છેલ્લી ડ્યુટી.
છેલ્લી ડ્યુટી.
છેલ્લી ડ્યુટી
એક રહસ્યમય ભૂતકથા
ડિસ્ક્લેમર
આ વાર્તાની પૃષ્ઠભૂમિમાં 9 જૂન, 1998ના વાવાઝોડા અને 26 જાન્યુઆરી, 2001ના કચ્છના વિનાશક ભૂકંપની વાસ્તવિક ઘટનાઓ છે. આ બંને કુદરતી આફતો દરમિયાન કંડલા પોર્ટ પર લેખક અર્થાત હું ખુદ રૂબરૂ હાજર હતો અને વિનાશની ભયાનકતા તથા તે વચ્ચે જહાજો અને ખલાસીઓના બચાવની કામગીરીના સાક્ષી હતો..
પ્રસ્તુત વાર્તા મા દેવસી અને મોંઘીનાં પાત્રો, તેમનો પરિવાર અને મૃત્યુ પછી સંભળાતા અજાણ્યા એલાર્મની ઘટના સંપૂર્ણપણે કાલ્પનિક છે. વાસ્તવિક અનુભવો અને કલ્પનાના સંયોજનમાંથી આ રહસ્યકથા આકાર પામી છે.
~~~~~~~~~~~
9 જૂન, 1998.
કંડલા પોર્ટ માટે એ દિવસ બીજા દિવસો જેવો જ હતો. બંદર પર જહાજોની અવરજવર ચાલુ હતી. ક્યાંક ક્રેનો માલસામાનની હેરફેરમાં વ્યસ્ત હતી, તો ક્યાંક ટગબોટ્સ દરિયામાં લંગરાયેલાં જહાજોને માર્ગદર્શન આપી રહી હતી. સેંકડો ગોદી કામદારો પોતાની ફરજ પર હાજર હતા. દરિયાઈ ખારા પવનની સાથે બંદરનું રોજિંદું જીવન ધબકતું હતું.
પહેલી શિફ્ટમાં આજે દેવસી માતંગની કંડલા પોર્ટના કંટ્રોલ ટાવરના પાંચમા માળે આવેલા સિગ્નલ કંટ્રોલ રૂમમાં ડ્યુટી હતી.
સવારે નોકરીએ જવા નીકળ્યો ત્યારે તેની સાત વર્ષની દીકરી મોંઘી પાછળ પડી.
"બાપા, આજે હું પણ તમારી હારે આવું."
"અલી, તું ત્યાં શું કરીશ? બાપાની નોકરીની જગ્યા છે, રમવાની જગ્યા નહીં."
"તો હું રમવા થોડી આવું છું! મારે તમારું બંદર જોવું છે. કેટલાં મોટાં જહાજ હોય છે ને ત્યાં? હું ઓણ શીખીશ જે તમે કેવી રીતે વાહણોને સાચવો છો."
દેવસીએ તેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ મોંઘીનો એક જ સૂર હતો. આખરે દીકરીની જીદ સામે પિતાએ હથિયાર નાખ્યાં.
"હાલ, પણ ત્યાં જઈને જરા ઓણ તોફાન નહીં કરતી હોં!"
"હા બાપા, પાક્કું!"
મોંઘીએ પોતાનું ટિફિન બગલથેલામાં મૂક્યું અને બંને પોર્ટની બસમાં બેઠાં. રસ્તામાં દરિયામાં લંગરાયેલાં વિશાળ જહાજો જોઈ મોંઘીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ જતી હતી. વારંવાર તે બાપાનો હાથ ખેંચીને કંઈક બતાવતી.
કંટ્રોલ ટાવર પર પહોંચીને દેવસીએ મોંઘીને નીચે આવેલા પ્રદર્શન કક્ષમાં બેસાડી.
"જો બેટા, તું અહીં જ રહેજે. બાપા ઉપર પાંચમા માળે છે. બપોરે આવીને તને લઈ જઈશ. સાથે જમશું. કોઈ અજાણ્યા માણસ હારે જતી નહીં."
"હા બાપા. તમે જલદી આવજો હોં!"
