ચહેરા પરનો નિર્દોષ ભાવ ધીમે ધીમે ઓગળી ગયો.

તેણે કોફીનો મગ ટેબલ પર મૂક્યો અને ખિસ્સામાંથી સાયલેન્સર લગાવેલી રિવોલ્વર કાઢી.

“તમારે આ સવાલ પૂછવો જરૂરી નહોતો, સર.”

શ્લોકની નજર હવે બંદૂકની નળી પર સ્થિર થઈ ગઈ.

“એટલે ચોર બહારનો કોઈ હેકર નથી... તું જ છે!”

“બિલકુલ સાચું. અને હવે આ વાત જાણનાર બીજું કોઈ જીવતું નહીં રહે.”

11:56 PM — સમય સામેની દોડ

સુલેમાને કમ્પ્યુટર સ્ક્રીન તરફ ઇશારો કર્યો.

“આ બેંકની જૂની સિસ્ટમ છે, સર. વર્ષો પહેલાંની એક ખામીનો લાભ લઈને મેં ટ્રાન્સફરની પ્રક્રિયા તૈયાર કરી છે. તારીખ બદલાય એ પહેલાં જે કામ પૂરું થવું જોઈએ, એ થઈ જશે. પછી લોગ્સમાં ગૂંચવણ ઊભી થશે અને તપાસ કરનારાઓ માટે સાચી કડી શોધવી મુશ્કેલ બની જશે.”

“અને પાંચસો કરોડ તારા ખાતામાં પહોંચી જશે?”

“એનાં માટે જ તો આખી રમત છે.”

“અને હું?”

સુલેમાનના હોઠ પર ઠંડું સ્મિત ફરક્યું.

“તમારો મૃતદેહ અહીં હશે, પણ તમારી છેલ્લી મિનિટના પુરાવા શોધવા પોલીસને મુશ્કેલી પડશે. તમારી હત્યા અને આ ટ્રાન્સફર વચ્ચેની કડી સાબિત કરવી સહેલી નહીં રહે.”

શ્લોક સમજી ગયા કે હવે વાત માત્ર નાણાંની ચોરીની નહોતી. સુલેમાન દરેક સાક્ષીનો અંત લાવવા તૈયાર હતો.

ઘડિયાળના કાંટા આગળ વધી રહ્યા હતા.

11:57...

11:58...

શ્લોકે ધીમેથી કહ્યું, “એક વાત ભૂલી ગયો, સુલેમાન. તું જૂની સિસ્ટમની ખામી જાણે છે, પણ એ આખી સિસ્ટમની  મને પણ ખબર છે.”

સુલેમાનની આંખો સહેજ સંકોચાઈ.

“શું કહેવા માગો છો?”

“આજે સાંજે મેં સર્વરના અસામાન્ય કનેક્શનને અલગથી મોનિટર કરવાનું શરૂ કર્યું હતું. તારી દરેક શંકાસ્પદ પ્રવૃત્તિનો રેકોર્ડ બીજી સુરક્ષિત સિસ્ટમમાં પણ નોંધાઈ રહ્યો છે.”

સુલેમાનના ચહેરા પર પહેલી વાર ગભરાટ દેખાયો.

“ શક્ય નથી, તમે માત્ર બ્લફ કરી રહ્યા છો!”

“તો પછી તને સ્ક્રીન તપાસવામાં વાંધો શું છે?”

સુલેમાનની નજર એક ક્ષણ માટે સ્ક્રીન તરફ ગઈ.

શ્લોક માટે, આજ એક ક્ષણ પૂરતી હતી.

11:59 PM,આખરી મિનિટ

શ્લોકે ટેબલ પર પડેલું ભારે કાચનું પેપરવેઇટ પૂરી તાકાતથી સુલેમાન તરફ ફેંક્યું.

ધડાકો થયો.

ગોળી છૂટી અને શ્લોકના ખભાને છોલીને પાછળની દીવાલમાં ખૂંપી ગઈ.

પેપરવેઇટ સુલેમાનના હાથ પાસે વાગ્યું. તેની પકડ ઢીલી પડી અને રિવોલ્વર નીચે પડી ગઈ.

પરંતુ સુલેમાન તરત જ શ્લોક પર તૂટી પડ્યો.

બંને વચ્ચે કમ્પ્યુટર ટેબલ પાસે ઝપાઝપી શરૂ થઈ. શ્લોકના ખભામાંથી લોહી વહી રહ્યું હતું, છતાં તેમણે સુલેમાનને કીબોર્ડ સુધી પહોંચવા દીધો નહીં.

એ જ સમયે સ્ક્રીન પર લાલ અક્ષરો ઝબકવા લાગ્યા.

TRANSFER INITIATED…

01%... 50%... 99%...

“મોડું થઈ ગયું, સર!” સુલેમાન ગર્જ્યો. 

“પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે!”

શ્લોકે તેને ધક્કો મારીને દૂર કરવાનો પ્રયાસ કર્યો. સુલેમાને ફરી રિવોલ્વર પર હાથ નાખ્યો.

ઘડિયાળમાં 11:59:50 થઈ ચૂક્યા હતા.

