STORYMIRROR

Kalpesh Patel

Comedy Classics

4.5  

Kalpesh Patel

Comedy Classics

ગોટાળો

ગોટાળો

3 mins
19

ગોટાળો

થીમ : ખોટી ડિલિવરી

લહેરી ગામમાં નવા કુરિયરવાળા ગોવિંદનો પહેલો જ દિવસ હતો.

સવારે તેને બે ડિલિવરી સોંપવામાં આવી હતી. એક ફૂડ પેકેટનું મોટું બોક્સ લગ્નવાળા ઘેર પહોંચાડવાનું હતું, જ્યારે બીજું બેસણાવાળા ઘેર.

બંને બોક્સ પર સરખા લેબલ હતાં :

"ફૂડ પેકેટ – એક્સપ્રેસ ડિલિવરી, બિફોર ટેન એ.એમ. તાત્કાલિક પહોંચાડવું."

ઉપર ચોંટાડેલાં સરનામાં ગોવિંદે ઉતાવળમાં વાંચ્યાં. ઉતાવળમાં બંને બોક્સનાં સરનામાં અદલાબદલી થઈ ગયાં. બંને બોક્સ સરખાં હોવાથી તેણે એક વાર પણ અંદર શું હશે તે વિચાર્યું નહીં. બંને બોક્સ ફટાફટ પહોંચાડી દીધાં.

પણ ઉતાવળમાં થયેલા ગોટાળાથી તે સાવ અજાણ હતો.


સોની ચોકમાં સવારથી જ ડીજે લગ્નની ધમાલ મચાવી રહ્યો હતો.

ચીમન સોનીની દીકરીનાં લગ્ન હતાં. જાન આવી ચૂકી હતી. વરરાજાના મિત્રો સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા. લગ્નમંડપમાં ખુશીનો માહોલ હતો.

જાનૈયાઓને બાર વાગ્યે ફૂડ પેકેટ વહેંચવામાં આવ્યાં.

વરરાજાના એક અણવરે ઉત્સાહથી પેકેટ ખોલ્યું.

અંદર...

સાદી ખીચડી.

ઉપર બાફેલા બટેટાનું શાક.

બાજુમાં બે તીખાં લીલાં મરચાં અને છાશની થેલી!

સાથે એક નાની ચિઠ્ઠી પણ હતી :

"આપ અમારી સ્મશાનયાત્રામાં હાજર રહ્યા તેનો આભાર. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે."

યુવકે ચિઠ્ઠી ત્રણ વાર વાંચી.

પછી આજુબાજુ જોઈને બોલ્યો,

"અલ્યા... આ ચીમન સોની કન્યાપક્ષ તરફથી શુભેચ્છા મોકલે છે કે ધમકી?"

થોડી જ વારમાં આખા લગ્નમંડપમાં હાહાકાર મચી ગયો.

ચીમન સોની દોડતો આવ્યો. પેકેટ અને ચિઠ્ઠી જોઈને તેના પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ.

ત્યાં વરરાજાના બાપ રઘુવીરભાઈ બોલ્યા,

"લ્યા ચીમન! આ શું તાયફો માંડ્યો છે? હું તો મારા છોકરાનાં લગ્ન કરાવવા આવ્યો છું, પણ હવે તો લાગે છે કે ખોટી જગ્યાએ ફસાઈ ગયો છું!"

બીજા એક કાકાએ ચિઠ્ઠી વાંચીને પત્નીને પૂછ્યું,

"અરે, ખાતરી છે ને કે વરરાજો હજુ જીવતો છે?"


બીજી તરફ ગામના બીજા છેડે આવેલા પટેલવાસમાં રમણભાઈના અવસાનથી આખા પરિવારમાં શોકનું વાતાવરણ હતું.

બેસણામાં બધા ગંભીર ચહેરે બેઠા હતા.

એવામાં ફૂડ પેકેટ વહેંચાવા લાગ્યાં.

એક ભાણેજે પેકેટ ખોલ્યું.

અંદર...

પનીર ટિક્કા.

કાજુ કરી.

ગુલાબજાંબુ.

આઇસક્રીમનું કૂપન!

સાથે રંગીન ચિઠ્ઠી :

"આજના મંગલ પરિણય પ્રસંગે આપની ઉપસ્થિતિ બદલ આભાર. નવદંપતીને સુખી વૈવાહિક જીવનની હાર્દિક શુભેચ્છાઓ."

બધા એકબીજાના મોઢા જોવા લાગ્યા.

એક દાદા ધીમેથી બોલ્યા,

"રમણભાઈ ગયા તો ગયા... પણ પાર્ટી મૂકીને ગયા છે!"

એક કાકાએ બીજો ગુલાબજાંબુ લેતાં કહ્યું,

"દુઃખ તો ઘણું છે..."

થોડી વાર રોકાઈને બોલ્યા,

"...પણ આ કાજુ કરી બગાડાય એવી પણ નથી!"

બાજુમાં બેઠેલા એક ભાઈએ ધીમેથી કહ્યું,

"હું તો રમણલાલને કંજૂસ સમજતો હતો, પણ આ તો ભારે દિલદાર નીકળ્યા!"

બીજા ભાઈએ ઉમેર્યું,

"ભાઈ, રમણભાઈના આત્માને શાંતિ મળે એ માટે મન મૂકીને એકાદ ગુલાબજાંબુ વધારે ખાઈ લઈએ!"


એટલામાં બંને જગ્યાએ ફોનની રિંગો વાગવા લાગી.

લગ્નવાળાઓનો ફોન :

"આ ખીચડી અને બેસણાની ચિઠ્ઠી કોણે મોકલી?"

બેસણાવાળાઓનો ફોન :

"આ લગ્નનું ભોજન અને શુભેચ્છાનો પત્ર કોણે મોકલ્યો?"

અને આ બધાની વચ્ચે ફસાયો હતો ગોવિંદ!

તે દોડતો દોડતો બંને જગ્યાએ પહોંચ્યો.

લગ્નવાળાઓએ તેને ઘેરી લીધો.

"અલ્યા, આ તેં શું કર્યું?"

ગોવિંદ બોલ્યો,

"સાહેબ, પેકેટ તો સરખાં જ હતાં!"

"પણ અંદર શું છે એ જોયું નહોતું?"

ગોવિંદે નિર્દોષ ચહેરે જવાબ આપ્યો,

"કુરિયરવાળો પેકેટ ખોલે તો પોલીસ પકડે અને ના ખોલે તો તમે પકડો!"

આ સાંભળીને ગુસ્સામાં આવેલા કેટલાક લોકો પણ હસ્યા વગર રહી શક્યા નહીં.


છેવટે બંને જગ્યાએથી પેકેટની આપ-લે કરવામાં આવી.

પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

લગ્નવાળાઓ ખીચડી અને બટેટાનું શાક જમી ચૂક્યા હતા.

અને બેસણાવાળાઓ ગુલાબજાંબુનું બીજું રિફિલ માંગી રહ્યા હતા!

ગોવિંદના પહેલા જ દિવસની આ ડિલિવરી આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગઈ.

લહેરી ગામમાં ત્યારથી એક નવી કહેવત પડી :

"ગોટાળો ટાળવો હોય તો ગોવિંદની ડિલિવરીમાં પ્રસંગ જોઈને નહીં, પેકેટ ખોલીને જ ભરોસો કરવો!" 😂


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Comedy