દેવસીએ તેના માથે હાથ ફેરવ્યો અને ઉપર જવા માટે પગથિયાં ચડવા લાગ્યો.
તેને ક્યાં ખબર હતી કે દીકરી સાથેની આ સવાર તેની જિંદગીની છેલ્લી સવાર બની રહેશે.
સવારે દસ વાગ્યા હતા.
અચાનક હવામાનમાં એવો પલટો આવ્યો કે કોઈને કંઈ સમજાય તે પહેલાં જ દરિયો જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યો. પવનની ગતિ એકાએક વધી. આકાશમાં કાળાં વાદળો છવાઈ ગયાં. દરિયાનાં મોજાં અસામાન્ય ઊંચાઈએ ઊછળવા લાગ્યાં.
કંટ્રોલ રૂમમાં બેઠેલા દેવસીએ મોનિટર સામે નજર કરી. દરિયાની સપાટી પરની અસામાન્ય હલચલ જોઈ તેને કંઈક અજુગતું થવાની આશંકા થઈ.
કોઈ વિલંબ કર્યા વગર તેણે વાવાઝોડાનું અગિયાર નંબરનું ચેતવણી સિગ્નલ લગાવી દીધું. ત્યારબાદ હવામાન વિભાગનો સંપર્ક સાધ્યો. પરંતુ પરિસ્થિતિ એટલી ઝડપથી બદલાઈ રહી હતી કે કોઈને તેની ગંભીરતાનો અંદાજ આવે તે પહેલાં જ વાવાઝોડાએ કંડલા બંદરને પોતાની ઝપેટમાં લઈ લીધું.
કંટ્રોલ રૂમમાં ચેતવણીના સંદેશા આવવા લાગ્યા.
દેવસી તરત જ પોતાની ફરજ પર લાગી ગયો. જેટી પરનાં વહાણોને જરૂરી ચેતવણીઓ આપી લોડિંગ અને અનલોડિંગનું કામ તાત્કાલિક બંધ કરવા સૂચના આપી. મિડ-સીમાં રહેલી કંટ્રોલ બોટ્સને પણ પરિસ્થિતિથી માહિતગાર કરી.
"તમામ જહાજોને તાત્કાલિક ચેતવણી મોકલો. એન્કરેજમાં રહેલાં જહાજોને સાવધાનીના સંકેતો આપો. કોઈ જહાજનો સંપર્ક તૂટવો ન જોઈએ!"
તેના હાથ સતત સિગ્નલ પેનલ પર ફરી રહ્યા હતા. એક પછી એક જહાજોને સંદેશા મોકલાઈ રહ્યા હતા. દરિયામાં રહેલા ખલાસીઓ માટે એ સંદેશાઓ જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદ બની શકે તેમ હતા.
બહાર કુદરત જાણે તાંડવ કરી રહી હતી.
પવનની ગર્જના, દરિયાનાં મોજાંનો પ્રચંડ ઘુઘવાટ અને અથડાતી વસ્તુઓના અવાજ વચ્ચે કંટ્રોલ ટાવર પણ ધ્રૂજી રહ્યો હતો. મોજાંની પ્રચંડ થપાટો બંદરના વિસ્તારમાં વિનાશ વેરી રહી હતી. ક્યાંક વાહનો પાણીમાં તણાઈ રહ્યાં હતાં, ક્યાંક મશીનો ઊથલી પડ્યાં હતાં, તો ક્યાંક મકાનોના ભાગો ધરાશાયી થઈ રહ્યા હતા.
દેવસી માટે એ સમયે પોતાનો જીવ બચાવવાનો વિચાર પણ ગૌણ હતો. તેને માત્ર એટલી ચિંતા હતી કે દરિયામાં રહેલાં જહાજો અને તેમાં કામ કરતા ખલાસીઓ સુધી ચેતવણી પહોંચી જાય.
કેટલાંક જહાજો સાથે સંપર્ક જળવાઈ રહ્યો હતો, તો કેટલાંકનો સંપર્ક તૂટી જતો હતો. દરેક સંદેશા સાથે દેવસીની જવાબદારી વધતી જતી હતી.
