દાગ
દાગ
દાગ
શીલા અને માલા બાળપણથી જ એવી બહેનપણીઓ હતી કે ગામમાં કોઈ એકને બોલાવે તો બીજી આપોઆપ તેની સાથે હાજર થઈ જ જાય.
બંનેના સ્વભાવ અલગ હતા.
શીલા ભણવામાં હોશિયાર હતી. શિક્ષકોની વહાલી. પુસ્તક ખોલે એટલે દુનિયા ભૂલી જાય.
માલાને પુસ્તક કરતાં રંગમંચ વધારે ગમતો. શાળાના દરેક નાટકમાં તેનો આગ્રહ રહેતો કે તેને કોઈ ને કોઈ પાત્ર જરૂર આપવું.
પરંતુ માલાના ચહેરા પર બાળપણની શીતળાએ પોતાના નિશાન છોડી દીધાં હતાં.
ગાલ, કપાળ અને હડપચી પાસેના ઊંડા-છીછરા દાગ દૂરથી પણ દેખાઈ જતા.
ક્યારેક બાળકો તેની મજાક ઉડાવતા.
“અરે, માલાના મોઢા પર તો આખું આકાશ છે!”
બાળપણમાં એવા શબ્દો પણ તીર બનીને વાગે.
માલા ઘેર આવીને અરીસા સામે ઊભી રહેતી અને પોતાના ચહેરાને જોતી.
એક દિવસ તેણે શીલાને પૂછ્યું,
“શીલા, હું ખરેખર બહુ ખરાબ લાગું છું?”
શીલાએ એક ક્ષણ પણ વિચાર્યું નહીં.
“ના. તું અલગ લાગે છે. અને અલગ હોવું ખરાબ નથી.”
“પણ લોકો હસે છે.”
“લોકોને હસવા માટે કારણ જોઈએ. કાલે તું બહુ મોટી કલાકાર બનશે ત્યારે એ જ લોકો તારી સામે ઊભા રહીને તાળીઓ પાડશે.”
માલા હસી હતી.
“હું કલાકાર બનીશ?”
“હા. અને હું તારી પહેલી પ્રેક્ષક બનીશ.”
બંને હસી પડ્યાં હતાં.
સમય આગળ વધતો ગયો.
શીલા ભણતી ગઈ અને અંતે પોતાના જ ગામની શાળામાં શિક્ષિકા બની. બાળકો તેને પ્રેમ કરતા. પગાર મોટો નહોતો, ઘર સાદું હતું, જીવનમાં કોઈ ખાસ ભપકો નહોતો.
પણ તેને પોતાના જીવન વિશે ફરિયાદ પણ નહોતી.
માલાએ બીજી તરફ રંગમંચ પસંદ કર્યો.
શરૂઆતમાં તેને ઘણીવાર કહેવામાં આવ્યું—
“ચહેરા પર આટલા દાગ હોય તો નાયિકાનું પાત્ર નહીં મળે.”
માલાએ જવાબ આપ્યો નહોતો.
તેને નાયિકા બનવું પણ નહોતું.
તેને અભિનેત્રી બનવું હતું.
નાના રંગમંચથી શરૂ થયેલી તેની સફર ધીમે ધીમે મોટા નાટકો, ટેલિવિઝન અને પછી ફિલ્મો સુધી પહોંચી.
જે ચહેરો ક્યારેક લોકો માટે મજાક હતો, એ જ ચહેરો હવે પાત્રની ઓળખ બની ગયો હતો.
માલા કોઈ પણ ભૂમિકા કરે, લોકો કહે—
“આ સ્ત્રી પાત્રમાં જીવ પૂરે છે.”
વર્ષો પછી માલા દેશની જાણીતી કેરેક્ટર આર્ટિસ્ટ બની ગઈ હતી.
મોટું ઘર, મોંઘી કાર, સહાયકો, ડ્રાઇવર અને સુરક્ષા—બધું તેની જિંદગીનો ભાગ બની ગયું હતું.
પરંતુ એક વસ્તુ બદલાઈ નહોતી.
તે જ્યારે પણ જૂના ગામની વાત કરતી ત્યારે શીલાને યાદ કરતી.
---
વર્ષો પછી
એક દિવસ શીલા શહેરમાં શાળાના કામે આવી હતી.
બપોર પછી ભારે ટ્રાફિક હતો. વરસાદ પડ્યો હોવાથી રસ્તાની બાજુએ પાણી ભરાયેલું હતું.
શીલા બસની રાહ જોઈ રહી હતી.
ત્યારે રસ્તા પર એક કાળી ગાડી આવીને ઊભી રહી.
બે સુરક્ષાકર્મીઓ આગળ વધ્યા.
એક સહાયક છત્રી લઈને ઊભો રહ્યો.
ગાડીનો દરવાજો ખુલ્યો.
માલા બહાર આવી.
શીલાની નજર તેની પર પડી.
એક ક્ષણ માટે બંને એકબીજાને જોતા રહ્યાં.
પછી માલાની આંખો પહોળી થઈ ગઈ.
“શીલા!”
શીલાના ચહેરા પર વર્ષો જૂનું સ્મિત પાછું આવી ગયું.
“માલા!”
બંને એકબીજાને ભેટી પડ્યાં.
થોડી ક્ષણ માટે ગાડી, સુરક્ષા, વરસાદ, શહેર—બધું ગાયબ થઈ ગયું.
માલાએ શીલાનો હાથ પકડી લીધો.
“તું ક્યાં હતી આટલા વર્ષો?”
“હું તો ત્યાં જ છું જ્યાં હતી. આપણા ગામમાં. શાળામાં.”
“અને હું તને શોધતી રહી.”
“મને તો છાપામાંથી તારા સમાચાર મળતા.”
માલા હસી.
“તો પછી મારી સામે ફરિયાદ છે. ફોન કેમ ન કર્યો?”
“તારા જેવા મોટા માણસને હું કેવી રીતે ફોન કરું?”
માલાએ હસતાં કહ્યું,
“મોટા માણસને નહીં. માલા સમજીને કરવા નો હતો .”
બંને નજીકની ચાની દુકાનમાં જઈને બેસી ગયાં.
માલાએ ચા મંગાવી.
શીલા જૂના દિવસોની વાતો કરતી રહી.
“યાદ છે? તું શાળાના નાટકમાં રાણી બની હતી અને છેલ્લે સંવાદ ભૂલી ગઈ હતી?”
“અને તું પડદા પાછળથી મને સંવાદ બોલાવી રહી હતી!”
બંને ખડખડાટ હસી પડ્યાં.
માલાની આંખોમાં પાણી આવી ગયું.
“શીલા, એ દિવસો પાછા આવે તો?”
“પાછા તો નહીં આવે. પણ યાદો ક્યાં જાય છે?”
એ જ સમયે માલાનો સહાયક દોડતો આવ્યો.
“મેડમ, કાર્યક્રમ શરૂ થવાનો છે. મંત્રીજી પહોંચી ગયા છે. મીડિયા પણ તૈયાર છે.”
પાછળ ઉભેલા સુરક્ષાકર્મીઓએ ઘડિયાળ તરફ જોયું.
માલાએ શીલાનો હાથ દબાવ્યો.
“ચાલ, મારી સાથે.”
શીલા ઊભી થઈ.
“ના.”
“કેમ?”
“તારો કાર્યક્રમ છે.”
“તો?”
શીલાએ આસપાસ જોયું.
મોંઘી ગાડી.
સુરક્ષાકર્મીઓ.
સહાયક.
કેમેરા.
અને માલા.
હમણાં સુધી જે માલા તેની સામે બેઠી હતી તે અચાનક તેને ઘણી દૂરની વ્યક્તિ લાગી.
“માલાજી...” શીલાએ ધીમેથી કહ્યું.
માલાના ચહેરા પરથી સ્મિત સરકી ગયું.
“માલાજી?”
શીલા સંકોચાઈ.
“તમારે જવું જોઈએ. મોટા લોકો રાહ જોઈ રહ્યા છે.”
માલાએ થોડું મૌન રાખ્યું.
“અને તું?”
“હું બસથી જતી રહીશ.”
“હું તને ઘરે મૂકી જઈશ.”
“ના, ના. એ યોગ્ય નહીં લાગે.”
“યોગ્ય?”
માલાએ પહેલી વાર શીલાની આંખોમાં સીધી નજર કરી.
“શીલા, તું મારી સાથે આવવામાં શરમ અનુભવે છે?”
“એવું નથી.”
“તો શું છે?”
શીલા પાસે જવાબ નહોતો.
તે માત્ર એટલું બોલી,
“તમે હવે બહુ મોટા થઈ ગયા છો.”
માલા ધીમેથી હસી.
એ હાસ્યમાં ખુશી નહોતી.
“હું?”
થોડી ક્ષણ પછી તેણે પોતાના ચહેરા તરફ આંગળી કરી.
“આ દાગ તો એ જ છે, શીલા.”
શીલા ચૂપ રહી.
“ફરક એટલો જ છે કે પહેલાં મારા ચહેરાના દાગ જોઈને લોકો મને દૂર કરતા હતા...”
માલાએ થોભીને કહ્યું,
“...અને આજે મારી ઓળખ જોઈને તું મને દૂર કરી રહી છે.”
શીલાની આંખો ઝૂકી ગઈ.
“એવું ન બોલ.”
“હું ખરાબ નથી માનતી.”
માલાએ શીલાના ખભા પર હાથ મૂક્યો.
“મને માત્ર એક વાતનું દુઃખ છે.”
“શું?”
“જ્યારે આખી દુનિયાએ મારા ચહેરાને જોઈને મને ઓળખવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તું મને મારી અંદરથી ઓળખતી હતી.”
માલાનો અવાજ ધીમો થયો.
“આજે આખી દુનિયા મને ઓળખે છે... અને તું મને ઓળખતી નથી.”
શીલાની આંખોમાં આંસુ આવી ગયા.
“માલા...”
“કંઈ નહીં.”
માલાએ ફરી જૂનું સ્મિત ચહેરા પર લાવવાનો પ્રયાસ કર્યો.
“મારી પહેલી પ્રેક્ષક આજે બસ ચૂકી ન જાય.”
બંને હસી શક્યાં નહીં.
માલા ગાડી તરફ આગળ વધી.
દરવાજો બંધ થવા પહેલાં તેણે પાછળ ફરીને જોયું.
શીલા ત્યાં જ ઊભી હતી.
માલાએ હાથ હલાવ્યો.
ગાડી ધીમે ધીમે આગળ વધી.
શીલા રસ્તા પર ઊભી રહીને ગાડીને દૂર જતી જોતી રહી.
થોડા સમય પહેલાં સુધી તેને લાગતું હતું કે માલાના ચહેરા પર દાગ છે.
હવે પહેલી વાર તેને સમજાયું—
દાગ ચહેરા પર નહોતો.
દાગ તો તેના પોતાના મન પર પડી ગયો હતો.
અને એ દાગ અરીસામાં દેખાતો નહોતો.
પણ આજે પહેલી વાર શીલાને તે સ્પષ્ટ દેખાતો હતો.