દસ સેકન્ડ!

શ્લોકની નજર ટેબલની નીચે આવેલા ઇમરજન્સી પાવર કંટ્રોલ પર પડી. તેમણે પૂરી તાકાતથી પગ મારીને મુખ્ય પાવર કનેક્શન તોડી નાખ્યું.

કમ્પ્યુટર સ્ક્રીન અચાનક કાળી થઈ ગઈ.

ઓફિસમાં અંધકાર છવાઈ ગયો.

થોડી ક્ષણ માટે બધું શાંત થઈ ગયું.

પછી બહારથી પોલીસની સાયરન સંભળાઈ.

12:00 AM — દિવસ બદલાયો, રમત પણ

ઓફિસનો દરવાજો ધડાકાભેર ખૂલ્યો.

“પોલીસ! કોઈ હલશે નહીં!”

કમિશનર રાઠોડ પોતાની ટીમ સાથે અંદર પ્રવેશ્યા. બે અધિકારીઓએ સુલેમાનને કાબૂમાં લીધો અને તેના હાથમાંથી રિવોલ્વર દૂર કરી.

સુલેમાન સ્તબ્ધ હતો.

“આ... આ કેવી રીતે શક્ય છે? મધરાત પછી તો મારી ટ્રાન્સફરની કોઈ કડી જ મળવાની નહોતી!”

શ્લોકે પોતાના ખભા પરથી વહી રહેલા લોહીને રૂમાલથી દબાવ્યું.

“તું એક વાત ભૂલી ગયો, સુલેમાન. જૂની સિસ્ટમમાં ખામી હોઈ શકે, પણ દરેક સુરક્ષા વ્યવસ્થા એ જ સિસ્ટમ પર આધારિત હોય એવું જરૂરી નથી.”

કમિશનર રાઠોડે શ્લોક તરફ જોયું.

શ્લોકે સમજાવ્યું, “સાંજે છ વાગ્યે જ મેં બેંકની સ્વતંત્ર મોનિટરિંગ વ્યવસ્થા દ્વારા શંકાસ્પદ કનેક્શનનો સંકેત મેળવ્યો હતો. મેં તરત જ તમને જાણ કરી હતી. ત્યારથી તમારી ટીમ બહાર તૈયાર હતી. મધરાતે મુખ્ય પાવર કનેક્શન તૂટતાં જ ઇમરજન્સી એલાર્મે અલગ બેકઅપ વ્યવસ્થા દ્વારા પોલીસને સંકેત મોકલ્યો.”

કમિશનરે સુલેમાનના હાથમાં હાથકડી પહેરાવવાનો ઇશારો કર્યો.

“અને તારી પેનડ્રાઇવમાં રહેલા પુરાવા પણ હવે અમારી પાસે છે,” શ્લોકે ઉમેર્યું.

સુલેમાનનું માથું ઝૂકી ગયું.

પાંચસો કરોડની લાલચમાં તેણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો, પણ એ જ બુદ્ધિએ તેને એક વાત શીખવી નહોતી—કોઈ પણ ખામીનો લાભ લેતી વખતે માણસ પોતાની ભૂલોને અદૃશ્ય કરી શકતો નથી.

ઉપસંહાર, જે દિવસ ક્યારેય વધારાનો , કે ગુમ. પણ થવા સર્જાયો નહતો.

પોલીસ સુલેમાનને લઈ ગઈ.

શ્લોક બારી પાસે આવીને ઊભા રહ્યા. બહાર સુરતની રાત ધીમે ધીમે શાંત થઈ રહી હતી.

કમ્પ્યુટરની ઘડિયાળ ફરી ચાલુ થઈ.

01 March 2028 — 12:03 AM

તારીખ બદલાઈ ચૂકી હતી.

શ્લોકના મનમાં એક વિચિત્ર વિચાર ઊભો થયો. માણસ ટેક્નોલોજી બનાવે છે, તેને વધુ બુદ્ધિશાળી બનાવે છે અને પછી એની ખામીઓ શોધીને પોતાને અજેય માનવા લાગે છે. પરંતુ દરેક સિસ્ટમની બહાર એક બીજી દુનિયા હોય છે.

જ્યાં માણસના નિર્ણયો, તેની લાલચ અને તેનું અંતરાત્મા કામ કરે છે.

29 ફેબ્રુઆરી કેલેન્ડરમાં આવતો એક વધારાનો દિવસ હતો. સુલેમાન માટે એ ગુનો છુપાવવાની તક હતી; શ્લોક માટે એ સત્યને બચાવવાની કસોટી બની ગયો.

આમ જુવો તો દિવસ તો વધારાનો હતો, પણ ન્યાય માટેનો સમય ક્યારેય વધારાનો હોતો નથી.

અને કદાચ આ જ આ વાર્તાનું સાચું રહસ્ય હતું—કોઈ દિવસ ખરેખર અસ્તિત્વહીન હોતો નથી. ક્યારેક માત્ર માણસની સમજ અને અંતરાત્મા જ ગાયબ થઈ જાય છે.


કલ્પેશ પટેલ ©



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama