દરવાજો
દરવાજો
દરવાજો
જિમ વિલ્સન આખી જિંદગી લોકોના દરવાજા ખખડાવતો આવ્યો હતો.
ત્રીસ વર્ષ સુધી તે પોસ્ટમેન રહ્યો હતો. સવારથી બપોર સુધી એક ઘર પછી બીજું ઘર—ક્યાંક ખુશીના સમાચારવાળો પત્ર, ક્યાંક બિલ, ક્યાંક દૂર રહેતા સંતાનનો પત્ર અને ક્યાંક કોઈ અજાણ્યા માણસની રાહ પૂરી કરતું નાનું પાર્સલ.
દરેક ઘરના દરવાજા પાછળ એક અલગ દુનિયા હતી.
કોઈ દરવાજો હસતાં ચહેરા સાથે ખૂલતો, કોઈ ચિંતિત ચહેરા સાથે અને ક્યારેક કોઈ દરવાજો આખો દિવસ બંધ જ રહેતો.
જિમને હંમેશાં લાગતું,
“દરવાજો માત્ર ઘરમાં પ્રવેશવાનો રસ્તો નથી. દરવાજાની બીજી બાજુ હંમેશાં કોઈની જિંદગી રાહ જોઈ રહી હોય છે.”
પણ જિમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ એવો દરવાજો ખખડાવો પડશે, કે જે તેની પોતાની જિંદગીની નવીજ બાજુ ખોલશે.
નિવૃત્તિ પછી જિમ એકલો રહેતો હતો. પત્ની મેરીનું થોડાં વર્ષ પહેલાં અવસાન થયું હતું. નાનું ઘર, બગીચો અને મેરીનો જૂનો ફોટોગ્રાફ—આટલી જ તેની દુનિયા હતી.
એક રવિવારે સવારે તે કોફી પીતો ટીવી જોઈ રહ્યો હતો.
અચાનક સ્ક્રીન પર એક જાહેરાત આવી—
“તમારી જિંદગી બદલવાની એક તક,અવકાશયાત્રાની એક સીટ જીતો!”
જિમ હસી પડ્યો.
“મારી જિંદગી હવે શું બદલાવાની?”
મજાકમાં તેણે ફોર્મ ભરી દીધું.
તેને ક્યાં ખબર હતી કે એ નાનું ફોર્મ...
સમયના એક અજાણ્યા દરવાજાની ચાવી બનવાનું હતું.
---
ત્રણ અઠવાડિયા પછી તેનો ફોન વાગ્યો.
“Mr. Wilson?”
“હા.”
“Congratulations. You have been selected.”
જિમ થોડો ચૂપ રહ્યો.
“શા માટે?”
“તમને અવકાશયાત્રા માટે પસંદ કરવામાં આવ્યા છે.”
જિમ ખડખડાટ હસી પડ્યો.
“સાહેબ, હું પાંસઠ વર્ષનો નિવૃત પોસ્ટમેન છું. કોઈ મજાક ન કરો તો સારુ .”
“આ મજાક નથી.”
બીજા દિવસે બે અધિકારીઓ તેના ઘરે આવ્યા.
તેમણે એક ફાઇલ ખોલી અને તેની સામે એક ટિકિટ મૂકી.
SEAT 7
જિમે ટિકિટ હાથમાં લીધી.
“મારી પસંદગી કેવી રીતે થઈ?”
“લોટરી દ્વારા.”
“અને ખરેખર હું અવકાશમાં જઈશ?”
“હા.”
જિમે મેરીના ફોટોગ્રાફ તરફ જોયું.
“જો મેરી જીવતી હોત તો મને જરૂર ધક્કો મારીને મોકલી દેત.”
તે હસ્યો.
અને તેણે ઓફર સ્વીકારી લીધી.
---
આઠ અઠવાડિયાની તાલીમ પછી જિમ સ્પેસ શટલમાં બેઠો હતો.
તેની સીટ નંબર હતો—
7
તેની બાજુમાં કમાન્ડર સારા મિલર, ડૉ. હારિસ અને બીજા ચાર વૈજ્ઞાનિકો બેઠા હતા.
કાઉન્ટડાઉન શરૂ થયું.
10... 9... 8...
જિમે સીટના હાથિયાને મજબૂત રીતે પકડી લીધું.
3... 2... 1...
શટલ આકાશમાં ધસી ગયું.
થોડા કલાકો પછી પૃથ્વી નીચે એક સુંદર વાદળી ગોળા જેવી દેખાતી હતી.
