STORYMIRROR

Kalpesh Patel

Drama Classics Inspirational

4  

Kalpesh Patel

Drama Classics Inspirational

ગુલ્લક.

ગુલ્લક.

3 mins
1

ગુલ્લક.

અબડાસાના વિશાળ, ધૂળિયા રસ્તાઓ અને સીમાડાઓ ઉપર સાંજના સમયે સૂરજ આથમતો હતો ત્યારે કચ્છના સીમાડે થી ફૂંકાતો નો પવન એક અલગ જ સુસવાટો બોલાવતો હતો. રણની સીમમાં આવેલું કઠડા ગામ અને એની વચોવચ આવેલું માટીનું એક જૂનું ખોરડું,આ હતું સવિતા અને ધીરુનું સરનામું.

ધીરુ વર્ષોથી શેઠ ગિરધરલાલના ખેતરમાં મજૂરી કરતો. વહેલી સવારે સુરજ ઊગે તે પહેલાં ખેતરે પહોંચી જવું અને રાત્રે અંધારું થાય ત્યારે ઘેર પાછા ફરવું.આ જ એની દિનચર્યા હતી.હોળી હોય કે દિવાળી બધા દિવસ એક સરખા. તેની વહુ સવિતા લોકોના ઘરમાં વાસણ-કચરા કરતી, પાણીના બેડાં ઉપાડીને કૂવેથી લાવતી.બપોર પડે તે ધીરુ માટે ભાખરી અને લસણની ચટણી બનાવીને ભાતું અચૂક મોકલતી.

ધીરુ અને સવીતા,બંને વચ્ચે પ્રેમ ખૂબ હતો, પણ એમના જીવન પર હંમેશાં એક અદ્રશ્ય બોજ હતો .
એક સાંજે, ધીરુ ખાટલા પર બેસીને પોતાના થાકેલા પગને પગચંપી કરી રહ્યો હતો. સવિતાએ ચાનો કપ એના હાથમાં આપતાં પૂછ્યું, "ધીરુ, આજે શેઠ સાથે કાઈ વાત થઈ? આપણા પોતાના ખેતરના ટુકડા માટે. ક્યારે આપણી જમીન છૂટી થાય એમ છે?"

ધીરુએ લાંબો નિસાસો નાખ્યો અને ચાનો ઘૂંટડો ભર્યો. "સવિતા, શેઠ તો કહે છે કે હજુ જૂનું દેવું બાકી છે. આપણે જે જમીન પર વરાડ કરીએ છીએ, જે ઘરમાં રહીએ છીએ અને જે પાક લણીએ છીએ... એમાંથી આપણું કાંઈ કશુંજ નથી. બધું ભાડાનું છે.

મને ટોભાવે કયારેક આપણો પરસેવોય જાણે આપણે શેઠ પાસેથી ભાડે લીધો હોય એવું લાગે છે."

સવિતાના આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. અબડાસાની આ કઠોર ધરતી પર એમણે પોતાની જુવાની ઘસી નાખી હતી. સંતાનની અપેક્ષાઓ, પોતાના ઘરનું સપ્ન, પોતાની બે વીઘા જમીન—બધું જ જાણે અધૂરું રહી ગયું હતું. એમનું આખું જીવન જ જાણે પારકા ચોપડે ચડેલી ઉધારી એ 'ભાડે લીધેલું' હતું.

"તો શું આપણે આખી જિંદગી આપણું જ ખેતર બીજાનું સમજી ખેતરમાં જ મજૂરી કરીશું?

આપણું પોતાનું ક્યારેય કંઈ નહીં થાય?"
સવિતાએ રડમસ  અવાજે પૂછ્યું.

ધીરુએ સવિતાનો હાથ પોતાના કડક થઈ ગયેલા હાથમાં લીધો. "સવિતા, શેઠ આપણું ઘર અને ખેતર નું ભાડું વસૂલી શકે, પણ આ પવન, આ અબડાસાની ધરતીની મહેક અને આપણો એકબીજા પ્રત્યેનો સાથ... એનું કોઈ ભાડું નથી માંગી શકતું. એ આપણું પોતાનું છે."

બીજા જ દિવસથી ધીરુ અને સવિતાએ એક નિર્ણય લીધો. એમણે રાતના સમયે પોતાના આંગણાના એક ખૂણામાં શાકભાજી વાવવાનું શરૂ કર્યું. દિવસના સમયે શેઠના ખેતરમાં પરસેવો પાડવાનો અને રાત્રે પોતાના નાનકડા આંગણામાં મહેનત કરવાની. અબડાસાની ખારી જમીનમાં મીઠું પાણી પાઈને એમણે છોડ ઉગાડ્યા.
મહિનાઓ વીતતા ગયા. આંગણામાં લીલોતરી લહેરાવા લાગી. એ શાકભાજી સવિતા સ્થાનિક બજારમાં વેચવા લાગી. એમાંથી જે ચાર પૈસા મળતા, એ એમની પોતાની કમાણી હતી—કોઈનું દેવું નહીં, કોઈનું ભાડું નહીં.
એક સાંજે, જ્યારે સૂરજ અબડાસાના ક્ષિતિજમાં ઢળી રહ્યો હતો, ત્યારે સવિતાએ ધીરુને એ નાનકડી માટીની ગુલ્લક બતાવી જેમાં એમણે બચત કરી હતી.

"ધીરુ, ભલે આપણું આખું જીવન બીજાના ચોપડે ભાડે લખાયેલું રહ્યું, પણ આ નાનકડી ખુશી અને આ મહેનત આપણી પોતાની છે," સવિતા હસીને બોલી.

ધીરુએ સવિતા સામે જોયું. એને સમજાયું કે જીવનમાં પરિસ્થિતિઓ ભલે ગમે તેટલી કઠિન હોય અને આપણે ભલે અસ્થાયી કે ભાડાના સાધનો વચ્ચે જીવતા હોઈએ, પણ માણસની આશા, એનો પ્રેમ અને એ પુરુષાર્થ ક્યારેય ભાડે નથી મળતા—એ તો પોતાના જ અસ્તિત્વમાંથી પ્રગટે છે.

અબડાસાના ઠંડા પવનમાં એ રાત્રે એમનું માટીનું ખોરડું પહેલાં કરતાં વધુ પોતાનું આગવું લાગી રહ્યું હતું.

--------------=
વાંચન વિશેષ ~

ગુલ્લક એટલે માટી, ધાતુ કે અન્ય સામગ્રીનું એવું પાત્ર, જેમાં પૈસા બચાવવા માટે નાણાં સંગ્રહવામાં આવે છે.

સરળ શબ્દોમાં: ગુલ્લક = પૈસા બચાવવાની પેટી / નાણાં બચાવવાનું પાત્ર.

પ્રસ્તુત વાર્તાના સંદર્ભમાં “ગુલ્લક” શબ્દનો અર્થ માત્ર પૈસા બચાવવાના પાત્ર પૂરતો સીમિત નથી. અહીં તે સવીતાએ પોતાના સપનાઓને સાકાર કરવા માટે ભવિષ્ય માટે સંઘરેલી મૂડી અને આશાનું પ્રતીક પણ બની શકે છે.

કલ્પેશ પટેલ ©2026



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama