કાન
કાન
કાન
ભરૂચના નર્મદાના તટના કબીરવડની નીચે હંમેશાં એક અજાણી શાંતિ વસતી હતી. નર્મદાના નીર વીંધીને આવી રહેલા પવન સાથે તેની પાંખડીઓ એવી સરસરતી કે જાણે કોઈ પ્રાચીન રાગ ગુંજતો હોય.
ભરૂચ ગામના લોકો કહેતા કે આ વડલો માત્ર વૃક્ષ નથી, આ તો બોલતો સંત છે, જે સદીઓથી માનવના મનની વાતો સાંભળે છે અને ક્યારેક જવાબ પણ આપે છે.
આવા કબીરવડની આસપાસ રોજ સાંજ પડતાં એક છોકરો આવતો — નામ તેનું વેદ. નાનકા વેદનું મન હંમેશાં ગૂઢ પ્રશ્નોથી ભરેલું:
- “જીવન શું છે?”
- “સુખ ક્યાં મળે?”
- “મારો માર્ગ કયો?”
એક દિવસ તે વડની નીચે બેઠો અને વિનંતી સાથે નમ્ર અવાજે બોલ્યો,
“હે વૃક્ષ, તું બધું જાણે છે. મૂંગું રહે તો શું કામનું, આજે મને પણ કંઈક કહે.”
પવન અચાનક શાંત થયો. પાંદડીઓ થોડી ધ્રૂજવા લાગી. વેદ ચોંકી ગયો, અને પછી… વૃક્ષ બોલ્યું.
“વત્સ વેદ,” વડલાનો અવાજ આજે નર્મદાનાં નીર જેવી ઊંડાઈ ધરાવતો હતો, “મારા મૂળ આ જમીનમાં ઊંડે સુધી ઊતરેલા છે, પણ મારી નજર પૂરા આકાશમાં ભમે છે. મને ખબર છે, માનવજાત હંમેશાં બે વસ્તુ વચ્ચે ફસાયેલી રહે છે.”
વેદ આશ્ચર્યથી સાંભળતો રહ્યો.
“તારે સુખ જોઈએ છે ને?
તો પહેલાં શાંતિ શોધ.
શાંતિ ત્યારે મળે છે જ્યારે માણસ પોતાનાં મૂળને ઓળખી શકે છે, તે ક્યાંથી આવ્યો છે, કોના માટે ઊભો છે અને કોને છાંયો આપી શકે છે.”
વેદ ઉત્સુકતા સાથે પૂછે છે,
“પણ, દાદા શાંતિનો માર્ગ?”
વડલો હળવેથી હસે છે, “
માર્ગ તો તારે જાતે જ બનાવવો પડે છે. મૂળથી જડાયેલો હું, તો માત્ર દિશા બતાવી શકું છું.
હા, જેમ મારી ડાળીઓ પવનને અનુસરે છે, તેમ તું પણ તારા જીવનના પવનને સમજજે.”
વેદ હવે રોજ આવતો અને વડલા સાથે વાતો કરતો. ગામના લોકો કહેતા, “વેદ બદલાઈ ગયો છે. તે હવે શાંત છે, ઉંમર કરતા વધુ સમજદાર છે અને સૌને મદદ કરે છે.”
એક સાંજ, જ્યારે નર્મદા તટ પર સૂર્ય લાલ થતો હતો, ત્યારે વેદે વડને કહ્યું
,
“વડલા દાદા, હવે મારે તારી જરૂર નથી. તારી વાતો મારા મનમાં મૂળ બની ગઈ છે.”
વેદની કાલી, પણ અર્થસભર વાત સાંભળીને વડના વૃક્ષની પાંદડીઓ મીઠો સરસરાટ કરતી બોલી:
“જ્યારે માનવ પોતે બોલવા લાગે, ત્યારે વૃક્ષો મૌન થઈ જાય છે.”
સદીઓ જૂનો કબીરવડ આજે પણ ઊભો છે. પવન આવે ત્યારે તેની પાંદડીઓમાં એક જૂની ઓળખાણની ધૂન વાગે છે. ગામના કોઈક બાળકો કહે છે,
“આ વડ નું વૃક્ષ તો બોલે છે.”
ત્યારે વૃદ્ધો હસીને કહે છે, “વડ નહિ દરેક વૃક્ષ હંમેશાં બોલે જ છે,
ફક્ત સાંભળવા માટે, તમારી પાસે "કાન" જોઈએ.”
ડિસ્ક્લેમર
આ વાર્તા કલ્પનાના આકાશમાં ખીલેલો એક ભાવનાત્મક અને આધ્યાત્મિક સંવાદ છે.સ્થળ,પાત્રો, પ્રસંગો અને સંવાદો લેખકની સર્જનાત્મક અભિવ્યક્તિ છે.
લેખનનો હેતુ જીવનનાં ગૂઢ સત્યોને સ્પર્શવાનો અને અંતરના મૌનને સાંભળવાની પ્રેરણા આપવાનો છે.