જિમની આંખોમાં આંસુ આવી ગયા.
“મેરી... તું હોત તો આ જરૂર જોતી.”
ત્યારે જ કમાન્ડર સારાની ચીસ સંભળાઈ.
“Wait!”
બધા સ્ક્રીન તરફ વળ્યા.
શટલની સામે અવકાશમાં કંઈક દેખાઈ રહ્યું હતું.
કોઈ ગ્રહ નહીં.
કોઈ ઉપગ્રહ નહીં.
કોઈ સ્પેસ સ્ટેશન નહીં.
એક દરવાજો.
કાળો.
અવકાશની વચ્ચે ઊભેલો.
ન ફ્રેમ.
ન દિવાલ.
માત્ર એક દરવાજો.
જિમ ધીમેથી બોલ્યો,
“આ શું છે?”
ડૉ. હારિસ પાસે કોઈ જવાબ નહોતો.
“આપણા સેન્સરમાં આવું કંઈ નથી.”
દરવાજો ધીમે ધીમે ખૂલ્યો.
બીજી બાજુ...
એ જ શટલ દેખાતું હતું.
એ જ લોકો.
એ જ સીટો.
પણ કંટ્રોલ સ્ક્રીન પર તારીખ જોઈને સૌના ચહેરા પર ભય છવાઈ ગયો.
ગઈકાલની તારીખ.
---
“આ શક્ય નથી,” હારિસ બોલ્યો.
કમાન્ડર સારા થોડા સમય સુધી દરવાજાને જોતી રહી.
“કદાચ આપણે જે જોઈ રહ્યા છીએ તે આપણા શટલનું એક દિવસ જૂનું સ્વરૂપ છે.”
જિમે પૂછ્યું,
“એટલે?”
હારિસે ધીમેથી કહ્યું,
“આ દરવાજો અવકાશમાં નહીં... સમયમાં છે.”
કેટલાક મિનિટની ચર્ચા પછી તેમણે જોખમ લેવાનો નિર્ણય કર્યો.
શટલ દરવાજામાં પ્રવેશ્યું.
એક ક્ષણ માટે બધું અંધારું થઈ ગયું.
પછી બધું સામાન્ય થઈ ગયું.
કંટ્રોલ સ્ક્રીન પર તારીખ બદલાઈ ગઈ હતી.
એક દિવસ પાછળ.
તેઓ ખરેખર ભૂતકાળમાં પહોંચી ગયા હતા.
જિમે બારીમાંથી પૃથ્વી તરફ જોયું.
બધું એ જ હતું.
પરંતુ હવે તેને ખબર હતી કે દુનિયા જે સમયને સીધી રેખા માને છે, તે કદાચ રેખા નથી.
કદાચ...
એક દરવાજો છે.
---
તેઓ ભૂતકાળમાંથી પાછા ફરવા માટે રાહ જોવા લાગ્યા.
બરાબર ચોવીસ કલાક પછી એ જ કાળો દરવાજો ફરી દેખાયો.
શટલ તેમાં પ્રવેશ્યું.
અને તેઓ પોતાના વર્તમાન સમયમાં પાછા આવી ગયા.
મિશન કંટ્રોલમાં વૈજ્ઞાનિકોએ ઘટનાની માહિતી ગુપ્ત રાખી.
જિમને લાગ્યું કે તેની અવકાશયાત્રાનું સૌથી મોટું રહસ્ય હવે પૂરું થઈ ગયું.
પરંતુ તેની Seat 7એ હજુ એક રહસ્ય છુપાવ્યું હતું.
---
પૃથ્વી પર પાછા આવ્યા પછી દસ દિવસ વીતી ગયા.
એક રાત્રે જિમ ઊંઘી રહ્યો હતો.
અચાનક તેના રૂમમાં નાનકડું લીલું પ્રકાશ ઝળહળ્યું.
તેની સામે હવામાં એક પારદર્શક સ્ક્રીન દેખાઈ.
તેમાં માત્ર એક જ તારીખ હતી—
10 YEARS LATER
જિમ પથારીમાંથી ઊભો થઈ ગયો.
સ્ક્રીન ગાયબ થઈ ગઈ.
બીજા દિવસે તેણે કમાન્ડર સારાને આ વાત કરી.
સારા અને હારિસે ફરી તપાસ શરૂ કરી.
અંતે તેમને સમજાયું કે જે દરવાજો તેમને ગઈકાલે લઈ ગયો હતો, તે સમયની બંને દિશામાં જઈ શકતો હતો.
