ગરબડ
ગરબડ
ગરબડ
🎅 ખુશીઓનો ચોર
*આગામી ક્રિસમસ માટે વિશેષ વાર્તા*
સાંતાની વર્કશોપ આજે પણ વહેલી ચાલુ થઈ!
આ વર્ષે કેલેન્ડરનું ડિસેમ્બર મહિનાનું પચ્ચીસમું પાનું અચાનક બાકીનાં પાનાં સાથે ચોંટી ગયું. આમ, આગળનાં બધાં પાનાં તો એમનાં એમ ફિક્સ જ હતાં.
કેલેન્ડરના આજના પાના પર પણ મોટાં અક્ષરોમાં લખેલું હતું—
📅 **25 ડિસેમ્બર : Christmas**
સાંતા આંખો મસળીને બોલ્યા,
“અરે! હજી તો કાલે જ 25 ડિસેમ્બર હતી ને?”
એક ઓર્ડલી દોડતો આવ્યો.
“સર… કેલેન્ડર કદી ભૂલ કરે ખરું?”
સાંતાએ ચશ્માં ચડાવીને ગંભીરતાથી જવાબ આપ્યો,
“કેલેન્ડર જો કહે છે કે ક્રિસમસ છે, તો વર્કશોપ આજે પણ ચાલુ રાખવી જ પડશે!”
ઉત્તર ધ્રુવની સાંતાની ફેક્ટરીમાં વહેલી સવારથી જ હોહા ચાલુ થઈ ગઈ. હજી તો સૂરજ પણ બરફની ચાદરમાં લપેટાયેલો હતો, એટલામાં—
🔔 ટિંગ–ટિંગ!
વર્કશોપની ઘંટડી વાગી!
એક એલ્ફ ઊંઘમાં બબડ્યો,
“આ સ્નૂઝ બટન નથી ને?”
બીજો એલ્ફ આંખો ચોળતાં બોલ્યો,
“સાંતા સર, હજી તો કોફી પણ ગરમ નથી!”
સાંતા હસીને બોલ્યા,
“ચાલે ભાઈ! ક્રિસમસ રોજ આવે તો કોફી પણ બચેલી અને ઠંડી જ પીવી પડે!”
આટલું કહીને તેમણે પોતાના ખાસ ‘અટેન્શન મોડ’માં આદેશો આપવાનું શરૂ કર્યું. ઉતાવળમાં કોઈને શું કરવાનું છે અને કોને શું મોકલવાનું છે, એનો જ મેળ ન રહ્યો.
પછી તો ગડબડની હારમાળા સર્જાઈ!
એક બાળકને રિમોટ વગરની કાર મળી.
બીજાને ચાર્જર વગરનું ટેબ્લેટ.
ત્રીજાને ‘DIY — જાતે બનાવજો’ લખેલું રમકડું મળ્યું.
અને એકાદ બાળકને ચોકલેટની જગ્યાએ સાંતાની જુલાબની ગોળીઓનું પેકેટ મળી ગયું!
ઓર્ડલી ગભરાઈને બોલ્યો,
“સર… આ બધું તો ખોટું છે! બાળકોની ખુશીનું શું થશે?”
સાંતા શાંતિથી બોલ્યા,
“ચિંતા નહીં… જવા દો. બાળકોને તો સરપ્રાઇઝ જ ગમે!”
પણ થોડી જ વારમાં એક એલ્ફ હાથમાં એક પત્ર લઈને આવ્યો.
“સર, આ પત્ર એક નાનકડા બાળકે લખ્યો છે. ભેટની યાદી સાથે મળ્યો હતો. એમાં રમકડાંની કોઈ માગણી નથી.”
સાંતાએ પત્ર ખોલ્યો.
તેમાં લખ્યું હતું—
*“વહાલા સાંતા,*
*ગયા વર્ષે તમે મને બહુ સરસ રમકડું મોકલ્યું હતું. મને એ ખૂબ ગમ્યું હતું. પણ એ દિવસે પપ્પા ઑફિસમાં હતા અને મમ્મી રસોડામાં કામ કરતાં હતાં. મેં બંનેને મારું રમકડું બતાવ્યું, પણ કોઈને મારી સાથે રમવાનો સમય નહોતો.*
આ વર્ષે મને મોંઘી ભેટ નથી જોઈતી. પપ્પા મારી સાથે થોડી વાર રમે, મમ્મી મને વાર્તા સંભળાવે અને અમે ત્રણેય સાથે બેસીને જમીએ, એટલું જ જોઈએ છે.
સાંતા, શું તમે આ ભેટ આપી શકશો?”
સાંતા પત્ર વાંચતાં વાંચતાં અટકી ગયા.
તેમના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે ઓસરી ગયું.
તેમણે આજુબાજુ ઊભેલા એલ્ફ્સ તરફ જોયું.
“આ બાળકને ભેટ તો મળી હતી, છતાં એની ખુશી ક્યાં ખોવાઈ ગઈ?”