બપોરે એક વાગ્યા આસપાસ વાવાઝોડાની તીવ્રતા ધીમી પડવા લાગી. દરિયો હજી ઉશ્કેરાયેલો હતો, પરંતુ વિનાશક પવનનું જોર થોડું ઓછું થયું હતું.
દેવસીએ થાકેલા શરીરે ખુરશીનો ટેકો લીધો. કપાળ પર પરસેવો હતો. આંખો સામે હજી મોનિટરનાં દૃશ્યો તરતાં હતાં.
અચાનક તેને કંઈક યાદ આવ્યું.
મોંઘી!
તેના શરીરમાંથી જાણે લોહી ઊતરી ગયું.
"અરે બાપ રે! મારી મોંઘી તો નીચે છે!"
તે એક જ ઝાટકે ઊભો થયો અને કંટ્રોલ રૂમની બહાર દોડ્યો.
નીચે પહોંચ્યો ત્યારે જે દૃશ્ય જોયું તે કલ્પનાતીત હતું. જ્યાં સવારથી માણસોની અવરજવર હતી ત્યાં હવે વિનાશનાં અવશેષો પથરાયેલા હતા. તૂટેલી દીવાલો, ઊખડી ગયેલાં વૃક્ષો, પાણીમાં ગરકાવ થયેલાં વાહનો અને કાટમાળ.
દેવસી પાગલની જેમ બૂમો પાડવા લાગ્યો.
"મોંઘી... ઓ મોંઘી... બેટા, ક્યાં છે તું?"
પ્રદર્શન કક્ષનો મોટો ભાગ તૂટી પડ્યો હતો. તેણે કાટમાળ હટાવવાનું શરૂ કર્યું. હાથમાં લોહી નીકળવા લાગ્યું, પણ તેને તેની પરવા નહોતી.
અચાનક કાટમાળ વચ્ચે તેને એક નાનકડો હાથ દેખાયો.
"મોંઘી!"
તેના મોઢામાંથી ચીસ નીકળી.
તેણે ઉતાવળે કાટમાળ ખસેડ્યો. તેની વહાલી દીકરી ત્યાં હતી. પણ હવે તે બોલતી નહોતી. હસતી નહોતી. બાપાને જોઈને દોડતી પણ નહોતી.
મોંઘીનું નિષ્પ્રાણ શરીર જોઈ દેવસી ત્યાં જ બેસી પડ્યો.
તેણે દીકરીને પોતાના ખોળામાં લીધી. તેના માથે હાથ ફેરવ્યો.
"બેટા, ઊઠને... જો, બાપા આવી ગયા. તારે જલદી ઘરે જવું હતું ને? હાલ, હવે ઘરે જઈએ."
પણ મોંઘીનો કોઈ જવાબ નહોતો.
દેવસીની આંખોમાંથી આંસુ પણ જાણે સુકાઈ ગયાં હતાં. તેણે દીકરીને છાતી સરસી ચાંપી. એ ક્ષણે તેને દુનિયામાં બીજું કંઈ દેખાતું નહોતું.
થોડી જ ક્ષણોમાં તેના હૃદયના ધબકારા પણ શાંત થઈ ગયા.
એક પિતા અને તેની દીકરીએ એક જ દિવસે, એક જ સ્થળે અંતિમ શ્વાસ લીધા.
પોર્ટ ઓથોરિટીએ દેવસીની ફરજપરસ્તી અને નિષ્ઠાની કદર કરી. તેની પત્ની સુખીને પોર્ટમાં નોકરી આપી, જેથી પરિવારને આર્થિક આધાર મળી રહે.
પરંતુ દેવસીની ફરજ અને નિષ્ઠાની આ વાર્તા હજી પૂરી થઈ નહોતી.
સમય પસાર થતો ગયો. કંડલા પોર્ટ ફરી ધીમે ધીમે ધમધમતું થયું. તૂટેલી ઇમારતોનું સમારકામ થયું. નવાં સાધનો આવ્યાં. જૂની સિગ્નલ વ્યવસ્થાને બિનઉપયોગી જાહેર કરી નવી વ્યવસ્થા અમલમાં આવી.
દેવસી અને મોંઘીની ઘટના ધીમે ધીમે લોકોની યાદોમાંથી ઝાંખી થતી ગઈ.
પરંતુ કંટ્રોલ ટાવરના પાંચમા માળે આવેલા જૂના સિગ્નલ રૂમમાં કંઈક એવું હતું જેનો કોઈ ખુલાસો કરી શકતું નહોતું.
ક્યારેક મધરાતે ત્યાંથી અજાણ્યો એલાર્મ સંભળાતો. શરૂઆતમાં લોકોએ તેને જૂની સિસ્ટમની ખામી ગણાવી. પરંતુ તપાસમાં કશું જ મળતું નહોતું.
પછી આવ્યો 26 જાન્યુઆરી, 2001નો દિવસ.
સવારના લગભગ આઠ વાગ્યા હતા. પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી. પોર્ટનો મોટાભાગનો વહીવટી સ્ટાફ ધ્વજવંદનના કાર્યક્રમમાં વ્યસ્ત હતો.
અચાનક ધરતી ધ્રૂજવા લાગી. પહેલાં હળવા આંચકા આવ્યા, પછી જાણે આખી ધરતી કોઈ અજાણી શક્તિના પ્રહારથી ફાટી રહી હોય તેમ વિનાશક આંચકાઓ શરૂ થયા.
કચ્છની ધરતી પર કુદરતે ફરી એકવાર ભયાનક પ્રહાર કર્યો હતો.
કંડલા પોર્ટ પણ આ આફતમાંથી બાકાત રહ્યું નહોતું. દરિયામાં જાણે કોઈ વલોણું ફેરવતું હોય તેમ પાણી ચકરાવે ચડ્યું. ઇમારતો ધ્રૂજી રહી હતી. દીવાલોમાં તિરાડો પડી રહી હતી. અનેક સ્થળોએ ભારે નુકસાન થયું હતું. લોકો જીવ બચાવવા સુરક્ષિત જગ્યાઓ તરફ દોડી રહ્યા હતા.
કંટ્રોલ ટાવરના સિગ્નલ રૂમમાં પણ અફરાતફરી મચી હતી. કેબલને નુકસાન પહોંચતાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. SOSની બેકઅપ વ્યવસ્થા પણ બંધ પડી હતી. સિગ્નલ કંટ્રોલની એલાર્મ સિસ્ટમ સંપૂર્ણપણે ઠપ થઈ ચૂકી હતી.
છતાંય દરિયામાં લંગરાયેલાં જહાજોના રેડિયો પર અચાનક ચેતવણીના સંદેશા સંભળાવા લાગ્યા.
"સાવધાન... સાવધાન... તમામ જહાજોને ચેતવણી. દરિયાકાંઠે અસામાન્ય પરિસ્થિતિ છે. તમારાં જહાજોને બીજાં જહાજોથી સલામત અંતરે રાખશો. તાત્કાલિક SOS સમજી સાવચેતી રાખો."
જહાજોના કેપ્ટનો અચંબામાં પડી ગયા. એક પછી એક જહાજોએ કંટ્રોલ ટાવરનો સંપર્ક સાધ્યો.
"કંટ્રોલ ટાવર, શું તમે અમને ચેતવણીના સંદેશા મોકલી રહ્યા છો?"
પરંતુ સંદેશાઓ મોકલવાના પ્રયત્નો નિષ્ફળ જતા હતા. સંદેશા પાછા પડઘા બનીને આવતા હતા. આખરે તારવ્યવસ્થા દ્વારા મોર્સ કોડમાં સંદેશો મોકલવામાં આવ્યો.
જવાબ મળ્યો:
"સિગ્નલ સિસ્ટમ બંધ છે. કોઈ સંદેશ મોકલી શકાય તેમ નથી. તમારી સલામતી માટે દિલગીર છીએ. સાવચેત રહેજો."
"પણ અમને સતત એલાર્મ મળી રહ્યા છે. કોઈ તો અમને ચેતવણી આપી રહ્યું છે!"
કંટ્રોલ રૂમમાં હાજર કર્મચારીઓ એકબીજાની સામે જોવા લાગ્યા. સિસ્ટમ બંધ હતી, વીજળી નહોતી અને છતાં દરિયામાં જહાજો સુધી સંદેશા કોણ અને કેવી રીતે પહોંચી રહ્યા હતા?
એક ટેક્નિશિયને જૂના રેકોર્ડિંગ યુનિટની તપાસ કરી. તેમાં કેટલાક અવાજો રેકોર્ડ થયેલા હતા. તેણે હેડફોન કાન પર મૂક્યા.
પહેલો અવાજ ગંભીર અને મક્કમ હતો.
"તમામ જહાજોને સૂચના... તાત્કાલિક સાવચેતી રાખો. દરિયામાં પરિસ્થિતિ ગંભીર છે..."
થોડી ક્ષણોનું મૌન.
પછી એક નાનકડી બાળકીનો અવાજ સંભળાયો.
"બાપા... દરિયો ફરી ગુસ્સે થયો છે?"
ટેક્નિશિયનના હાથ ધ્રૂજવા લાગ્યા.
થોડી ક્ષણો પછી એ જ પુરુષનો અવાજ સંભળાયો.
"હા બેટા... પણ આ વખતે કોઈને કંઈ થવા નહીં દઈએ."
ત્યાર પછી ફરી એલાર્મનો અવાજ સંભળાયો.
ટીં... ટીં... ટીં...
ટેક્નિશિયને તરત જ જૂના કર્મચારી રજિસ્ટરની તપાસ કરી. સિગ્નલ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવનારા કર્મચારીઓની યાદીમાં એક નામ હતું.
દેવસી માતંગ.
મૃત્યુ તારીખ : 7 જૂન, 1998.
તેની સાથે જ અકસ્માતના રજિસ્ટરમાં પ્રદર્શન કક્ષમાં મૃત્યુ પામેલી સાત વર્ષની બાળકીની નોંધ હતી.
નામ : મોંઘી.
ટેક્નિશિયનના પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ.
તે રાત્રે કંટ્રોલ ટાવર પાસે ફરજ બજાવતા એક સુરક્ષા કર્મચારીને પાંચમા માળેથી એલાર્મનો અવાજ સંભળાયો.
ટીં... ટીં... ટીં...
તે ચોંકી ગયો. સિગ્નલ રૂમ તો વર્ષોથી બંધ હતો. હિંમત કરીને તે ઉપર ગયો. દરવાજો અડધો ખુલ્લો હતો.
અંદર અંધારું હતું. જૂના કંટ્રોલ પેનલ પર એક નાનકડી લાલ લાઇટ ઝબૂકી રહી હતી.
તે ધીમે ધીમે અંદર ગયો.
અચાનક તેને બાળકીનો અવાજ સંભળાયો.
"બાપા... હવે ઘરે જઈએ?"
થોડી ક્ષણોનું મૌન રહ્યું.
પછી એક પુરુષનો પ્રેમાળ અવાજ આવ્યો.
"હા બેટા... ચાલ, હવે ઘરે જઈએ."
લાલ લાઇટ એકવાર ઝબૂકી અને પછી કાયમ માટે બંધ થઈ ગઈ.
બીજા દિવસે સવારે કંટ્રોલ પેનલની તપાસ કરવામાં આવી. કોઈ વીજજોડાણ નહોતું. કોઈ બેટરી નહોતી. એલાર્મ વાગે તેવી કોઈ શક્યતા જ નહોતી.
પરંતુ પેનલની નીચે ધૂળમાં નાનકડાં પગલાંની છાપ હતી. તેની બાજુમાં મોટાં પગલાંની બીજી છાપ હતી.
બંને પગલાં દરવાજા તરફ જતાં હતાં.
અને દરવાજાની બહાર પહોંચીને અચાનક અદૃશ્ય થઈ જતાં હતાં.
એ દિવસ પછી કંડલા પોર્ટના પાંચમા માળેથી ક્યારેય કોઈ અજાણ્યો એલાર્મ સંભળાયો નથી.
પરંતુ દરિયામાં ફરજ બજાવતા કેટલાક જૂના ખલાસીઓ આજે પણ કહે છે કે જ્યારે દરિયો અચાનક ગુસ્સે થાય છે, ત્યારે રેડિયો પર કોઈ અજાણ્યો સંદેશ સંભળાય છે.
એક પુરુષનો અવાજ...
"તમામ જહાજોને સાવધાન રહેવાની સૂચના..."
અને તેની પાછળ એક નાનકડી બાળકીનો અવાજ...
"બાપા... બધાને કહી દીધું ને?"
કોઈને ખબર નથી કે એ અવાજ ક્યાંથી આવે છે.
પણ દરિયાના ખલાસીઓ માટે એ અજાણ્યો એલાર્મ આજે પણ એક આશીર્વાદ સમાન છે.
કારણ કે કદાચ દેવસી માતંગ આજે પણ પોતાની ફરજ પર છે.
અને મોંઘી... આજે પણ પોતાના બાપાની સાથે છે.
વાંચન વિશેષ ~
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા બંદરો પર 1 થી 11 નંબર સુધીના ભયસૂચક સિગ્નલો લગાવવામાં આવે છે.
આ સિગ્નલો દરિયામાં સર્જાયેલા વાવાઝોડાની તીવ્રતા અને દિશા મુજબ માછીમારો અને જહાજોને ચેતવણી આપવા માટે વપરાય છે.
૧. દૂરના સિગ્નલો (Distant Signals)
• સિગ્નલ નંબર 1. દરિયામાં દૂરના વિસ્તારમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે. પવનની ઝડપ 60 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે.
• સિગ્નલ નંબર 2. દરિયામાં દૂરના વિસ્તારમાં વાવાઝોડું સક્રિય થયું છે. બંદર છોડીને દરિયામાં જતા જહાજો માટે જોખમ છે.
૨. સ્થાનિક ચેતવણી સિગ્નલો (Local Cautionary & Warning)
• સિગ્નલ નંબર 3. બંદર પર ખરાબ હવામાન અને તોફાની પવનની શક્યતા છે. પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહી શકે છે.
• સિગ્નલ નંબર 4. બંદર પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. પવનની ઝડપ 51 થી 61 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે.
૩. ભયજનક સિગ્નલો (Danger Signals)
• સિગ્નલ નંબર 5. સામાન્ય તીવ્રતાનું વાવાઝોડું બંદરની દક્ષિણ તરફથી કિનારો ઓળંગે તેવી શક્યતા છે.
• સિગ્નલ નંબર 6. સામાન્ય તીવ્રતાનું વાવાઝોડું બંદરની ઉત્તર તરફથી કિનારો ઓળંગે તેવી શક્યતા છે.
• સિગ્નલ નંબર 7. સામાન્ય તીવ્રતાનું વાવાઝોડું બંદર પરથી અથવા તેની એકદમ નજીકથી પસાર થવાની સંભાવના છે.
૪. અતિ ભયજનક સિગ્નલો (Great Danger Signals)
• સિગ્નલ નંબર 8. અતિ પ્રચંડ વાવાઝોડું બંદરની દક્ષિણ તરફથી કિનારે ટકરાય તેવી પૂરી શક્યતા છે.
• સિગ્નલ નંબર 9. અતિ પ્રચંડ વાવાઝોડું બંદરની ઉત્તર તરફથી કિનારે ટકરાય તેવી પૂરી શક્યતા છે.
• સિગ્નલ નંબર 10. અતિ પ્રચંડ વાવાઝોડું સીધું બંદર પરથી અથવા તેની ખૂબ નજીકથી પસાર થવાનું છે.
૫. સંદેશાવ્યવહાર નિષ્ફળ (Failure of Communication)
• સિગ્નલ નંબર 11. હવામાન વિભાગ સાથેનો સંદેશાવ્યવહાર સંપૂર્ણપણે તૂટી ગયો છે. સ્થાનિક અધિકારીઓના મતે અત્યંત વિનાશક વાવાઝોડું આવી રહ્યું છે.
✍🏻 કલ્પેશ પટેલ ©2026.