ભૂતકાળમાં પણ. ભવિષ્યમાં પણ.
પરંતુ દરવાજો પોતાની રીતે ક્યારે અને ક્યાં ખુલશે એ કોઈ જાણતું નહોતું.
---
કેટલાક અઠવાડિયા પછી ફરી તે દરવાજો દેખાયો.
આ વખતે તેની બીજી બાજુ કોઈ શટલ નહોતું.
ત્યાં એક વિશાળ શહેર દેખાતું હતું.
પરંતુ શહેર અંધકારમાં ડૂબેલું હતું.
હારિસે કહ્યું,
“એ ભવિષ્ય છે.”
કમાન્ડર સારાએ નિર્ણય લીધો.
“આપણે માત્ર જોઈને પાછા નહીં ફરીએ.”
જિમે પૂછ્યું,
“શા માટે હું?”
સારા તેની તરફ જોઈને બોલી,
“કારણ કે આ દરવાજો પહેલી વાર તમારી Seat 7 સામે જ ખુલ્યો હતો.”
જિમ સમજી ગયો.
ફરી એક વાર...
એ જ સીટ.
અને એ જ દરવાજો.
---
શટલ દરવાજામાં પ્રવેશ્યું.
આ વખતે પ્રકાશ પહેલાં કરતાં પણ વધુ તેજ હતો.
પછી અચાનક બધું શાંત થઈ ગયું.
સ્ક્રીન પર તારીખ આવી—
દસ વર્ષ પછી.
શટલ એક ઉજ્જડ સંશોધન કેન્દ્રની નજીક ઉતર્યું.
શહેરો હતાં, પરંતુ અડધા ખાલી.
ઘણા વિસ્તારોમાં વીજળી નહોતી.
સંચાર વ્યવસ્થા બંધ હતી.
તેમને એક જૂની ઇમારતમાં પ્રવેશ મળ્યો.
દિવાલ પર મોટા અક્ષરે લખેલું હતું—
PROJECT DOOR
હારિસે જૂની ફાઇલ ખોલી.
તેમાં લખેલું હતું:
“સમયનો દરવાજો ભવિષ્ય બતાવતો નથી. તે સંભવિત ભવિષ્ય બતાવે છે.”
જિમે પૂછ્યું,
“સંભવિત?”
હારિસે માથું હલાવ્યું.
“એટલે આ ભવિષ્ય બદલાઈ શકે છે.”
અચાનક પાછળથી અવાજ આવ્યો.
“હા.”
બધા વળી ગયા.
સામે એક વૃદ્ધ માણસ ઊભો હતો.
સફેદ વાળ.
ઝાંખો ચહેરો.
પરંતુ આંખો...
જિમ જેવી.
જિમના હાથમાંથી ફાઇલ પડી ગઈ.
તે માણસ ધીમે ધીમે આગળ આવ્યો.
“મને ઓળખ્યો?”
જિમ બોલી પણ ન શક્યો.
સામે ઊભેલો માણસ...
દસ વર્ષ પછીનો જિમ હતો.
---
વૃદ્ધ જિમે સ્મિત કર્યું.
“તમે આખરે આવી ગયા.”
વર્તમાનનો જિમ કાંપતા અવાજે બોલ્યો,
“આ શું છે?”
“ભવિષ્ય.”
“પણ આટલું બધું નાશ પામેલું કેમ?”
વૃદ્ધ જિમે કહ્યું,
“કારણ કે દસ વર્ષ પહેલાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો.”
“કયો?”
“તમે પાછા જઈને જે નિર્ણય લેશો એ.”
જિમ ચોંકી ગયો.
“મેં?”
“હા.”
“મને ખબર જ નથી કે શું નિર્ણય લેવાનો છે.”
વૃદ્ધ જિમ થોડો નજીક આવ્યો.
“એ જ તો કારણ છે કે આ દરવાજો તમને અહીં લાવ્યો છે.”
તેના હાથમાં એક જૂનું કવર હતું.
જિમે કવર જોયું.
તેના ઉપર લખેલું હતું—
TO JIM WILSON — DELIVER ONLY BY HAND
જિમ સ્તબ્ધ થઈ ગયો.
“આ કોનું છે?”
વૃદ્ધ જિમે કહ્યું,
“તમે તમારા આખા જીવનમાં હજારો પત્રો પહોંચાડ્યા. પણ આ એક પત્ર એવો છે જે તમને તમારા જ ભવિષ્યમાંથી મળવાનો હતો.”
જિમે કવર ખોલ્યું.