એક વૃદ્ધ એલ્ફ ધીમેથી બોલ્યો,
“સર, કદાચ એની ખુશી કોઈ ચોરી ગયું છે!”
“કોણ? કોઈ ચોર?”
“હા સર! ક્યારેક ચોર હાથમાં છરી લઈને નથી આવતો. ક્યારેક એ કામના બહાને આવે છે, ક્યારેક મોબાઇલની સ્ક્રીન પાછળ છુપાય છે, તો ક્યારેક પૈસા અને સફળતાની દોડમાં સાથે દોડે છે. એ માતા-પિતાનો સમય ચોરી લે છે, બાળકોની વાતો સાંભળવાની ધીરજ ચોરી લે છે અને ધીમે ધીમે એમનું બાળપણ પણ ચોરી લે છે.”
વર્કશોપમાં એકાએક શાંતિ છવાઈ ગઈ.
સાંતાને પહેલી વાર સમજાયું કે દરેક બાળકની ખુશી રમકડાંના પેકેટમાં બંધ હોતી નથી. કેટલીક ખુશીઓ માતાના ખોળામાં હોય છે, કેટલીક પિતાના હાથમાં અને કેટલીક પરિવાર સાથે વિતાવેલી સામાન્ય પળોમાં.
તેમણે ફરી પત્ર વાંચ્યો.
આ વખતે તેમને એ બાળકની ભેટની માગણી નહીં, પણ એની એકલતા સંભળાઈ.
બપોરે કોફીની છેલ્લી ચુસ્કી લેતાં સાંતા વિચારમાં પડી ગયા.
“આપણે બાળકોને ભેટો તો મોકલીએ છીએ, પણ એમની સાથે વિતાવવાનો સમય કોણ મોકલશે? આખી દુનિયાને ક્રિસમસની ભેટો પહોંચાડીએ છીએ, પણ ક્યાંક કોઈ ઘરમાં પ્રેમ માટે તરસતું બાળક રહી જાય તો?”
તેમણે તરત જ પોતાના સહાયકોને બોલાવ્યા.
“આજથી એક નવો નિયમ! દરેક ભેટ સાથે એક નાનકડો સંદેશ મોકલવામાં આવશે—આજે કોઈ પોતાના બાળક સાથે થોડો સમય જરૂર વિતાવે. તેની વાત સાંભળે, તેની સાથે રમે અને એને અહેસાસ કરાવે કે એ કેટલું મહત્ત્વનું છે.”
એક એલ્ફે પૂછ્યું,
“સર, આ સંદેશથી બાળકોને એમની ભેટ કરતાં પણ વધારે ખુશી મળશે?”
સાંતા હસ્યા.
“એ તો સમય જ કહેશે. પણ એક વાત ચોક્કસ છે—રમકડાં તૂટી શકે, ચોકલેટ પૂરી થઈ શકે, પણ પ્રેમથી વિતાવેલી પળો હૃદયમાં લાંબા સમય સુધી જીવતી રહે છે.”
ત્યાર બાદ તેમણે વર્કશોપના વ્હાઇટબોર્ડ પર મોટાં અક્ષરોમાં લખ્યું—
**“ખુશી માટે કોઈ તારીખ ફિક્સ નથી; પણ ખુશી ચોરાઈ ન જાય એની જવાબદારી આપણી છે.”**
એલ્ફ્સે તાળીઓ પાડી.
સાંતાએ વધારાનો સ્ટાફ ભરતી કરવાનો આદેશ આપ્યો. તેમની ગુપ્ત વર્કશોપ હવે વર્ષના 365 દિવસ, ચોવીસ કલાક કાર્યરત રહેવાની હતી. ભેટો તૈયાર કરવા માટે નહીં માત્ર, પણ દુનિયાને ખુશી વહેંચવાનો સંદેશ પહોંચાડવા માટે પણ.
અને એ દિવસથી સાંતાની વર્કશોપમાં એક નવી પરંપરા શરૂ થઈ—દરેક ભેટની સાથે પ્રેમ, સમય અને લાગણીની યાદ અપાવતો એક સંદેશ.
કારણ કે સાંતા જાણતા થઈ ગયા હતા કે બાળકોની ખુશીનો ચોર હંમેશાં કોઈ અજાણી વ્યક્તિ જ નથી હોતો. ક્યારેક આપણા પોતાના જીવનની દોડધામ પણ એ ચોર બની જાય છે.
ખુશી કોઈ તહેવાર નથી, ખુશી એક ભાવ છે.
બાળકોને મોંઘી ભેટો કરતાં પ્રેમભર્યો સમય વધુ યાદ રહી શકે છે. એમનું બાળપણ પાછું આવતું નથી; એમની સાથે વિતાવેલી નાની નાની પળો જ જીવનની સૌથી મોટી ભેટ બની શકે છે.
અને બાળકોને આ ભેટ મળવી જ જોઈએ!
કારણ કે ખુશીઓ વહેંચવાથી વધે છે, પણ સમય અને પ્રેમનો અભાવ એને ચોરી લે છે.
🎄🎄🎄🎄