અંદર માત્ર એક જ વાક્ય હતું—
“દરવાજો બંધ કરશો નહીં. નિર્ણય બદલો.”
---
ત્યારે સંશોધન કેન્દ્રમાં એલાર્મ વાગ્યું.
દરવાજો ફરી ખૂલવાનો હતો.
વૃદ્ધ જિમે કહ્યું,
“તમારે પાછા જવું પડશે.”
“અને પછી?”
“પછી તમને સમજાશે.”
“શું હું આ ભવિષ્ય બદલી શકું?”
વૃદ્ધ જિમ હળવું સ્મિત કરીને બોલ્યો,
“જો તમે બદલી ન શકો તો હું અહીં ઊભો ન હોત.”
જિમે છેલ્લી વાર ભવિષ્ય તરફ જોયું.
અને દરવાજામાંથી પાછો પસાર થયો.
---
શટલ વર્તમાનમાં પાછું આવ્યું.
બધા વૈજ્ઞાનિકો ઉત્સુકતાથી જિમ તરફ જોઈ રહ્યા હતા.
કમાન્ડર સારાએ પૂછ્યું,
“ત્યાં શું થયું?”
જિમે કશું કહ્યું નહીં.
તે પોતાની Seat 7 પાસે ગયો.
સીટની બાજુમાં એક નાનું કવર પડેલું હતું.
એ જ કવર.
TO JIM WILSON — DELIVER ONLY BY HAND
જિમે તેને હાથમાં લીધું.
અંદરનું વાક્ય ફરી વાંચ્યું.
“દરવાજો બંધ કરશો નહીં. નિર્ણય બદલો.”
હવે તેને સમજાયું.
આખી અવકાશયાત્રા કોઈ લોટરી નહોતી.
લોટરી માત્ર એક બહાનું હતું.
કોઈએ તેને પસંદ કર્યો નહોતો.
સમયે તેને પસંદ કર્યો હતો.
---
જિમે પોતાના જીવનમાં પહેલી વાર કોઈ દરવાજા સામે ઊભા રહીને વિચાર્યું—
દરવાજો ખોલવો કે બંધ કરવો એ જ પ્રશ્ન નથી.
દરવાજાની બીજી બાજુ શું છે એ જાણ્યા પછી આપણે શું કરીએ—એ સાચો પ્રશ્ન છે.
તેણે Seat 7ની બાજુનું કંટ્રોલ પેનલ ખોલ્યું.
લાલ બટન સામે હતું.
OPEN DOOR
કમાન્ડર સારા ચીસી,
“જિમ, શું કરો છો?”
જિમે બટન તરફ જોયું.
પછી પૃથ્વી તરફ.
અને ધીમેથી બોલ્યો—
“હું દરવાજો ખોલીશ... પણ આ વખતે આપણે એ ભવિષ્ય તરફ નહીં જઈએ જે મેં જોયું.”
તેણે બટન દબાવ્યું.
કાળો દરવાજો ફરી ખુલ્યો.
પરંતુ તેની બીજી બાજુ હવે અંધકારમય ભવિષ્ય નહોતું.
ત્યાં લીલાછમ શહેરો હતાં.
સ્વચ્છ આકાશ હતું.
અને લોકો શાંતિથી જીવતા હતા.
જિમની આંખોમાં આંસુ આવી ગયા.
તેને સમજાયું—
ભવિષ્ય નક્કી નથી હોતું.
ક્યારેક માત્ર તેનો એક દરવાજો આપણને બતાવવામાં આવે છે.
---
ઘણા વર્ષો પછી જિમ ફરી પોતાના જૂના પોસ્ટમેનના બેગ સાથે એક રસ્તા પર ચાલતો હતો.
એક ઘરના દરવાજા પાસે પહોંચ્યો.
તેણે દરવાજો ખખડાવ્યો.
અંદરથી એક બાળકનો અવાજ આવ્યો—
“કોણ?”
જિમ સ્મિત કરીને બોલ્યો,
“પોસ્ટમેન.”
દરવાજો ખૂલ્યો.
બાળકને પત્ર આપતાં જિમે એક ક્ષણ દરવાજા તરફ જોયું.
તેના ચહેરા પર સ્મિત હતું.
કારણ કે હવે તે જાણતો હતો—
દરેક દરવાજાની બીજી બાજુ એક સંભાવના હોય છે.
અને કેટલીક સીટો...
માણસને માત્ર સફર માટે નહીં,
પરંતુ સમયને નવી દિશા આપવા માટે મળે છે.
અંત
